નર્વ એજન્ટ હુમલો : બ્રિટનને અન્ય દેશોનું સમર્થન, સંદિગ્ધોની તસવીર જાહેર

યૂલિયા સ્ક્રિપલ અને તેમના પિતા સર્ગેઈ સ્ક્રિપલ

ઇમેજ સ્રોત, Photoshot

ઇમેજ કૅપ્શન,

યૂલિયા સ્ક્રિપલ અને તેમના પિતા સર્ગેઈ સ્ક્રિપલ

બ્રિટનમાં પૂર્વ રશિયન જાસૂસ સર્ગેઈ સ્ક્રિપલ અને તેમની પુત્રી યૂલિયા સ્ક્રિપલ પર ઝેરી નર્વ એજન્ટ નોવિચોકથી થયેલા હુમલાની ચર્ચા ફરી શરૂ થઈ છે.

બ્રિટનના રશિયા પર આ હુમલો કરાવવાના આરોપ બાદ હવે વિશ્વના અન્ય દેશો પણ બ્રિટન સાથે આવ્યા છે.

હવે અમેરિકા, ફ્રાંસ, જર્મની અને કેનેડાએ પણ રશિયા વિરુદ્ધ બ્રિટનના આ આરોપોનું સમર્થન કર્યું છે.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આ સંબંધે થયેલી એક બેઠકમાં બંને પક્ષ તરફથી તીખી નિવેદનબાજી થઈ હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

આ બેઠકમાં બ્રિટનના તપાસકર્તાઓએ પરિષદને પૂરી જાણકારી આપી હતી.

બ્રિટનનો સ્પષ્ટ આરોપ છે કે, સર્ગેઈ અને યૂલિયા પર રશિયાની સેનાના જાસૂસી અધિકારીઓએ હુમલો કરાવ્યો હતો.

ઇમેજ કૅપ્શન,

સંયુક્ત રાષ્ટ્રમાં બ્રિટનનાં રાજદૂત કેરેન પિયર્સ

ચાર દેશના ટોચના નેતાઓ મળીને એક સંયુક્ત નિવેદન જારી કર્યું છે.

બ્રિટનનાં વડાં પ્રધાન ટેરીસા મે, જર્મનીનાં ચાન્સલર એન્જેલા મર્કેલ, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને કેનેડાના વડા પ્રધાન જસ્ટીન ટ્રુડો તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે :

"અમે ફ્રાંસ, જર્મની, અમેરિકા, કેનેડા અને બ્રિટનના નેતાઓ સેલિસ્બરીમાં 4 માર્ચના રોજ નોવિચોક નામના રાસાયણિક નર્વ એજેન્ટના ઉપયોગ પર અમારી નારાજગી અને વિરોધને દોહરાવીએ છીએ."

સંયુક્ત રાષ્ટ્રમાં બ્રિટનનાં રાજદૂત કેરેન પિયર્સને કહ્યું કે રશિયા આંતરરાષ્ટ્રીય કાયદાઓની વિરુદ્ધ જઈને ઘટનાઓને અંજામ આપી રહ્યું છે.

તેમણે અન્ય દેશો પાસેથી બ્રિટનને મળેલા સમર્થન પર ખુશી પણ પ્રગટ કરી હતી.

કોણ છે હુમલાના સંદિગ્ધ?

બ્રિટનનાં વડાં પ્રધાન ટેરીસા મેએ બુધવારે સાંસદોને કહ્યું હતું કે બે રશિયન સંદિગ્ધ એલેક્ઝાન્ડેર પેટ્રોવ અને રુસ્લાન બશિરોવ નામથી પાસપોર્ટ બનાવીને બ્રિટનમાં ઘૂસ્યા હતા.

ટેરીસા મેએ કહ્યું કે નર્વ એજન્ટથી કરાયેલો હુમલો કોઈ અપરિપક્વ હુમલો ન હતો પરંતુ તેને રશિયાની સરકારમાં ઉચ્ચ હોદ્દા પરથી લગભગ મંજૂરી મળી હતી.

સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાનાં રાજદૂત નિકી હેલીએ કહ્યું કે અમેરિકા રાસાયણિક હથિયારોના ઉપયોગની સ્પષ્ટ ટીકા કરે છે પછી તે બ્રિટનના સેલિસ્બરીમાં હોય કે વિશ્વની અન્ય કોઈ જગ્યાએ.

બીજી તરફ રશિયાએ આ તમામ આરોપોને અસ્વિકાર્ય કહીને નકારી દીધા છે.

રશિયાએ પોતાના પર બ્રિટન કોઈ પણ પૂરાવા વિના આરોપ લગાવી રહ્યું છે એમ કહી તીખી પ્રતિક્રિયા આપી હતી.

શું હતો મામલો?

ઇમેજ સ્રોત, YULIA SKRIPAL/FACEBOOK

ઇમેજ કૅપ્શન,

યૂલિયા સ્ક્રિપલ

આ વર્ષે 4 માર્ચના રોજ દક્ષિણ બ્રિટનના સેલિસ્બરી સિટી સેન્ટરમાં 66 વર્ષના પૂર્વ રશિયન જાસૂસ સર્ગેઈ સ્ક્રિપલ અને તેમની 33 વર્ષીય પુત્રી યૂલિયા સ્ક્રિપલ એક બેંચ પર બેભાન હાલતમાં મળ્યાં હતાં.

બાદમાં બંને પર ઝેરી નર્વ એજન્ટથી હુમલો થયાની વાત સામે આવી હતી.

બંનેની સ્થિતિ નાજુક હતી પરંતુ લાંબા સમય સુધી હૉસ્પિટલમાં રહ્યા બાદ તેઓ બહાર આવ્યાં હતાં.

બ્રિટનની સરકારે કહ્યું હતું કે આ હુમલામાં રશિયામાં બનેલા નર્વ એજન્ટ નોવિચોકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ ઘટના બાદ બ્રિટન અને રશિયાના સંબંધોમાં તણાવ પેદા થઈ ગયો હતો.

આ હુમલાનો આરોપ રશિયા પર લગાવતા પહેલાં બ્રિટને અને પછી તેમના સમર્થનમાં 20થી વધારે દેશોએ રશિયાના ડિપ્લોમેટ્સને કાઢી મૂક્યા હતા.

અમેરિકાએ પણ પોતાને ત્યાંથી 60 જેટલા રશિયન ડિપ્લોમેટ્સને દેશ છોડવાનું કહ્યું હતું અને સિએટલનો રશિયન દૂતાવાસ બંધ કરી દીધો હતો.

તે બાદ બ્રિટનનાં એક દંપતી પર પણ નર્વ એજન્ટના હુમલાની ઘટના સામે આવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો