હાર્દિક હૉસ્પિટલમાં: ટ્વીટ કરીને કહ્યું અનિશ્ચિતકાળ સુધી ઉપવાસ આંદોલન ચાલુ છે

હાર્દિક પટેલ

ઇમેજ સ્રોત, @HardikPatel_

છેલ્લા 14 દિવસથી ખેડૂતોના દેવામાફી અને પાટીદાર અનામત જેવી વિવિધ માગ સાથે ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલને ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ સાથે મુલાકાત બાદ સોલા સિવિલ હૉસ્પિટલ ખસેડાયા છે.

તેમની તબિયત કથળી હોવાથી આ પગલું ભરવામાં આવ્યું છે. જોકે, તેમણે હૉસ્પિટલમાંથી કરેલા ટ્વીટ મુજબ તેમના ઉપવાસ અનિશ્ચિતકાળ સુધી ચાલુ રહેશે.

આ અગાઉ અમદાવાદના ગ્રીનવૂડ્સ બંગલોઝ ખાતે આવેલા હાર્દિક પટેલના ઘરની બહાર જ આઈસીયુ ઓન વ્હીલ હાજર રાખવામાં આવી હતી.

હાર્દિકને તેમાં બેસાડીને જ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

હાર્દિકને હૉસ્પિટલમાં ખસેડાયા એની થોડી મિનિટો પહેલાં જ એમને ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ મળવા આવ્યા હતા.

હાર્દિક પટેલ સાથેની મુલાકાત બાદની પત્રકાર પરિષદમાં નરેશ પટેલે કહ્યું હતું કે, તેઓ સરકાર તરફથી મધ્યસ્થી કરવા માટે હાર્દિકને મળવા નહોતા આવ્યા.

તેમણે કહ્યું, “હાર્દિક પટેલની કથળતી તબિયતથી ચિંતિત થયેલા પાટીદાર સમાજના યુવાનોએ મને વિનંતી કરી હતી. આથી હું હાર્દિકને મળવા આવ્યો હતો.”

શું તમે આ વાંચ્યું?

તેમણે ઉમેર્યું હતું કે, “હાર્દિક તેમની ત્રણ માગ પર અડગ છે. મેં તેમને પારણાં કરવા સમજાવ્યા હતા, જેના પર હાર્દિકે વિચાર કરવાનું આશ્વાસન આપ્યું છે.”

હાર્દિકને હોસ્પિટલમાં ખસેડાયા એ પહેલાં પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના સંયોજક નિખિલ સવાણીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, “છેલ્લા બે દિવસથી તબિયત બહુ ખરાબ છે, ગઈકાલથી જળત્યાગ પણ કર્યો છે. ત્યારબાદ ગઈકાલે રાત્રે યૂરિન રિપોર્ટ પણ ખરાબ આવ્યા હતા.”

“સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજમાં ચિંતાનો માહોલ છે. ભયનો માહોલ છે. ભૂતકાળમાં આ જ ભારતીય જનતા પાર્ટીએ ઘણા બધા નેતાઓને હૉસ્પિટલમાં રાખીને ધીમા ઝેરે તેમને મરાવી દીધા છે. એમને મારી નાખવામાં આવ્યા છે.”

ઇમેજ સ્રોત, PAAS

“એવું હાર્દિક પટેલ સાથે ન થાય એ માટે અમે ઇચ્છીએ છીએ. એટલા માટે જ્યારે પણ એમને સોલા સિવિલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવે ત્યારે અમારા બે થી ત્રણ સંયોજક અને પર્સનલ ડૉક્ટરને જોડે રહેવા દેવાય એવું અમે ઇચ્છીએ છીએ."

નરેશ પટેલની હાર્દિકની સાથેની મુલાકાત વિશે તેમણે કહ્યું, “નરેશ પટેલ મધ્યસ્થી કરાવવા આવ્યા છે, એ આવકાર્ય છે. પણ મધ્યસ્થીનો સુખદ અંત આવે એ જરૂરી છે.”

“અગાઉ ઘણી વ્યક્તિઓ મધ્યસ્થી કરાવવા આવી છે, પણ એ લોકો સરકારમાં પોતાની વાહવાહી કરાવવા માગતા હતા. નરેશ પટેલ મધ્યસ્થી કરાવે અને સુખદ અંત આવે તો આવકાર્ય છે."

હૉસ્પિટલ પહોંચ્યા બાદ હાર્દિક પટેલે ટ્વીટ કર્યું હતું. તેમણે ટ્વીટમાં લખ્યું, “આમરણ ઉપવાસ આંદોલનના 14મા દિવસે મારી તબિયત કથળતા મને અમદાવાદની સોલા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે અને કિડનીને નુકસાન થયું હોવાનું જણાવાયું છે. હજુ સુધી ભાજપ, ખેડૂતો અને સમાજની માંગણીઓ મામલે સંમત નથી.”

હાર્દિકના પારણાં વિશે તેમણે જણાવ્યું, "પારણાં ક્યારે થશે એ તો આવનારા સમયમાં જ ખબર પડશે. ટૂંક સમયની પાસની ટીમ હાર્દિક સાથે ચર્ચા કરશે કે હાર્દિકની તબિયત વધારે લથડે તો આંદોલન આગળ કેવી રીતે લઈ જવું જોઈએ.”

“તેની તબિયત ન બગડે એવું અમે ઇચ્છીએ છીએ, કેમ કે આ સરમુખત્યાર સરકાર સામે લડવા માટે તબિયત સારી રહે એ જરૂરી છે. પણ સુખદ અંત આવે એ પણ જરૂરી છે."

આ અગાઉ હાર્દિક પટેલે ટ્વીટ કર્યું હતું કે, તેમણે કોઈને મધ્યસ્થી કરવાનું કહ્યું નથી.

પાસનાં આગેવાન ગીતાબહેન પટેલે મીડિયા સાથે વાત કરતાં કહ્યું, "હૉસ્પિલાઇઝ થયા છે પણ હજુ ઉપવાસ તોડ્યા નથી. હાર્દિકની કથળી રહેલી તબિયત ચિંતાજનક છે, આમ છતાં હાર્દિકે અન્ન લેવાની સ્પષ્ટ ના પાડી છે.”

“અમે ઇચ્છીએ છીએ કે પાટીદારોની માગ સંતોષાવી જોઈએ પણ હાર્દિકના ભોગે અમારી માગ પૂરી થાય એવું ઇચ્છતાં નથી."

આવતીકાલે પાસ સાથે નરેશ પટેલ બેઠક કરે એવી શક્યતા

ઇમેજ સ્રોત, Getty Images

નરેશ પટેલ શનિવારે પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે બેઠક કરે તેવી શક્યતા છે.

એ બેઠક બાદ નરેશ પટેલ ગુજરાત સરકારે આ મુદ્દે રચેલી ચાર મંત્રીઓની સમિતિ સાથે પણ બેઠક કરે તેવી સંભાવના છે.

સરકાર દ્વારા પ્રદીપસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિહ ચુડાસમા, કૌશિક પટેલ અને સૌરભ પટેલને સમાવતી સમિતિ રચવામાં આવી છે.

દરમિયાન ગુજરાત સરકારના ઊર્જા મંત્રી સૌરભ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું, “સરકાર તમામ છ સંસ્થાઓ સાથે મંત્રણા માટે તૈયાર હતી. અમે મંત્રીઓ મળ્યા પણ હતા.”

“પરંતુ હાર્દિક અને તેમની ટીમે સમાજના આગેવાનોનું અપમાન કર્યું. અગ્રણીઓને પણ આ બાબતનું દુ:ખ થયું.”

તેમણે ઉમેર્યું, “હાર્દિક પટેલ અને મનોજ પનારાએ સમાજના અગ્રણીઓનું અપમાન કર્યું હતું. આથી આગામી સમયમાં સમાજ શું કરશે તે અમને ખબર નથી. પણ દરેક સમાજ માટે અમારા દરવાજા ખુલ્લા છે.”

“વળી અનામત મામલે અમે વલણ સ્પષ્ટ કર્યું છે. પરંતુ શું કોગ્રેસે તેનું વલણ સ્પષ્ટ કર્યું છે? પાટીદાર અનામત આંદોલન સમિતિએ વલણ સ્પષ્ટ કર્યું છે? સુપ્રીમ કોર્ટે 50 ટકાની મર્યાદા નક્કી કરેલી છે.”

જોકે, તેમણે જણાવ્યું કે, તમામ મામલે વાતચીત માટે દરવાજા ખુલ્લા હાલમાં તમામ સારવાર માટે સરકાર ધ્યાન આપશે.

તેમણે કહ્યું, “જ્યારે પણ સમાજના આગેવાનોએ માંગણી કરી અમે બેઠક કરી જ છે.”

“મુખ્ય મંત્રી ન હોય તો અમે મંત્રીઓ છીએ. વધુમાં સમાજના નામે રાજનીતિ કરવામાં આવશે તો અમે રાજકીય રીતે જ વ્યવહાર કરીશું.”

બીજી તરફ પાસ ટીમના ગીતા પટેલે સૌરભ પટેલને પ્રત્યુત્યર આપ્યો, “ધાર્મિક સમાજનો અમે આદર કર્યો છે. અમે તેમને પિતાતુલ્ય ગણ્યા છે. અમે એવું કોઈ વર્તન નથી કર્યું કે તેમનું અપમાન થાય.”

“નરેશ પટેલ સાથે પણ અમારે સારી ચર્ચા થઈ છે. મુલાકાત પણ સારી રહી.”

“સરકાર લેઉઆ-કડવા વચ્ચે વિખવાદ સર્જવા માંગે છે. ખરેખર સૌરભ પટેલને ટ્રીટમેન્ટની જરૂર છે.”

સીકે પટેલે શું કહ્યું?

ઇમેજ સ્રોત, @ckpatelofficial

એક તરફ જ્યાં ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલે ખોડલધામ (લેઉવા પાટીદારોની સંસ્થા) અને ઉમિયાધામ (કડવા પાટીદારોની સંસ્થા)ના અગ્રણીઓ સાથે મળીને હાર્દિક પટેલની માગણીઓને સરકાર સુધી પહોંચાડવાની વાત કરી છે.

જોકે, કડવા પાટીદારોની અન્ય એક સંસ્થા ‘વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન’ના સંયોજક અને ભાજપના નેતા ચંદુ કે. પટેલે (સીકે પટેલે) પોતાનો અલગ મત વ્યક્ત કર્યો છે.

તેમણે બીબીસી ગુજરાતીને જણાવ્યું, “અમને આ રીતે સમાધાનના પ્રયાસોમાં અગાઉ ખરાબ અનુભવ થયા છે.”

“પાટીદારોની લગભગ છ સંસ્થાઓ છે, એ તમામની સાથે સંકલન થવું જોઈએ. અમે એમ પણ ઇચ્છીએ છીએ કે કોઈપણ સમજૂતી કરતાં પહેલાં તમામને વિશ્વાસમાં લેવા જોઈએ અને એ માટે લેખિતમાં નોંધ તૈયાર થવી જોઈએ.”

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સીકે પટેલ જ્યારે હાર્દિક પટેલ પાસે સમાધાનના પ્રયાસો માટે ગયા હતા ત્યારે તે કોના પ્રતિનિધિ છે તેવા પ્રશ્નો પાસ દ્વારા ઉપસ્થિત કરવામાં આવ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો