તમે ક્યારેય સવા મીટર કરતાં પણ લાંબી કાકડી જોઈ છે?

રઘબીર સિંહ સંધેરાની તસવીર

બ્રિટનના ડર્બી શહેરમાં રહેતા રઘબીર સિંઘ સંઘેરા કહે છે કે તેમની પ્રાર્થનાને કારણે તેમના ખેતરમાં ઉગેલી કાકડી એટલી મોટી થઈ ગઈ છે કે તે નવો વિશ્વ રેકર્ડ માટે દાવેદાર બની છે.

સાલ 1991માં બ્રિટન જતા પહેલાં રઘબીર સિંઘ સંધેરા ભારતમાં ખેડૂત હતા.

તેમણે બ્રિટનમાં પોતાના ગ્રીનહાઉસમાં કાકડીનું વાવેતર કર્યું છે, જેમાં એક કાકડીની લંબાઈ 51 ઇંચ (129.54 સેન્ટિમીટર) એટલે કે સવા મીટરથી પણ વધુ લાંબી થઈ ગઈ છે.

આ કાકડી કઈ પ્રજાતિની છે તે વિશે હજુ જાણકારી નથી. સંઘેરા કહે છે કે કાકડી હજુ વધતી જ જાય છે.

વિશ્વની સૌથી લાંબી કાકડીનો ગિનિઝ વર્લ્ડ રેકર્ડ વર્ષ 2011માં વેલ્સમાં ઉગેલી એક કાકડીનાં નામે છે, જે 42.13 ઇંચ એટલે કે 105 સેન્ટિમીટર લાંબી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

મોટા શાકભાજી ઉગાડવા વિશેના જાણકાર પીટર ગ્લેજબ્રૂક કહે છે કે એવું લાગે છે કે આ અરમેનિયાઈ કાકડી છે (વૈજ્ઞાનિક નામ- કુકુમિસ મેલોફ્લેક્સુસસ) તથા મસ્કમેલન (વૈજ્ઞાનિક નામ- કુકમિસ સેટિવસ) જેવી છે.

વૈજ્ઞાનિક રીતે આ 'ગોર્ડ' (કોળું) પ્રજાતિની શાકભાજીની છે.

ગ્લેઝબ્રૂક કહે છે, "અમે અગાઉ પણ આ પ્રજાતિની કાકડીઓ પ્રદર્શનીમાં જોઈ છે, પણ તેમને સૌથી લાંબી કાકડી માની શકાય નહીં, પણ આ કાકડીને ઉમદા લાગી રહી છે."

ગિનિઝ રેકર્ડમાં સૌથી લાંબી કાકડીના રૂપે દરજ્જો મેળવવા માટે આ કાકડી કુકુમિસ સૈટિવસ પ્રજાતિની જ હોવી જોઈએ.

'બાળકની જેમ લેવી પડે છે સાર-સંભાળ'

ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ્ઝના પ્રવક્તાનું કહેવું છે કે અરમેનિયાઈ કાકડી માટે હજુ સુધી કોઈ રેકર્ડ નથી.

તેઓ કહે છે, "અમારી વેબસાઇટથી કોઈ પણ આ માટે આવેદન કરી શકે છે અને જરૂર પડે તો નવી શ્રેણી બનાવી શકાય."

75 વર્ષના સંઘેરા કહે છે કે આ કાકડી તૈયાર થઈ જશે, એટલે તેને નોટિંઘમનાં મોજૂદસિંઘ સભા ગુરુદ્વારામાં લઈ જશે.

સંઘેરા આ ગુરુદ્વારામાં સેવા કરે છે અને તેઓ બીજા લોકોને આ કાકડી વહેંચવાની ઇચ્છા ધરાવે છે.

તેઓ કહે છે, "હજુ તો આ કાકડી લાંબી અને ઝાડી થઈ રહી છે આ કાકડી પૂર્ણ રીતે તૈયાર થઈ જાય તો હું આવતા વર્ષ માટે તેના બીજ રાખી લઈશ."

સંઘેરા ઉમેરે છે, "પોતાના બાળકની જેમ તેની સાર-સંભાળ લેવી પડે છે."

સંઘેરા કહે છે કે તેમણે ચાર મહીના પહેલા કાકડીનાં ચાર છોડ વાવ્યા હતા, જેમાં લાગેલી બધી કાકડી પૂરી થઈ ગઈ પણ આ એક જ કાકડી બાકી છે જે વધતી જ જાય છે.

તેઓ કહે છે, "મેં કાકડીની વેલની પાસે બેસવાની એક જગ્યા બનાવી છે, જ્યાં બેસીને હું તેને જોયા કરું છું.''

તેઓ ઉમેરે છે, "હું પ્રાર્થના કરું છું કે આ હજુ મોટી થાય અને બધાને ખુશ કરે. આને જોઈને મને ખુશી થાય છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો