આ શિક્ષિકા ચીનમાં બાળકોને ગાંધીજીના પાઠ ભણાવે છે

વૂ પેઈ

1920 આસપાસ જ્યારે મહાત્મા ગાંધીનો પ્રભાવ સમગ્ર ભારતમાં હતો ત્યારે ચીનના ઘણા લોકો પ્રેરણા માટે તેમની તરફ મીટ માંડીને જોતા હતા.

ચીનના લોકો એવું પૂછી રહ્યા હતા કે સત્યાગ્રહ અને અહિંસાનું પાલન કરવાથી તેમના દેશનું ભલું થશે ખરું?

હાલમાં ચીનમાં 57 વર્ષનાં વૂ પેઈ રહે છે જેઓ મહાત્મા ગાંધીના વિચારો અને તેમના સિદ્ધાંતો સાથે જીવી રહ્યાં છે. સાથે જ લોકોને પણ ગાંધીના વિચારો અંગે જણાવવાના પ્રયાસો કરી રહ્યાં છે.

1920ના સમયની વાત કરવામાં આવે તો ભારત પર બ્રિટિશ સરકારનું રાજ હતું.

જ્યારે ચીનમાં બ્રિટન, અમેરિકા, ફ્રાંસ જેવી વિદેશી તાકાતોનું જોર હતું, એટલું જ નહીં ચીનમાં વિભિન્ન દળો પરસ્પર લડી રહ્યાં હતાં અને દેશમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ બનેલી હતી.

મહાત્મા ગાંધી ક્યારેય ચીન તો નથી ગયા પરંતુ મહાત્મા ગાંધી વિષય પર દક્ષિણ ચીનની નૉર્મલ યુનિવર્સિટીનાં પ્રોફેસર શાંગ છુઆનયૂ મુજબ ગાંધી પર લગભગ 800 પુસ્તકો લખાયાં છે.

સમગ્ર ચીનમાં ગાંધીની એકમાત્ર મૂર્તિ બેઇજિંગના છાઓયાંગ પાર્કમાં છે. ચીનમાં આજે પણ એવા ઘણા લોકો છે જેઓ ગાંધીના જીવનથી પ્રભાવિત છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ગાંધીના વિચારોથી પ્રભાવિત વૂ પેઈ પૂર્વ આનહુઈ પ્રાંતના થિયાન ગામમાં રહે છે.

તેમણે મહાત્મા ગાંધીના લેખોનો અનુવાદ કર્યો છે અને તેઓ સાદું જીવન જીવે છે.

ચીનની ઓળખ માંસાહારી દેશ તરીકેની છે પરંતુ વૂ પેઈ શાકાહારી છે. તેઓ જૂનાં કપડાં પહેરે છે અને વૉશિંગ મશીનનો ઉપયોગ પણ કરતા નથી.

ગાંધીના વિચારોને આગળ ધપાવવા માટે તેમણે ગયા વર્ષે ગામમાં એક સ્કૂલ પણ ખોલી છે.

વૂ કહે છે, "હું બાળકોને સીધી રીતે મહાત્મા ગાંધીના સિદ્ધાંતો અંગે નથી જણાવતી પરતું તેમને શીખવું છું કે દરેક જીવને પ્રેમ કરો."

"ગામ માટે સારું કામ કરો અને લોકો એકલા હોય તો તેમને મળવા તેમના ઘરે જાઓ."

તેઓ ઉમેરે છે, "અમે અહીં લોકોને શીખવીએ છીએ કે કેવી રીતે ધરતી સાથે સંબંધ સ્થાપવો જેથી કરીને ખેતી કરી શકાય."

સ્કૂલમાં અભ્યાસ કરતા ડૈન્યૂનાં માતા રુઈ લિયાન લિયાન કહે છે, "સામાન્ય જાહેર શાળાઓ બાળકોની વિશેષતાઓના વિકાસ માટે યોગ્ય નથી."

"પહેલાં મારો દીકરો આઇફોન અને અન્ય ઇલેક્ટ્રૉનિક્સ રમકડાં સાથે રમતો હતો પરંતુ હવે એવું નથી."


કોણ છે વૂ પેઈ?

ભૌતિકવિજ્ઞાનમાં માસ્ટર્સ કરનારાં વૂ પેઈનો જન્મ શાંઘાઈ શહેરમાં થયો હતો.

તેમણે લંડનમાં બે વર્ષ વાલ્ડૉર્ફ (ઍજ્યુકેશન ફિલૉસૉફી પર આધારિત કોર્સ)નો અભ્યાસ કર્યો છે.

મતલબ કે અભ્યાસના માધ્યમથી બાળકોનો સંપૂર્ણ માનસિક અને કલાત્મક વિકાસ કરવો.

વૂ પેઈ જણાવે છે, "ચીનમાં પરીક્ષા અને આંકડાઓને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે અને શિક્ષકો બાળકોના વિકાસ પર ધ્યાન અપાતું નથી."

તેમણે વર્ષ 2002માં જ્યારે બેઇજિંગમાં એક ભારતીયનું ભાષણ સાંભળ્યું અને તેમનાં જીવનની દિશા બદલી ગઈ.

આ અંગે વૂ પેઈ કહે છે, "તેમણે ગાંધીના આદર્શો અંગે જણાવતા કહ્યું કે ગાંધી માનતા હતા કે વાસ્તાવિકતાને હંમેશાં કાવ્યાત્મક રીતે જ વ્યક્ત કરી શકાય છે. આ વાતનો મારા પણ ખૂબ પ્રભાવ પડ્યો."

વૂને પહેલાં ગાંધી અંગે જાણ નહોતી પરંતુ મિત્રોના કહેવાથી તેમણે ગાંધીજીના જીવન આધારીત પુસ્તકોનો અનુવાદ કર્યો.

પહેલું પુસ્તક ગાંધીના નિબંધનો સંગ્રહ હતો, જ્યારે બીજું પુસ્તક તેમની વાતોનો સંગ્રહ.

વૂ કહે છે, "આ ધરતી લોકોની માગ પૂરી કરી શકે છે પરંતુ તેમનો લોભ નહીં. આ વાતથી હું ખૂબ પ્રભાવિત થઈ."

જોકે, ચીનમાં ઘણા લોકો ગાંધીના સિદ્ધાંતોથી સહમત નથી.

વૂ ઉમેરે છે, "એક દિવસ જ્યારે મેં અહિંસા અને ગાંધી વિશે વાત કરવાની શરૂ કરી તો લોકો કહેવા લાગ્યા કે હું ખૂબ આશાવાદી છું અને ચીનમાં આવું ન થઈ શકે."

"ચીનમાં ગાંધી વિશે ઓછી માહિતી છે. ભારતની જેમ ચીનમાં અમુક લોકો અહિંસા સાથે સહમત નથી."

વૂનું સપનું છે કે એક દિવસ તેઓ મહાત્મા ગાંધીના જન્મસ્થળની મુલાકાત લે.


ચીનમાં ગાંધીનો પ્રભાવ

ચીનમાં વર્ષ 1904થી 1948 વચ્ચે છપાતી ઑરિયન્ટલ મૅગેઝિનમાં મહાત્મા ગાંધીની તસવીરો સાથે ઘણા લેખો છપાયા.

1921માં છપાયેલા એક લેખ મુજબ, "ગાંધી મોટા ધાર્મિક તો છે, સાથે જ દેશપ્રેમના સમર્થક પણ છે."

ચીનના ઇતિહાસની વાત કરીએ તો પહેલાંના સમયમાં ચીન પર સોવિયત યુનિયનનો પ્રભાવ હતો.

સોવિયત નેતાઓ ગાંધીને લઈને જેવું વિચારતા તેનો પ્રભાવ સરકાર અને લોકો પર પણ પડતો હતો.

આ અંગે સાઉથ ચાઇના નૉર્મલ યુનિવર્સિટી પ્રોફેસર શાંગ છુઆનયૂ કહે છે, "1920ના દાયકામાં લેનિને ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં ગાંધીની ભૂમિકાના વખાણ કર્યાં અને ગાંધીને એક સાચા ક્રાંતિકારી કહ્યા હતા. જોકે, 1930માં સ્ટાલિને ગાંધીને સામ્રાજ્યવાદીઓના સાથી કહ્યા હતા."

પ્રોફેસર શાંગે ચીન અને ગાંધીના સંબંધો પર ઘણા લેખો લખ્યા છે અને એ અનુસંધાને તેમણે ભારતની યાત્રાઓ પણ કરી છે.

પ્રોફેસર શાંગ મુજબ 1920માં એક તરફ લોકો ગાંધીને એક 'સંત', 'ભારતના ટોલ્સટૉય', 'ભારતના રાજા' કહેતા જ્યારે બીજી તરફ 1930ના દાયકામાં ડાબેરી બુદ્ધીજીવીઓએ ગાંધીને ભારતીય રાષ્ટ્રવાદી સંગ્રામમાં દક્ષિણ સમૂહ અથવા જમીનદારો અને વેપારીઓના પ્રતિનિધિ કહ્યા હતા.

ગાંધીના અહિંસાના આદર્શ મુદ્દે ચીનમાં લોકોના અલગઅલગ વિચાર હતા.

અમુકનું માનવું હતું કે ખાદી આંદોલનથી લોકોને એકઠાં કરવામાં મદદ મળશે પરંતુ આલોચકો એવું માનતા કે ગાંધી આધુનિકીકરણના વિરોધી હતા.

વર્ષ 1948માં ઑરિયન્ટલ મૅગેઝિનમાં ગાંધીના મૃત્યુ અંગે લખ્યું, "તેમના મૃત્યુના સમાચારથી અમારા દેશની સરકાર અને લોકોને ખૂબ દુ:ખ અને આઘાત લાગ્યો છે."

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
અહીં શાકભાજીનું નહીં પણ લગ્નનું બજાર ભરાય છે

એ વર્ષે કૈંટોનીઝ ઑપેરા માસ્ટર લિયાઉ શિયાહ્વેએ 'જ્યારે ગાંધી શીષીને મળ્યા' નામે ઑપેરા તૈયાર કર્યું હતું.

આ કાલ્પનિક કહાણીમાં ગાંધી સપનામાં ચીનની યાત્રા પર આવે છે અને શીષી નામની મહિલાને મળે છે.

ઉલ્લેખનીય છે કે શીષી લગભગ 2 હજાર વર્ષ જૂની પ્રાચીન ચીનની ચાર સુંદરીઓમાંથી એક હતાં.

ગ્વાંગઝોમાં મહાત્મા ગાંધીનાં પુસ્તકોનું અનુવાદ કરનાર વિદ્યાર્થી સિગફ્રીડ લિયાંગ જણાવે છે, "આ ઑપેરા ભૂલાવી દેવાયું હતું પરંતુ વર્ષ 1980ના સમયમાં આ ઑપેરા શોધકર્તાઓની નજરે ચડ્યો."

દક્ષિણ ચીન નૉર્મલ યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં ઘણા સમય શોધ્યા બાદ તેમણે એક રિચર્ચ પેપર શોધી કાઢ્યું.

આ અંગે તેમણે જણાવ્યું, "આ ઑપેરામાં લિયાઉ શિયાહ્વે એ સમયની સામાજિક ખરાબી જેવી કે ભ્રષ્ટાચાર અને ગરીબી પર કટાક્ષ કર્યો."

પ્રોફેસર શાંગ છુઆનયૂ પ્રમાણે છેલ્લાં ઘણાં વર્ષોથી ચીનમાં મહાત્મા ગાંધીના સ્વભાવ અને વિચાર અંગે જાગૃતા વધી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા