કેન્યામાં કેમ જોરશોરથી ફૂંકાઈ રહ્યો છે શુગર ડેડીનો વાયરો?

પ્રતિકાત્મક તસ્વીર

દુનિયાના અનેક દેશોમાં ધનવાન તથા સંપન્ન લોકોમાં શુગર ડેડી બનવાનું ચલણ છે. શુગર ડેડીનો અર્થ શું થાય એ સમજવું એટલું મુશ્કેલ નથી.

વાસ્તવમાં જુવાન છોકરીઓ તેમના એશઆરામ તથા સુખ-સુવિધા માટેના પૈસાની વ્યવસ્થા કરી આપે તેવા ડેડી એટલે કે પિતા જેટલી ઉંમરના પુરુષને શોધી લે છે અને તેમની સાથે સમય પસાર કરે છે. એ હોય છે શુગર ડેડી.

શુગર ડેડી બનવાના ચલણે આજકાલ કેન્યાને તેની લપેટમાં લીધું છે.

આ પ્રવાહને સેક્સના બિઝનેસનું નવું સ્વરૂપ પણ કહેવામાં આવી રહ્યો છે, પરંતુ પાયાનો ફરક શું છે એ જાણતાં પહેલાં ઈવાને મળી લો.

નૈરોબીની ઍવિએશન કોલેજમાં અભ્યાસ કરતી 19 વર્ષની ઈવા તેના નાનકડા ઓરડામાં બેચેન દેખાય છે. તેની પાસે માત્ર 100 કેન્યન શીલિંગ (કેન્યાનું ચલણ) છે અને તેને તેના આગામી દિવસોના ખર્ચની ચિંતા થઈ રહી છે.

ઈવા તૈયાર થઈને બહાર નીકળે છે અને બસ મારફત સિટી સેન્ટર પહોંચે છે. ઈવા તેની સાથે સેક્સ માણવા ઇચ્છતા પુરુષને ત્યાં શોધે છે.

દસ જ મિનિટમાં તેને એવો પુરુષ મળી જાય છે, જે સેક્સના બદલામાં 1000 કેન્યન શિલિંગ આપવા તૈયાર છે.

શુગર ડેડી શા માટે?

શિરોનું જીવન ઈવાથી તદ્દન ઉલટું છે. શિરો છ વર્ષ પહેલાં યુનિવર્સિટીમાં ભણતી હતી. એ વખતે તેની વય 18-19ની વર્ષની હશે.

એ વખતે શિરો એક પુરુષને મળી હતી, જે તેનાથી વયમાં 40 વર્ષ મોટો હતો. પહેલી મુલાકાતમાં તે પુરુષે શિરોને કેટલીક ગિફ્ટ આપી હતી.

એ પુરુષ શિરોને પછી સલૂનમાં લઈ ગયો હતો. બે વર્ષના સંબંધ બાદ એ પુરુષે શિરોને એક સારો ઍપાર્ટમૅન્ટ ખરીદી આપ્યો હતો. ચાર વર્ષમાં એ પુરુષે શિરો માટે નિયારી કાઉન્ટીમાં જમીન ખરીદી હતી.

આ બધાના બદલામાં પુરુષ જ્યારે ઇચ્છે ત્યારે શિરો સાથે સેક્સ માણે છે.

હવે તમે સમજી ગયા હશો કે શિરોએ પોતાના માટે એક શુગર ડેડી શોધી લીધો છે.

કેન્યાના સમાજમાં શિરો જેવી છોકરીઓની સંખ્યા વધી રહી છે. એવી છોકરીઓ સોશિયલ પ્લેટફોર્મ્સથી માંડીને બાર, રેસ્ટોરાં તમામ ઠેકાણે જોવા મળી રહી છે.

નૈરોબી યુનિવર્સિટીમાં ભણતી સિલાસ નયાનચાવની કહે છે, "દર શુક્રવારે રાતે યુનિવર્સિટી હોસ્ટેલની બહાર બધાની કાર આવે છે. પ્રધાનો, નેતાઓ બધાના ડ્રાઇવર અહીં આવીને જુવાન છોકરીઓને લઈ જાય છે."

કેટલી છોકરીઓ શુગર રિલેશનમાં છે તે જાણી શકાય એવો કોઈ સત્તાવાર આંકડો હજુ બહાર આવ્યો નથી, પણ બીબીસી, આફ્રિકા માટે બોસારા સેન્ટર ફોર બિહેવ્યરલ ઇકોનોમિક્સે એક અભ્યાસ કર્યો હતો.

એ અભ્યાસમાં 18થી 24 વર્ષની 252 છોકરીઓ સામેલ થઈ હતી. એ પૈકીની 20 ટકા છોકરીઓએ શુગર ડેડી બનાવ્યા હતા. જુવાન છોકરીઓ માને છે કે તેમના પૈકીની લગભગ 24 ટકા છોકરીઓ શુગર ડેડી ધરાવે છે.

સમાજમાં પરિવર્તનનો સંકેત

ઇમેજ કૅપ્શન,

20 વર્ષની જેન બબ્બે પુરુષો સાથે શુગર રિલેશનશિપમાં છે.

આ સેમ્પલ સાઈઝ બહુ નાની છે, પણ તેમાંથી કેન્યાના સમાજમાં પરિવર્તનનો સંકેત જરૂર મળે છે.

બીજી એક છોકરી છે જેન. 20 વર્ષની જેને પોતાના માટે બબ્બે શુગર ડેડી શોધી લીધા છે. ગ્રૅજ્યુએશન કરી રહેલી જેન જણાવે છે કે ટોમ અને જેફ નામના શુગર ડેડી સાથે તેને અલગ-અલગ સંબંધ છે.

જેન કહે છે, "તેઓ મદદ કરે છે, પણ હંમેશા સેક્સના બદલામાં નહીં. ઘણીવાર તેમને વાત કરવા માટે કે સાથે રહેવા માટે કોઈની કંપની પણ જોઈતી હોય છે."

જેનના જણાવ્યા મુજબ, તેણે આર્થિક સલામતી માટે આ નિર્ણય કર્યો હતો, જેથી એ તેની નાની બહેનોને મદદ કરી શકે.

આવી જ છોકરીઓની કથા નૈરોબી ડાયરી નામના રિયલિટી ટેલિવિઝન શોમાં દર્શાવવામાં આવી રહી છે.

મોજની જિંદગીની મજા

ઇમેજ કૅપ્શન,

25 વર્ષની ગ્રેસ સિંગર તરીકે કારકિર્દી બનાવવા ઇચ્છે છે

બ્રિજેટ પણ જેન જેવી જ છે. બ્રિજેટ નૈરોબીના ઝૂંપડપટ્ટી વિસ્તાર કાઈબેરામાં રહે છે. તે અગાઉ લોકોના ઘરમાં કામ કરતી હતી, પણ હવે સોશિયલ મીડિયા પર તેનો ડંકો વાગે છે.

બ્રિજેટે પોતાનો એક સેક્સી વીડિયો શૂટ કર્યો એ પછી તેને ફોલો કરતા લોકોના પ્રમાણમાં મોટો વધારો થયો છે.

આટલું જ નહીં, શુગર રિલેશન પછી બ્રિજેટની દુનિયા સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. તેની પાસે તમામ મોંઘી બ્રાન્ડ્ઝનાં કપડાં અને બૅગ્ઝ છે. બ્રિજેટના જણાવ્યા મુજબ, એ મોજની જિંદગીની મજા માણવા ઇચ્છતી હતી.

25 વર્ષની ગ્રેસનો પણ આવી છોકરીઓમાં સમાવેશ થાય છે. ઉત્તર નૈરોબીમાં રહેતી ગ્રેસ સિંગલ મધર છે. તેનું સપનું ગાયિકા બનવાનું છે.

ગ્રેસ નાઇટ ક્લબમાં ગાયિકાનું કામ કરે છે. તેથી એ એવા પુરુષ સાથે સંબંધ બાંધવા ઇચ્છે છે, જે તેને કૅરિયર બનાવવામાં મદદ કરી શકે.

જોકે, શુગર ડેડીના ચલણ સામે લોકો આકરા સવાલ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે આ સંસ્કૃતિથી મહિલાઓનું સશક્તિકરણ નહીં થાય, પરંતુ મહિલાના શરીરનો ઉપયોગ પુરુષો માત્ર આનંદ માટે કરે એવા પ્રવાહને પ્રોત્સાહન મળશે.

બીજી તરફ નારીવાદી ચિંતક ઓયંગા પાલા એવું માને છે કે આફ્રિકામાં મહિલાઓના સ્વાતંત્ર્યનો મુદ્દો જોર પકડી રહ્યો છે ત્યારે જે લોકો સેક્સ્યુઅલી ઍક્ટિવ છે તેમને તો આ ચલણથી લાઇસન્સ મળી રહ્યું છે.

(ઝિમ્બાબ્વેનાં પત્રકાર અને ફિલ્મકાર નાયડા કડાનડારાની આ સ્ટોરી બીબીસી માટે છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો