જાપાન : તણાવથી છુટકારો મેળવવા લોકો જંગલમાં કેમ જઈ રહ્યાં છે?

  • ધ ટ્રાવેલ શો
  • બીબીસી
જંગલ

તણાવ આજે દુનિયાભરમાં એક મોટી સમસ્યા છે. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર તણાવ એ જ તમામ બીમારીઓનું ઘર છે. એનાથી જેટલું દૂર રહી શકાય તેટલું સારું.

પણ આજના જમાનાની રહેણીકરણીએ આપણે સૌને તણાવના ગુલામ બનાવી દીધા છે.

તણાવમુક્ત રહેવા માટે લોકો જાત જાતની દવાઓ લે છે.

કોઈ મેડિટેશન કરે છે તો કોઈ યોગ. તો જાપાનના લોકો તણાવ મુક્ત રહેવા માટે કુદરતના શરણે જઈ રહ્યા છે.

ફૉરસ્ટ ગાઇડ અને થેરેપિસ્ટ તસ્યોશી મસુઝાવાનું કહેવું છે કે જાપાનની રાજધાની ટોક્યોમાં તણાવથી દૂર રહેવા પ્રકૃતિની નજીક જવાને મંત્ર અને ખજાનો બન્ને માનવામાં આવે છે.

ટોક્યો કુદરતના સૌંદર્યથી ભરપૂર છે. અહીંના જંગલોમાં દરેક બીમારીનો ઇલાજ ઉપલબ્ધ છે.

અહીંયા દરેક પ્રકારની જડીબુટ્ટીઓ ઉપલબ્ધ છે. આનો સ્વાદ ભલે કડવો હોય પણ આ રોગને મૂળમાંથી દૂર કરવાની ક્ષમતા ધરાવે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

આ જડીબુટ્ટીઓનો ઉપયોગ ઘણા પ્રકારની દવાઓ બનાવવામાં કરવામાં આવે છે.

ટોક્યોનાં આ જંગલોમાં તણાવમુક્ત થવા માટે લગભગ આખા જાપાનમાંથી લોકો આવે છે.

આમાં મોટી સંખ્યામાં ઑફિસના કર્મચારીઓ હોય છે.

આખા જાપાનમાં લગભગ 62 થેરેપી સોસાયટીઓ છે, જે લોકોની મદદ કરે છે.

આ થેરેપી હેઠળ લોકો ખુલ્લી હવામાં શ્વાસ લે છે, મેડિટેશન કરે છે. પક્ષીઓનો કલરવ સાંભળે છે.

તસ્યોશી મસુઝાવા જણાવે છે જો સવારે ઉઠીને જો પક્ષીઓનો કલરવ સાંભળવામાં આવે તો તે પણ એક થેરેપીનું કામ કરે છે.

સવારના સમયે જ્યારે પક્ષીઓ કલવર કરે તો જાણે એમ લાગે છે કે તેઓ અરસ-પરસ વાતો કરી રહ્યાં છે.

એમની વાતો માણસોમાં સ્ફૂર્તિનો સંચાર કરે છે અને તણાવ દૂર કરે છે.

પોતાની જાતને તંદુરસ્ત રાખવા માટે જાપાનીઓની આ રીત દુનિયાભરમાં ખ્યાતિ પામી છે.

મેડિકલ સાયન્સમાં રિસર્ચ કરનારાઓ માટે પણ આ જંગલો આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે.

એમનું કહેવું છે કે આ જંગલોમાં તણાવ ઓછો કરવા માટે અને બ્લડ પ્રેશર નિયંત્રણ કરવાની દવાઓ ઉપલબ્ધ છે.

ફૉરેસ્ટ્રી એન્ડ ફૉરેસ્ટ પ્રોડક્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર તાકાહિદે અકાગાવાનું કહેવું છે કે આ જંગલોની આબોહવામાં તણાવ પેદા કરનારા હાર્મોનને નિયંત્રિત કરવાની તાકાત છે.

સાથે સાથે અહીંયા થતી થેરેપી એન્ટી એજિંગ છે. એટલે કે ફૉરેસ્ટ થેરેપીથી તમારી ઉંમર લાંબી થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો