ટ્રમ્પે કહ્યું, ઈરાન સાથે વેપાર કરનાર અમારી સાથે નહીં

ડોનાલ્ડ ટ્રમ્પ અને હસન રોહાની

ઇમેજ સ્રોત, AFP

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન સાથે વર્ષ 2015માં થયેલા અણુ કરારમાંથી હટ્યા બાદ ફરીથી લગાવાઈ રહેલા પ્રતિબંધોને સંપૂર્ણ રીતે લાગુ કરવામાં આવશે.

ભારતીય સમયાનુસાર મંગળવાર સવારે સાડા નવ વાગ્યાથી ઈરાનના ઑટોમોબાઇલ સૅક્ટર ઉપરાંત તેના સોના અને કિંમતી ધાતુના વેપાર પર પ્રતિબંધ લગાવાઈ રહ્યા છે.

ટ્રમ્પનું માનવું છે કે આર્થિક દબાણને કારણે ઈરાન નવી સમજૂતી માટે તૈયાર થઈ જશે અને પોતાની 'નુકસાનકારક' ગતિવિધિઓ અટકાવી દેશે.

ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું હતું કે જે ઈરાન સાથે વેપાર કરશે તે અમેરિકા સાથે વેપાર નહીં કરી શકે તથા તેઓ આવું 'વૈશ્વિક શાંતિ' માટે કરી રહ્યા છે.

બીજી બાજુ, ઈરાનના રાષ્ટ્રપતિ હસન રોહાનીએ અમેરિકાનાં આ પગલાંને 'મનોવૈજ્ઞાનિક યુદ્ધ' ગણાવ્યું છે.

ટ્રમ્પની ચેતવણી

ઇમેજ સ્રોત, Getty Images

સરકારી ટીવી ચેનલ પર દેશવાસીઓને સંબોધતા રોહાનીએ વિવાદના ઉકેલ માટે અમેરિકા સાથે તત્કાલ વાતચીતનો વિચાર ફગાવી દીધો છે.

તેમણે જણાવ્યું છે, ''અમે કૂટનીતિ અને વાતચીતના હંમેશાં પક્ષમાં છીએ. પણ વાતચીત માટે પ્રામાણિક્તાની જરૂરી હોય છે.''

શું તમે આ વાંચ્યું?

ટ્રમ્પે ચેતવણી ઉચ્ચારી છે કે જે પણ વ્યક્તિ કે કંપનીઓ આ પ્રતિબંધોનું ઉલ્લંઘન કરશે તેમને 'ગંભીર પરિણામ' ભોગવવા પડશે.

તો આ દરમિયાન 2015માં થયેલા કરારમાં સામેલ રહેલા રશિયા, ચીન, બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીએ અમેરિકાના આ પગલાં પર 'ભારે અફસોસ' વ્યક્ત કર્યો છે.

તેમણે કરાર વખતે ઈરાનને અપાયેલાં વચનો પાળવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. તો ઈરાને પણ કહ્યું છે કે તેમને આર્થિક લાભ મળશે તો તે પણ વચન પાળશે.

ટ્રમ્પે શા માટે કરાર તોડ્યો?

ઇમેજ સ્રોત, Getty Images

અણુ કરાર અંતર્ગત પ્રતિબંધો સામે રાહતના બદલામાં ઈરાનના વિવાદિત અણુ કાર્યક્રમને રોકવાનો પ્રયાસ કરાયો હતો.

પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાનું કહેવું હતું આનાથી ઈરાનને અણુ હથિયારો બનાવતું અટકાવી શકાશે.

તેમના મતે આ કરાર વિશ્વને સુરક્ષિત રાખવામાં મદદ કરશે.

જોકે, ટ્રમ્પનું માનવું છે કે ઈરાન સાથેની આ સમજૂતી અત્યંત 'ભયાનક અને એકતરફી' છે.

કયાકયા પ્રતિબંધો લગાવાયા?

ઇમેજ સ્રોત, EPA

ટ્રમ્પની સહી સાથેના આદેશમાં જે પ્રતિબંધોનો ઉલ્લેખ કરાયો છે તે આ પ્રમાણે છે.

  • ઈરાની સરકાર દ્વારા અમેરિકન નોટ ખરીદવા કે રાખવા પર પ્રતિબંધ.
  • સોનું કે અન્ય કિંમતી ધાતુઓના વેપાર પર પ્રતિબંધ.
  • ગ્રૅફાઇટ, ઍલ્યુમિનિયમ, સ્ટીલ, કોલસો અને ઔદ્યોગિક પ્રક્રિયામાં ઉપયોગી સૉફ્ટવૅર પર પ્રતિબંધ
  • ઈરાની ચલણી નાણું રિયાલ સંબંધિત લેણદેણ પર પ્રતિબંધ
  • ઈરાની સરકારને ઋણ આપવા સંબંધીત ગતિવિધિઓ પર પ્રતિબંધ
  • ઈરાનના ઑટોમૉટિવ સૅક્ટર પર પ્રતિબંધ

વધારાના પ્રતિબંધ પણ

ઇમેજ સ્રોત, Getty Images

5 નવેમ્બરથી ઈરાન પર કેટલાક વધુ પ્રતિબંધ લગાવાશે, જે આ રીતે છે.

  • ઈરાનના બંદરોનું સંચાલન કરવા પર પ્રતિબંધ. સાથે જ ઉર્જા, વહાણવટું અને વહાણ નિર્માણના સૅક્ટર પર પ્રતિબંધ.
  • ઈરાનના પેટ્રોલિયમ સંબંધિત લેણદેણ પર પ્રતિબંધ
  • સેન્ટ્રલ બૅન્ક ઑફ ઈરાન સાથે વિદેશી નાણાકીય સંસ્થાઓના લેણદેણ પર પ્રતિબંધ

ટ્રમ્પે એવું પણ જણાવ્યું કે, ''મને એ વાતની ખુશી છે કે કેટલીય આંતરરાષ્ટ્રીય કંપનીઓએ પહેલાંથી જ ઈરાન સાથેનો વેપાર બંધ કરવાની જાહેરાત કરી છે.''

''કેટલાય દેશોએ એવા સંકેત પણ આપ્યા છે કે તેઓ ઈરાન પાસેથી કાચા તેલની આયાત બંધ કે ઓછી કરી દેશે.''

''અમે તમામ રાષ્ટ્રો સમક્ષ આ પ્રકારનાં પગલાં ભરવા અપીલ કરીએ છીએ. જેથી ઈરાની શાસન કાં તો પોતાનું ધમકીપૂર્ણ વલણ ત્યજે કાં તો આર્થિકરૂપે એકલુંઅટૂલું થઈ જાય.''

આંતરરાષ્ટ્રીય સમુદાયની પ્રતિક્રિયા

ઇમેજ સ્રોત, AFP

આ મામલે ઈરાન તરફથી તરત કોઈ પ્રતિક્રિયા વ્યક્ત નથી કરાઈ પણ તેમના વિદેશ મંત્રી જાવેદ ઝરીફનું કહેવું હતું કે આ મામલે અમેરિકા જ 'એકલું' પડી રહ્યું છે.

તેમણે એવું પણ કહ્યું કે એમની સાથે ભાવતાલ કરવાની કલ્પના કરવી પણ મુશ્કેલ છે કે જેમણે ભારે પ્રયાસો બાદ થયેલા કરારને સરળતાથી તોડી નાખ્યા હોય.

ઝરીફે એવું પણ ઉમેર્યું, ''ટ્રમ્પ વાતચીતને લઈને ગંભીર છે એવો કોઈ વિશ્વાસ કરી શકે?''

આ મામલે બ્રિટિશ, ફ્રૅન્ચ અને જર્મન વિદેશ મંત્રાલયે યુરોપીય સંઘના વિદેશ નીતિના પ્રમુખના માધ્યમથી એક સંયુક્ત નિવેદન જાહેર કર્યું છે.

જેમા જણાવાયું છે કે અણુ કરાર યોગ્ય રીતે કામ કરી રહ્યા હતા અને વૈશ્વિક સુરક્ષા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ પણ હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો