આત્મમુગ્ધ લોકોની સફળતા પાછળનું રહસ્ય
- વિશાલા શ્રી-પદ્મ
- બીબીસી કેપિટલ

ઇમેજ સ્રોત, Wavebreakmedia
દરેક ઓફિસમાં આત્મમુગ્ધ લોકો હોય છે
દરેક ઓફિસમાં એક વ્યક્તિ એવી હશે જે ડંફાસો મારતી હશે. પોતાના વિશે મોટી મોટી વાતો કરતી હશે અને સાથી કર્મચારીઓને પોતાનાથી નબળા માનતી હશે.
આત્મશ્લાઘા કરનારી આવી વ્યક્તિ પોતાને ખાસ માનતી હોય છે. સામેની વ્યક્તિ તેને ભાવ ના આપે તો તેને માઠું લાગી જાય છે.
માનસશાસ્ત્રમાં આવી વ્યક્તિને આત્મમુગ્ધ, સ્વપ્રેમી કે આત્મશ્લાઘા કરનારી એટલે કે 'નાર્સિસિસ્ટ' વ્યક્તિ કહે છે.
'નાર્સિસિસ્ટ' શબ્દ પ્રાચીન ગ્રીક કથાઓમાં આવતા પાત્ર નાર્સિસસ પરથી આવ્યો છે. તે પોતાનું પ્રતિબિંબ પાણીમાં જોઈને પોતાના પર જ મોહિત થઈ જતો હતો.
ઓફિસોમાં આવા સ્વપ્રેમી લોકો મળી જતા હોય છે. જો તેમને ઓળખી લેવામાં આવે તો વિના કારણે ઊભો થતો તનાવ ટાળી શકાય છે.
'ઝેન યોર વર્ક' પુસ્તકની લેખિકા કાર્લિન બોરિસેન્કોએ પોતાના કરિયરની શરૂઆતમાં આવી જ એક સ્વપ્રેમી બૉસની સાથે કામ કર્યું હતું.
શું તમે આ વાંચ્યું?
બોરિસેન્કો કહે છે, "હું તેમની ચાહક બની ગઈ હતી. હું તેમને કરિશ્માવાળી અને સ્માર્ટ માનતી હતી અને તેમની સાથે કામ કરવાની વાતથી ઉત્સાહિત હતી."
ત્રણ મહિના તેમની સાથે કામ કર્યા પછી અને બૉસની રોજની હરકતો જોઈને બોરિસેન્કોને લાગ્યું કે કંઈ ગરબડ છે.
ઇમેજ સ્રોત, Getty Images
બોરિસેન્કોનો વધુમાં વધુ સમય પોતાની બૉસને ખુશ રાખવામાં જતો હતો.
ઓફિસમાં બીજા લોકોની સામે તેમણે બૉસના વખાણ કરવા પડતા હતા.
વખાણ ના કરે તો બૉસને ખોટું લાગી જતું હતું.
સતત આવી સ્થિતિમાંથી પસાર થવાના કારણે ધીમે ધીમે તેમને ચીડ ચડવા લાગી.
બોરિસેન્કો કહે છે, "હું વિચારતી હતી કે એવું તો તે શું જુએ છે, જે હું નથી જોઈ શકતી, તે એવું શું સમજે છે, જે હું નથી સમજી શકતી.”
“ધીમે ધીમે મને ખ્યાલ આવ્યો કે હું તેમના માટે શું કરું છું તેનું મહત્ત્વ નહોતું. તે દુનિયાને કઈ દૃષ્ટિથી જુએ છે તે જ મહત્ત્વનું હતું."
બૉસની આત્મશ્લાઘાની આદતથી માત્ર બોરિસેન્કો પરેશાન થઈ હતી તેવું નહોતું.
ઑફિસના બીજા લોકોને પણ પરેશાની થઈ રહી હતી.
જોકે તેઓ બૉસની નબળાઈ સમજવાના બદલે એકબીજાના દુશ્મનો થઈ ગયા હતા.
સ્થિતિ બદલવા માટે કશું કરી શકાતું નથી તેના કારણે પણ સૌ અકળાવા લાગ્યા હતા.
તેના કારણે વળી બૉસને ખુશ રાખવાની સ્પર્ધા તે બધાની વચ્ચે શરૂ થઈ ગઈ હતી.
વિશ્વાસથી બને છે કૅરિયર
ઇમેજ સ્રોત, Getty Images
આત્મશ્લાઘા કરનારા સાથે કામ કરવાનું મુશ્કેલ લાગતું હશે, પરંતુ સંશોધનો કંઈક જુદી જ વાત જણાવી રહ્યા છે.
સ્વપ્રેમી લોકો પોતાના કરિયરમાં વધારે સફળ થાય છે.
તેઓ કંપની માટે કામની વ્યક્તિ હોય છે. પણ સવાલ એ છે કે કેવી રીતે?
નાર્સિસિસ્ટ સહેલાઈથી હાર માનતા નથી. નિષ્ફળતા છતાં તેઓ સતત પ્રયત્નો કરતા રહે છે.
તેઓ જુઠ્ઠું બોલતા હોય છે, વાતો ઉપજાવી કાઢતા હોય છે, પણ પોતાના લક્ષ્યથી ધ્યાન હટવા દેતા નથી.
ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના માનસશાસ્ત્રી ડૉક્ટર ટિમ જજે ઑફિસના કામકાજમાં નાર્સિસિસ્ટ લોકોની શું અસર થાય છે તેનો અભ્યાસ કર્યો છે.
આત્મશ્લાઘા કરનારા લોકોમાં એવી કેટલીક ખૂબીઓ હોય છે, જે તેમને બૉસની ખુરશી સુધી પહોંચાડી દે છે.
"તે લોકોને કરિશ્મા ધરાવતી વ્યક્તિ બનવાનું ગમતું હોય છે. તેઓ મુશ્કેલ સ્થિતિમાં પણ નેતૃત્ત્વ સંભાળી લે છે. જરૂર પડે ત્યારે તે લોકો જોખમ ઊઠાવતા હોય છે. કોઈ પણ કંપનીને મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે આ બધા ગુણો હોવા જરૂરી હોય છે."
સવાલ એ છે કે શું વ્યક્તિ જન્મજાત સ્વપ્રેમી હોય છે કે પછી સમય સાથે વ્યક્તિ તેવી બનતી હોય છે? ટિમ જજ કહે છે કે બંને શક્ય છે.
કેટલાક લોકો જન્મથી જ આત્મમુગ્ધ હોય છે.
કેટલાક લોકો ઉછેરના કારણે, આર્થિક સધ્ધરતાને કારણે કે ઑફિસમાં સ્થિતિને કારણે સ્વપ્રેમી બની જતા હોય છે.
સામાજિક અને આર્થિક રીતે ઊંચો દરજ્જો ધરાવતા કુટુંબનાં બાળકો ઘમંડી થઈ જાય છે.
લાડકોડથી ઉછેરના કારણે તેમનો અહંકાર પોષાય છે. તેના કારણે આવા લોકો નાર્સિસિસ્ટ થઈ જાય છે.
મોટા નેતાઓનાં ગુણ
ઇમેજ સ્રોત, Getty Images
આત્મમુગ્ધતા એ એક પ્રકારની મનોવિકૃતિ છે, પણ ઘણા પ્રસિદ્ધ લોકોમાં પણ તેવી વૃત્તિ જોવા મળતી હોય છે.
ટિમ જજ કહે છે, "પડકારો સામે લડનારા અને પરિવર્તન લાવનારા નેતાઓમાં ઘણી વાર આત્મમુગ્ધતા જોવા મળતી હોય છે. અમેરિકાના ઘણા કરિશ્મા ધરાવતા પ્રમુખો નાર્સિસિસ્ટ હતા." જ્હૉન એફ. કેનેડી અને રોનાલ્ડ રેગન તેના ઉદાહરણો છે.
સવાલ એ છે કે સ્વપ્રેમી અને આત્મશ્લાઘા કરનારા લોકો કૅરિયરમાં સફળતા મેળવે છે ખરા? ડૉક્ટર ટિમ જજ આ સવાલનો જવાબ પણ ‘હા’માં આપે છે.
તેઓ કહે છે, "તે લોકો બહુ ફોકસથી કામ કરી શકે છે. તેઓ બીજાનું નહીં, પણ પોતાની જરૂરિયાતોનું જ ધ્યાન રાખે છે. આ ફોકસના કારણે જ તેમને સફળતા મળે છે. તેનાથી તેમને પૈસા પણ મળે છે અને સન્માન પણ મળે છે."
તમે રોકાણકાર પાસેથી રોકાણ ઇચ્છતા હો અથવા કોઈ ગ્રાહક તમને પૈસા આપે તેમ ઇચ્છતા હો તો તે માટે જરૂરી છે કે તમને ખુદ પર ભરોસો હોય.
ઇમેજ સ્રોત, Getty Images
ક્યારેક પરિજનોમાં થી આ લક્ષણ બાળકોમાં આવે છે
ફક્ત એ ધ્યાન રાખવાની જરૂર હોય છે કે આ વિશ્વાસ ભ્રમમાં ના બદલાઈ જાય.
કૅલિફોર્નિયાની હાસ બિઝનેસ સ્કૂલમાં લીડરશીપના પ્રોફેસર તરીકે કામ કરતા ડૉન મૂર કહે છે કે અતિ આત્મવિશ્વાસને કારણે ઘણા જોખમો ઊભા થાય છે.
પોતાની ક્ષમતા વિશે ખોટી ધારણા બાંધી લેવાની મૂર્ખતાને કારણે ઘણી બધી ભૂલો થઈ શકે છે.
તો પછી અતિ આત્મવિશ્વાસ ધરાવતા લોકોની સફળતાનું રહસ્ય શું છે?
મૂર કહે છે, "આત્મવિશ્વાસથી ચમકતા ચહેરા પર લોકો વિશ્વાસ મૂકે છે. લોકો તેમના ચાહક બની જાય છે. ચાહકો આત્મશ્લાઘા કરનારાને પ્રોત્સાહિત કરતા હોય છે."
નસીબને કારણે આવે છે અહંકાર
ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ
નોકરીમાં પ્રમોશન માટે કે કાંતો તમારી પાસે લાયકાત હોવી જોઈએ અને નહીં તો પછી તમારું નસીબ સારું હોવું જોઈએ.
મૂર કહે છે, "સારા નસીબને કારણે કશુંક હાંસલ થાય ત્યારે તે પોતાની આવડતના કારણે મળ્યું છે એમ માની લેવાની ભૂલ સહેલાઈથી થઈ જતી હોય છે. તે પછી તમે એવું માનવા લાગો છો કો તમે જે છો, તેના કરતાંય વધુ હોંશિયાર છો."
ઓછો આત્મવિશ્વાસ તેનાથી પણ વધુ નુકસાનકારક છે. તેના કારણે વ્યક્તિ પોતે કોઈ કામની નથી તેમ માનવા લાગે છે.
જરૂરી છે કે આપણે ખુદને ઓળખી લઈએ. પોતાની ખૂબીઓ સાથે નબળાઈઓ કઈ છે તેની પણ જાણ હોવી જોઈએ.
મૂર કહે છે, "ખુદ પર ભરોસો હોવો જોઈએ. આત્મમુગ્ધ લોકો પાસેથી પણ એક પાઠ શીખવા જેવો હોય છે. ખુદ પર વિશ્વાસ રાખવાનો પાઠ."
કાર્લિન બોરિસેન્કોના જણાવ્યા અનુસાર નાર્સિસિસ્ટ લોકો પોતે જ્યાં પહોંચવા માગતા હોય ત્યાં પહોંચવાનો માર્ગ બનાવી લેતા હોય છે.
ઘણી વાર તે લોકો પરિવર્તન માટેના ઉદ્દીપક તરીકે કામ કરતા હોય છે.
"અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ વાતનું ઉત્તમ ઉદાહરણ છે. તેમને પૂરી ખાતરી હતી કે પોતે પ્રમુખ બનશે. અને તેના કારણે જ તેઓ પ્રમુખ બની શક્યા. તેમને આવો આત્મવિશ્વાસ ના હોત કદાચ ક્યારેય તે શક્ય ના બન્યું હોત."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો