શૂન્યની શોધ ભારત દેશમાં જ કેમ થઈ?

કિલ્લો Image copyright Mariellen Ward

મધ્યભારતનું ગ્વાલિયર ગીચ વસ્તી ઘરાવતું શહેર છે. શહેરની વચોવચ આવેલા પઠારી વિસ્તારમાં એક ભવ્ય કિલ્લો આવેલો છે.

આઠમી સદીમાં બનેલો આ કિલ્લો દેશના સૌથી મોટા કિલ્લાઓની યાદીમાં સ્થાન ધરાવે છે.

કિલ્લામાં મિનારા, દીવાલનાં સુંદર ચિત્રો અને ગુંબજોવાળું એક નાનું મંદિર છે. નવમી સદીમાં બનેલું આ મંદિર પહાડને કાપીને બનાવાયું હતું.

તેને ચતુર્ભુજ મંદિર પણ કહેવામાં આવે છે. તેની બનાવટ ભારતનાં અન્ય પ્રાચીન મંદિરો જેવી જ છે.

તેની એક વિશેષતા આ મંદિરને અનોખું બનાવે છે. સમગ્ર વિશ્વમાં આ એક જ એવી જગ્યા છે, જ્યાં શૂન્યનું કોતરકામ જોવા મળે છે.

મંદિરમાં નવમી સદીના એક શિલાલેખમાં 270 અંકિત છે. અંકિત કરવામાં આવેલ આ શૂન્ય વિશ્વનું સૌથી પ્રાચીન શૂન્ય છે.

આપને આ પણ વાંચવું ગમશે

ગણિત અને વિજ્ઞાનની દૃષ્ટિએ શૂન્યની શોધ ઘણી મોટી સફળતા હતી. આજના યુગમાં વિશ્વની તમામ સફળતાનો પાયો આ શૂન્ય પર જ ટકેલો છે.

ગણિત હોય, પ્રમેય હોય, ભૌતિક અથવા ઇજનેરી, આજની દરેક તકનિકની શરૂઆત આ શૂન્યના કારણે જ શક્ય બની.

ભારતીય સંસ્કૃતિમાં એવી તો શું ખાસ વાત છે કે, તેણે આ મહત્ત્વપૂર્ણ શોધને જન્મ આપ્યો. જે આધુનિક ભારત અને આધુનિક વિશ્વનો પાયો બન્યો.


શૂન્યથી 'શૂન્ય'સુધીની સફર

Image copyright Mariellen Ward

મને એક ભારતની પૌરાણિક બાબતોના વિશેષજ્ઞ દેવદત્ત પટનાયકે સંભળાવેલો એક કિસ્સો યાદ આવે છે.

તેમણે આ કિસ્સો 'ટેડ ટૉક્સ' કાર્યક્રમ દરમિયાન સંભળાવ્યો હતો. કિસ્સો સિકંદર સાથે જોડાયેલો છે.

જ્યારે વિશ્વમાં એક પછી એક વિજય મેળવીને સિંકદર ભારત પહોંચ્યો, ત્યારે તેમની મુલાકાત એક નાગા સાધુ સાથે થઈ.

સંપૂર્ણ નગ્ન સાધુ ઘણા જ હોશિયાર હતા. કદાચ તેઓ એક યોગી હતા. તેઓ પહાડ પર બેઠા બેઠા આકાશને તાકી રહ્યા હતા.

સિકંદરે આ યોગીને પૂછ્યું, "તમે શું કરી રહ્યા છો?"

યોગીએ સિકંદરને જવાબ આપ્યો, "હું શૂન્યનો અનુભવ કરી રહ્યો છું. તમે શું કરી રહ્યા છો?"

ત્યાર બાદ બન્ને હસવા લાગ્યા. કદાચ બન્ને વિચારી રહ્યા હતા કે, તેમની સામેની વ્યક્તિ કેટલી મૂર્ખ છે. જે પોતાનું જીવન વેડફી રહી છે.

આ કિસ્સો ગ્વાલિયરના કિલ્લામાં સ્થિતિ મંદિરમાં શૂન્યનો અંક અંકિત કરવામાં આવ્યો તેના ઘણા સમય પૂર્વેનો છે.

જોકે, આ નાગા સાધુનું શૂન્યમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો સંબંધ શૂન્યની શોધ સાથે જોડાયેલો છે.

Image copyright CSueb/Alamy

અન્ય સંસ્કૃતિઓની જેમ ભારતીય સંસ્કૃતિમાં શૂન્ય મામલે ઘણું વ્યાપક દર્શન જોવા મળે છે.

આ સંસ્કૃતિમાં ધ્યાન અને યોગથી મસ્તિષ્કને ખાલી (વિચાર-ચિંતાઓથી મુક્ત) કરવાની રીત શોધવામાં આવી.

હિંદુ, બૌધ બન્ને ધર્મોમાં શૂન્યના સિદ્ધાંત અને તેની સાથે જોડાયેલી શિક્ષાઓ આપવામાં આવે છે.

નૅધરલૅન્ડના ઝરઓરિગઇન્ડિયા ફાઉન્ડેશનના ડૉક્ટર પીટર ગોબેટ્સ શૂન્ય સંબંધિત પ્રોજેક્ટ સાથે સંકળાયેલા છે. આ ફાઉન્ડેશન શૂન્યની ઉત્પત્તિ અંગે સંશોધન કરી રહ્યું છે.

તેમણે એક લેખમાં શૂન્યની શોધ વિશે લખ્યું છે કે, "ગણિતના શૂન્યની ઉત્પત્તિ બૌધ દર્શનની શૂન્યતાના સિદ્ધાંતની શૂન્યતાના સિદ્ધાંતથી થયેલી હોવાનું જાણવા મળે છે."

"આ સિદ્ધાંત અનુસાર મનુષ્યના મસ્તિષ્કના વિચારો અને પ્રભાવોથી મુક્ત કરી શકાય છે."

એટલું જ નહીં પ્રાચીનકાળથી જ ભારતમાં ગણિતને લઈને જબરજસ્ત દિલચસ્પી રહી છે.

પ્રાચીનકાળના ભારતીય ગણિતશાસ્ત્રીઓ મોટા મોટા અંકોમાં ગણતરી કરતા હતા.

આ ગણતરીઓ અબજ-ખર્વથી લઈને પદ્મ અને શંખ સુધીની હતી.


શૂન્યનું સૌથી પ્રાચીન ઉદાહરણ

પ્રાચીન ગ્રીક સંસ્કૃતિના લોકો દસ હજારની સંખ્યાની ગણતરીથી આગળ ન નીકળી શક્યા.

પ્રાચીન ભારતમાં અનંત (ઇન્ફિનિટી)ની ગણતરી પણ અલગ હતી.

હિંદુ જ્યોતિષ અને ગણિતજ્ઞ આર્યભટ્ટ (જન્મ-ઈ.સ. 476) અને બ્રહ્મગુપ્ત (જન્મ-ઈ.સ. 598) વિશે કહેવાય છે કે તેમણે જ આધુનિક દશાંશ પદ્ધતિ અને શૂન્યની ઉપયોગીતાનો પાયો નાખ્યો હતો.

જોકે, ગ્વાલિયરના કિલ્લામાં સ્થિત મંદિરમાં અંકિત થયેલા શૂન્યને વિશ્વમાં શૂન્યનું સૌથી પ્રાચીન ઉદાહરણ કહેવામાં આવે છે.

જોકે, તક્ષશિલા સાથે જોડાયેલી પ્રાચીન ભારતની પાડુંલિપીમાં પણ શૂન્યની નોંધ જોવા મળે છે.

આ પાડુંલિપી વિશે તાજેતરમાં જ જાણવા મળ્યું છે કે તે ત્રીજી અથવા ચોથી સદીની રચના છે.

હવે તેને વિશ્વમાં શૂન્યનું સૌથી પ્રાચીન ઉદાહરણ ગણવામાં આવે છે.


બખ્શાલીની પાડુંલિપી

Image copyright Joerg Boethling/Alamy

ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ગણિતના પ્રોફેસર માર્ક્સ ડ્યૂ સોટોયે યુનિવર્સિટીની વેબસાઇટમાં લખ્યું છે કે, "શૂન્યની એક અંક તરીકેની કલ્પના, ગણિતના ઇતિહાસની સૌથી મોટી ઉપલબ્ધિ છે. તેની શરૂઆત આપણે બખ્શાલીની પાડુંલિપીમાં નોંધાયેલા બિંદુમાં જોવા મળે છે."

"આજે અમને એ માલૂમ છે કે ભારતના પ્રાચીન ગણિતજ્ઞએ ત્રીજી સદીમાં જ ગણિતના વિચારના એવાં બીજ રોપ્યાં હતાં, જે આધુનિક વિશ્વનો પાયો છે."

"આ શોધથી સ્પષ્ટ છે કે પ્રાચીનકાળમાં ભારતીય ઉપ-મહાદ્વીપમાં ગણિતની વિદ્યા ખૂબ જ વિકસી હતી."

શૂન્યની શોધ ભારત સિવાય કોઈ અન્ય દેશમાં કેમ ન થઈ તેની પાછળ ઘણાં રસપ્રદ કારણ છે.

એક વિચાર એવો પણ છે કે ઘણી સભ્યતાઓ(સંસ્કૃતિઓ)માં શૂન્ય મામલેના વિચારો સારા નહોતા.

યુરોપમાં ઈસુખ્રિસ્તની શરૂઆતના દિવસોમાં ધર્મગુરુઓએ શૂન્યના ઉપયોગ પર રોક લગાવી દીધી હતી.

તેમનું માનવું હતું કે ઇશ્વર જ બધું છે. જે અંક શૂન્યતાનું નેતૃત્વ કરે, તે રાક્ષસી છે.

ભારતના આધ્યાત્મિક જ્ઞાન અને શૂન્યની શોધ વચ્ચે ગાઢ સંબંધ છે. આધ્યાત્મિકતાએ જ શૂન્યને જન્મ આપ્યો છે. જેથી બાદમાં શૂન્યની શોધ થઈ.

પ્રાચીન ભારતના એક અન્ય જ્ઞાનનો આધુનિક વિશ્વ સાથે ગાઢ સંબંધ છે. તે જોડિયો નંબર છે અથવા બાઇનરી છે.

શૂન્યની પરિકલ્પના જોડિયા અંકોનો પાયો છે. આ આધુનિક નંબર જ કમ્પ્યૂટરની આધારશિલા છે.


ભારતની સિલિકન વૅલી

જ્યારે તમે બેંગ્લુરુના કેમ્પેગૌડા ઍરપૉર્ટથી બહાર આવીને શહેર તરફ આવો તો તમને ગ્રામીણ વિસ્તારોમાં ફેલાયેલી મોટી મોટી આઈટી કંપનીઓની ઇમારતો જોવા મળે છે.

37 કિલોમીટરની આ સફર દરમિયાન તમને ગૂગલ, એપલ, ઑરેકલ, માઇક્રોસોફ્ટ, ઍડોબ, સેમસંગ અને એમેઝોન સહિતની કંપનીઓનાં કૅમ્પસ જોવા મળશે.

વળી ઇન્ફોસિસ અને વિપ્રો કંપનીઓનાં પણ કૅમ્પસ પણ જોવા મળે છે.

આ શાનદાર ઍરપૉર્ટ અને ચમકતાં સાઇનબોર્ડ પરિવર્તનની સૌથી મોટી નિશાની છે.

બેંગ્લુરુને આઈટી ઇન્ડસ્ટ્રીઓના આગમન પૂર્વે બેંગ્લોર કહેવામાં આવતું. અહીં વર્ષ 1970ના દાયકામાં ઇલોકટ્રોનિક સિટી નામના ઔદ્યોગિક પાર્કની સ્થાપના થઈ હતી.

એક અનુમાન અનુસાર બેંગ્લુરુ વર્ષ 2020 સુધી વિશ્વનું સૌથી મોટું આઈટી હબ બની શકે છે.

આ બધુ જ આ જોડિયા અંકોના કારણે જ શક્ય બન્યું. આજના કમ્પ્યૂટર બે અવસ્થાઓના સિદ્ધાંત પર કામ કરે છે. ઑન અને ઑફ. ઑનનો અર્થ 1 અને ઑફ 0 છે.


સંગીતની ધૂન તૈયાર કરવા શૂન્યનો ઉપયોગ

અમેરિકાની ઓક્લાહોમા સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર સિદ્ધાર્થ કાક જણાવે છે કે, "જોડિયાં અંકોની શોધ ઈસવીસનની બે ત્રણ સદી પહેલાં ભારતીય સંગીતજ્ઞ પિંગલાએ કરી હતી. તેનો ઉપયોગ સંગીતની ધૂન તૈયાર કરવા માટે થતો હતો."

બેંગ્લુરુના વિકાસમાં આ જોડિયાં અંકોની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે. જેની શરૂઆત ભારતથી થઈ હતી. શૂન્યથી થઈ હતી.

(નોંધ : મેરેલિન વૉર્ડનો આ લેખ બીબીસી ટ્રાવેલની 'પ્લેસિસ ધેટ ચેન્જ ધી વર્લ્ડ' નામની સિરીઝનો ભાગ છે. ઉપરોક્ત લેખ મૂળ સ્ટોરીનું અક્ષરશ: અનુવાદ નથી. ગુજરાતીના પાઠકો માટે તેમાં કેટલાક સંદર્ભ અને પ્રસંગ ઉમેરવામાં આવ્યા છે.)

(બીબીસી ટ્રાવેલનો આ મૂળ લેખ ઇંગ્લિશમાં વાંચવા માટે અંહીં ક્લિક કરો.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ