મધર ટેરેસા : એ વિદેશી મહિલા જે સમગ્ર ભારતનાં 'માતા' બની ગયા

  • રેહાન ફઝલ
  • બીબીસી સંવાદદાતા
મધર ટેરેસા

નોબેલ પુરસ્કાર વિજેતા મધર ટેરેસાની પ્રસંશા કરનારામાં સૌથી જાણીતું નામ હતું વિશ્વ બૅન્કના પ્રમુખ રૉબર્ટ મેક્નામારાનું.

વિશ્વે બૅન્ક સમગ્ર દુનિયામાં ગરીબી દૂર કરવા માટે અબજો ડૉલરની લૉન આપે છે, પરંતુ વિશ્વ બૅન્ક એ પણ જાણે છે કે દુનિયામાં બધી જ વિકાસ યોજનાઓનો આધાર આખરે માનવીય સંબંધો અને સહાનુભૂતિ પર હોય છે.

મેક્નામારા કહેતા કે, "મધર ટેરેસા નોબેલ શાંતિ પુરસ્કાર માટે સૌથી લાયક છે, કેમ કે તેઓ માનવીય મર્યાદાઓનો ભંગ કર્યા વિના શાંતિ સ્થાપનામાં માનતાં હતાં."

મધરે ટેરેસાએ નોબેલ પુરસ્કાર સમારોહ પછી યોજાતા ભોજનસમારોહને રદ કરવા અનુરોધ કર્યો હતો, જેથી તેના નાણાં બચે તે કોલકાતાના ગરીબો માટે વાપરી શકાય.

પોતાના જીવનના અંતિમ દિવસો સુધી તેઓ ગરીબ લોકોનાં શૌચાલય સ્વંય સાફ કરતાં હતાં. તેમની વાદળી રંગની કોરવાળી સાડી પણ તેઓ હંમેશા જાતે જ ધોતાં હતાં.

ભારતના ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણીકમિશનર નવીન ચાવલાએ મધર ટેરેસાની જીવનકથા લખી છે. મધર ટેરેસા સાથે તેમની પહેલી મુલાકાત 1975માં થઈ હતી. તે વખતે તેઓ દિલ્હીના ગવર્નર કિશનચંદના સચિવ તરીકે કામ કરતા હતા.

મધરે તેમની એક સંસ્થાના ઉદ્ધાટન માટે ગવર્નરને આમંત્રણ આપ્યું હતું.

નવીન ચાવલાએ બીબીસીને જણાવ્યું કે, "મેં એક બાબત નોંધી હતી કે મધર ટેરેસાની સાડી એકદમ સ્વચ્છ હતી, પણ તેમાં ઘણી જગ્યાએ રફુ કરવામાં આવેલું હતું, જેથી તે ફાટેલી ન દેખાય."

"મેં કોઈ સિસ્ટરને પૂછ્યું હતું કે મધરની સાડીમાં આટલા બધા રફુ કેમ કરેલા છે?"

"તેમણે કહ્યું કે નિયમ અનુસાર અમારી પાસે માત્ર ત્રણ જ સાડી હોવી જોઈએ."

"એક પહેરવા માટે, એક ધોવા માટે અને એક ખાસ પ્રસંગોએ પહેરવા માટે."

"મધર ટેરેસા પાસે પણ ત્રણ જ સાડી હતી. તેમણે પોતાની મરજીથી આવી રીતે ગરીબીને ઓઢી હતી, તેમની કોઈ મજબૂરી નહોતી."

મધરે ટેરેસાને નજીકથી જાણનારા કહે છે કે તેમની સાથે હેન્ડશેક કરવાથી એવી ઉષ્માનો અનુભવ થતો હતો કે તેમની સાથે જોડાયા વિના છુટકો જ ના થાય.

'હાથ મેળવતાં જ જાણે કશુંક થઈ જતું હતું'

ઇમેજ કૅપ્શન,

મધર ટેરેસા અને હિલેરી ક્લિન્ટન

સુનિતા કુમાર ભારતની ડેવિસ કપ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન અને ઉદ્યોગપતિ નરેશ કુમારનાં પત્ની છે. તેઓ કોલકાતામાં રહે છે.

તેમણે મધર ટેરેસા સાથે 35 વર્ષ કામ કર્યું હતું. મધરના અવસાન સુધી તેઓ મિશનરી ઑફ ચેરિટીઝના પ્રવક્તા તરીકે કામ કરતાં રહ્યાં હતાં.

મધર ટેરેસા સાથે પ્રથમ મુલાકાત ક્યારે થઈ તે વિશે જણાવતાં સુનિતા કુમાર કહે છે :

"મારા લગ્ન થયાં પછી એક સંતાનના જન્મ બાદ બાદ મેં વિચાર્યું હતું કે કશુંક અલગ કામ કરું. એક નારી સંસ્થામાં હું સભ્ય બની હતી. ત્યાં જ મારી મુલાકાત મધર ટેરેસા સાથે થઈ હતી."

"તેઓ અમને પેપર પૅકેજિંગ શીખવતાં હતાં, જેથી તેમાંથી એકઠા થયેલા પૈસામાંથી કોઢના દર્દીઓની દવાઓ ખરીદી શકાય."

"તેમની સાથે મારી મુલાકાત કરાવાઈ ત્યારે તેમના હેન્ડશેકમાં જ કંઈક એવું હતું કે હું તેમની સાથે જોડાઈ ગઈ."

"તેઓ બહુ મજબૂતીથી હેન્ડશેક કરતાં હતાં. ઘણા લોકોએ મને કહ્યું હતું કે તેઓ જ્યારે મધર સાથે હાથ મેળવતાં હતાં, ત્યારે તેમને કશુંક થઈ જતું હતું."

મધર ટેરેસાએ 1947માં જ ભારતનું નાગરિકત્વ સ્વીકારી લીધું હતું. તેઓ બહુ સારું બંગાળી બોલતાં હતાં.

સુનિતા કુમાર કહે છે, "મધરને ચાર કે પાંચ કલાકથી વધારે ઊંઘની જરૂર પડતી નહોતી. ખબર નહીં તેમનામાં આટલી ઊર્જા ક્યાંથી આવતી હતી."

"રાત્રે બાર વાગ્યે ફોન કરું તો પણ તેઓ જાતે જ ઉપાડતાં હતાં. ઘરમાં પણ તેઓ સાદાઈથી રહેતાં હતાં. કોઈ મંત્રી નહીં, કોઈ મદદનીશ નહીં."

સુનિતા ઉમેરે છે, "તેઓ સવારે સાડા પાંચ વાગ્યાથી પ્રાર્થના શરૂ કરતાં હતાં, જે સાડા સાત વાગ્યા સુધી ચાલતી હતી. "

"ત્યાર પછી નાસ્તો કરીને બહાર કામે નીકળી જતાં હતાં."

મધર ટેરેસાની રમૂજવૃત્તિ

નવીન ચાવલા કહે છે કે આટલું ગંભીર કાર્ય કરવા છતાં અને સતત દુઃખી અને પરેશાન લોકોની વચ્ચે રહેવાં છતાં તેમનામાં સેન્સ ઑફ હ્યુમર અકબંધ રહી હતી.

તેઓ કહે છે, "બહુ ગંભીર સ્થિતિને પણ તેઓ હળવાશથી લેતાં હતાં. તેઓ કોઈ સિસ્ટરની નિમણૂક કરતાં, ત્યારે એક જ શરત રાખતાં કે તેનામાં સેન્સ ઑફ હ્યુમર હોવી જોઈએ. તેઓ હંમેશાં રમૂજ કરતાં રહેતાં હતાં."

"કોઈ વાત બહુ હસવા જેવી લાગે ત્યારે પોતાના કમરે હાથ રાખીને હસી-હસીને બેવડ વળી જતાં હતાં."

નવીન ચાવલા કહે છે, "મેં તેમને પૂછ્યું પણ હતું કે તમે આટલું ગંભીર કામ કરો છો તો પણ કઈ રીતે હસી શકો છો? કઈ રીતે સદાય હસતા રહો છો અને જોક્સ સંભળાવી શકો છો?"

"તેમનો જવાબ હતો કે હું ગરીબ લોકો પાસે ઉદાસ ચહેરો લઈને ના જઈ શકું. મારે તેમની પાસે ખુશખુશાલ ચહેરા સાથે જ જવું પડે."

એ વાત સાચી કે મધર સદા હસતાં રહેતાં હતાં, પણ તેમને ગુસ્સો આવતો હતો ખરો?

સુનિતા કુમાર કહે છે, "જરાય નહીં. નવાઈ લાગશે કે તેઓ બહુ મક્કમ હતાં, પણ ક્યારેય ગુસ્સેથી બોલતાં નહોતાં."

"આપણે આપણા છોકરાને ખીજાતા હોઈએ છીએ, એવી રીતે તેઓ ક્યારેય કોઈને ખીજાતાં પણ નહીં."

"મેં તેમની સાથે 32 વર્ષ કાઢ્યાં હતાં, પણ મેં ક્યારેય તેમને ઊંચા અવાજે બોલતાં સાંભળ્યાં નહોતાં."

જ્યારે રઘુ રાય પર નારાજ થયા મધર ટેરેસા

જોકે ભારતના જાણીતા ફોટોગ્રાફર રઘુ રાય કહે છે કે એકવાર મધર ટેરેસા નારાજ થઈ ગયાં હતાં. જોકે તેમણે તરત જ પોતાના ગુસ્સાને કાબૂમાં લઈ લીધો હતો.

રઘુ રાયે બીબીસીને જણાવ્યું હતું કે, "મધર બહુ પ્રેમાળ હતાં. બહુ દયાળુ પણ હતાં, પણ એટલા કડક હતાં કે તમારા ધૂમાડા કાઢી નાખે. પહેલી વાર મળ્યાં ત્યારની આ વાત છે."

"સ્ટૅટ્સમૅન અખબારના ડેસમંડ લૉએગ અને હું તેમની ઓફિસમાં બેઠા હતાં."

"ડેસમંડે તેમને જણાવ્યું કે રઘુ રાય ત્રણ દિવસ સુધી તમારી તસવીરો લેશે."

"એ વખતે મેં જોયું કે એક દરવાજા પર અડધો પરદો લગાવેલો હતો, તે ઊડઊડ કરી રહ્યો હતો. તેમાંથી દેખાતું હતું કે પ્રથમ માળ પર બે સિસ્ટર્સ બાઇબલ હાથમાં લઈને પ્રાર્થના કરી રહી છે."

રઘુ કહે છે, "મને લાગ્યું કે હું નીચે બેસીશ તો સારો એન્ગલ મળશે. હું તેમની અનુમતી લીધા વગર નીચે બેસી ગયો અને તસવીર લેવા લાગ્યો."

"મધર એકદમ નારાજ થઈ ગયા અને કહેવા લાગ્યા કે શું કરી રહ્યા છો તમે? મેં કહ્યું મધર પેલી સિસ્ટર્સ તરફ જુઓ."

"તેઓ એન્જલ્સ જેવી લાગી રહી છે. તેમણે તરત કહ્યું ઑલરાઇટ. મતલબ કે તમે ઇમાનદારી અને પ્રતિબદ્ધતા સાથે કોઈ કામ કરતા હો તો તેઓ હંમેશાં તમને સાથે આપતાં હતાં."

'પાપને નફરત કરો, પાપીને નહીં'

મધર ટેરેસા માનતાં હતાં કે મનુષ્યે પાપને નફરત કરવી જોઈએ, પાપીને નહીં.

નવીન ચાવલા એક હૃદયદ્વાવક કિસ્સો સંભળાવે છે, "મેં એકવાર તેમને પૂછ્યું હતું કે તમારા જીવનનો સૌથી દુખદ પ્રસંગ કયો છે. તેમણે કહ્યું કે એકવાર તેઓ સિસ્ટર સાથે કોલકતામાં રસ્તા પરથી પસાર થઈ રહ્યાં હતાં. ત્યારે ઢાળ પાસેથી ધીમો અવાજ સંભળાયો."

"પાછળ જઈને જોયું તો ઉકરડામાં એક મહિલા પડી હતી. તેના ચહેરા પર ઉંદર અને વંદા ફરી રહ્યાં હતાં. તે મરવા પડી હતી. મધરે તેમને ત્યાંથી ઉઠાવીને હોમ ફૉર ડાઇંગમાં લઈ ગયાં."

"તેના ઘા સાફ કર્યા, દવા લગાવી, નવી સાડી પહેરાવી. પછી મધરે પૂછ્યું કે તારી આવી હાલત કોણે કરી. ત્યારે મહિલાએ કહ્યું કે તેના દીકરાએ."

ઇમેજ કૅપ્શન,

નવીન ચાવલા સાથે રેહાન ફઝલ

નવીન કહે છે, "મધરે તે મહિલાને કહ્યું કે હવે થોડી પળોની જ વાર છે ત્યારે તેને માફ કરી દે. તારી આત્મા ભગવાન સાથે મળવાની છે. તારા ભગવાનને યાદ કરીને પાર્થના કર."

"હું મારા ઇશ્વરને પ્રાર્થના કરીશ. ભગવાન પાસે હળવા હૃદયે જાવ. ત્યારે તેણે કહ્યું કે હું માફ નહીં કરી શકું."

"મેં તેના માટે શું-શું નહોતું કર્યું. તેને પાળીપોષીને મોટો કર્યો, ભણાવ્યો, ગણાવ્યો. મેં પ્રૉપર્ટી તેના નામે કરી દીધી તો મને અહીં છોડીને જતો રહ્યો."

"મધરે ફરી આગ્રહ કર્યો. તે પછી બે ચાર મિનિટ સુધી તે મહિલા કશું ના બોલી. પછી તેણે આંખો ખોલી અને હસીને કહ્યું કે મેં તેને માફ કરી દીધો."

"આમ કહીને તે મૃત્યુ પામી. મધરે મને આ કિસ્સો સંભળાવ્યો, ત્યારે તેમના ચહેરા પર ઉદાસી હતી."

"તેઓ એવું પણ જણાવવા માગતા હતા કે કેવી રીતે લોકો આવું કરી શકે?"

'આ તો એક ચમત્કાર જ છે'

ઇમેજ કૅપ્શન,

નવીન ચાવલા સાથે રેહાન ફઝલ

ઘણા લોકો કહે છે કે તેમણે મધર ટેરેસાને ચમત્કાર કરતાં જોયાં છે.

નવીન ચાવલા ચમત્કારોમાં માનતા નથી, પણ તેમણેય એકવાર મધરના હાથે ચમત્કાર જેવું થતા જોયું હતું.

ચાવલા કહે છે, "એકવાર તેઓ ઍર ઇન્ડિયાની ફ્લાઇટમાં રોમથી આવી રહ્યાં હતાં. તેમણે મને ઍરપૉર્ટ પર આવવા માટે જણાવ્યું હતું. તેમની ફ્લાઇટ વીસ-પચ્ચીસ મિનિટ મોડી હતી. તેમાંથી ઉતરીને તેમણે જણાવ્યું કે કોલકાતાની કનેક્ટિંગ ફ્લાઇટ પકડવાની છે."

"તે વખતે કોલકાતા માટે સાંજની એક જ ફ્લાઇટ મળતી હતી."

તેઓ કહે છે, "મેં કહ્યું કે કોલકાતાના વિમાનમાં બોર્ડિંગ ચાલુ થઈ ગયું છે. તમે આશ્રમમાં આજે રોકાઈ જાવ. કાલે સવારે છ વાગ્યે તમને મોકલી આપીશું."

"મધરે કહ્યું કે કાલ સુધી રાહ જોઈ શકાય તેમ નથી. હું એક બાળક માટે દવા લઈને આવી છું."

"આ દવા તેને મળી જાય તો તેનો જીવ બચી જાય. મને તો પરસેવો વળવા લાગ્યો...ઘણા લોકો તેમના ઑટોગ્રાફ લેવા આવ્યા હતા. તેઓ બધાને કહેવા લાગ્યા કે ગમે તેમ કરીને મને તમે કોલકાતા પહોંચાડી દો."

ચાવલા કહે છે, "કોઈક રીતે આ વાત કન્ટ્રોલ ટાવર સુધી પહોંચી ગઈ અને ત્યાંથી તે માહિતી પાઇલટ સુધી પહોંચી."

"તમને નવાઈ લાગશે કે વિમાન રન-વે તરફ આગળ વધવા લાગ્યું હતું, પણ તેમણે અટકાવી દીધું."

"મને જણાવાયું કે કારમાં બેસાડીને મધરને ટારમેક પર લઈ આવો. મધર સૂટકેસ રાખતા નહોતાં. તેમની પાસે પાંચ છ ડબ્બા હતા. એકમાં તેમના કપડાં હતાં, બાકીમાં દવાઓ હતી."

"મેં બધી વસ્તુઓ ગાડીમાં મૂકી અને વિમાન પાસે પહોંચ્યા. ત્યાં સુધીમાં સીડી આવી ગઈ હતી. તેમાંથી વિમાનમાં ચડીને મધર ટેરેસા કોલકાતા જવા રવાના થઈ ગયાં."

આગળ તેઓ જણાવે છે, "બીજા દિવસે મેં તેમને ફોન કરીને પૂછ્યું કે બાળકની તબિયત કેમ છે. મધર ટેરેસાએ કહ્યું કે બાળકને ઘણું સારું છે. આ એક મોટો ચમત્કાર જ સમજો."

સમગ્ર દુનિયાના ગરીબો ભૂખ્યા ના સુવે તેની કાળજી લેતા મધર ટેરેસા પોતે કેવો ખોરાક લેતા હતા?

સુનિતા કુમાર કહે છે, "તેમનું ભોજન બહુ સાદું રહેતું હતું... ખીચડી, દાળ અને દસ-વીસ દિવસે એકવાર મચ્છી. મચ્છી એટલા માટે કે કોલકાતામાં તે સામાન્ય ખોરાક ગણાય છે."

"તેમને એક વસ્તુ બહુ ભાવતી હતી. એ હતી ચૉકલેટ. તેમનું અવસાન થયું ત્યારે મેં તેમના ટેબલનું ખાનું ખોલ્યું તો તેમાં પણ કેડબરી ચૉકલેટ પડેલી હતી."

જોકે બહુ ઓછા લોકોને ખબર હશે કે તેઓ પોતાના આશ્રમની બહાર કોઈ પાસેથી એક ગ્લાસ પાણી પણ લેતા નહોતા... તેની પાછળ એક કારણ પણ હતું.

નવીન ચાવલા કહે છે, "આ ઘરમાં જ્યાં તમે બેઠા છો ત્યાં મધર ટેરેસા ઘણીવાર આવ્યાં છે, પણ એક ગ્લાસ પાણી પણ ના લે."

"શરૂઆતમાં તેઓ રાજભવન આવતાં ત્યારે અમે તેમને પૂછતા કે આપ ચા પીશો. તેઓ હંમેશાં ના પાડતાં."

"તેઓ કહેતા કે પોતે ક્યારેય અમીરના ઘરે કે ગરીબના ઘરે જમતા નહોતાં."

"આપણે ગરીબના ઘરે જઈએ ત્યારે તેમણે એક કપ ચા બનાવવામાં કે કોલ્ડ ડ્રિન્ક્સ આપવામાં પણ તકલીફ પડતી. એટલે કશું નહીં પીવાનો નિયમ ઘડી કાઢ્યો."

'ઇન્દિરા મારાં સખી છે'

ઇમેજ કૅપ્શન,

યાસર અરાફાત સાથે મધર ટેરેસા

અમેરિકાના પ્રમુખ રોનાલ્ડ રેગન હોય કે રશિયાના પ્રમુખ મિખાઇલ ગોર્બાચેવ, જર્મનીના ચાન્સેલર હેલ્મટ કૉલ હોય કે પછી યાસર અરાફાત, સૌને મધર ટેરેસા પ્રતિ વિશેષ લગાવ હતો.

1977માં ઇન્દિરા ગાંધી ચૂંટણીમાં હારી ગયાં, ત્યારે મધરે ટેરેસા ખાસ તેમને મળવાં ગયાં હતાં. કોઈએ કહ્યું પણ ખરું કે હવે ઇન્દિરાને મળવાનો શો અર્થ છે.

મધર ટેરેસાનો જવાબ હતો, "તેઓ મારાં સખી છે." એટલું જ નહીં વિચારસરણીની રીતે મધર ટેરેસા અને જ્યોતિ બસુ એકબીજાના વિરોધી હોવા છતાં એકબીજા માટે માન ધરાવતાં હતાં.

નવીન ચાવલા કહે છે, "મેં એકવાર જ્યોતિ બસુને પૂછ્યું હતું કે તમે તો કૉમ્યુનિસ્ટ છો, નાસ્તિક છો. તેમના માટે ઇશ્વર જ સર્વસ્વ છે. તો તમારા અને મધર ટેરેસામાં શું સમાનતા છે?"

નવીન ચાવલા કહે છે, "જ્યોતિ બસુએ હસીને જવાબ આપ્યો કે અમે બંને ગરીબોને પ્રેમ કરીએ છીએ. બસુએ એમ પણ જણાવ્યું હતું કે મધરે તેમને જણાવી દીધું હતું કે પોતાને મળવા માટે તમારે ઍપૉન્ટમૅન્ટ લીધા વિના મારા કમરામાં આવી જવાની છૂટ છે."

"તેઓ બીમાર પડે ત્યારે મધર તેમના ઘરે જતા. જ્યોતિ બસુને ઇશ્વરમાં વિશ્વાસ નહોતો, તો પણ મધર તેમના માટે પ્રાર્થના કરતાં હતાં."

નવીન ચાવલા કહે છે, "મધર ટેરેસા બીમાર પડ્યાં, ત્યારે જ્યોતિ બસુ પણ રોજ હૉસ્પિટલે જતા હતા."

"તેઓ મધરને મળતા નહોતા, પણ તેમની તબિયતની ખબર જાણી લેતા હતા. બંને વચ્ચે બહુ અજબ સંબંધો હતા - ગરીબી અને ભલાઈના આધાર પર તેમના સંબંધો હતા."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો