હજ પહેલાં કાબામાં થતી હતી અનેક ઈશ્વરોની પૂજા

હજયાત્રા Image copyright Getty Images

રવિવારથી હજયાત્રા શરૂ થઈ ગઈ છે. હજ પઢવા માટે દુનિયાભરમાંથી લાખો લોકો સાઉદી અરેબિયા પહોંચી રહ્યા છે, જ્યાં પાંચ દિવસ સુધી ચાલનારી હજયાત્રામાં ભાગ લેશે.

ઇસ્લામમાં સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં કાબાને સૌથી પવિત્ર સ્થળ માનવામાં આવે છે.

આ ધાર્મિક અનુષ્ઠાન દુનિયાભરમાં ઇસ્લામને માનનારાઓ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

આ વર્ષે લગભગ વીસ લાખ લોકો હજ પઢવા માટે સાઉદી અરેબિયા પહોંચશે. જાણો હજને લગતી કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતો.


હજ પર જવાનો હેતુ શું હોય છે?

Image copyright Getty Images

ઇસ્લામમાં કુલ પાંચો સ્તંભોમાં હજ પાંચમો સ્તંભ છે. દરેક સ્વસ્થ મુસલમાનોની ઇચ્છા હોય છે કે તેઓ જીવનમાં એકવાર હજ પર જરૂર જાય.

હજને ભૂતકાળનાં પાપોને મિટાવવાના રૂપે જોવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે એક મુસલમાન હજ બાદ પોતાની જિંદગી ફરીથી શરૂ કરી શકે છે.

મોટાભાગના મુસલમાનોના મનમાં એક વખત હજ પર જવાની ઇચ્છા હોય છે.

તમે આ વાંચ્યું કે નહીં?

જે લોકો હજનો ખર્ચ ના ઉઠાવી શકે તેમની ધાર્મિક નેતા અને સંગઠનો મદદ કરતાં હોય છે.

ઘણા મુસલમાનો તો એવા પણ હોય છે જેઓ પોતાની જિંદગીભરની કમાણી હજ પર જવા માટે બચાવીને રાખે છે.

દુનિયાના કેટલા ભાગોમાંથી એવા હાજીઓ પણ આવે છે જે મહિનાઓ સુધીને ચાલીને હજારો કિલોમીટરનું અંતર કાપી મક્કા પહોંચે છે.

ઇસ્લામ પ્રમાણે, જીવન જીવવા માટે આ પાંચ બાબતો મહત્ત્વપૂર્ણ છે.

ઇસ્લામના પાંચ સ્તંભ

  • તૌહીદ - એટલેકે એક અલ્લાહ અને મોહમ્મદ તેમણે મોકલેલા દૂત છે તેમાં દરેક મુસલમાનનો વિશ્વાસ હોવો જોઈએ.
  • નમાઝ - દિવસભરમાં પાંચ વખત નમાઝ પઢવી
  • રોઝા - રમઝાનમાં રોઝા રાખવા
  • જકાત - ગરીબ તથા જરૂરિયાતમંદોને દાન કરવું
  • હજ - મક્કા જવું

હજનો ઇતિહાસ શું છે?

Image copyright Getty Images

ચાર હજાર વર્ષ પૂર્વે મક્કાનું મેદાન એકદમ નિર્જન હતું. મુસ્લિમો માને છેકે અલ્લાહે પયગંબર અબ્રાહ(જેમને મુસલમાન ઇબ્રાહીમ કહે છે)ને તેમનાં પત્ની હાજરા તથા પુત્ર ઇસ્માઇલને પેલેસ્ટાઇનથી અરેબિયા લાવવાના નિર્દેશ આપ્યા, જેથી તેમને(હાજરા અને ઇસ્માઇલ) પ્રથમ પત્ની સારાની ઇર્ષ્યાથી બચાવી શકાય.

મુસલમાનો એવું પણ માને છે કે અલ્લાહે પયગંબર અબ્રાહમને તેમને તેમની કિસ્મત પર છોડી દેવા કહ્યું. તેમને ખાવાની અમૂક ચીજો તથા થોડું પાણી આપ્યાં.

થોડા દિવસોમાં ખાવા-પીવાનો સામાન ખલાસ થઈ ગયો. ભૂખ અને તરસને કારણે હાજિરા તથા ઇસ્માઇલની સ્થિતિ કફોડી થઈ ગઈ.

મુસલમાનો માને છે કે નિરાશ હાજિરા મદદની આશાએ સફા તથા મારવા પહાડથી નીચે ઊતર્યાં.

ભૂખ તથા થાકને કારણે હાજિરા ભાંગી પડ્યાં તથા સંકટમાંથી બચાવી લેવા અલ્લાહને દુઆ કરી.

મુસલમાનો માને છે કે ઇસ્માઇલે જમીન પગ પર પછાડ્યો તો જમીનની અંદરથી પાણીનો ઝરો ફૂટ્યો અને બંનેના જીવ બચી ગયા.

Image copyright Getty Images

હાજરાએ પાણીને સુરક્ષિત રાખ્યું અને ખાવાના સામાનને બદલે પાણીનો વ્યાપાર પણ શરૂ કરી દીધો.

આ પાણીને જ આબ-એ-ઝમઝમ એટલે કે ઝમઝમ કૂવાનું પાણી કહેવાય છે.

મુસલમાન આ પાણીને સૌથી પવિત્ર પાણી માને છે અને હજ બાદ બધાં હાજી પ્રયત્ન કરે છે કે તેઓ આ પાણી ઘરે લઈ જાય.

પયગંબર અબ્રાહમ પરત ફર્યાં તો તેમણે જોયું કે તેમનો પરિવાર સારી રીતે જીવન જીવી રહ્યો છે. આ જાણીને તેમને આશ્ચર્ય થયું.

મુસલમાન માને છે કે અલ્લાહે પયગંબર અબ્રાહમને ત્યાં તીર્થસ્થાન બનાવી તેને સમર્પિત કરવા કહ્યું.

અબ્રાહમ તથા ઇસ્માઇલે પથ્થરનો એક નાનકડો ઘનાકાર નિર્માણ કર્યો. તેને કાબા કહેવામાં આવે છે.

અલ્લાહ પ્રત્યેનાં સમર્પણને મજબૂત કરવા માટે મુસ્લિમો દર વર્ષે અહીં આવે છે.

સદીઓ બાદ મક્કા એક વિકસતું શહેર બની ગયું અને તેનું એકમાત્ર કારણ છે ત્યાં મળી આવેલો પાણીનો સ્રોત.

ધીમેધીમે અહીં લોકોએ અલગ-અલગ ઇશ્વરની પૂજા શરૂ કરી દીધી.

પયગંબર અબ્રાહમનું પવિત્ર સ્થળ એ મૂર્તિઓ રાખવાનું સ્થળ બની ગયું.

મુસલમાનો એવું માને છે કે ઇસ્લામના છેલ્લાં પયગંબર હઝરત મોહમ્મદ (570-632)ને અલ્લાહે કહ્યું કે તેઓ કાબાને પહેલાં જેવી જ સ્થિતિમાં લાવે અને ત્યાં માત્ર અલ્લાહની જિયારત થવા દે.

વર્ષ 628માં પયગંબર મોહમ્મદે તેમના 1400 અનુયાયીઓ સાથે એક યાત્રા શરૂ કરી.

જે ઇસ્લામની પ્રથમ તીર્થયાત્રા બની. આ યાત્રામાં પયગંબર અબ્રાહમની ધાર્મિક પરંપરાઓને પુનઃસ્થાપિત કરવામાં આવી.


હાજી ત્યાં જઈને કરે છે શું?

Image copyright Getty Images

હાજી પહેલાં સાઉદી અરબના જેદ્દાહ શહેરમાં પહોંચે છે. ત્યાંથી તેઓ બસ મારફતે મક્કા જાય છે. પણ મક્કા પહેલાં એક ખાસ જગ્યા છે જ્યાંથી હજની સત્તાવાર પ્રક્રિયા શરૂ થાય છે.

મક્કા શહેરના આઠ કિલોમિટરના અંતરેથી આ વિશેષ જગ્યાની શરૂઆત થાય છે. આ વિશેષ જગ્યાને મીકાત કહેવાય છે. હજ પર જતાં બધા યાત્રીઓ અહીંથી ખાસ પ્રકારના વસ્ત્રો પહેરે છે, જેને અહરામ કહેવાય છે.

જોકે કેટલાક લોકો સાઉદી પહોંચતા પહેલાં જ અહરામ પહેરી લે છે. એટલી હદ સુધી કે કેટલાક લોકો અહરામ પહેરીને જ ઍરોપ્લેનમાં બેસે છે.

અહરામ સીવેલું હોતું નથી. મહિલાઓને અહરામ પહેરવાની જરૂર હોતી નથી, તેઓ પોતાની પસંદનાં કપડાં પહેરી શકે છે. આ ઉપરાંત હાજીઓએ અન્ય ઘણી બાબતોનું પણ ધ્યાન રાખવાનું હોય છે.

હજ યાત્રી -

-આ દરમિયાન પતિ-પત્ની શારીરિક સંબંધ બાંધી ન શકે

-વાળ અને નખ કાપી ન શકાય

-પરફ્યૂમ કે સુગંધિત દ્રવ્યોનો ઉપયોગ ટાળવો

-કોઈ સાથે લડાઈ ઝઘડો ન કરવો.

- જીવહત્યા ન કરવી

મક્કા પહોંચીને મુસલમાનો બધા સાથે ઉમરા કરે છે. ઉમરા એક નાની ધાર્મિકવિધિ છે. હજ એક વિશેષ મહિનામાં કરાય છે પણ ઉમરા વર્ષ દરમિયાન ગમે ત્યારે કરી શકાય છે.

પણ જે લોકો હજ પર જાય છે તેઓ સામાન્ય રીતે ઉમરા પણ કરે છે. જોકે તે અનિવાર્ય નથી.

Image copyright Getty Images

ઉમરા દરમિયાન હજમાં થતાં ઘણાં ધાર્મિક કર્મકાંડ કરવામાં આવે છે.

હજની શરૂઆત ઇસ્લામિક માસ ઝિલ-હિલની આઠમી તારીખથી થાય છે. આઠ તારીખે હાજી મક્કાથી આશરે 12 કિલોમિટર દૂર મીના શહેર જાય છે.

આઠમીની રાત હાજી મીનામાં વીતાવે છે અને બીજા દિવસે સવારે એટલે કે નવ તારીખે અરાફતના મેદાનમાં પહોંચે છે. હજયાત્રીઓ અરાફાતના મેદાનમાં ઊભા રહીને અલ્લાહને યાદ કરે છે અને પોતે કરેલ ગુનાની માફી માગે છે.

સાંજે હાજી મુઝદલફા શહેર જાય છે અને નવ તારીખે રાત્રે ત્યાં જ રહે છે. દસમી તારીખે સવારે યાત્રી ફરીથી મીના શહેર આવે છે.

ત્યારબાદ તેઓ ખાસ જગ્યાએ જઈને સાંકેતિક રીતે શૈતાનને પથ્થર મારે છે. જેને જમારત કહેવાય છે. આ દરમિયાન મોટાભાગે ભાગદોડ થાય છે અને અનેક લોકોનાં મૃત્યુ થાય છે.

શૈતાનને પથ્થર માર્યા બાદ હાજી એક બકરાની કુરબાની આપે છે. ત્યારબાદ પુરુષો મુંડન કરાવે છે અને મહિલાઓ પોતાના થોડા વાળ કપાવે છે.

ત્યારબાદ યાત્રીઓ મક્કા પરત આવે છે અને કાબાના સાત ચક્કર લગાવે છે જેને ધાર્મિક રીતે તવાફ કહેવાય છે. આ જ દિવસે એટલે કે ઝિલ-હિલની દસ તારીખે પૂરી દુનિયામાં મુસલમાન ઈદ-ઉલ-અઝહા અથવા બકરી ઇદનો તહેવાર મનાવે છે.

બકરી ઇદ પયગંબર અબ્રાહમ અને તેમના પુત્ર પયગંબર ઇસ્માઇલની યાદમાં મનાવાય છે.

મુસલમાનોમાં વિશ્વાસ છે કે પયગંબર અબ્રાહમને એક વખત સ્વપ્ન આવ્યું કે અલ્લાહે તેમની પાસે તેમના પુત્રની કુરબાની માગી છે.

અલ્લાહના આદેશ પ્રમાણે હઝરત અબ્રાહમ પોતાના પુત્રને કુરબાન કરવા માટે તૈયાર થઈ ગયા પણ જ્યારે તેઓ પોતાના પુત્રની ગરદન પર છૂરો મારવા ગયા ત્યારે તેમને કહેવાયું કે અલ્લાહ તેમની પરીક્ષા લેતા હતા અને પુત્રના બદલે ઘેટાનાં બચ્ચાને કુરબાન કરવાનો આદેશ આપવામાં આવ્યો.

દર વર્ષે મુસલમાન અબ્રાહમ અને ઇસ્માઇલની આ જ કુરબાનીને યાદ કરે છે અને બકરી ઇદના દિવસે એક બકરાને કુરબાન કરે છે.

તવાફ પછી હજ યાત્રી પાછા મીના જતા રહે છે અને ત્યાં બે દિવસ સુધી રહે છે. મહિનાની 12 તારીખે છેલ્લી વખત હજ યાત્રી કાબાના તવાફ કરે છે અને દુઆ કરે છે. આ પ્રમાણે હજની પૂરી પ્રક્રિયા થાય છે.

હજ યાત્રી મક્કાથી લગભગ 450 કિલોમિટર દૂર મદીના શહેર જાય છે અને ત્યાંની મસ્જદ-એ-નબવીમાં મનાઝ પઢે છે. હજની ધાર્મિક પ્રક્રિયા સાથે એનો કોઈ સીધો સંબંધ નથી. પણ આ મસ્જિદ પયગંબરે જાતે બંધાવી હતી. એટલે જ મુસલમાનો તેને કાબા પછીનું સૌથી મહત્ત્વનું ધાર્મિક સ્થળ માને છે. અહીં હઝરત મોહમ્મદની મઝાર પણ છે. હજ યાત્રીઓ તેના પણ દર્શન કરે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા

આ વિશે વધુ