લોમ્બોક: અઠવાડિયામાં આવ્યો ઇન્ડોનેશિયામાં બીજો મોટો ભૂકંપ, 82નાં મોત

ભૂકંપથી ગભરાઈ ગયેલા લોકોની તસવીર Image copyright Reuters

ઇન્ડોનેશિયાના લોમ્બોક ટાપુ પર રવિવારે આવેલા શક્તિશાળી ભૂકંપમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 82 લોકો મૃત્યુ પામ્યા હોવાના સમાચાર છે. અધિકારીઓ કહે છે કે, ઘાયલ થનારા લોકોની સંખ્યા સેંકડોમાં છે.

રિક્ટર સ્કેલ પર સાતની તીવ્રતાના આ ભૂકંપને કારણે હજારો ઇમારતોને નુકસાન થયું છે. ઘણા સ્થળોએ વીજ પુરવઠો પણ નથી.

લોમ્બોકની નજીક આવેલા ટાપુ બાલીથી મળેલા એક વીડિયો ફૂટેજમાં લોકો ચીસો પાડતા પાડતા પોતાના ઘરોમાંથી નીકળી રહેલા જોવા મળે છે.

લોમ્બોક વિશ્વના વિવિધ દેશોના લોકોની પસંદગીનું પ્રવાસન સ્થળ છે. અહીં એક સપ્તાહ પહેલાં પણ ભૂકંપ આવ્યો હતો, જેમાં ઓછામાં ઓછા 16 લોકો મૃત્યુ પામ્યા હતા.

ઇમારતોને નુક્સાન

અમેરિકાની જિયોલૉજીકલ સર્વે સંસ્થાનું કહેવું છે કે આ છેલ્લાં ભૂકંપનું કેન્દ્ર લોમ્બોકના ઉત્તર કિનારાની નજીક સપાટીથી 10 કિલોમીટર ઊંડે હતું.

ભૂકંપ બાદ સૂનામીની ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ થોડા સમય બાદ તેને પરત ખેંચી લેવાઈ હતી.

ઇન્ડોનેશિયાની દુર્ઘટના વ્યવસ્થાપન એજન્સીના પ્રવક્તાએ એએફપી ન્યૂઝને જણાવ્યું કે લોમ્બોકના મુખ્ય શહેર મતારામમાં ઘણી ઇમારતોને અસર થઈ છે.

શું તમે આ વાંચ્યું?

તેમાંથી મોટાભાગની ઇમારતો બાંધકામ માટેની નબળી ગુણવત્તાવાળી સામગ્રીથી તૈયાર કરવામાં આવી હતી.

મતારામમાં રહેનારા ઈમાને આ શક્તિશાળી ભૂકંપ વિશે જણાવ્યું, "બધા જ લોકો તરત જ પોતાના ઘરમાંથી બહારની તરફ ભાગ્યા. બધા જ રઘવાટમાં હતા."

મતારામના ઘણા વિસ્તારોમાં વીજળીનો પુરવઠો બંધ છે.


બાલીમાં પણ ભૂકંપના આંચકા

Image copyright EPA
ફોટો લાઈન બાલીની હૉસ્પિટલની તસવીર

બાલીના દેનપસારની મુખ્ય હૉસ્પિટલમાંથી દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા હતા.

બાલીમાં ઘણી સેકંડોં સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બાલીની રાજધાની દેનપસારમાં કામ કરતા એક શખ્સે બીબીસીને જણાવ્યું, "શરૂઆતમાં નાના આંચકા આવ્યા પરંતુ ધીરે ધીરે તેમની તીવ્રતા વધી ગઈ. લોકો 'ભૂકંપ...ભૂકંપ'ની ચીસો પાડવા લાગ્યા. બધો સ્ટાફ ગભરાઈ ગયો અને લોકોએ બહારની તરફ ભાગવાનું શરૂં કરી દીધું."

લોમ્બોક અને બાલીના માર્ગો પર ઘણો કાટમાળ પડેલો હતો, જેને પછી લોકોએ સાફ કર્યો.

Image copyright Reuters

જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે સિંગાપોરના ગૃહમંત્રી કે. શનમુગમ એક સુરક્ષઆ સમ્મેલનમાં ભાગ લેવા માટે લોમ્બોકમાં જ હાજર હતા.

તે જે હોટલમાં રોકાયા છે તેનો રૂમ કેવી રીતે જોર-જોરથી હલવા લાગ્યો તે વિશે ફેસબુક પર લખ્યું છે. તેમણે લખ્યું, "ઊભા રહેવું પણ મુશ્કેલ હતું."

બન્ને ટાપુઓ પર હવાઈ સેવાઓ સામાન્ય છે, પરંતુ બાલીના દેનપસાર એરપોર્ટને ભૂકંપને કારણે સામાન્ય નુકસાન થયું છે.


ક્યાં છે લોમ્બોક?

લોમ્બોક ઇન્ડોનેશિયાના બાલી ટાપુથી 40 કિલોમીટર પૂર્વમાં સ્થિત છે.

એક અઠવાડિયામાં લોમ્બોક ટાપુ પર આવેલો આ બીજો ભૂકંપ છે. 29 જુલાઈએ આવેલા 6.4 તીવ્રતાના ભૂકંપમાં ત્યાં ઓછામાં ઓછા 16 લોકો મૃત્યુ પામ્યા હતા.

ગત સપ્તાહે ભૂકંપને કારણે લોમ્બોકમાં એક પર્વત પર 500થી વધુ પર્વતારોહકો પણ ફસાઈ ગયા હતા. તેમને બચાવવા માટે એક મોટું અભિયાન હાથ ધરવું પડ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા

આ વિશે વધુ