‘ભારતને નિશાન’ બનાવનારા જલાલુદ્દીન હક્કાનીનું લાંબી બીમારીથી મોત

ઇમેજ સ્રોત, AFP
જલાલુદ્દીન હક્કાની
અફઘાન તાલિબાનોએ જાહેરાત કરી છે કે ઉગ્રવાદી જૂથ હક્કાની નેટવર્કના સ્થાપક જલાલુદ્દીન હક્કાનીનું લાંબી બીમારી બાદ મોત થયું છે.
અફઘાનિસ્તાનમાંના ભારતીય સંસ્થાનો પરના કેટલાક હુમલા માટે હક્કાની નેટવર્કને જવાબદાર ગણવામાં આવે છે.
કાબુલમાંના ભારતીય રાજદૂતાવાસ પર 2008માં કરવામાં આવેલા હુમલામાં 58 લોકો મૃત્યુ પામ્યા હતા. આ હુમલામાં હક્કાની નેટવર્કનો હાથ હોવાનું ભારતે ભારપૂર્વક જણાવ્યું હતું.
હક્કાની નેટવર્કને અફઘાનિસ્તાનમાં ભારત ઉપરાંત અનેક દેશોના દૂતાવાસો, અફઘાનની સંસદની ઇમારત, સ્થાનિક માર્કેટ્સ અને અમેરિકાના ઘણા સૈન્ય મથકો પર હુમલા માટે જવાબદાર ગણવામાં આવે છે.
અત્રે એ નોંધવું જોઈએ કે અફઘાનિસ્તાનની સંસદની ઇમારતનું નિર્માણ ભારતના સહયોગ વડે કરવામાં આવ્યું છે.
'તાલિબાન સાથે સંબંધ'
ઇમેજ સ્રોત, Getty Images
કાબુલ સ્થિત ભારતીય દૂતાવાસ પર 2008ની સાતમી જુલાઈએ કરવામાં આવેલા હુમલામાં મૃત્યુ પામેલા લોકોના શબને કારમાંથી બહાર કાઢી રહેલા ભારતીય અને અફઘાની જવાનો.
જલાલુદ્દીન અફઘાનિસ્તાનમાં મહત્ત્વની વ્યક્તિ હતા અને તાલિબાન ઉપરાંત અલ-કાયદા સાથે પણ તેમને ગાઢ સંબંધ હતો.
કડકડાટ અરબી બોલી શકતા જલાલુદ્દીને અલ-કાયદાના ભૂતપૂર્વ વડા ઓસામા બિન લાદેન સાથે પણ ગાઢ સંબંધ બાંધ્યો હતો.
હક્કાની નેટવર્કે તાજેતરનાં વર્ષોમાં અફઘાન તથા નાટો સૈન્યોના સ્થાનકો પર સંખ્યાબંધ હુમલા કર્યા છે.
2001 પછી હક્કાની નેટવર્કનું નેતૃત્વ જલાલુદ્દીનના પુત્રને સોંપવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.
ઘણી વખત મોતની અફવા
ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનની જમાતે ઇસ્લામીના વડા કાઝી હુસૈન અહમદ(જમણે)ને જલાલુદ્દીન હક્કાની વચ્ચે 2001માં ઇસ્લામાબાદમાં મળ્યા હતા.
જલાલુદ્દીન હક્કાનીના મોત સંબંધી નિવેદનમાં તેમના મૃત્યુની તારીખ અને સ્થળનો કોઈ ઉલ્લેખ નથી.
અફઘાન તાલિબાને એક નિવેદનમાં જણાવ્યું હતું, "જલાલુદ્દીને તેમની યુવાનીમાં અલ્લાહ અને ધર્મ માટે જેમ મુસીબતોનો સામનો કર્યો હતો તેમ પાછલાં વર્ષોમાં બીમારી સામે લાંબો સંઘર્ષ કર્યો હતો."
જલાલુદ્દીન હક્કાનીના મોતની અફવાઓ અનેક વર્ષોથી સાંભળવા મળતી રહી છે.
હક્કાની નેટવર્કના નજીકના એક સૂત્રએ 2015માં બીબીસીને જણાવ્યું હતું કે જલાલુદ્દીનનું મોત એક વર્ષ પહેલાં થયું છે. જોકે, એ વાતની સચ્ચાઈની ચકાસણી ક્યારેય કરી શકાઈ ન હતી.
'હક્કાની અને લડત'
ઇમેજ સ્રોત, Getty Images
1980ના દાયકામાં અફઘાનિસ્તાનમાં સોવિયટ સૈન્ય વિરુદ્ધની ગેરીલા લડાઈ બાદ જલાલુદ્દીન હક્કાની સમાચારોમાં ચમક્યા હતા.
જલાલુદ્દીન એક જમાનામાં અમેરિકાની ગુપ્તચર એજન્સી સીઆઈએના ખાસ માણસ હતા એ વાત અમેરિકા પણ સ્વીકારે છે.
1996માં અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન આવ્યું પછી હક્કાની નેટવર્ક તેનું સહયોગી બની ગયું હતું. જલાલુદ્દીન હક્કાની તાલિબાન સરકારમાં પ્રધાન પણ હતા.
તાલિબાને તેના નિવેદનમાં જલાલુદ્દીનને 'આદર્શ યોદ્ધા' ગણાવતાં જણાવ્યું હતું કે તેઓ તેમના સમયના વિખ્યાત જેહાદી હતી.
જલાલુદ્દીને પાકિસ્તાનના દારુલ હક્કાનિયા મદરેસામાંથી તાલીમ લીધી હોવાનું માનવામાં આવે છે. એ મદરેસાને તાલિબાન સાથે ગાઢ સંબંધ હોવાનું કહેવાય છે.
2001માં અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈન્યની ઝુંબેશ પછી પાકિસ્તાન-અફઘાનિસ્તાન સીમા પર સક્રિય થયેલાં સંગઠનોમાં હક્કાની નેટવર્ક મોખરે હતું.
હક્કાની નેટવર્ક પાકિસ્તાનની સીમાની અંદરથી જ કામ કરતું હતું.
કાબુલમાં 2017માં વિસ્ફોટકોથી ભરેલા ટ્રક વડે વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. તે ઘટનામાં 150 લોકો મૃત્યુ પામ્યાં હતાં. એ માટે હક્કાની નેટવર્કને જવાબદાર માનવામાં આવે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો