હાઇપરસોનિક શસ્ત્રો માટે ચીન, રશિયા અને અમેરિકા વચ્ચે હરિફાઈ કેમ?

  • એડિટોરિયલ ટીમ
  • બીબીસી ન્યૂઝ સર્વિસ
અમેરિકાના હાઇપરસોનિક શસ્ત્રનું કાલ્પનિક ચિત્ર

ઇમેજ સ્રોત, US AIR FORCE

પ્રકાશની ગતિ કરતાં પણ વધુ ઝડપે ધસમસતા આગળ જવાનો આ વિચાર સ્ટાર વોર્સ ફિલ્મથી પ્રેરિત હોય તેવું લાગે છે.

એ શસ્ત્રોની ઝડપ એટલી જોરદાર હોય છે કે તે ધ્વનિની તમામ મર્યાદાઓનો ભાંગીને ભૂક્કો કરી શકે છે અને હાલની કોઈ પણ સંરક્ષણ સીસ્ટમ કરતાં એ અનેકગણી વેગીલી છે.

એ શસ્ત્રો એટલે હાઇપરસોનિક વેપન્સ. શીત યુદ્ધના સમયનો આ ઇચ્છીત શસ્ત્રસરંજામની વાતો આટલાં વર્ષો સુધી થતી રહી છે પણ હવે એ વાસ્તવિકતા બનશે એવું લાગે છે.

પ્રતિ કલાક 7,344 કિલોમીટરની ઝડપે લક્ષ્યાંક ભણી આગળ વધતા સ્ટારી સ્કાય-2નું સૌપ્રથમવાર સફળ પરીક્ષણ કર્યાની જાહેરાત ચીની સત્તાવાળાઓએ આ સપ્તાહે કરી હતી.

આ ઝડપ અવાજની ગતિ કરતાં છ ગણી વધારે છે અને આ ઝડપે વિષુવવૃત્તની બે કલાકથી ઓછા સમયમાં ચક્કર મારી શકાય.

ત્રણ રાષ્ટ્રોની પ્રગતિ

ઇમેજ સ્રોત, US AIR FORCE

જોકે, આ પ્રકારનું પરીક્ષણ કર્યું હોય તેવો પહેલો દેશ ચીન નથી.

રશિયાએ ગયા મહિને જાહેરાત કરી હતી કે કાસ્પિયન સમુદ્રમાં પેટ્રોલિંગ કરતાં તેનાં મિગ-31 વિમાનોને કિંજલ નામના નવા હાઇપરસોનિક મિસાઈલ વડે ગયા એપ્રિલથી સજ્જ કરવામાં આવ્યાં છે.

રશિયાના સંરક્ષણ મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું હતું કે અવનગાર્ડ નામની તેની મિસાઇલ સિસ્ટમ ટૂંક સમયમાં તૈયાર થઈ જશે.

આ મિસાઇલ સીસ્ટમ આંતરખંડિય અંતર પ્રતિકલાક 24,140 કિલોમીટરની હાઇપરસોનિક ઝડપે પાર કરી શકે છે.

અમેરિકાના ઍરફોર્સે 2023 સુધીમાં હાઇપરસોનિક શસ્ત્રો વિકસાવવાના પોતાના લક્ષ્યાંકની જાહેરાત 2015માં કરી હતી અને આ સંદર્ભે થયેલી પ્રગતિ દર્શાવી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

જોકે, રશિયા અને ચીન એ દિશામાં જે રીતે આગળ વધી રહ્યાં છે તેનાથી અમેરિકા દેખીતી રીતે ચિંતા વ્યક્ત કરવા લાગ્યું છે.

હાઇપરસોનિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ વિકસાવવા માટે 2019ના બજેટમાં 120 મિલિયન ડૉલર ફાળવવાની માગણી અમેરિકાની મિસાઇલ ડિફેન્સ એજન્સીએ તાજેતરમાં કરી હતી.

અમેરિકન સશસ્ત્ર દળોને મદદ કરતી થિન્ક ટૅન્ક રેન્ડ કૉર્પોરેશનના હાઇપરસોનિક શસ્ત્રોના નિષ્ણાત જ્યોર્જ નાકૌઝી સાથે બીબીસી મુંડોએ વાત કરી હતી.

જ્યોર્જ નાકૌઝીએ ઉપરોક્ત વિષયે વાત કરતાં કહ્યું હતું, "અમેરિકા પાસે એન્ટી-મિસાઈલ સિસ્ટમ છે, પણ મિસાઇલ હુમલા સામે ટક્કર લેવામાં એ કેટલી અસરકારક છે એ કોઈ જાણતું નથી."

"હાઇપરસોનિક મિસાઇલ જેવાં અત્યાધુનિક શસ્ત્રોના સામનાની કોઈ વ્યવસ્થા અમેરિકા પાસે નથી."

સવાલ એ છે કે આ હાઇપરસોનિક શસ્ત્રો છે શું અને એ ચિંતાનું કારણ કેમ બન્યાં છે?

હાઇપરસોનિક શસ્ત્રો એટલે શું?

ઇમેજ સ્રોત, US AIR FORCE

કાર્નેગી ઇન્ડાઉમન્ટ ફૉર ઇન્ટરનેશનલ પીસના ન્યૂક્લિયર પૉલિસી પ્રોગ્રામના સહ-નિર્દેશક જેમ્સ ઍક્શને બીબીસી વર્લ્ડને જણાવ્યું હતું કે ધ્વનિ કરતાં પણ વધુ ઝડપે આગળ ધપતાં શસ્ત્રોને હાઇપરસોનિક શસ્ત્રો કહેવાય.

એ ગતિ કલાકના 1,235 કિલોમીટરની હોય છે.

જેમ્સ ઍક્શને કહ્યું હતું, "આ પ્રકારનાં શસ્ત્રો ધ્વનિની ગતિ કરતાં પાંચ, દસ કે વીસ ગણી ઝડપે આગળ વધી શકે છે."

બીજી તરફ જ્યોર્જ નાકૌઝીએ બે પ્રકારનાં હાઇપરસોનિક શસ્ત્રોની વાત કરી હતી.

એક હોય છે હાઇપરસોનિક ડિસ્પ્લેસમેન્ટ વ્હિકલ્સ (એચજીવી). આ એક પ્રકારનાં ગ્લાયડર્સ હોય છે, જેને અવકાશમાં કે અત્યંત ઊંચાઈએ આવેલા પ્રદેશોમાં મોકલવામાં આવે છે.

બીજા હોય છે હાઇપરસોનિક ક્રુઝ મિસાઇલ્સ (એચસીએમ). આ એક પ્રકારનાં પ્રોજેક્ટાઇલ્સ હોય છે, જેની પ્રોપલ્શન સીસ્ટમ ધ્વનિની મર્યાદાને અનેક વખત અતિક્રમે છે.

એચજીવી અને એચસીએમ બન્ને પ્રતિ કલાક 6,115 કિલોમીટરથી વધુની ગતિએ પ્રવાસ કરી શકે છે.

ટેક્નૉલૉજીકલ પડકારો

ઇમેજ સ્રોત, US AIR FORCE

જેમ્સ ઍક્શનના જણાવ્યા અનુસાર આ પ્રકારનાં શસ્ત્રોના નિર્માણની મહેચ્છા શીત યુદ્ધના સમયથી બધાને હતી પણ તેને વિકસાવવામાં અનેક ટેક્નૉલૉજિકલ પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.

જેમ્સ ઍક્શને કહ્યું હતું, "એચજીવીના કિસ્સામાં તેની મુખ્ય મર્યાદા ઉષ્ણતામાન છે. અત્યંત ઉષ્ણ વાતાવરણમાં તે પીગળી શકે છે, જ્યારે એચસીએમના કિસ્સામાં એન્જિનની ગતિ ક્ષમતાની મર્યાદા છે."

જ્યોર્જ નાકૌઝીના જણાવ્યા મુજબ, હાલનાં શસ્ત્રોનો આગળ વધવાનો માર્ગ નિર્ધારિત હોય છે, પણ હાઇપરસોનિક શસ્ત્રોની ફ્લાઇટ ટ્રેજેક્ટરી ધારણા અનુસારની હોતી નથી.

વળી આ પ્રકારનાં શસ્ત્રોની ગતિ અલગ-અલગ હોય છે, એ અલગ-અલગ ઊંચાઈએ ઊડતાં હોય છે. તેથી તેની સામે રક્ષણ મેળવવાનું આસાન નથી.

આ પ્રકારના શસ્ત્રોના હુમલા સામે અમેરિકા કે અન્ય કોઈ દેશ પાસે બચાવની અસરકારક વ્યવસ્થા નથી તેનું કારણ એ છે, એમ જ્યોર્જ નાકૌઝીએ જણાવ્યું હતું.

નિષ્ણાતોના જણાવ્યા મુજબ અહીં સારી બાબત એ છે કે આ પ્રકારનાં શસ્ત્રો વિકસાવવાની દિશામાં માત્ર ત્રણ દેશોએ જ પ્રગતિ કરી છે. તેથી આવાં શસ્ત્રો હજુ દૂરગામી સંભાવનાના સ્તરે છે.

ખરાબ બાબત એ છે કે આ પ્રકારનાં શસ્ત્રો વિકસાવવામાં સફળતા મળવાથી નવી "શસ્ત્ર હરિફાઈ" શરૂ થશે.

ત્રણ રાષ્ટ્રો વચ્ચે સ્પર્ધા

ઇમેજ સ્રોત, EPA

આ પ્રકારનાં શસ્ત્રોની બાબતમાં કોણ મોખરે રહે છે એ બાબતે ત્રણ રાષ્ટ્રો વચ્ચે "સ્પર્ધા" શરૂ થયાની વાત જેમ્સ ઍક્શન સ્વીકારે છે.

તેમના જણાવ્યા મુજબ ચીનને રૉકેટ્સમાં વધુ રસ છે, જ્યારે રશિયાએ ગ્લાઇડર્સ પર ધ્યાન કેન્દ્રીત કર્યું હોય એવું લાગે છે.

અમેરિકામાં આ ક્ષેત્રે નિષ્ણાતો 30થી વધુ વર્ષથી કાર્યરત હોવાનું જ્યોર્જ નાકૌઝીએ જણાવ્યું હતું પણ તેઓ કોઈ ટેક્નૉલૉજી વિકસાવી શક્યા નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો