આફ્રિકાના દેશોમાં ચીની રોકાણ સંબંધે કેમ વધી રહ્યો છે ‘ડર’?
- લેરી મડોવો
- બીબીસી આફ્રિકા, બિઝનેસ એડિટર

ઇમેજ સ્રોત, Reuters
ચીન પાસેથી મળનારી લોનથી આફ્રિકા ભારે ઉત્સાહિત જોવા મળી રહ્યું છે, પણ કેટલાક નિષ્ણાતોએ આ ઉપખંડ પર વધતા કરજના બોજ બાબતે ચિંતા વ્યક્ત કરી છે. તેની હકીકત ટૂંક સમયમાં જ બહાર આવશે એવું આ નિષ્ણાતોનું કહેવું છે.
ત્રણ મહિના પહેલાં ખુલ્લો મૂકાયેલો અંતેબે-કંપાલા એક્સપ્રેસ-વે યુગાન્ડાના લોકો માટે હજુ પણ આકર્ષણનું કેન્દ્ર બનેલો છે.
આ 51 કિલોમીટરનો ફોર-લેન હાઈવે દેશની રાજધાનીને અંતેબે ઇન્ટરનેશનલ એરપોર્ટ સાથે જોડે છે.
ચીની કંપનીએ 47.6 કરોડ ડૉલરના ખર્ચે બનાવેલા આ હાઈવેનાં તમામ નાણાં ચીનની ઍક્ઝિમ બૅન્કે લોન સ્વરૂપે આપ્યાં છે.
આફ્રિકાના સૌથી ખરાબ ટ્રાફિક રૂટ પૈકીનો એક રૂટ ગણાતો 51 કિલોમીટરનો આ માર્ગ કાપતાં અગાઉ પરસેવો છૂટી જતો હતો અને બે કલાક લાગતા હતા.
પૂર્વ આફ્રિકન દેશ યુગાન્ડાની રાજધાનીથી અંતેબે એરપોર્ટ જવા માટે હવે માત્ર 45 મિનિટ થાય છે.
યુગાન્ડાએ ચીનની ત્રણ અબજ ડૉલરની લોન લીધી છે. કંપાલા સ્થિત અર્થશાસ્ત્રી રામાદાન જીગૂબીના જણાવ્યા મુજબ, આફ્રિકામાં વિના શરતે લોન લેવામાં ગજબની ચાહત જોવા મળી રહી છે.
ચીની કરજનો બોજ કેટલો મોટો?
ચીને આફ્રિકામાં અનેક નવા ફોર લેન હાઈવે બનાવ્યા છે.
મેકરેરે યુનિવર્સિટી બિઝનેસ સ્કૂલના લેક્ચરરે બીબીસીને કહ્યું હતું, "આ કરજ ચીનમાંથી આવી રહ્યું છે અને તેની સાથે ચીની કંપનીઓનો મોટો બિઝનેસ પણ મળી રહ્યો છે."
"ખાસ કરીને ચીનની કન્સ્ટ્રક્શન કંપનીઓ સમગ્ર આફ્રિકામાં રેલવે, રોડ, જળવિદ્યુતના ડેમ, સ્ટેડિયમ અને કોમર્શિયલ ઇમારતોનું નિર્માણ કરી રહી છે."
આફ્રિકા ચીન પાસેથી જે કરજ લઈ રહ્યું છે તેને નહીં ચૂકવી શકવાનું જોખમ પણ વધી રહ્યું છે.
આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે એપ્રિલમાં જણાવ્યું હતું કે આ પ્રદેશમાંના ઓછી આવકવાળા 40 ટકા દેશો કરજના બોજ તળે દટાયેલા છે અને તેની સ્થિતિ અત્યંત નજીક છે.
ચાડ, ઇરિટ્રિયા, મોઝામ્બિક, કોંગો રિપબ્લિક, દક્ષિણ સુદાન અને ઝિમ્બાબ્વે કરજના બોજ તળે દટાયેલા હોવાનું કહેવાય છે. આ દેશો 2017ના અંતે જ કરજ હેઠળ દટાયેલા દેશોની શ્રેણીમાં આવી ગયા હતા.
ઝામ્બિયા અને ઇથિયોપિયા પણ કરજની જાળમાં ફસાવાની નજીક હોવાનું કહેવાય છે.
તમે આ વાંચ્યું કે નહીં?
'ચીન છે આફ્રિકાનું દોસ્ત'
સ્ટાન્ડર્ડ બૅન્ક ઑફ ચાઇનાના અર્થશાસ્ત્રી જર્મી સ્ટીવન્સે એક નોંધમાં લખ્યું હતું, "ચીની કંપનીઓએ આફ્રિકામાં માત્ર 2017માં જ 76.6 અબજ ડોલરની વિવિધ યોજનાઓના કરારો પર હસ્તાક્ષર કર્યા છે."
જર્મી સ્ટિવન્સે કહ્યું હતું, "આફ્રિકાની સરકારો માળખાગત ઢાંચાના નિર્માણમાં બહુ ઓછો ખર્ચ કરી રહી છે."
"તેનું મુખ્ય કારણ એ માટે થતો મોટો ખર્ચ અને પૂરતા નાણાંનો અભાવ છે. તેથી આ દેશો લોન મેળવવાની પાત્રતા ગૂમાવી ન દે તેવી આશંકા વધી રહી છે."
આફ્રિકામાં ચીની કંપનીઓની વકીલાત કરતા અનેક હાઈ પ્રોફાઇલ લોકો છે. તેમાં આફ્રિકન ડેવલપમૅન્ટ બૅન્ક(એડીબી)ના પ્રમુખ અને નાઇજીરિયાના ભૂતપૂર્વ કૃષિ પ્રધાન અકિનવુમી અડેસિનાનો સમાવેશ થાય છે.
તેમણે બીબીસીને કહ્યું હતું, "અનેક લોકો ચીનથી ડરેલા છે, પણ તેમાં હું નથી. હું માનું છું કે ચીન આફ્રિકાનું દોસ્ત છે."
ચીન સૌથી 'મોટું વિજેતા'
ઇમેજ સ્રોત, AFP
આફ્રિકાના માળખાકીય ઢાંચામાં મોટા દ્વિપક્ષીય રોકાણકાર તરીકે ચીન ઊભર્યું છે. ચીને આફ્રિકામાં જે પ્રમાણમાં રોકાણ કર્યું છે તેમાં એડીબી, યુરોપિયન કમિશન, ધ યુરોપિયન ઇન્વેસ્ટમૅન્ટ બૅન્ક, ધ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કૉર્પોરેશન, વર્લ્ડ બૅન્ક અને જી-8 દેશો પણ ચીનની પાછળ રહી ગયા છે.
ચીની પૈસાની અસર પણ સમગ્ર આફ્રિકામાં સ્પષ્ટ જોવા મળી રહી છે. ચમકતા નવાં એરપોર્ટ્સ, નવા માર્ગો, બંદરો અને ઉંચી ઇમારતો મોટા પ્રમાણમાં બની રહી છે. એ બધાને લીધે રોજગારનું સર્જન પણ થઈ રહ્યું છે.
મેકેન્ઝી ઍન્ડ કંપનીના એક રિપોર્ટ અનુસાર, 2012 પછી આફ્રિકા પરના કરજની રકમ ત્રણ ગણી થઈ ગઈ છે. 2015-16માં માત્ર અંગોલા પર જ 19 અબજ ડૉલરનું કરજ હતું.
આફ્રિકામાં અંગોલા અને ઝામ્બિયા ચીનના સૌથી વધુ અસંતુલિત ભાગીદાર છે.
મેકેન્ઝી ઍન્ડ કંપનીએ કહ્યું હતું, "અંગોલાની સરકાર ચીની રોકાણ અને પરિયોજનાઓના બદલામાં ક્રૂડ ઑઈલ આપે છે, પણ બજાર પ્રેરિત ચીનની ખાનગી કંપનીઓ માટે આફ્રિકાના બાકીના દેશોમાં આ પ્રકારના વિકલ્પ સીમિત છે."
ચીનના બન્ને હાથમાં લાડુ
ઇમેજ સ્રોત, Getty Images
બીજિંગમાં યોજાયેલી ફોરમ ઑ ચાઈના-આફ્રિકા કો-ઓપરેશનની શિખર પરિષદમાં જિબૂટીના રાષ્ટ્રપતિ ઇસ્માઈલ ઉમેર ગુલેહ સાથે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ
ઘાનાના ઇન્વેસ્ટમેન્ટ વિશ્લેષક માઇકલ કોટોહના જણાવ્યા મુજબ, આફ્રિકાએ ચીન સાથે વ્યાપાર, રોકાણ અને નાણાકીય પ્રબંધન સંબંધી વ્યાપક કરાર કર્યા છે.
માઇકલ કોટોહે કહ્યું હતું, "આફ્રિકાના પશ્ચિમી દેશો સાથેના કારોબારની ઐતિહાસિક સંદર્ભમાં તુલના કરીએ તો ચીન સાથેના આફ્રિકાના આ કરારો કે પરિયોજનાઓ પારસ્પરિક ફાયદાના છે."
જોકે, ચીનના બન્ને હાથમાં લાડુ છે એ વાત બધા જાણે છે. તેનું કારણ એ છે કે ચીને આફ્રિકા સાથે કરેલા કરારોમાં પોતાના હિતનું ઝીણવટપૂર્વક ધ્યાન રાખ્યું છે.
મેકેન્ઝીનું અનુમાન છે કે 2025 સુધીમાં આફ્રિકાની મહેસુલી આવક 440 અબજ ડોલર સુધી પહોંચી શકે છે. આ વાત સાથે અકિનવુમી અડેસિના પણ સહમત છે.
અકિનવુમી અડેસિનાએ કહ્યું હતું, "કરારો એકતરફી છે. તમે સુપર હાઈવે બનાવવા ઇચ્છો છો એટલે કોઈ દેશને ખનનના અધિકાર આપો છો."
"તમે માત્ર એક દેશ સાથે કરાર કર્યા છે ત્યારે એ ઉત્તમ છે એવો દાવો કઈ રીતે કરી શકાય?"
'દ્રાક્ષ ખાટી છે'
ઇમેજ સ્રોત, Getty Images
દક્ષિણ સુદાનના રાષ્ટ્રપતિ સાલ્વા કિડર મયાર્દિતને બીજિંગમાં આવકારી રહેલા શી જિનપિંગ.
અમેરિકાની માફક ચીનમાં ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ જેવો કોઈ કાયદો નથી. અમેરિકા જેવા કાયદા બાકીના જે પશ્ચિમી દેશોમાં અમલમાં છે એ મુજબ કોન્ટ્રાક્ટ મેળવવા માટે લાંચ આપવામાં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.
જોકે, નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી જોસેફ સ્ટિગ્લિટ્ઝ ચીની રોકાણ વિશેની પશ્ચિમી દેશોની ટીકાને 'ખાટી દ્રાક્ષ' ગણે છે.
તેઓ ભ્રષ્ટાચારની આશંકાને સ્વીકારે છે. તેમણે કહ્યું હતું, "પરિયોજના ચીનમાંથી આવે કે પશ્ચિમી દેશોમાંથી, બધાનું મૂલ્યાંકન તેના ખર્ચ તથા ફાયદાના માપદંડ અનુસાર થવું જોઈએ."
રામાદાન જીગૂબીના જણાવ્યા મુજબ, ચીની રોકાણ સંદર્ભે આફ્રિકામાં પર્યાવરણ સંબંધી ચિંતા પણ ઘણી મહત્ત્વની છે.
આફ્રિકામાં નિયામક સંસ્થાઓની સ્થિતિ બહુ ખરાબ છે. તેથી કોઈ પણ પ્રકારની જવાબદારી નક્કી થઈ શકતી નથી.
રોકાણ બાબતે ચેતવણી
ઇમેજ સ્રોત, Getty Images
સોમાલિયાના રાષ્ટ્રપતિ મોહમ્મદ અબ્દુલ્લાહી મોહમ્મદને બીજિંગમાં આવકારી રહેલા શી જિનપિંગ.
જોન હોપકિન્સ સ્કૂલ ઑફ એડવાન્સ્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝમાંના ચાઈના-આફ્રિકા રિસર્ચ ઇનિશિયેટિવે ચીની રોકાણ બાબતે 2015માં ચેતવણી આપી હતી.
એ રિસર્ચમાં જણાવ્યા મુજબ, "આફ્રિકન દેશો ચીનનું કરજ ચૂકવવામાં નિષ્ફળ રહે એવું બની શકે છે. તેનું કારણ એ છે કે વસ્તુઓની કિંમત અસ્થિર રહેતી હોય છે અને આફ્રિકાની સરકારો આ પરિયોજનાઓમાંથી બહુ ફાયદો પણ નહીં મેળવી શકે."
"ચીન આ પ્રદેશમાં ભલે સૌથી વધારે કરજ આપતું હોય, પણ આફ્રિકન દેશો અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી પણ કરજ લઈ રહ્યા છે. તેથી આ બાબતમાં માત્ર ચીન સામે આંગળી ચીંધવી ન જોઈએ."
ચાઇના-આફ્રિકા કૉ-ઓપરેશનની સાતમી બેઠક આ અઠવાડિયે બીજિંગમાં યોજાવાની છે. એ પહેલાંની બેઠક જોહાનિસબર્ગમાં યોજાઈ હતી અને ચીને 35 અબજ ડૉલર વિદેશી મદદ સ્વરૂપે દેવાનું વચન આપ્યું હતું.
રામાદાન જીગૂબી ઇચ્છે છે કે ચીન આફ્રિકામાં ઇન્સ્ટિટ્યૂશનની ક્ષમતાના નિર્માણમાં મદદ કરે. તેઓ ઇચ્છે છે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બને, જેનાથી નિકાસમાં વૃદ્ધિ થાય.
ચીન દ્વારા નિર્મિત ફ્રી ટ્રેડ ઝોનનું ઝિબૂટીએ ગયા મહિને ઉદઘાટન કર્યું હતું. ચીન તેની મહત્ત્વાકાંક્ષી 'વન બેલ્ટ, વન રોડ' યોજના હેઠળ વ્યાપારની જૂની રીતોને નવજીવન આપી રહ્યું છે.
તેમ છતાં, કરજનો બોજ એટલો ન વધી જાય કે તેમાંથી નીકળવાનો કોઈ રસ્તો જ ન રહે, તેવો ભય આફ્રિકામાં વધી રહ્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો