સીરિયા : ઇદલિબ પર હુમલાની તૈયારી, યુએને કહ્યું આ અત્યંત ક્રૂર યુદ્ધ હશે

સીરિયા

ઇમેજ સ્રોત, AFP

સંયુક્ત રાષ્ટ્રએ રશિયા અને તુર્કીને સીરિયાના વિદ્રોહીઓના કબ્જાવાળા ઇદલિબ પ્રાંતમાં થનારી તબાહીને તાત્કાલિક રોકવા માટે કહ્યું છે.

સંયુક્ત રાષ્ટ્રની આ ચેતવણી એવી આશંકાઓ અને અહેવાલો વચ્ચે આવી છે કે સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદની સેના ઇદલિબ પ્રાંત પર હુમલો કરવાની યોજના બનાવી રહી છે.

આ પહેલાં મળતી જાણકારી પ્રમાણે રશિયાનાં વિમાનોએ ઇદલિબના મુહમબલ અને જદરાયામાં હુમલા કર્યા હતા. આ હુમલામાં બાળકો સહિત 9 લોકો માર્યાં ગયાં હતાં.

અહીં રહેતા અબુ મોહમ્મદે જણાવ્યું, "સવારે 11 વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી ગામોમાં હવાઈ હુમલાઓ થાય છે."

અહીંના સ્થાનિક રહેવાસી અહમદે કહ્યું, "અમે ઘરે જ હતા જ્યારે વિમાનો અમારા ઘર પાસે પહોંચ્યાં. અમે ડરી ગયા અને ઘર છોડીને ભાગી ગયા."

"મેં અન્ય લોકોને પણ ઘર ખાલી કરવા માટે કહ્યું, મને ખબર હતી કે રશિયા ફરીથી હુમલાઓ કરશે. થયું પણ એવું જ."

"તેમણે ઘર પર ફરી હુમલો કર્યો અને ત્રીજી વખતમાં ઘર કાટમાળમાં ફેરવાઈ ગયું."

ઇમેજ સ્રોત, AFP

સંયુક્ત રાષ્ટ્રના શાંતિદૂત સ્ટાફન ડા મિસ્ટુરાએ કહ્યું છે કે તુર્કીના રાષ્ટ્રપતિ અર્દોઆન અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિને આ મામલે વાત કરવી જોઈએ.

સંયુક્ત રાષ્ટ્રમાં વિશેષ સલાહકાર અને સીરિયામાં વિશેષ દૂત યાન એગલૅન્ડે કહ્યું, "ઇદલિબમાં ખરેખર એક માનવતાવાદી અને રાજકીય રણનીતિની જરૂર છે. જો તે સફળ થઈ જશે તો લાખો લોકોનો જીવ બચી જશે."

"જો તે નિષ્ફળ જશે તો આપણે કેટલાક દિવસો કે કેટલાક કલાકોમાં એવું યુદ્ધ જોઈશું જે છેલ્લાં અનેક યુદ્ધોથી ક્રૂર હશે."

શા માટે છે ભારે ખુવારીનો ડર?

ઇમેજ સ્રોત, AFP

સીરિયામાં ઇદલિબનો આ વિસ્તાર હાલ વિદ્રોહીના કબ્જાવાળો સૌથી મોટો વિસ્તાર છે.

અહીં સીરિયાના યુદ્ધ વખતે બચીને આવેલા કે અહીં શરણાર્થી તરીકે લાવેલા અંદાજે 30 લાખ જેટલાં લોકો રહે છે.

વિદ્રોહીના આ વિસ્તારને હવે રશિયા અને સીરિયાના રાષ્ટ્રપતિ અસદ સાથે મળીને વિદ્રોહીથી મુક્ત કરાવવા માગે છે.

એગલૅન્ડે આ મામલે કહ્યું કે ઇદલિબમાં જે આ ડર ફેલાઈ રહ્યો છે તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે.

તેમણે કહ્યું, "આખો વિસ્તાર ચારેબાજુ સેનાથી ઘેરાયેલો છે અને વચ્ચે લોકો છે. તેમને ડર છે કે તેઓ હુમલામાં માર્યા જશે."

"અહીં પહેલાંથી જ લાખો લોકો ઘર છોડીને આવ્યા છે. ઇદલિબમાં યુદ્ધ છેડવાનો મતલબ છે કે કોઈ શરણાર્થી શિબિર પર હુમલો કરવો."

અમેરિકા શું કરશે?

ઇમેજ સ્રોત, Getty Images

સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાનાં દૂત નિકી હેલીએ કહ્યું કે ઇદલિબમાં પરિસ્થિતિ ગંભીર છે અને ત્યાંથી લોકોની ચીસો સંભળાઈ રહી છે.

તેમણે કહ્યું, "સંયુક્ત રાષ્ટ્ર પરિષદ ઇદલિબના લોકો પર રાસાયણિક હુમલાની મંજૂરી નહીં આપે. સીરિયાના લોકો પહેલાં જ અનેક ત્રાસદીઓ ભોગવી ચૂક્યા છે."

અમેરિકા આ પહેલાં કહી ચૂક્યું છે કે જો અસદની સેના સીરિયાના લોકો પર રાસાયણિક હુમલો કરશે તો તેઓ તાત્કાલિક અને ઉચિત જવાબ આપશે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ આ પહેલાં ટ્વીટ કરીને કહ્યું હતું કે જો ઇદલિબ પર હુમલો થશે તો હજારો લોકો માર્યા જશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો