પુત્રના નામે પત્રો લખી માતાએ દુનિયામાંથી લીધી વિદાય

રેચેલ બ્લેન્ડ
ઇમેજ કૅપ્શન,

રેચેલ બ્લેન્ડ

બીબીસીની રેડિયો પ્રેઝન્ટેટર રેચેલ બ્લેન્ડ બુધવારે સવારે આ દુનિયા છોડી ચાલ્યાં ગયાં. તેઓ છેલ્લાં બે વર્ષથી બ્રેસ્ટ કૅન્સરથી પીડાતાં હતાં.

રેચેલના પરિવારજનોએ એમના મોતની પુષ્ટિ કરી છે. 40 વર્ષનાં રેચેલ બીબીસી રેડિયો 5નાં જાણીતા પ્રેઝન્ટર હતાં.

એમણે કૅન્સર સાથે જોડાયેલો એક પૉડકાસ્ટ યૂ મી એન્ડ ધ બિગ સી પણ હોસ્ટ કર્યો હતો.

એમના આ કાર્યક્રમને ખૂબ ખ્યાતિ પ્રાપ્ત થઈ હતી.

આ ઉપરાંત રેચેલ છેલ્લાં બે વર્ષથી પોતાનો એક બ્લૉગ પણ ચલાવી રહ્યાં હતાં.

જેમાં તેઓ કૅન્સર સામે પોતાની લડત અંગે લખતાં હતાં. એમના આ બ્લૉગને એવૉર્ડ પણ મળી ચૂક્યા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

રેચેલનાં મૃત્યુ અંગે સમાચાર આપતા એમના પતિ સ્ટીવે જણાવ્યું હતું, ''તે એક ઉમદા અને ટેલેન્ટેડ બ્રૉડકાસ્ટર હતાં."

"આ ઉપરાંત તે ખૂબ પ્રેમાળ બેટી, બહેન, આન્ટી, પત્ની અને આ સિવાય ફ્રેડી(તેમનો દીકરો) માટે વ્હાલસોયી માતા હતાં.''

સ્ટીવે રેચેલને દરેક બાબતે પરફેક્ટ ગણાવ્યાં હતાં.

એમણે કહ્યું કે તેમને રેચેલની કેટલી મોટી ખોટ પડી છે એનું તેઓ શબ્દોમાં વર્ણન કરી શકે તેમ નથી. રેચેલનો જન્મ કાર્ડિફમાં થયો હતો.

ગયા મહિને એમને જણાવ્યું હતું કે તેઓ પોતાના બે વર્ષનાં દીકરા ફેડીની યાદગીરી માટે પત્રો લખી રહ્યાં છે, જેને તેમણે 'લવ-લેટર ટૂ માય બ્યૂટીફુલ બૉય' તરીકે ઓળખાવ્યો હતો.

'મારા ગયા બાદ તેઓ ખૂબ રડશે'

ઇમેજ કૅપ્શન,

રેચેલ તેમના પુત્ર ફ્રેડી સાથે

પોતાના અંતિમ સમય સુધી રેચેલને પોતાના દીકરાની ચિંતા સતાવતી રહી.

છેલ્લા મહિને એમને બ્રિટનના અખબાર 'ધ ટેલીગ્રાફ'માં એક લેખ લખ્યો હતો.

આ લેખમાં રેચેલે જણાવ્યું હતું કે એમને મરવાનો કોઈ ડર નથી પણ એમને એ લોકો માટે દુ:ખ થાય છે કે જેમને છોડીને તેઓ ચાલ્યા જશે.

જેમાં તેમનો લાડકો દીકરો ફ્રેડી.. પતિ સ્ટીવ અને પરિવાર અંગે ચિંતાની વાત હતી.

રેચેલે પોતાનાં લેખમાં જણાવ્યું, ''સ્ટીવ અને હું કયારેય પણ આ અંગે ચર્ચા કરતા નહોતાં કે મારા ગયા બાદ સ્ટીવ કઈ રીતે આ આઘાતમાંથી બહાર નીકળશે?"

"જોકે, અમે એ વિશે વાત જરૂર વાત કરતા કે મારા ગયા બાદ તે ફ્રેડીની દેખભાળ કેવી રીતે કરશે.''

એ લેખમાં રેચેલે પોતાના પતિ વિશે લખ્યું હતું, ''મને ખબર છે કે તેઓ ખૂબ લાગણીશીલ વ્યક્તિ છે.

"મારા ગયા બાદ તેઓ ખૂબ રડશે. વળી તેઓ એક ઉમદા પિતા પણ છે. તે અમારા દીકરાને ફરીથી મજબૂત કરશે અને એનો સારી રીતે ઉછર કરશે.''

રેચેલ પોતાની યાદોને એક પુસ્તકનું સ્વરૂપ આપવા માગતાં હતાં અને તે માટે તે પબ્લિશરની શોધ પણ કરી રહ્યાં હતાં.

હફિંગ્ટન પોસ્ટમાં પ્રકાશિત એક લેખમાં તેમણે જણાવ્યું કે એમનું પુસ્તક લગભગ પૂરું થઈ ચૂક્યું છે.

આ જ લેખમાં તેમણે એ પણ લખ્યું છે કે તેઓ ફ્રેડી 21 વર્ષનો થાય ત્યાં સુધી એની દરેક વર્ષગાંઠ માટે કોઈને કોઈ ગિફ્ટ તૈયાર કરી ચૂક્યાં છે.

આ ગિફ્ટ કંઈક આ પ્રકારની છે, ''મારા લખેલા કેટલાક કાગળ, જેનાથી એને ખબર પડશે કે હું કેવું લખતી હતી."

"એ પરફ્યૂમ જે એણે જ મારા માટે પસંદ કર્યું હતું. જેનાથી એને ખબર પડશે કે મારી સુગંધ કેવી હતી.''

બીબીસીમાં રેચેલની યાત્રા

ઇમેજ કૅપ્શન,

તેમના પૉડકાસ્ટના સહયોગી સાથે રચેલ બ્લેન્ડ

રેચેલે લગભગ 15 વર્ષ પહેલાં બીબીસીમાં પોતાની કૅરિયરની શરૂઆત કરી હતી, એ વખતે એમનું નામ રેચેલ હૉઝ હતું.

ત્યારબાદ તેમણે 2013માં બીબીસીના પોતાના સાથી સ્ટીવ બ્લેન્ડ સાથે લગ્ન કરી લીધાં.

રેડિયો 5નાં પ્રેઝન્ટેટર હોવા ઉપરાંત રેચેલે બીબીસી ન્યૂઝ ચેનલ, બીબીસી વર્લ્ડ અને બીબીસી નૉર્થ વેસ્ટ ટુનાઇટ માટે પણ ન્યૂઝ પ્રેઝન્ટ કર્યાં હતાં.

નવેમ્બર 2016માં રેચેલને પોતાની બગલમાં એક ગાંઠ જોવા મળી હતી.

જે બાદ એમને ખબર પડી કે તેઓ પ્રાઇમરી ટ્રિપલ-નૅગેટિવ બ્રેસ્ટ કૅન્સરથી પીડિત છે.

એ જ વર્ષે નાતાલ પછી તરત જ તેમણે કીમોથેરેપી શરૂ કરી દીધી હતી.

જુલાઈમાં એમણે માસ્ટેકટૉમી કરાવી અને ત્યારબાદ આ મહિને એમણે ઇમ્યુનોથેરેપીનો આશરો પણ લીધો હતો.

જોકે, કૅન્સર એમના શરીરમાં ખૂબ આગળ વધી ગયું હતું અને આ તમામ ઉપચાર એને અટકાવવા પૂરતા નહોતા.

કૅન્સર સાથેની પોતાની લડત દરમ્યાન રેચેલ સતત પૉડકાસ્ટ બનાવતાં રહ્યાં. એમના પૉડકાસ્ટની ટૅગલાઇન હતી ''putting the CAN in cancer.''

આ પૉડકાસ્ટમાં તેઓ કૅન્સર સામે લડી રહેલા પોતાના કેટલાક અન્ય સાથીઓને પણ સામેલ કરતાં હતાં અને આમાં સેલિબ્રેટી મહેમાનોને પણ બોલાવવામાં આવતાં હતાં.

સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં તેમનો પૉડકાસ્ટ આઇટ્યૂન્સ પર પ્રથમ સ્થાન પર પહોંચી ગયો હતો.

એ વખતે રેચેલના પતિ સ્ટીવે આની સાથે જોડાયેલું એક ટ્વીટ પણ કર્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો