ભારતીય લોકો થાઇલૅન્ડ જવાનું કેમ પસંદ કરે છે?

થાઇલૅન્ડ Image copyright Getty Images

વિદેશી પર્યટન ક્ષેત્રમાંથી પૈસા કમાવાની બાબતમાં થાઇલૅન્ડ ફ્રાન્સને પાછળ પાડીને ત્રીજા ક્રમે આવી ગયું છે. ફાઇનાન્સિયલ ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે થાઇલૅન્ડની આ સફળતા પાછળ ભારત જવાબદાર છે.

2017માં થાઇલૅન્ડને પર્યટન ક્ષેત્રથી 58 અબજ રૂપિયાની આવક થઈ. આ વર્ષે 3.5 કરોડ પર્યટકો થાઇલૅન્ડ આવ્યા હતા.

જો આ જ ગતિ રહેશે તો પાંચ વર્ષમાં થાઇલૅન્ડ સ્પેનને પાછળ છોડીને બીજા ક્રમે આવી જશે અને પછી માત્ર અમેરિકા જ થાઇલૅન્ડથી આગળ હશે. પર્યટન ઉદ્યોગ થાઇલૅન્ડ માટે સૌથી લાભકારક સાબિત થઈ રહ્યું છે.

Image copyright Getty Images

ફાઇનાન્સિયલ ટાઇમ્સનું કહેવું છે કે જો પર્યટન ઉદ્યોગને કાઢી નાંખીએ તો તેમની અર્થવ્યવસ્થા 3.3 ટકાના દરે જ આગળ વધી હોત.

2018ના પહેલાં છ મહિનાઓમાં થાઇલૅન્ડની જીડીપીમાં પર્યટન ઉદ્યોગનું યોગદાન 12.4 ટકા હતું.

આ થાઇલૅન્ડની ઑટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી જેટલું જ છે. ધ વર્લ્ડ ટ્રાવેલ ઍન્ડ ટૂરિઝમ કાઉન્સિલનો અંદાજ છે કે થાઇલૅન્ડની જીડીપીમાં સ્થાનિક અને વિદેશી પર્યટનનું યોગદાન 21.2 ટકા હતું.

થાઇલૅન્ડના પર્યટન ક્ષેત્રે થયેલા વધારા પાછળ ભારત છે. ભારત બાદ ચીનનું પણ યોગદાન મહત્ત્વનું છે.

ચીનનાં કેટલાક ઍરપૉર્ટ એવાં છે કે જ્યાંથી થાઇલૅન્ડ જતાં ત્રણથી ચાર કલાક જેટલો જ સમય લાગે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ગયા વર્ષે 14 લાખ ભારતીયો થાઇલૅન્ડ ગયા હતા અને આ સંખ્યા અગાઉના વર્ષની તુલનામાં 18.2 ટકા વધારે છે.

વર્ષ 2010થી થાઇલૅન્ડ જતા ભારતીયોની સંખ્યામાં દર વર્ષે 10 ટકાનો વધારો થયો છે.

થાઇલૅન્ડ આવતા પર્યટકોની સંખ્યામાં ભારત પાંચમા ક્રમે હતું, જ્યારે 2013માં સાતમા નંબરે હતું.


થાઇલૅન્ડ ભારતીયોને આટલું કેમ ગમે છે?

Image copyright Getty Images

નવી દિલ્હીથી થાઇલૅન્ડની રાજધાની બૅંગકૉક જતા ચારથી પાંચ કલાક જેટલો સમય લાગે છે. જે ભારતીય લોકો દેશમાં ફ્લાઇટની મદદથી મુસાફરી કરે છે એ લોકો માટે બૅંગકૉકનું ભાડું વધારે નથી.

આજની તારીખમાં આઠ થી દસ હજાર રૂપિયા ભાડું ખર્ચીને બૅંગકૉક પહોંચી શકાય છે.

થાઇલૅન્ડ સુંદર બીચ માટે જાણીતું છે. થાઇલૅન્ડના બીચની સુંદરતા વિશ્વના પર્યટકોને આકર્ષે છે. ભારતીયો માટે થાઇલૅન્ડથી સુંદર બીચ નજીકમાં કોઈ નથી.

નજીક અને સોંઘું હોવાના કારણે પણ ભારતીય લોકોને થાઇલૅન્ડ ગમે છે. ભારતનો મધ્યમ વર્ગ યુરોપની મુસાફરીનો ખર્ચ ઉપાડી શકતો નથી, એવામાં થાઇલૅન્ડ એક મજબૂત વિકલ્પ તરીકે સામે આવે છે.

ભારત સાથે થાઇલૅન્ડનો સાંસ્કૃતિક સંબંધ પણ છે. થાઇલૅન્ડના લોકો બૌદ્ધ ધર્મનું પાલન કરે છે. આ સંદર્ભે ભારત થાઇલૅન્ડ માટે કોઈ અજાણ્યો દેશ નથી.

Image copyright Getty Images

દક્ષિણ-પૂર્વ એશિયામાં પ્રવેશવા માટે થાઇલૅન્ડ મુખ્ય દેશ છે. થાઇલૅન્ડ થઈને તમે આખા ઉપદ્વીપમાં મુસાફરી કરી શકો છો. જુલાઈમાં થાઇલૅન્ડ જતા ભારતીય લોકોની મોટી સંખ્યા હોય છે.

ભારતીય લોકોમાં સામાન્ય રીતે બ્લૂ પાણી અને દરિયા કિનારાની સફેદ રેતીનો મોહ જોવા મળે છે. ભારતીય લોકો માટે થાઇલૅન્ડના વીઝા મેળવવા પણ સરળ છે.

એટલી હદ સુધી કે થાઇલૅન્ડના વીઝા માટે ઑનલાઇન પણ અરજી કરી શકાય છે.

ભારતમાં અસહ્ય ગરમી હોય છે જ્યારે થાઇલૅન્ડનું વાતાવરણ પ્રમાણમાં વધારે અનુકૂળ આવે એવું હોય છે. થાઇલૅન્ડમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી સુધી જાય છે.

થાઇલૅન્ડના ચટાકેદાર સ્ટ્રીટ ફૂડ પણ ભારતીયો પસંદ કરે છે. ભારતીય લોકો થાઇલૅન્ડ જઈને આઈસ્ક્રીમ અને સીફૂડ ખાવાનું પસંદ કરે છે. બૅંગકૉકમાં ઘણાં વિશાળ બુદ્ધ મંદિરો આવેલા છે.

Image copyright KHAO LAK EXPLORER

થાઇલૅન્ડ ટૂરિસ્ટ વેબસાઇટનું કહેવું છે કે સેક્સની ઇચ્છા ધરાવતા ભારતીયો પણ અહીં મોટી સંખ્યામાં આવે છે.

આ વેબસાઇટ પ્રમાણે ભારત અને અરબના પુરુષોની છાપ થાઇલૅન્ડમાં બહુ સારી નથી.

જોકે થાઇલૅન્ડમાં ઘણા ભારતીય પુરુષોની એવી પણ છાપ છે કે ગરીબ દેશમાંથી છે એટલે તેઓ વધારે પૈસા લઈને આવતા નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ