પ્લેનનો ચોર હતો તમામ લાયકાત ધરાવતો ભૂતપૂર્વ કર્મચારી

ચોરાયેલું પ્લેન
ફોટો લાઈન રિચર્ડ રસેલે ચોરેલા પ્લેન વડે આકાશમાં જાતજાતના સ્ટંટ કર્યા હતા

અમેરિકાના સીએટલ એરપોર્ટ પરથી એક ખાલી પેસેન્જર પ્લેન ચોરી ગયેલો પુરુષ એરલાઈનનો સંપૂર્ણ લાયકાત ધરાવતો કર્મચારી હોવાનું સત્તાવાળાઓએ જણાવ્યું છે.

29 વર્ષના એ પુરુષે હોરાઈઝન એરમાં ત્રણથી વધુ વર્ષ પ્લેનમાં સામાન ચડાવવાની અને અન્ય કામગીરી કરી હતી.

એ પુરુષનું નામ રિચર્ડ રસેલ હોવાનું અમેરિકન મીડિયાએ જણાવ્યું હતું. તેણે શુક્રવારે મોડેથી ઉડાણ ભરી હતી, જેને પગલે એરપોર્ટ પર અન્ય વિમાનોની આવન-જાવન બંધ કરવી પડી હતી.

રિચર્ડ રસેલ જે પ્લેનને લઈને નાસી ગયા હતા તેનો બે ફાઈટર જેટ વિમાનોએ પીછો કર્યો હતો. એ વિમાન બાદમાં દરિયામાં તૂટી પડ્યું હતું.

90 મિનિટ સુધી ઉડ્ડયન બાદ પ્લેન જ્યાં તૂટી પડ્યું હતું એ કેટ્રોન આઈલેન્ડ, પજેટ સામુદ્રધુનીનો પાંખી વસતી ધરાવતો વિસ્તાર છે.

એફબીઆઈના સીએટલ ડિવિઝનના વડા જય ટબ્બે કહ્યું હતું, "સમગ્ર ઘટના દરમ્યાન રિચર્ડ રસેલ એકલો જ પ્લેનમાં હતો એવું અમે અત્યારે માની રહ્યા છીએ."


કોણ હતો રિચર્ડ રસેલ?

Image copyright AFP
ફોટો લાઈન રિચર્ડ રસેલને તેના ભૂતપૂર્વ સાથીઓ શાંત વ્યક્તિ ગણાવે છે.

રિચર્ડ રસેલના એક ભૂતપૂર્વ સાથી કર્મચારીએ તેને શાંત વ્યક્તિ ગણાવ્યો હતો.

રિક ક્રિસ્ટનસને ધ સીએટલ ટાઈમ્સ અખબારને કહ્યું હતું, "અન્ય કામદારો પણ તેને પસંદ કરતા હતા. રિચર્ડ અને તેના પરિવાર માટે મને દુઃખ થાય છે. તેના પરિવારને ઈશ્વર હિંમત આપશે તેવી આશા છે."

શું તમે આ વાંચ્યું?

એર ટ્રાફિક કન્ટ્રોલ અને રિચર્ડ વચ્ચે જે વાતચીત થઈ હતી તેની ટ્રાન્સસ્ક્રિપ્ટ પરથી સમજાય છે કે રિચર્ડ તેના સાહસથી આશ્ચર્યચકિત હતો, પણ પ્લેનના સંચાલનની સંપૂર્ણ આવડત ધરાવતો ન હતો.

તેનો ઈરાદો કોઈને નુકસાન પહોંચાડવાનો ન હતો અને પોતે "વંઠેલી વ્યક્તિ" હોવાનું કહીને તેણે તેના પ્રિયજનોની આખરે માફી માગી હતી.


શું છે તાજા સમાચાર?

ફોટો લાઈન મીડિયાને સંબોધી રહેલા અલાસ્કા એર ગ્રુપના સીઈઓ બ્રાડ ટિલ્ડેન

એરલાઈનના અને એરપોર્ટના અધિકારીઓએ શનિવારે સવારે સીએટલમાં આ ઘટના બાબતે મીડિયાને માહિતી આપી હતી.

એરપોર્ટના એવિએશન ઓપરેશન્સના ડિરેક્ટર માઈક એલે જણાવ્યું હતું કે રિચર્ડ પ્લેનમાં કાયદેસર પ્રવેશ્યો હતો અને અહીં સલામતી સંબંધી કોઈ નિયમનું ઉલ્લંઘન થયું નહોતું.

અલાસ્કા એરલાઈન્સના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર બ્રાડ ટિલ્ડેને જણાવ્યું હતું કે રિચર્ડના ભૂતકાળની ચકાસણી કરવામાં આવી હતી.

તેમણે કહ્યું હતું, "ગઈ કાલે રિચર્ડે શિફ્ટમાં કામ કર્યું હતું અને એ યુનિફોર્મમાં હતો એવું અમે માનીએ છીએ."

બ્રાડ ટિલ્ડેનના જણાવ્યા મુજબ, પ્લેનમાં દરવાજા કે ઇગ્નિશન ‘કી’ હોતી નથી અને એરપોર્ટ પરના સલામતીના અન્ય ઉપાયોને કારણે પ્લેન સલામત રહેતાં હોય છે.

હોરાઈઝન એરના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર ગેરી બેકે કહ્યું હતું, "અમને ખબર છે ત્યાં સુધી રિચર્ડ પાસે પાઈલટનું લાઇસન્સ નહોતું."

રિચર્ડ પ્લેન ઉડાડતાં ક્યાંથી શિખ્યો હશે તે પોતે જાણતા ન હોવાનું ગેરી બેકે જણાવ્યું હતું.

એફબીઆઈનાં મહિલા પ્રવક્તા આયન એસ. દિત્રિચ-વિલિયમ્સે જણાવ્યું હતું કે કેટ્રોન ટાપુ પરના ઘટનાસ્થળે એફબીઆઈના એજન્ટ્સ ટ્રાન્સપોર્ટેશન સેફટી બોર્ડ તથા અન્ય જૂથો સાથે તપાસ કરી રહ્યા છે.

આયન એસ. દિત્રિચ-વિલિયમ્સે કહ્યું હતું, "અમે ઝીણવટભરી તપાસ કરી રહ્યા છીએ. તેનો અર્થ એવો થાય કે સમગ્ર વિસ્તારમાં તપાસ માટે સમય લાગશે.”

"એ ઉપરાંત આ ઘટના માટે જવાબદાર ગણાતી વ્યક્તિનો ભૂતકાળ ચકાસવો પડશે અને આ ઘટનાનાં દરેક પાસાની સમીક્ષા કરવી પડશે."


ખરેખર શું બન્યું હતું?

Image copyright AFP
ફોટો લાઈન રિચર્ડ રસેલ પ્લેનને પાણીની સપાટીની એકદમ નજીક પણ લાવ્યા હતા

હોરાઈઝન એરની માલિકીના 76 બેઠકોવાળા ટ્વીન-એન્જીન ટર્બોપ્રોપ બોમ્બાર્ડિયર ક્યૂ400 પ્લેને સીએટલ-ટાકોમા ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સ્થાનિક સમય અનુસાર 19.32 વાગ્યે ઉડાન ભરી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે એક વ્યક્તિએ પ્લેનને પુશબેક ટ્રેક્ટર વડે મેઈન્ટેનન્સ લોકેશન પરથી ઉડાનની સ્થિતિમાં ગોઠવ્યું હતું.

પ્લેન ઉડાવ્યા બાદ તેની ચાલક વ્યક્તિએ જાતજાતના નાટકીય કરતબ કર્યા હતા. તે વિમાનને પાણીની સપાટીની નજીક લાવીને ફરી ઊંચાઈ પર લઈ જતી હતી.

નોર્થ અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડે (નોરાડ) એક નિવેદનમાં જણાવ્યું હતું કે એ પ્લેનને આંતરવા માટે પોર્ટલેન્ડથી બે એફ-15 ફાઇટર જેટ વિમાન રવાના કરવામાં આવ્યાં છે.

નોરાડે જણાવ્યું હતું કે એરપોર્ટની દક્ષિણે આશરે 48 કિલોમીટર દૂર આવેલા કેટ્રોન આઈલેન્ડના દક્ષિણ છેડા પર એ પ્લેન તૂટી પડ્યું ત્યારે ફાઇટર જેટ્સ તેને પેસિફિક સમુદ્રની ઉપરના વિસ્તારમાં લાવવા પ્રયાસ કરતા હતા.

ફાઇટક જેટ્સે પ્લેનને ફૂંકી માર્યું ન હોવાનું નોરાડે જણાવ્યું હતું.

અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્લેન એરપોર્ટથી રવાના થયાના એક કલાકથી વધુ સમય બાદ એટલે કે 20.47 વાગ્યે તેમણે પ્લેન સાથેનો સંપર્ક ગુમાવી દીધો હતો.


પાઇલટ અને ATC વચ્ચેની વાતચીત

રિચર્ડ રસેલે વિમાનને સુરક્ષિત રીતે નીચે ઉતારવાના વિકલ્પો માગવાથી માંડીને તેમણે જે કૃત્ય કર્યું તેના માટે માફી માગવા સુધીના વિવિધ સંદેશા મોકલ્યા હતા.

એર ટ્રાફિક કન્ટ્રોલર્સ (ATC-એટીસી)ને એવું લાગ્યું હતું કે રિચર્ડને પ્લેન ઉડાવવામાં કોઈ મદદની જરૂર છે.

જોકે, એ વાતચીતના અનુસંધાને રિચર્ડે ATCને કહ્યું હતું, "ના. મારે એવી કોઈ મદદની જરૂર નથી. હું બાળપણમાં કેટલીક વિડીયો ગેમ્સ રમ્યો છું."

વિમાનના ઉડ્ડયન વિશે રિચર્ડ મર્યાદિત જ્ઞાન ધરાવતો હતો. તેણે સ્વીકાર્યું હતું કે ઉડ્ડયન વખતે તેની અપેક્ષા કરતાં ઓછું ઈંધણ વપરાયું હતું.

ATC દ્વારા તેને આપવામાં આવેલી કેટલીક માહિતી સમજ્યો ન હોવાનું રિચર્ડે જણાવ્યું હતું.

અમેરિકન એર ફોર્સના મેકકોર્ડ ફિલ્ડ ખાતેના બેઝ પર વિમાન ઊતારવાના પ્રયાસની સલાહ રિચર્ડને આપવામાં આવી હતી.

એ વખતે રિચર્ડે કહ્યું હતું, "હું ત્યાં વિમાન ઊતારવાનો પ્રયાસ કરીશ તો ત્યાંના કર્મચારીઓ મારી બૂરી વલે કરશે. એ લોકો પાસે એન્ટી-એરક્રાફ્ટ ગન પણ હોઈ શકે છે."

ATCએ પ્લેનને ડાબી તરફ વાળવાની સલાહ રિચર્ડને આપી ત્યારે તેણે કહ્યું હતું, "આ કદાચ આજીવન કારાવાસનો સમય છે. ખરુંને? મને લાગે છે કે મારા જેવી વ્યક્તિ માટે એવું જ હોવું જોઈએ."

ATC અને રિચર્ડ વચ્ચે બીજી વાતો થઈ પણ થઈ હતી. જોકે, તે વિમાન સલામત ઊતારવા ઇચ્છતો હોવાનો કોઈ સંકેત તેમાંથી મળ્યો ન હતો.

રિચર્ડે વિમાન ઊતારતા પહેલાં પ્લેનને ચક્રાકારે ઘૂમાવવાની અને પછી ઘટના પર પૂર્ણવિરામ મૂકવાની વાત કરી હતી.

ATCએ વિમાન ઊતારવા જણાવ્યું ત્યારે રિચર્ડે કહ્યું હતું, "મને તેની ખબર નથી. હું વિમાન ઊતારવાનો નથી. આ બધું થશે તે હું જાણતો હતો."

રિચર્ડે એમ પણ કહ્યું હતું, "મારા પ્રત્યે લાગણી ધરાવતા ઘણા લોકો છે. મેં આ કામ કર્યું છે એમ જાણીને તેઓ જરૂર નિરાશ થશે.

"હું એ તમામની માફી માગવા ઇચ્છું છું. હું વંઠેલી વ્યક્તિ છું. મને લાગે છે કે મારા દિમાગના કેટલાક સ્ક્રૂ ઢીલા છે. એ હું અત્યાર સુધી જાણતો ન હતો."


ઘટનાના સાક્ષીઓ શું કહે છે?

Image copyright CBS
ફોટો લાઈન તૂટી પડ્યા પછી સળગી રહેલું પ્લેન

રિચર્ડે પ્લેનને લઈને ઉડાન ભરી ત્યારે ઘટનાસ્થળે હાજર બેન શેક્ટરે એવી ટ્વીટ કરી હતી, "આ તો મૂર્ખાઈભર્યું છે.”

"અમારી સામેથી એક વ્યક્તિ કન્ટ્રોલ ટાવરના આદેશોનું ઉલ્લંઘન કરીને ખાલી પ્લેન સાથે ઉડાન ભરી છે. કન્ટ્રોલ ટાવરે ફૂલ સ્ટોપનો આદેશ આપ્યો છે અને તેઓ પાઇલટ સાથે સંવાદનો પ્રયાસ કરી રહ્યા છે."

આ ઘટનાના એક અન્ય સાક્ષી જોન વાલ્ડ્રોને સીએનએન ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે પ્લેન ઊંચે ગયું એ પહેલાં તેને એકદમ નીચે આવતું તેમણે નિહાળ્યું હતું.

જોન વાલ્ડ્રોને કહ્યું હતું, "એ વખતે પ્લેન જાણે કે થંભી ગયું હોય એવું લાગતું હતું, પણ પાઇલટે તેને બરાબર કર્યું હતું અને પછી પ્લેન ટાપુ તરફ ઊતરવા લાગ્યું હતું."

આકાશમાં ઉડતા આ વિમાનનું ફિલ્મિંગ કરી ચૂકેલાં લેહ મોર્સે રોઈટર્સ સમાચાર સંસ્થાને જણાવ્યું હતું કે પ્લેનને જોયા પછી કશુંક ખોટું થતું હોવાની અનુભૂતિ તેમને થઈ હતી.

લેહ મોર્સેનાં મમ્મી પ્લેન જ્યાં તૂટી પડ્યું તેની નજીકના વિસ્તારમાં રહે છે. તેમણે જણાવ્યું હતું કે તેમનું આખું ઘર ધ્રુજી ઉઠ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું, "અમે જેટ પ્લેનને ચકરાવા લેતા નિહાળ્યા હતાં. પછી લેહ મોર્સે એવો ટેક્સ્ટ મેસેજ મોકલ્યો હતો કે કોઈ પ્લેન હતું જ નહીં."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો