મેક્કેઇનના નિધન બાદ ધ્વજને અડધી કાઠી કરવા મુદ્દે વિવાદ

વ્હાઇટ હાઉસ પર રાષ્ટ્રધ્વજ Image copyright Reuters

અમેરિકાના પ્રમુખપદના ઉમેદવાર અને વિયેતનામ યુદ્ધના હીરો જ્હોન મેક્કેઇનનું 81 વર્ષની વયે અવસાન થયું છે. હવે તેમના માનમાં રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ રાખવા પર વિવાદ થયો છે.

રિપબ્લિકન પાર્ટીના અગ્રણી સાંસદ મિચ મેકકૉનિલ તથા અગ્રણી ડેમોક્રેટ સાંસદ ચક શૂમરે માગ કરી છે કે મૃતક સેનેટરના માનમાં તમામ સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવો જોઈએ.

રાષ્ટ્રપતિ ટ્રમ્પ તથા મેક્કેઇન વચ્ચે લાંબા સમયથી શાબ્દિક ચડભડ થતી રહી છે અને કથિત રીતે તેમને અંતિમસંસ્કાર માટે આમંત્રણ આપવામાં નથી આવ્યું.

ટ્રમ્પે શનિવારે તમામ રાષ્ટ્રધ્વજોને અડધી કાઠીએ કરી દેવાના આદેશ આપ્યા હતા, પરંતુ સોમવારથી તે ફરી પૂર્ણ કાઠીએ ફરકાવવામાં આવ્યા હતા.

યુએસ કેપિટલમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો, પરંતુ વ્હાઇટ હાઉસ ખાતે તેને પૂર્ણ કાઠીએ ફરકાવવામાં આવ્યો છે.

વ્હાઇટ હાઉસના કહેવા પ્રમાણે, યુએસ ફ્લેગ કોડ મુજબ જ ધ્વજારોહણ કરવામાં આવ્યું છે.


શનિવારે નિધન

Image copyright Getty Images

મેક્કેઇનની ઓફીસ દ્વારા જાહેર કરવામાં આવેલા એક ટૂંકા નિવેદન અનુસાર શનિવારે તેમના અવસાન સમયે તેમનો પરિવાર તેમની સાથે હતો.

જુલાઈ 2017માં તેમના મગજમાં એક ગાંઠ (બ્રેઇન-ટ્યૂમર) હોવાનું નિદાન થયું હતું અને તેઓ સારવાર હેઠળ હતા.

તેમના પરિવારે જણાવ્યું હતું કે, ગત ડિસેમ્બરમાં વોશિંગ્ટન છોડી ગયેલા મેક્કેઇને શુક્રવારે તેમની સારવાર અટકાવી દેવાનો નિર્ણય કર્યો હતો.

છ ટર્મ સુધી અમેરિકાની સેનેટમાં સેનેટર રહી ચૂકેલા મેક્કેઇન વર્ષ 2008માં રિપબ્લિકન પક્ષ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હતા.

શું તમે આ વાંચ્યું?

ગત વર્ષે જુલાઈમાં જ્યારે તેમની ડાબી આંખના ઉપરના ભાગમાં ગંઠાઈ ગયેલા લોહીને દૂર કરવા માટેની સર્જરી કરવામાં આવી, ત્યારે તેમના મગજમાં ઝડપથી વધી રહેલી ગાંઠ હોવાનું ડૉક્ટર્સને જાણવા મળ્યું હતું.

Image copyright Getty Images
ફોટો લાઈન જ્હોન મેક્કેઇનના પિતા અને દાદા અમેરિકાના નૌકાદળના એડમિરલ્સ હતા.

મેક્કેઇનનો પરિવાર અમેરિકાના સૈન્ય સાથે પેઢીઓથી જોડાયેલો છે. તેમના પિતા અને દાદા અમેરિકાના નૌકાદળના એડમિરલ્સ હતા.

મેક્કેઇન પોતે પણ એક ફાઇટર પાઇલટ તરીકે અમેરિકા તરફથી વિયેટનામ સામે યુદ્ધ લડ્યા હતા.

તેમનું વિમાન તોડી પાડવામાં આવ્યું હતું અને તેમણે યુદ્ધ કેદી તરીકે વિયેતનામની જેલમાં પાંચ વર્ષ વિતાવ્યા હતા.

જેલમાં તેમને શારીરિક યાતનાઓ આપવામાં આવી હતી જેને કારણે તેમણે સ્થાયી વિકલાંગતા સહન કરવી પડી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ