નાઇજીરિયામાં આ બેબી કિટ માતાઓની જીવનદાતા બની છે

પેજુ જૈયેઓબા

બ્રાઉન બટનના નાઇજીરિયન સંસ્થાપક આદે પેજુ જૈયેઓબા કહે છે, "કોઈકવાર હું ખરેખર એવી આશા સેવું છું કે એક દિવસ અમારા કામની સંપૂર્ણપણે જરૂર જ ના રહે."

સાત વર્ષ પહેલાં આદેપેજુ અથવા ટૂંકમાં પેજુએ તેમની સારા પગારની નોકરી નાઇજીરિયામાં બાળકોનો જન્મ કરાવતી પરંપરાગત દાયણોને તાલીમ આપવા માટે છોડી દીધી હતી.

એ પછી, પેજુએ સસ્તી કિંમતની અત્યંત ઉપયોગી એવી સ્ટરિલાઇઝ્ડ મેડિકલ કિટ બૅગ તૈયાર કરી અને નાઇજીરિયાના ગ્રામીણ વિસ્તારમાં તેનું વેચાણ કર્યું. તેનાથી અત્યારસુધીમાં હજારો બાળકોના જીવ બચી શક્યા છે.

આશરે રૂ. 280 જેટલી કિંમતની આ કિટ બૅગમાં ચેપ-નાશક દવા, સ્ટરિલાઇઝ્ડ મોજાં, નાળ કાપવા માટેનું નાનું ચપ્પુ, બાળકને જન્મ આપતી વખતે માતાને સૂવડાવવા માટે ચટાઈ અને બાળકના જન્મ દરમિયાન થતો રક્તસ્ત્રાવ ઓછો કરવા માટે દવાઓ હોય છે.

મિત્રો અને પરિવારજનોએ પેજુને નોકરી ન છોડવા સમજાવ્યાં પરંતુ તેમનાં ખૂબ નજીકનાં સખી બાળકને જન્મ આપતાં મૃત્યુ પામ્યાં હતાં. આ ઘટના બાદ પેજુએ તેમના વિચારમાં આગળ વધવાનો દૃઢ નિર્ધાર કર્યો.

તમે આ વાંચ્યું કે નહીં?

"મારી મિત્ર શિક્ષિત હતી. હું વિચારતી હતી કે જે મહિલા આર્થિક રીતે સદ્ધર છે, તેનું પ્રસૂતિ દરમ્યાન મૃત્યુ થતું હોય, તો જ્યાં મૂળભૂત સુવિધાઓનો અભાવ છે એવા ગ્રામ્ય વિસ્તારોમાં શું થતું હશે?"

પેજુ કહે છે, "હું ખરેખર ડરી ગઈ હતી અને મારે હવે અન્ય કોઈને ગુમાવવા નહોતા. મને લાગતું કે એક જીવને જન્મ આપવાની પ્રક્રિયા અન્ય વ્યક્તિના મૃત્યુનું કારણ ન બનવું જોઈએ."

પેજુએ તેમના ડૉક્ટર ભાઈ સાથે મળીને નાઇજીરિયાના ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓ કેવી રીતે બાળકને જન્મ આપે છે, તેની સ્થિતિ ચકાસવાનું નક્કી કર્યું. પેજુએ જે કાંઈ જોયું તે અત્યંત વ્યથિત કરનારું હતું.

પેજુ કહે છે, "અમે સ્ત્રીઓને જમીન ઉપર બાળકને જન્મ આપતી જોઈ, નવજાતની ગૂંગળામણને દૂર કરવા નર્સને તેના મુખથી બાળકની લાળ ચૂસતી જોઈ."

"અમે નવજાત શિશુની નાળ કાપવા દાયણોને કાટ ખાઈ ગયેલી પતરી અને કાચનો ઉપયોગ કરતા જોઈ. જેનાં કારણે નવજાત બાળકને જન્મતાની સાથે જ ધનુર્વા થવાની અને તેમનું મૃત્યુ થવાની શક્યતા વધી જાય છે. "

"હાથ ધોવા જેવી પાયાની વાત પણ સમસ્યા છે અને મોજાં પહેરવા એ એનાથીય મોટું કામ છે."

નાઇજીરિયામાં દરરોજ 118 મહિલાઓ પ્રસૂતિ દરમિયાન મૃત્યુ પામે છે. દુનિયાભરમાં ઊંચો માતૃમરણ દર ધરાવતા રાષ્ટ્રોમાં નાઇજીરિયાનો પણ સમાવેશ થાય છે.

પેજુ કહે છે કે જન્મ આપવો એ ખૂબ જોખમી છે. એ વાતે હવે આધ્યાત્મિક પરિમાણ પણ ધારણ કર્યું છે. વધુને વધુ મહિલાઓ પરંપરાગત પદ્ધતિ ધરાવતા તબીબી સ્થળોએ બાળકને જન્મ આપવા ઇચ્છે છે.

જ્યાં સ્ટરિલાઇઝ્ડ સાધનો કરતાં હર્બલ ઉપચાર અને પ્રાર્થના પર વધુ ભાર મૂકવામાં આવે છે.

આથી પેજુએ પરંપરાગત રીતે કામ કરતી દાયણને અદ્યતન પદ્ધતિથી પદ્ધતિની તાલીમ આપવા માટે બ્રાઉન બટન ફાઉન્ડેશનની સ્થાપના કરી

પેજુ કહે છે, "મને સમજાયું કે જે વસ્તુઓ અમે લાગોસમાંથી ખરીદીએ છીએ એ દેશના ઉત્તરીય વિસ્તારમાં અત્યંત મોંઘી મળે છે. દાખલા તરીકે ત્યાં એક જોડ મોજાંની ત્રણ ગણી કિંમત ચૂકવવી પડે છે."

ઉત્પાદકો સાથે શક્ય એટલો ભાવતાલ કરીને પેજુએ શરૂઆતમાં 30 કિટ તૈયાર કરી. આ કિટ લાગોસમાં મળતી ચીજો કરતાં સસ્તી હતી અને ગ્રામ્ય વિસ્તારમાં ઉપલબ્ધ ઉત્પાદનો કરતાં અત્યંત સસ્તી હતી.

પેજુ કહે છે, "કેટલાક લોકોએ અમને કહ્યું કે (સસ્તી હોવા) છતાંય તેમને આ કિટની કિંમત નહીં પોષાય."

"તેઓ પાસે કિટ માટે ફાળો આપવા માટે નવ મહિનાનો સમય છે. જો ગર્ભાવસ્થા દરમિયાન તેઓ કિટ માટે ફાળો આપે તો પ્રસૂતિ સુધીમાં તેઓ કિટ માટેની સંપૂર્ણ કિંમત ચૂકવી શકે છે."

છેલ્લાં ચાર વર્ષમાં, બ્રાઉન બટન ફાઉન્ડેશને આશરે પાંચ લાખ ડિલિવરી કિટ્સનું વિતરણ કર્યું છે.

ફાઉન્ડેશનનું કહેવું છે કે જે વિસ્તારોમાં આ પ્રકારની કિટનો ઉપયોગ થયો છે, ત્યાં તાલીમ અને ડિલિવરી કિટ વિતરણના લીધે પ્રસૂતિ દરમિયાન રકતસ્રાવથી મૃત્યુ પામતી માતાઓની સંખ્યામાં 25 ટકા જેટલો ઘટાડો થયો છે.

લાગોસ યુનિવર્સિટી ટીચિંગ હૉસ્પિટલ ખાતે ગાયનેકૉલૉજીના અધ્યાપક તરીકે ફરજ બજાવતા બોસેડે અફોલાબી કહે છે, "પ્રસૂતિ દરમિયાન માતા કે બાળકને ઇન્ફૅકશનથી બચાવવા ઉપર ભાર મૂકવામાં આવે છે. જે સારી બાબત છે કારણ કે ઇન્ફૅકશન એ પ્રસૂતાના મૃત્યુ માટે જવાબદાર મુખ્ય કારણોમાંનું એક છે."

"જો તમારા મોજાં ચોખ્ખાં હોય, પ્રસૂતિ માટેની જગ્યા સ્વચ્છ હોય, તેમજ નાળ કાપવા માટે ચોખ્ખાં સાધનો હોય તો ચેપ લાગવાની શક્યતા ઘટી જાય છે."

એક દિવસ પેજુ તેમની ઓફીસે હતાં ત્યારે તેમને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાના વ્હાઈટ હાઉસથી કોઈ સંદેશ આવે છે.

તે પોતાના નિવાસ્થાને પરત ફરે છે અને તેના પતિને આ અંગે વાત કરે છે અને બંને એ નિર્ણય ઉપર આવે છે કે સંભવ છે એ કોઈ ફોન કૌભાંડ હોય.

એક દિવસ પેજુ ઓફિસે પહોંચ્યાં ત્યારે તેમના ફોન પર બરાક ઓબામાના વ્હાઇટ હાઉસમાંથી કોઈકનો મૅસેજ હતો.

પેજુએ ઘરે પરત ફરીને તેમના પતિને આ વાત કહી. તેમને લાગ્યું કે આ કોઈ કૌભાંડ છે.

પતિએ પેજુને કહ્યું, "કોઈને તારો પીન નંબર અથવા એકાઉન્ટ નંબર આપીશ નહીં!"

હકીકતમાં એ ખરેખર વ્હાઇટ હાઉસ તરફથી આમંત્રણ હતું. તેમણે દરેક ખંડમાંથી એક ઉદ્યોગસાહસિકને આમંત્રણ આપ્યું હતું અને આફ્રિકામાંથી પેજુની પસંદગી થઈ હતી.

"મને વ્હાઇટ હાઉસમાં પ્રવેશ હજુ પણ યાદ છે, એ બધું સ્વપ્ન જેવું લાગતું હતું."

"અમે આફ્રિકામાં મૂડીરોકાણ અને આરોગ્ય સેવાઓ વિશે વાત કરી. હું જે કરી રહી હતી, તેમાં આ પ્રસંગ એક સીમાચિહ્ન રૂપ હતો."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ