આ પાંચ કારણથી ઍપલ બની ટ્રિલિયન ડૉલર કંપની

પ્રતીકાત્મક તસવીર Image copyright AFP

ઍપલ દુનિયાની પહેલી એવી કંપની બની ગઈ છે જેની માર્કેટ વેલ્યૂ એક હજાર અબજ ડૉલર (અંદાજે 685 ખર્વ રૂપિયા) હોય. પરંતુ સવાલ એ છે કે ઍપલ અહીં પહોંચી કેવી રીતે?

સ્ટીવ જોબ્સ ઍપલના સહ-સંસ્થાપકની સાથે-સાથે ટેક્નોલૉજીની દુનિયાનું પણ સૌથી મોટું નામ હતું. તેઓ ઍપલને એ દિશામાં લઈ ગયા જ્યાં લોકોમાં ટેક્નોલૉજીની માગ વધી રહી હતી.

પરંતુ જ્યારે તેઓ ઍપલના સીઈઓ તરીકે નિમણૂક પામ્યા, ત્યારે તેઓ ખુદ એક બ્રાન્ડ બની ગયા.


કેવી રીતે બની ઍપલ?

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
ઍપલ બની એક ટ્રિલિયન ડૉલરની કંપની

સ્ટીવ જોબ્સ અને સ્ટીવ વૉઝનિકે સાથે મળીને વર્ષ 1976માં ઍપલ કંપનીની સ્થાપના કરી હતી. ત્યારથી કેલિફોર્નિયાની આ કંપનીએ ‘ઉત્કૃષ્ટ ઉત્પાદન કરતી કંપની’ તરીકેની છાપ બનાવી છે.

વર્ષ 1980માં ઍપલના શેરની માગ ખૂબ જ વધવા લાગી. એવું કહેવાતું હતું કે વર્ષ 1956માં ફોર્ડ કંપનીના શેર બાદ, જો બીજી કોઈ કંપનીના શેરની માગ વધુ હોય તો તે ઍપલ હતી.

પંરતુ વર્ષ 1985માં કંપનીના ચીફ ઍક્ઝિક્યૂટિવ જૉન સ્કલી સાથે તેમનો વિવાદ થયો અને જોબ્સે કંપની છોડી દીધી.

પરંતુ 12 વર્ષ બાદ જ્યારે 1997માં ઍપલ નુકસાની વેઠી રહી હતી, ત્યારે કંપનીએ સ્ટીવ જોબ્સને પરત ફરવાનો પ્રસ્તાવ મૂક્યો.

તમે આ વાંચ્યું કે નહીં?

જોબ્સે આ પ્રસ્તાવ સ્વીકારી લીધો અને વિભિન્ન પરિયોજનાઓને રદ કરીને એક નવો જ પ્રોજેક્ટ હાથ ધર્યો જેનું નામ હતું 'થિંક ડિફરન્ટ'. મતલબ કે 'કંઈક અલગ વિચારો'.

આ પ્રોજેક્ટ અંતર્ગત ઍપલે નવા ઉત્પાદનો કરવાનું શરૂ કર્યું. આ સાથે જ ઍપલ કંપનીએ સફળતાનો માર્ગ પકડી લીધો.

વર્ષ 2011માં સ્ટીવ જોબ્સનું નિધન થયું, ત્યારે અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું હતું કે દુનિયાએ એક દૂરદર્શી વ્યક્તિ ખોઈ દીધી છે.


આઈફોનની ક્રાંતિ

Image copyright Getty Images

વર્ષ 2007માં ઍપલે આઈફોન લૉન્ચ કર્યો હતો. આધુનિક મોબાઇલ સંચારમાં આઈફોનનો પ્રભાવ ખૂબ જ અસરકારક હતો. કંપનીના જણાવ્યા અનુસાર લૉન્ચ થયા પહેલાં જ 1.40 કરોડ આઈફોનનું વેચાણ થઈ ગયું હતું.

તે સમયે બજારમાં નોકિયા અને બ્લૅકબેરી જેવી કંપનીઓનો દબદબો હતો. પરંતુ આઈફોને થોડા સમયમાં જ તેમને પાછળ રાખી દીધા.

હાલમાં જ આવેલા એક રિપોર્ટ અનુસાર દુનિયામાં સૌથી વધુ સ્માર્ટફોન નિર્માતાઓની યાદીમાં દક્ષિણ કોરિયાની સેમસંગ અને ચીનની હુવેઈ બાદ ઍપલ ત્રીજા સ્થાને છે.

ઍપલે ગયા વર્ષ સમગ્ર દુનિયામાં 21.6 કરોડ આઈફોન વેચ્યા હતા. ઍપલની 50 ટકા આવક આઈફોનના લીધે થાય છે.


ઍપલની સર્વિસ અને બ્રાન્ડ પર વિશ્વાસ

Image copyright APPLE

ઍપલની સેવાઓની વાત કરવામાં આવે તો તેમાં આઈટ્યૂન અથવા ઍપલ મ્યૂઝિક, ઍપલ એપ સ્ટોર, આઈક્લાઉડ અને ઍપલ પ્લેનો સમાવેશ થાય છે.

આ સેવાઓ ઍપલની કમાણીનો રસ્તો છે. એપ્રિલથી લઈને જૂન 2018 વચ્ચે ઍપલની સેવાઓમાં 31 ટકાનો વધારો નોંધાયો હતો.

માર્કેટ વિશ્લેષક અને બ્રાન્ડ-મેટર્સ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર પૉલ નેલ્સ કહે છે, "આ એક આર્થિક પ્રતિભાનું ઉદાહરણ છે જે કંપનીની અંદરના લોકો ધરાવે છે. તેઓ ગ્રાહકોને કંપનીનું હાર્ડવેર ખરીદવા માટે પ્રેરિત કરવામાં સફળ રહ્યા છે."

તે કહે છે, "મજબૂત બ્રાન્ડ્સ પાસે એવા ગ્રાહકો હોય છે જેઓ બજારમાં રહેલા અન્ય વિકલ્પો તરફ ધ્યાન નથી આપતા. તથ્ય એવું સાબિત કરે છે કે ઍપલ વફાદાર ગ્રાહકોનો એક મોટો વર્ગ ધરાવે છે."


ચીન અને વિકાસ

Image copyright AFP

દુનિયાના સૌથી મોટા સ્માર્ટફોન બજાર ચીન વિના ઍપલની સફળતાની કહાણી કંઈક અલગ હોત. ઍપલની કમાણીનો ચોથો ભાગ માત્ર ચીનથી આવે છે.

આ સિવાય ઍપલ તેના મોટાભાગના આઈફોનનું નિર્માણ દક્ષિણ ચીનના શહેર શેનજેનમાં કરાવે છે.

જોકે, માર્ચ 2016થી લઈને જુલાઈ 2018 વચ્ચે ચીનથી આવતા નફામાં ઘટાડો નોંધાયો હતો. પરંતુ કંપનીએ જલદી આ સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો.

જાણકારોનું માનવું છે કે ચીનના મધ્યમ વર્ગના લોકો આઈફોનને વધુ પસંદ કરી રહ્યા છે. ચીનના મધ્યમ વર્ગના પરિવારોમાં આઈફોન મોભો અને ધનિક હોવાની નિશાની છે.


ઍપલ એક બ્રાન્ડ

Image copyright AFP

ફોર્બ્સ કોઈ પણ કંપનીના આર્થિક માપદંડ જોઈને તેની બ્રાન્ડ વેલ્યૂ (કંપનીનું મૂલ્ય) નક્કી કરે છે. તેની યાદીમાં છેલ્લાં આઠ વર્ષોથી સૌથી મૂલ્યવાન બ્રાન્ડ તરીકે ઍપલ સ્થાન ધરાવે છે.

તેની યાદી મુજબ આ વર્ષ ઍપલની કિંમત 182.8 અબજ ડૉલર (બાર લાખ અબજ રૂપિયાથી વધુ) હતી. આ આંકડો દુનિયામાં અમેરિકાની સૌથી મોટી કંપની કોકા-કોલાની તુલનામાં ત્રણ ગણો વધુ છે.

આ અંગે પૉલ નેલ્સન કહે છે, "ઍપલે હંમેશાં લોકોને કેન્દ્રમાં રાખ્યા એ જ તેમની સૌથી મોટી તાકાત છે. તેમણે કોઈ પણ વસ્તુ વિકસાવી, ત્યારે પ્રયાસ કર્યો કે તેની પદ્ધતિ લોકોને અનુકૂળ રહે અને આ બાબત ઍપલની બ્રાન્ડ બની ગઈ."

"ઍપલ પહેલી વાર એક ટ્રિલિયન ડૉલરની કંપની બની તેનું કારણ છે કે તેમણે વેપાર મૉડલમાં ગ્રાહકોને બાંધી રાખવા માટે પોતાની સામે મોટા પડકાર ઊભા કર્યા અને તેને પહોંચી વળ્યા. આ સમગ્ર ઇકો-સિસ્ટમનું નામ જ ઍપલ છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ