ચીન : યુવક-યુવતીઓના લગ્ન માટે માતાપિતાનો પસંદગી મેળો

મહિલા

શનિવારનો દિવસ હતો અને વરસાદ હોવા છતાં શાંઘાઈના પીપલ્સ પાર્કમાં ઘણી ભીડ હતી.

પાર્કમાં બેઠેલા લોકો રસ્તાની બાજુમાં ઊભેલા અથવા બેઠેલા લોકો રાહ જોઈ રહ્યા હતા અથવા એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હતા.

કેટલાક લોકોએ છત્રીથી માથું ઢાંકી રાખ્યું હતું અથવા તેને જમીન પર સીધી રાખી મૂકેલી હતી.

છત્રી, દિવાલો, જમીન અને વૃક્ષો પર રાખવામાં આવેલા A-4 સાઇઝના પેપરોમાં છોકરાં-છોકરીઓના મેડ્રિંન ભાષામાં લખેલા બાયોડેટા રાખેલા હતા.

તેમાં તેમની ઉંમર, વાર્ષિક પગાર, શિક્ષણ, જન્મ તારીખ અને રાશિ સહિતની વિગતો સામેલ હતી.

વર્ષ 2005થી અહીં શાંઘાઈમાં લગ્ન બજાર દર સપ્તાહે ભરાતું હોય છે.

પહેલાં લોકો અહીં માત્ર ફરવા માટે કે વ્યાયામ કરવા આવતા હતા પરંતુ પછી તેમણે બાળકોનાં લગ્ન માટે મળવાનું શરૂ કરી દીધું.

ચીનમાં એક તરફ મોંઘવારી વધી રહી છે અને યુવક-યવતીઓની એકબીજા માટેની અપેક્ષાઓ પણ વધી છે.

આથી તેઓ મોડેથી લગ્ન કરે છે અથવા લગ્ન જ નથી કરી રહ્યાં અથવા લગ્ન મામલે તેમની ધારણાઓ બદલાઈ ગઈ છે.

ચીનની સમાજશાસ્ત્રની અકાદમી અનુસાર વર્ષ 2020 સુધી ચીનમાં કુંવારી યુવતીઓની સામે કુંવારા યુવકોની સંખ્યા 3 કરોડ વધુ હશે.

ઝડપથી વિકસી રહેલાં ચીનમાં આવી સ્થિતિ હોય તે સ્વાભાવિક છે કેમકે અમેરિકા, જાપાન અને ભારતમાં પણ આવું જ થઈ રહ્યું છે.

જોકે, ભારતમાં યુવક-યુવતીઓ લગ્ન ન કરે કે તેમાં મોડું કરે તો માતાપિતા અને સંબંધીઓ ચિંતા કરવા લાગે છે. પાર્કમાં અમારી મુલાકાત ગ્રેસ સાથે થઈ.

તેઓ ઑસ્ટ્રેલિયામાં રહે છે અને તેમના ભત્રીજા ઝાંગ શી મિંગ માટે કન્યા શોધી રહ્યા હતા પરંતુ ઘણા પરિવારોએ તેમને ઇન્કાર કરી દીધો.

મોબાઇલ પર તેમના ભત્રીજાની તસવીર બતાવતા તેમણે કહ્યું, "મારો ભત્રીજો દર મહિને 5000 યુઆન (50,000 રૂપિયા) કમાય છે, પરંતુ છોકરીઓના પરિવારની માગ છે કે યુવક ઓછામાં ઓછા દર મહિને દસ હજાર યુઆન કમાતો હોય."

આપને આ પણ વાંચવું ગમશે

"તેની હાલત ઘણી ખરાબ છે કેમ કે તેને લગ્ન માટે કોઈ છોકરી નથી મળી રહી."

ચીનમાં યુવકોએ લગ્ન પહેલાં મકાનની વ્યવસ્થા કરવી પડે છે પરંતુ ચીનમાં મકાનોના ભાવ ખૂબ જ ઊંચા છે.

પાર્કમાં છોકરીઓના સમૂહમાંથી એક છોકરીઓ સ્મિત સાથે કહ્યું,"લગ્ન બાદ યુવકે જ મકાનની વ્યવસ્થા કરવી પડશે અને માત્ર ફર્નિચર ખરીદી લઈએ છીએ."

ગ્રેસએ વધુમાં કહ્યું,"જો હું દેવું કરીને મકાન લઈ લઉં, તો ભત્રીજાને તેને ચૂકવતા ચૂકવતા દાયકા લાગી જશે."

"અમારા સમયમાં સરકાર અમને મફતમાં ઘર આપતી હતી. અમારે માત્ર લગ્ન માટે સારું પાત્ર શોધવું પડતું હતું."


ચીનમાં આવી સ્થિતિ કેમ છે?

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
અહીં શાકભાજીનું નહીં પણ લગ્નનું બજાર ભરાય છે

પરંતુ ગ્રેસ યોગ્ય સમય અને તકની રાહ જોઈ રહ્યાં છે.

ચીનમાં એવી સ્થિતિ છે કે યુવતી શિક્ષિત હોય અને તોપણ યુવતીના લગ્ન ન થઈ રહ્યાં હોય તો તેને લેફ્ટ-ઓવર પણ કહેવામાં આવે છે. ઉપરાંત તેને ખરાબ નજરથી જોવામાં આવે છે.

ગ્રેસે મને જણાવ્યું કે, "અહીં જે યુવતીઓના માતાપિતા આવ્યાં છે તે યુવતીઓની ઉંમર 35 વર્ષની આસપાસ છે. તેમની આવક સારી છે, તેઓ શિક્ષિત છે અને સારી નોકરી પણ કરે છે."

"મિસ્ટર રાઇટ પસંદ કરવાની તમનું ધોરણ ઘણું ઊંચું છે. જ્યારે તેમની ઉંમર 40 વર્ષની થઈ જશે ત્યારે તેમણે તેમનું ધોરણ નીચું લાવવું પડશે."

ચીનમાં લેફ્ટ-ઓવર મહિલાઓ પર અમેરિકાના પત્રકાર રોઝિએન લેકે એક પુસ્તક લખ્યું છે.

તેમનું કહેવું છે કે ચીનમાં મહિલા જેટલી વધુ શિક્ષિત હોય તેટલું જ તેના માટે લગ્ન કરવું મુશ્કેલ બની જાય છે.

ચીનમાં મહિલાઓ માટે લગ્નની કાનૂની ઉંમર 20 વર્ષ અને પુરુષો માટે 22 વર્ષ છે.

લગ્ન મામલે સર્જાયેલી આ સમસ્યા માટે ઘણી વાર ચીનની એક બાળકવાળી નીતિને જવાબદાર ઠેરવવામાં આવે છે.

ભારતની જેમ ચીનમાં પણ મોટાભાગના પરિવારોની ઇચ્છા હોય છે કે તેમના ત્યાં દીકરો જન્મે.

વળી કેટલાક વર્ષોથી ચીનમાં લાગુ કરવામાં આવેલી એક જ બાળકની નીતિને કારણે પરિવારોએ દીકરી કરતા દીકરાના જન્મને પ્રાધાન્ય આપ્યું. આથી મહિલા-પુરુષનો રેશિયો અસંતુલિત થઈ ગયો.


શહેરીકરણની અસર

સંયુક્ત રાષ્ટ્રના વસ્તી સંબંધિત વિભાગના વર્ષ 2016ના આંકડા અનુસાર ચીનમાં દર 1000 બાળકો સામે 868 બાળકીઓ જન્મી હતી.

એકમાત્ર સંતાન ધરાવતા મતાપિતા પણ પાર્કમાં આવ્યા હતા. આ સમસ્યા માટે શહેરીકરણને પણ જવાબદાર માનવામાં આવે છે.

આ મામલે સ્થાનિક પત્રકાર લિયાંગ કહે છે, "ચીનમાં ઝડપથી થયેલા શહેરીકરણને લીધે ઘણા યુવક-યુવતીઓ શાંઘાઈ જેવા શહેરોમાં આવીને વસી ગયા છે."

"તેઓ અહીં જ રહી જાય છે અને લગ્ન કરવા માગે છે. વળી તેઓ તેમના માબાપની એક માત્ર સંતાન હોય છે."

"યુવતીઓ શિક્ષિત છે અને તેમની માગ મુજબના પુરુષોની સંખ્યા ઓછી છે. યુવતીઓને લાગે છે કોઈ ખોટી વ્યક્તિ સાથે લગ્ન કરવા કરતા એકલું રહેવું જ સારું છે."

કેટલાક બાળકોને તેમના માતાપિતા કે સંબંધીઓ આ લગ્ન બજારમાં આવવા વિશે જાણ સુદ્ધા નથી હોતી. કેમ કે અહીં આવવાની બાબતને શરમજનક માનવામાં આવે છે.

ખાસકરીને જો પરિવાર મહિલાનો હોય તો વધુ શરમ અનુભવાય છે આથી લોકો કેમૅરો જોઈને નારાજ થઈ જાય છે.

એડેરા લિયાંગ વધુમાં કહે છે, "ચીનમાં લગ્ન કરવાની આ પારંપરિક રીત નથી. અહીં પાર્કમાં આવનારા કેટલાક પરિવારો રૂઢિવાદી પણ હોય છે."

"અહીં આવનારા લોકોના સંતાનોની ઉંમર 30-40 વર્ષ કે તેનાથી પણ વધારે હોય છે. આમ આ પરિવારો પાસે અહીં આવ્યા સિવાય કોઈ વિકલ્પ નથી રહેતો."

"તેમને લાગે છે કે અહીં તેમને તેમના બાળકો માટે કોઈ વિશ્વાસપાત્ર વર-વધૂ મળી શકે છે."

જોકે, કેટલાક પરિવારો જણાવ્યું કે આ પાર્કમાં ઓછા પ્રમાણમાં લગ્ન નક્કી થતાં હોય છે.

વાત કરવાની ઘણી કોશિશ કર્યા બાદ એક યુવતીઓ નામ નહીં જણાવવાની શરતે કહ્યું,"અહીં લગ્ન માટે સારું મંચ મળી રહે છે. લોકો અહીં એકબીજાને મળી શકે છે. કંઈક વાત નક્કી થઈ જાય તો સારું જ છે."


40 કરોડ બાળકો ઓછાં જન્મ્યાં

તાજેતરમાં જ સરકારે દાયકાઓ જૂની એક જ બાળક પેદા કરવાની નીતિ પાછી ખેંચી લીધી.

આથી હવે એકથી વધુ બાળક પેદા કરી શકાશે અને તેનાથી લગ્ન સંબંધિત આ સમસ્યામાં સુધારો થવાની આશા છે.

એક આંકડા અનુસાર વસ્તીનો દર ઓછો કરવા માટે 1979માં લાવવામાં આવેલી એક બાળકની નીતિના કારણે 40 કરોડ બાળકો ઓછાં જન્મ્યાં.

પરંતુ ચીનમાં લોકોની સરેરાશ ઉંમર વધતાં આ નીતિમાં ફેરફાર કરવો પડ્યો.

એડેરા કહે છે,"સરકારની એક જ બાળક પેદા કરવાની નીતિના કારણે મહિલા-પુરુષનો રેશિયો ઘટી ગયો અને આજે આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે."

"જોકે, આ નીતિ બંધ કરાતાં હવે સ્થિતિ સુધરાવાની આશા જાગી છે. તેની જટિલતા ઘટશે એવી આશા છે."

વર્ચ્યુઅલ બૉયફ્રેન્ડ્ઝ, ઑનલાઇન મૅરેજ વેબસાઇટ્સ, મૅચ-મેકિંગ પાર્ટીની દુનિયા કરતા અહીંનું આ લગ્ન બજાર અલગ છે.

અહીં સંબંધોને જોડવાની કોશિશ કરવામાં આવે છે પણ સફળતા ઓછી મળી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ