શું ટ્રમ્પ ખરેખર સીરિયાના રાષ્ટ્રપતિ અસદની હત્યા કરવા માગતા હતા?

ટ્રમ્પ

વિખ્યાત પત્રકાર બૉબ વુડવર્ડના પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પે એક વખત અમેરિકાના સંરક્ષણ મંત્રાલયને સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદની હત્યાના આદેશ આપ્યા હતા.

વુડવર્ડના આ પુસ્તકનું નામ Fear: Trump in the White House છે. જેમાં ટ્રમ્પના પ્રશાસનની સમીક્ષા કરવામાં આવી

પુસ્તકમાં સંરક્ષણ મંત્રી જેમ્સ મેટિસના હવાલેથી કહેવામાં આવ્યું છે કે 2017માં સીરિયામાં થયેલા રાસાયણિક હુમલા બાદ ટ્રમ્પે અસદને મારી નાખવાની માગ કરી હતી.

જોકે, ટ્રમ્પે આ તમામ દાવાઓને ખોટા ગણાવ્યા છે અને કહ્યું છે કે આ તમામ વાતો લોકોને બહેકાવવા માટે લખવામાં આવી છે.

ટ્રમ્પે કહ્યું કે તેમણે આ મામલે સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓ સાથે ક્યારેય ચર્ચા કરી નથી.

જેમ્સ મેટિસે પણ પુસ્તકમાં કરવામાં આવેલા દાવાઓને નકાર્યા છે.

ટ્રમ્પથી દસ્તાવેજો છુપાવાયા?

પુસ્તકમાં કેટલાક વરિષ્ઠ અધિકારીઓના હવાલાથી કહેવામાં આવ્યું છે કે તેમણે અનેક સંવેદનશીલ દસ્તાવેજો ટ્રમ્પથી એટલા માટે છુપાવ્યા હતા કે તેઓ એના પર સહી ના કરી દે.

પુસ્તકમાં એ પણ લખવામાં આવ્યું છે કે વરિષ્ઠ અધિકારીઓએ ટ્રમ્પને ખોટા અને બેવકૂફ પણ કહ્યા હતા.

વુડવર્ડ એક પ્રતિષ્ઠિત પત્રકાર છે. તેમણે 1970ના દાયકામાં વૉટરગેટ કૌંભાડમાં રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સનની ભૂમિકાને સામે લાવવા માટે મોટી ભૂમિકા નિભાવી હતી.

સૌથી પહેલાં આ પુસ્તકના કેટલાક અંશો વૉશિંગટનમાં પ્રકાશિત થયા હતા.

તેના આગળના દિવસે આ વિષય પર ન્યૂ યૉર્ક ટાઇમ્સમાં વ્હાઇટ હાઉસના એક અજ્ઞાત વરિષ્ઠ અધિકારીના હવાલાથી એક લેખ પ્રકાશિત થયો હતો.

લેખમાં અધિકારીએ કહ્યું કે પ્રશાસનની સમયસ્યાઓની જડ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અનૈતિકતા છે.

પુસ્તકમાં અસદ વિશે શું કહેવામાં આવ્યું છે?

પુસ્તકમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમ મુજબ, એપ્રિલ 2017માં સીરિયામાં થયેલા રાસાયણિક હુમલા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પેંટાગોનને સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદની હત્યાના નિર્દેશ આપ્યા હતા.

પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે ટ્રમ્પે સંરક્ષણ મંત્રી જેમ્સ મેટિસને કહ્યું હતું, "ચાલો, આપણે તેને મારી નાખીએ."

પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે જેમ્સ મેટિસે પહેલાં ટ્રમ્પની વાત માની લીધી હતી.

જોકે, વાતચીતમાં મેટિસે તેમના એક સહયોગીને કહ્યું હતું કે તેઓ આમાનું કશું કરવાના નથી.

ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારો સાથેની વાતચીતમાં અને તેમણે કરેલા ટ્વીટ્સ દ્વારા પુસ્તકના દાવાઓને સંપૂર્ણ રીતે નકારી દીધા છે.

તેમણે બુધવારે મીડિયાને કહ્યું, "આવું ક્યારેય વિચાર્યું ન હતું અને અને આવું ક્યારેય વિચારવામાં નહીં આવે."

તેમણે વુડવર્ડના પુસ્તકને સંપૂર્ણ રીતે મનઘડંત ગણાવ્યું છે. જેમ્સ મેટિસે પણ પુસ્તકને કલ્પનાઓથી પ્રેરિત ગણાવ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો