બાળકનું જાતીય વલણ શું છે તેની ખબર કઈ ઉંમરે પડે?

સમલૈંગિક

ઇમેજ સ્રોત, Getty Images

શું કોઈ નવ વર્ષના બાળકને તેમનું સેક્સ્યુલ ઑરિએન્ટેશન ખબર હોય?

આ એક એવો પ્રશ્ન છે જેનો સીધો જવાબ આજ સુધી મળી શક્યો નથી.

બીબીસીએ આ અઠવાડિયે જ જૅમલ માઇલ્સ નામના એક છોકરાની કહાણી પ્રકાશિત કરી હતી. જૅમલે કોલોરાડોના ડૅનવર સ્થિત પોતાની સ્કૂલમાં આત્મહત્યા કરી લીધી હતી, કારણકે તે સમલૈંગિક હતા.

આ જાણકારી જૅમલનાં માતા લીયા રોશેલ પિયર્સે આપી. તેમણે એવું પણ કહ્યું હતું કે જૅમલે તેમની સમલૈંગિકતા વિશે થોડાંક અઠવાડિયા પહેલાં જ જણાવ્યું હતું અને તેમને પોતાના પુત્ર પર ગર્વ હતો.

આ ઘટનાએ ઘણા લોકોના મનમાં પ્રશ્ન ઊઠ્યો કે કોઈ બાળકને તેના સેક્સ્યુઅલ ઑરિએન્ટેશનની ખબર કેવી રીતે હોઈ શકે?

આ અંગે બીબીસીએ બે મનોવૈજ્ઞાનિકો સાથે આ અંગે વાત કરી, જેના થકી આ ગંભીર અને જટિલ વિષયને સમજી શકાય.

તમે આ વાંચ્યું કે નહીં?

તજજ્ઞો પૈકી એક પ્રોફેસર એશિયા ઍટન, ઇન્ટરનેશનલ સ્કૂલ ઑફ ફ્લોરિડાના મનોવિજ્ઞાન વિભાગમાં અધ્યાપક છે અને તેમણે સામાજિક મનોવિજ્ઞાનમાં પીએચડી કર્યું છે.

અન્ય એક તજજ્ઞ ક્લિન્ટન ડબ્લ્યૂ એન્ડરસન અમેરિકાના મનોવૈજ્ઞાનિક સંઘના એલજીબીટી સંલગ્ન બાબતોના નિદેશક છે.

સેક્શ્યુઅલ ઑરિએન્ટેશનની સરેરાશ ઉંમર

ઇમેજ સ્રોત, LEIA ROCHELLE PIERCE

ઇમેજ કૅપ્શન,

પુત્ર જૅમલ માઇલ્સ સાથે લીયા રોશેલ પિયર્સ

એક વ્યક્તિને કંઈ ઉંમરે પોતાના સેક્શ્યુઅલ ઑરિએન્ટેશનનો (જાતીય વલણનો) ખ્યાલ આવે? શું આ અંગે અલગઅલગ સંશોધનો થયા છે અથવા આ અંગેની જાણકારીના આધારે એકમત સધાયો છે?

એશિયા ઍટન કહે છે, "કેટલાક સંશોધન પ્રમાણે 8 થી 9 વર્ષની ઉંમરે જ બાળકો પહેલી વખત શારીરિક આકર્ષણ અનુભવે છે. અન્ય કેટલાક સંશોધન પ્રમાણે 11 વર્ષે પહેલી વખત અનુભવ થાય છે."

"વિવિધ સંશોધનોમાં સેક્શ્યુઅલ ઑરિએન્ટેશન સમજવાની સરેરાશ ઉંમર અંગે અલગઅલગ પરિણામ મળે છે."

"આ એક મુશ્કેલ પ્રશ્ન છે, કારણકે શારીરિક વ્યવહાર અને શારીરિક ઓળખ વચ્ચે અંતર છે. જાતીય વ્યવહાર સામાન્ય રીતે દર્શાવે છે કે વ્યક્તિને કોઈ પ્રત્યે ભાવનાત્મક કે લૈંગિક આકર્ષણ છે."

"સ્ત્રી અથવા પુરુષ પ્રત્યે લૈંગિક આકર્ષણના આધારે પોતાની જાતીય ઓળખ કરી શકાય છે. પણ આ બન્ને બાબતો સમય અને સંદર્ભે સાથે બદલાઈ શકે છે."

"હકીકત એ છે કે લોકોને અલગઅલગ ઉંમરે પોતાના જાતીય વ્યવહાર અંગે અલગઅલગ અનુભવો થતા હોય છે. કોઈને માત્ર છ વર્ષની ઉંમરે થાય છે તો કોઈને 16 વર્ષની વયે પહેલી વખત અનુભવ થાય છે. કેટલાક લોકોને આ પ્રકારનો અનુભવ ક્યારેય થતો નથી."

"આજના યુવાનો હાઈસ્કૂલ દરમિયાન જ જાણી જાય છે કે પોતે LGBTQ છે કે નહીં. જે અગાઉની પેઢીઓની તુલનામાં પહેલાં છે. જેની પાછળનું કારણ વધારે જાગૃતતા અને તેમની સામાજિક સ્વીકૃતિ છે."

સેક્શ્યુઅલ ઑરિએન્ટેશન બદલાય એ શક્ય છે

ઇમેજ સ્રોત, Getty Images

ક્લિન્ટન ડબ્લ્યૂ એન્ડરસન કહે છે, "આ વિષય પર હજુ કામ થઈ રહ્યું છે. અન્ય કારણો ઉપરાંત લૈંગિકતાના મનોવૈજ્ઞાનિક કારણો પણ છે, જે શરીર વિજ્ઞાન અને સામાજિક-સાંસ્કૃતિક સંદર્ભ દર્શાવે છે."

"જેમજેમ સંસ્કૃતિ અને સમાજમાં પરિવર્તન આવે છે, એમએમ વ્યક્તિની લૈંગિકતામાં પણ પરિવર્તન આવે છે."

"એવા લોકો પણ હોય છે કે જેમને 9 વર્ષની ઉંમરે પહેલું શારીરિક આકર્ષણ થાય. પણ આ ઉંમરે તેમની પાસે યૌન સંબંધની જરૂર સમજવાની પરિપક્વતા અને ભાવનાત્મક સમજણ હોય એવું જરૂરી નથી."

વીડિયો કૅપ્શન,

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, LGBTQ શું છે?

એન્ડરસન કહે છે, "એવી કોઈ નિશ્ચિત ઉંમર નથી જ્યારે કોઈ વ્યક્તિને પોતાના શારીરિક વ્યવહારનો આભાસ થાય. કોઈ ઉંમરે તેમની લૈંગિક પસંદગી અલગ હોય અને સમય સાથે બદલાઈ જાય એવું પણ શક્ય છે."

"સેક્શ્યુઅલ ઑરિએન્ટેશન કિશોર અવસ્થામાં વિકસિત થાય છે, કારણકે એવું માનવામાં આવે છે કે મૂળરૂપે આ રોમાંસ સંબંધિત વિષય છે. બીજી તરફ સ્ત્રી અને પુરુષ વચ્ચેનો ભેદભાવ તો બાળપણથી જ વિકસિત થઈ જતો હોય છે."

માતાપિતા અને સમાજની અસર

ઇમેજ સ્રોત, Getty Images

બાળકના સેક્શ્યુઅલ ઑરિએન્ટેશન પર માતાપિતા અને સમાજ કેવી રીતે અને કેટલો પ્રભાવ પાડે છે?

એશિયા ઍટને કહ્યું, "સંશોધનને આધારે જાણવા મળ્યું છે કે મોટાભાગના LGBTQ વર્ગના લોકોને બાળપણમાં અન્ય લોકો ટૉમબૉય કહેતા હતા. ઘર બહાર નીકળતા તમામ યુવાનો પ્રત્યે ભેદભાવ કરાતો હતો."

“સ્કૂલમાં અને કાર્યસ્થળે પણ તેમને પૂર્વાગ્રહનો સામનો કરવો પડતો હતો અને ક્યારેક તો હિંસા પણ વેઠવી પડતી હતી."

"માતાપિતા પાસે પોતાનાં બાળકોમાં રહેલાં સેક્શ્યુઅલ ઑરિએન્ટેશનની ઓળખ કરાવવાની અને સ્વસ્થ વિકાસ થવા દેવાની તક હોય છે."

ઇમેજ સ્રોત, Getty Images

ક્લિન્ટન ડબ્લ્યૂ એન્ડરસને કહ્યું, "નાની ઉંમરમાં સેક્શ્યુઅલ ઑરિએન્ટેશનની ઓળખ થઈ જાય એવા કિસ્સાઓમાં માતાપિતા અને સમાજની સ્વીકૃતિ અગત્યની હોય છે."

"એક સંશોધનમાં જાણવા મળ્યું કે માતાપિતાનો અસ્વીકાર ખરાબ માનસિક અને વ્યવહારિક પરિણામો સાથે જોડાયેલો છે. તેમની સ્વીકૃતિનાં પરિણામ વધારે સારા હોય છે."

"માતાપિતાની સ્વીકૃતિ સુરક્ષાનું વાતાવરણ ઘડે છે પણ સ્કૂલના વાતાવરણની પણ બાળક પર અસર થતી હોય છે, જે હકારાત્મક કે નકારાત્મક હોઈ શકે."

તેઓ કહે છે, "શિક્ષણમાં સફળતા અને ભાવનાત્મક તંદુરસ્તીની દૃષ્ટિએ બાળકો માટે સુરક્ષિત અને અનુકૂળ વાતાવરણ તૈયાર કરવું જરૂરી છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો