સાઉથૈમ્પટન ટેસ્ટ મૅચમાં ઇંગ્લૅન્ડ સામે કેમ ન જીતી શક્યું ભારત?

કોહલીની તસવીર Image copyright Reuters
ફોટો લાઈન ચોથી ટેસ્ટ મેચમાં કોહલીએ અનેક વ્યક્તિગત સિદ્ધિઓ મેળવી, પરંતુ ટીમને સફળતા ન મળી

વિશ્વની નંબર વન ટેસ્ટ ટીમ ભારત પાસે ઇંગ્લૅન્ડ સામે સાઉથૈમ્પટન ટેસ્ટમાં ઇતિહાસ રચવાનો મોકો હતો.

માત્ર ચાર દિવસ રમાયેલી ચોથી ટેસ્ટ મૅચમાં અઢી દિવસ સુધી ભારતીય ટીમની મૅચ પર પકડ હતી.

જોકે, ઇંગ્લૅન્ડે પ્રથમ ઇનિંગમાં પાછળ રહી ગયા બાદ જોરદાર વાપસી કરી અને ભારત માટે સિરીઝમાં વાપસીની તક પર પૂર્ણવિરામ મૂકી દીધું.

જો ભારતીય ટીમ આ મૅચમાં જીત હાંસલ કરી હોત, તો સિરીઝ 2-2થી બરાબર થઈ હોત અને અંતિમ મૅચ નિર્ણાયક બની રહેત.

જોકે, ઇંગ્લૅન્ડે હવે 3-1ની અજેય લીડ હાંસલ કરી લીધી છે, જેથી ભારત માટે સિરીઝમાં જીત મળવાની કોઈ શક્યતા રહી નથી.

ભારતના કપ્તાન વિરાટ કોહલીએ આ મૅચમાં ઘણી વ્યક્તિગત ઉપલબ્ધિઓ મેળવી. તેમણે સિરીઝમાં પાંચસો રન પુરા કર્યા અને કપ્તાન તરીકે ટેસ્ટ મૅચમાં ચાર હજાર રન બનાવનારા તેઓ પહેલા ભારતીય ક્રિકેટર બન્યા.

આ તમામ ઉપલબ્ધિઓ હાથમાં રહેલી મૅચ ભારત હારી જતાં દબાઈ ગઈ.

તમે આ વાંચ્યું કે નહીં?

કોહલીએ આ જીતનો શ્રેય ઇંગ્લૅન્ડના સારા પ્રદર્શનને આપ્યો, પરંતુ આ ટેસ્ટમાં હાર માટે ભારતીય ટીમની કેટલીક ભૂલો જવાબદાર હતી.


મોઇન અલીનો ડર

Image copyright ALLSPORT/GETTY IMAGES
ફોટો લાઈન મોઇન અલી મેન ઑફ ધ મેચ જાહેર થયા

પ્લૅઇંગ ઇલેવનમાં વાપસીને યાદગાર બનાવનારા મોઇન અલીનો ડર ભારતીય બૅટ્સમૅન પર જોવા મળ્યો.

ભારતીય બૅટ્સમૅનને ભલે વિશ્વમાં સ્પિનર સામે સારું પ્રદર્શન કરનારા માનવામાં આવતા હોય, પરંતુ આ મૅચમાં તેઓ તેમની છાપ પ્રમાણેનું પ્રદર્શન કરી શક્યા નહીં.

મોઇન અલીએ પહેલી ઇનિંગમાં 63 રન આપીને પાંચ અને બીજા દાવમાં 71 રન આપીને ચાર વિકેટો લીધી.

જેમાં કપ્તાન કોહલી (58 રન) અને અજિંક્યા રહાણે (51 રન)ની વિકેટ પણ સામેલ છે.

મૅન ઑફ ધ મૅચ મોઇન અલીએ આ પીચ પર નવ વિકેટ લીધી, જ્યાં ભારતીય સ્ટાર સ્પિનર અશ્વિન માત્ર ત્રણ વિકેટ લઈ શક્યા.

ઇંગ્લૅન્ડના કપ્તાન જો રૂટે મોઇનના વખાણ કરતાં કહ્યું, "આજે મેં તેને ઇંગ્લૅન્ડ માટે સર્વશ્રેષ્ઠ બૉલિંગ કરતાં જોયો હતો."


પકડ ઢીલી થવા દીધી

Image copyright AFP/GETTY IMAGES

ભારતીય બૉલરોએ ઇંગ્લૅન્ડને દબાવમાં લીધા બાદ પકડ ઢીલી કરી દીધી અને ટીમે તેનું નુકસાન વેઠવું પડ્યું.

ઇંગ્લૅન્ડે પ્રથમ ઇનિંગ્ઝમાં માત્ર 86 રને છ વિકેટ ગુમાવી દીધી હતી.

જે બાદ ભારતીય બૉલરોએ ઇંગ્લૅન્ડની છેલ્લી ચાર વિકેટ લેવામાં 160 રન આપી દીધા અને ઇંગ્લૅન્ડની ટીમ 246ના સન્માનજનક સ્કૉર સુધી પહોંચી ગઈ.

આ પ્રમાણે જ બીજી ઇનિંગ્ઝમાં ઇંગ્લૅન્ડે 92 રન પર પ્રથમ ચાર વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ તે બાદ ઇંગ્લૅન્ડ 271 રન બનાવવામાં કામયાબ રહ્યું હતું.

ભારતીય બૉલર્સ બંને ઇનિંગ્ઝમાં સૈમ કરનને રોકવાની ફૉર્મ્યૂલા શોધી શક્યા નહીં.

કરને પ્રથમ ઇનિંગ્ઝમાં 78 તથા બીજી ઇનિંગ્ઝમાં 46 રન બનાવ્યા. ભારતના કપ્તાન કોહલીએ પણ કરનના વખાણ કર્યાં હતાં.

બૅટ્સમૅનોનું નબળું પ્રદર્શન

Image copyright Reuters

સાઉથૈમ્પટનમાં ભારત માત્ર ત્રણ બૅટ્સમૅનની ટીમ નજરે પડી. પ્રથમ ઇનિંગ્ઝમાં ચેતેશ્વર પૂજારા (અણનમ 132 રન) અને કોહલીએ (46 રન) બનાવ્યા.

જ્યારે બીજી ઇનિંગ્ઝમાં કપ્તાન કોહલી અને અજિંક્યા રહાણે પીચ પર ઊભા રહેવાનો દમ બતાવી શક્યા હતા.

ઑપનર્સની નિષ્ફળતા ભારતીય કપ્તાનને પણ ખૂંચી અને તેમણે મૅચની હાર માટે તેને પણ એક કારણ ગણાવ્યું હતું.

ઋષભ પંત અને ઑલરાઉન્ડર તરીકે ઓળખાતા હાર્દિક પંડ્યા તેમના પર મૂકવામાં આવેલા ભરોસા મુજબ પ્રદર્શન કરી શક્યા નહીં.


પસંદગીમાં ખામી

Image copyright ALLSPORT/GETTY IMAGES

ભારતીય બૅટ્સમૅનો સ્પિન વિરુદ્ધ ખૂબ મજબૂત ગણાય છે. તેમ છતાં ઇંગ્લૅન્ડે પીચનો સારી રીતે અભ્યાસ કર્યો અને બે સ્પિનરો મોઇન અલી અને આદિલ રાશિદને ટીમમાં સ્થાન આપ્યું.

જ્યારે ભારતીય ટીમ એક સ્પીનર અશ્વિન સાથે મેદાનમાં ઊતરી હતી. અશ્વિન પણ ખાસ કંઈ કમાલ કરી શક્યા નહીં.

રવિન્દ્ર જાડેજાને બદલે પસંદ કરાયેલા હાર્દિક પંડ્યા માત્ર એક વિકેટ લઈ શક્યા અને બૅટિંગમાં સદંતર નિષ્ફળ ગયા.


ખૂંચશે આ હાર

Image copyright Reuters

રૅન્કિંગની રીતે જોઈએ તો ભારતીય ટીમ સિરીઝ શરૂ થતાં પહેલાં મેજબાન ટીમ કરતાં વધારે મજબૂત દેખાતી હતી.

જોકે, બર્મિંઘમમાં રમાયેલા પહેલા ટેસ્ટ મૅચમાં ઇંગ્લૅન્ડે ભારતની ભૂલોનો ફાયદો ઉઠાવ્યો અને રસાકસી ભર્યો મૅચ 31 રનથી જીતી લીધો.

લૉર્ડસમાં રમાયેલા બીજા મૅચમાં મેજબાન ટીમ પૂરેપૂરી હાવી રહી. ઇંગ્લૅન્ડે એક ઇનિંગ્ઝ અને 159 રનથી જીત હાંસલ કરી.

ત્રીજા ટેસ્ટમાં ભારતે વાપસી કરી અને ઇંગ્લૅન્ડને 203 રનથી હરાવ્યું.

ચોથા ટેસ્ટમાં ભારત પાસે સિરીઝ બરાબર કરવાનો મોકો હતો, પરંતુ ઇંગ્લૅન્ડે પ્રથમ ઇનિંગ્ઝમાં પાછળ રહ્યા બાદ પણ દમદાર વાપસી કરી અને મૅચ 60 રનથી જીતી લીધો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ