સમલૈંગિક સેક્સ બદલ મહિલાઓને મારવામાં આવ્યા સોટીના ફટકા

ઇમેજ સ્રોત, Getty Images
બે મહિલાઓને સમલૈંગિક સેક્સના પ્રયાસ બદલ મલેશિયાની એક ધાર્મિક અદાલતમાં દોષી ઠરાવ્યા બાદ તેમને નેતરની સોટી વડે ફટકારવામાં આવી હતી.
22 અને 32 વર્ષની બે મુસ્લિમ મહિલાઓને ત્રિંગાનુ રાજ્યની શરિયા હાઈકોર્ટમાં છ વખત નેતરની સોટીના ફટકા મારવામાં આવ્યા હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ત્રિંગાનુમાં સમલૈંગિક સેક્સ માટે કોઈને દોષી ઠરાવવામાં આવ્યા હોય અને જાહેરમાં નેતરની સોટી વડે ફટકારવામાં આવ્યા હોય તેવી આ પહેલી ઘટના છે.
મલેશિયામાં સમલૈંગિક પ્રવૃત્તિઓ પર ધાર્મિક તથા ધર્મનિરપેક્ષ કાયદાઓમાં પ્રતિબંધ છે.
સ્થાનિક મીડિયા ધ સ્ટારના જણાવ્યા મુજબ, બન્ને મહિલાઓને 100 લોકોની હાજરીમાં સોટી વડે ફટકા મારવામાં આવ્યા હતા.
નિર્ણયનો વિરોધ અને બચાવ
માનવાધિકાર કાર્યકરોએ આ ઘટનાનો આકરો પ્રતિભાવ આપ્યો હતો. મલેશિયાના મહિલા અધિકારના અગ્રણી સંગઠનોએ સમાચાર એજન્સી રોયટર્સને જણાવ્યું હતું કે આ માનવ અધિકારોનું ઉલ્લંઘન છે.
મલેશિયાના એક સંગઠન મહિલા એઈડ ઓર્ગેનાઈઝેશને જણાવ્યું હતું કે બે વયસ્ક વ્યક્તિઓ વચ્ચે પારસ્પરિક સહમતીથી થતી યૌન ગતિવિધિને અપરાધના દાયરામાં લાવવી ન જોઈએ.
શું તમે આ વાંચ્યું?
ત્રિંગાનુ રાજ્ય કાર્યકારી પરિષદના એક સભ્ય સતીફલ બહરી મમટે આ નિર્ણયનો બચાવ કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે આ નિર્ણયનો હેતુ મહિલાઓને ત્રાસ આપવાનો કે જખ્મી કરવાનો ન હતો. આ નિર્ણય બધાને પાઠ ભણાવવા માટે કરવામાં આવ્યો હતો.
મામલો શું હતો?
બન્ને મહિલાઓની ઓળખ જાહેર કરવામાં આવી નથી. એ બન્નેની આ વર્ષના એપ્રિલમાં ધરપકડ કરવામાં આવી હતી.
મોટરકારમાં સમલૈંગિક સેક્સના પ્રયાસ બદલ બન્ને મહિલાઓને ગયા મહિને દોષી ઠરાવવામાં આવી હતી. તેમને ફટકા મારવાની સજા ઉપરાંત દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
બે પ્રકારના કાયદા
મલેશિયામાં શરિયા અને નાગરિક એમ બે પ્રકારની કાયદાકીય વ્યવસ્થા અમલમાં છે.
‘ધ સ્ટાર’ના જણાવ્યા મુજબ, મહિલાઓને ઇસ્લામિક કાયદા હેઠળ સોટીના ફટકા મારવામાં આવ્યા હતા. ફટકા મારવાની સજાની જોગવાઈ મલેશિયાના નાગરિક કાયદામાં નથી.
મલેશિયાને મુસ્લિમોના બાહુલ્યવાળો ઉદારમતવાદી દેશ ગણવામાં આવે છે, પણ તાજેતરનાં વર્ષોમાં ત્યાં ધાર્મિક રૂઢીચૂસ્તતા વધી છે.
આ મહિનાની શરૂઆતમાં એક પ્રધાને એલજીબીટી સમુદાય સાથે જોડાયેલી સામગ્રીને જાહેર પ્રદર્શનમાંથી હટાવવાનો આદેશ આપ્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો