આ ભીષણ આગમાં રાખ થયો 200 વર્ષનો ઇતિહાસ

Image copyright Reuters

બ્રાઝિલના પાટનગર રીયો ડી જાનેરોમાં આવેલું રાષ્ટ્રીય મ્યુઝિયમ ભીષણ આગમાં બળીને રાખ થઈ ગયું છે.

આ મ્યુઝિયમ બ્રાઝિલની વિજ્ઞાન સાથે જોડાયેલી સૌથી જૂની સંસ્થા છે.

તેમાં ઘણી દુર્લભ વસ્તુઓ સંગ્રહાયેલી હતી, જેને નુકસાન થયું હોવાના સમાચાર છે. અહીં લગભગ બે કરોડ વસ્તુઓ રાખેલી હતી.

આ મ્યુઝિયમમાં અત્યાર સુધીમાં શોધવામાં આવેલા સૌથી જૂના માનવ અવશેષો સચવાયેલા હતા, જે અમેરિકામાં મળી આવ્યા હતા.

Image copyright Reuters

એવો ભય છે કે આ તમામ વસ્તુઓ આગમાં બળીને રાખ થઈ શકે છે.

હજી સુધી આગ લાગવાના કારણોની જાણ નથી થઈ અને તેમાં કોઈના મૃત્યુના પણ સમાચાર નથી.

શું તમે આ વાંચ્યું?

આ મ્યુઝિયમ જે ઇમારતમાં હતું, તે પહેલાં એક પોર્ટુગલના શાહી પરિવારનું ઘર હતું.

આ વર્ષે જ મ્યુઝિયમને 200 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરવામાં આવી હતી.

Image copyright Reuters

આ આગ રવિવાર સાંજે મ્યુઝિયમ બંધ થઈ ગયા બાદ લાગી હતી.

બ્રાઝિલની ટીવી ચેનલ્સ પર જે દૃશ્યો દેખાડવામાં આવી રહ્યા છે, તે પરથી અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, આગ સમગ્ર ઇમારતમાં ફેલાઈ ચૂકી છે.

બ્રાઝિલના રાષ્ટ્રપતિ માઇકલ ટેમેરે ટ્વીટ કર્યું છે, "આ દિવસ તમામ બ્રાઝિલવાસીઓ માટે અત્યંત દુઃખદ છે, કારણ કે 200 વર્ષનું કામ, સંશોધન અને જ્ઞાન બધું જ નષ્ટ થઈ ગયું."

રીયોમાં હાજર અગ્નિશમન વિભાગના એક પ્રવક્તા રોબર્ટો રોબાડેએ સમાચાર સંસ્થા એપીને જણાવ્યું હતું કે, મ્યુઝિયમની નજીક પાણીના પુરવઠાની યોગ્ય સુવિધા નથી, આથી તેમણે નજીકના એક તળાવમાંથી પાણી લાવવું પડી રહ્યું છે.

રોબર્ટોએ જણાવ્યા અનુસાર સોમવાર સવાર સુધી આગ પર કાબૂ મેળવી લેવાયો હતો અને મ્યુઝિયમના કેટલાક ભાગને પૂર્ણ રીતે નષ્ટ થવાથી બચાવી લેવાયો હતો.

દક્ષિણ અમેરિકામાં ઉપસ્થિત બીબીસી સંવાદદાતા કૅટી વૉટ્સન કહે છે કે આગની સાથે માત્ર બ્રાઝિલના ઇતિહાસના કેટલાક પૃષ્ઠો જ નથી બળ્યાં.

કારણ કે આ મ્યુઝિયમને ઘણા લોકો આ શહેરની ઓળખ, એટલે સુધી કે સમગ્ર દેશની એક ઓળખ તરીકે જુએ છે.

કૅટી કહે છે, "રીયો એક સંકટ તરફ ધપી રહ્યું છે, અહીં હિંસામાં સતત વધારો થઈ રહ્યો છે. આર્થિક સ્થિતિ બગડી રહી છે અને રાજકીય ભ્રષ્ટાચાર સમગ્ર શહેરને એક ગર્તામાં ધકેલી રહ્યો છે."

વર્ષ 2016માં જ્યારે રિયોમાં ઓલિમ્પિક્સ રમતોનું આયોજન કરવામાં આવ્યું ત્યારે બ્રાઝિલે કરોડો ડૉલર્સ ખર્ચ્યા હતા. પરંતુ એ ખર્ચને કારણે રીયો પર ખૂબ જ ખરાબ અસર થઈ.

ઓલિમ્પિક્સ પૂર્ણ થયા બાદ સરકાર દ્વારા ભંડોળમાં કાપ મૂકવામાં આવ્યો, જેના પછી અહીં હિંસાની ઘટનાઓ વધી ગઈ અને પ્રવાસીઓની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો.


શું હતું આ મ્યુઝિયમમાં

પ્રાકૃતિક ઇતિહાસ અને માનવ વિજ્ઞાનથી જોડાયેલું આ મ્યુઝિયમ અમેરિકામાં બનેલાં સૌથી મોટાં મ્યુઝિયમ્સમાંથી એક છે.

અહીં લાખોની સંખ્યામાં કલાકૃતિઓ હતી, જેમાં ખનિજ પદાર્થો, બ્રાઝિલના મળેલો સૌથી મોટો ઉલ્કા પિંડ, ડાયનાસોરનાં હાડકાં અને લૂઝિયા નામની એક મહિલાનું 12 હજાર વર્ષ જૂનું હાડપિંજર સામેલ હતું.

આ ઉપરાંત મ્યુઝિયમમાં છેલ્લી કેટલીય સદીઓનો ઇતિહાસ પર સંગ્રહાયેલો હતો. તેમાં 15મી સદીમાં પોર્ટુગીઝોના આગમનથી લઈ 1889માં બ્રાઝિલ એક પ્રજાસત્તાક રાષ્ટ્ર જાહેર થયું ત્યાં સુધીનો ઇતિહાસ સચવાયેલો હતો.

અહીં પ્રી-કોલંબિયન યુગના માનવ વિજ્ઞાન સાથે જોડાયેલી ઘણી વિશિષ્ટ વસ્તુઓ પણ રાખવામાં આવી હતી.

ગ્રીકો-રોમન અને ઇજિપ્તના કાળની પણ ઘણી બધી વસ્તુઓ આ મ્યુઝિયમમાં હતી.

આ મ્યુઝિયમની સ્થાપના વર્ષ 1818માં થઈ હતી. તેનો હેતુ વિજ્ઞાન સાથે જોડાયેલા સંશોધનને પ્રોત્સાહન આપવાનો અને વિશિષ્ટ શોધોને એકઠી કરવાનો હતો.


લોકોની પ્રતિક્રિયા

Image copyright Getty Images

રીયોના સમાચાર ચેનલ ગ્લોબો ટીવીના પત્રકાર મારકેલો મોરેરાએ બીબીસીને જણાવ્યું, "આ ખૂબ જ દુઃખદ છે, આ મ્યુઝિયમનો એક જૂનો ઇતિહાસ હતો."

ગ્લોબો ચેનલને આપવામાં આવેલા ઇન્ટરવ્યૂમાં મ્યુઝિયમના ડિરેક્ટરે આ ઘટનાને "સાંસ્કૃતિક દુર્ઘટના" કહ્યું છે.

મ્યુઝિયમના એક લાયબ્રેરિયન એડસન વરગસ ડિ સિલ્વાએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે આ ઇમારતમાં લાકડામાંથી બનેલાં માળ હતા. આ ઉપરાંત એવો ઘણો સામાન હતો જેમાં આગ લાગી શકે તેમ હતી.

મ્યુઝિયમના કર્મચારીઓએ આ અગાઉ પણ ફંડ ઓછું મળતું હોવાની ફરિયાદ કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ