ઇન્ડોનેશિયામાં પોલીસે કેમ કરી 77 લોકોની હત્યા?

ગુનેગારો સામે કાર્યવાહી કરતી ઇન્ડોનેશિયાની પોલીસ

ઇમેજ સ્રોત, NURPHOTO/GETTY

ઍમ્નિસ્ટી ઇન્ટરનેશનલે જણાવ્યું કે ઇન્ડોનેશિયાની પોલીસે '2018 એશિયન ગેમ્સ' ના સમારોહને ધ્યાનમાં રાખીને શહેરને 'ક્રિમિનલ ફ્રી' બનાવવા માટે ડઝનેક 'ગુનેગારો'ને મારી નાખ્યા છે.

ઍમ્નિસ્ટીનું કહે છે કે ઇન્ડોનેશિયાની પોલીસે 'પહેલાં શૂટ કરો અને બાદમાં પૂછપરછ' જેવી નીતિ અપનાવી છે.

એટલું જ નહીં જાન્યુઆરીથી અત્યારસુધી 77 લોકોને ઠાર મરાયા છે, જેમાંથી 31ને પોલીસ રેડ દરમિયાન ગોળી મારવામાં આવી હતી.

આ અંગે બીબીસી ઇન્ડોનેશિયન સર્વિસના રિપોર્ટરે જણાવ્યું, "જુલાઈ માસથી પોલીસ દ્વારા કાર્યવાહી થઈ રહી છે."

"ઉચ્ચ અધિકારીઓએ તેમના પોલીસ અધિકારીઓને એવા આદેશ આપ્યા હતા કે ગુનેગારો સામે કોઈ પણ પ્રકારનું પગલું ભરવામાં અચકાવવું નહીં."

ઉલ્લેખનીય છે કે, ઇન્ડોનેશિયાની રાજધાની જાકાર્તા અને પાલેમ્બંગ શહેરમાં શનિવારથી એશિયન ગેમ્સની શરૂઆત થઈ.

18મી એશિયન ગેમ્સ માટે યજમાન દેશ ઇન્ડોનેશિયાએ એક લાખ પોલીસ અધિકારીઓ અને સૈનિકોને સુરક્ષા માટે તહેનાત કર્યા છે. આ સમારોહ 18 ઑગસ્ટથી 2જી સપ્ટેમ્બર સુધી ચાલશે.

તમે આ વાંચ્યું કે નહીં?

2017 કરતાં વધુ હત્યા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

એશિયન ગેમ્સને ધ્યાનમાં રાખીને એક લાખથી પણ વધુ પોલીસ જવાનોને તહેનાત કરવામાં આવ્યા.

ઍમ્નિસ્ટી ઇન્ડોનેશિયાના પ્રમુખ ઉસ્માન હમીદે જણાવ્યું, "તંત્રે એવી બાંહેધરી આપી હતી કે, આ સમારોહ દરમિયાન સુરક્ષાની સંપૂર્ણ કાળજી લેવામાં આવશે, પરંતુ અમે જોયું કે પોલીસે ડઝનેક લોકોને મારી નાખ્યા."

"માનવાધિકારના ભોગે આંતરરાષ્ટ્રીય ગેમ્સની યજમાની કરવી એ યોગ્ય નથી."

જુલાઈ માસમાં સૌથી વધુ 11 લોકોની હત્યા કરવામાં આવી, જ્યારે 41 લોકોને પગમાં ગોળી મારી ઘાયલ કરવામાં આવ્યા.

હાલના વર્ષેમાં આ આંકડો વર્ષ 2017ની મુકાબલે પોલીસ કાર્યવાહીમાં માર્યા ગયેલા ગુનેગારોની સંખ્યા કરતાં 64 ટકા વધુ છે.

હમીદે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ આંકડો પોલીસની કડક કાર્યવાહીનું પ્રતિબિંબ રજૂ કરે છે.

હજારોની ધરપકડ

ઇમેજ સ્રોત, NURPHOTO/GETTY

બીજી તરફ જાકાર્તાના નેશનલ પોલીસ ચીફ જનરલ ટીટો કર્નાવેઇન જણાવે છે, "ગેમ્સ માટે દેશમાં આવતા પર્યટકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી હજારો લોકોની અટકાયત અને ધરપકડ કરવામાં આવી છે."

જુલાઈ માસમાં તેમણે કહ્યું હતું, "ગત મહિને મેં મારા અધિકારીઓને આદેશ આપ્યો હતો કે શહેરમાં પાકીટમાર કે ધાડપાડુઓના જેટલા નેટવર્ક ચાલે છે તેમને ખતમ કરી દેવામાં આવે."

"જો તેઓ પ્રતિકાર કરે તો તેમને ખતમ કરી દેવામાં પણ સંકોચ ના કરવો."

બીબીસી ઇન્ડોનેશિયાના સંવાદદાતા હૈદર અફ્ફાને જણાવ્યું કે ગેમ્સની પૂર્ણહૂતિ સુધીમાં પોલીસની આ કાર્યવાહી ખતમ થઈ જવાની આશા છે. જાકાર્તાના લોકોનું પણ પોલીસની આ કાર્યવાહીને સમર્થન છે.

જાકાર્તામાં રહેતા એક નાગરિકે જણાવ્યું, " ગુનાખોરી એ ખૂબ જ ગંભીર બાબત છે, હું પોલીસની કાર્યવાહી સાથે સમર્થ છું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો