ઑસ્ટ્રેલિયાએ ભારતીય બાળકો દત્તક લેવાનો પ્રતિબંધ હટાવ્યો

  • નીના ભંડારી,
  • સિડની ઑસ્ટ્રેલિયાથી
પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઑસ્ટ્રેલિયાએ ભારતમાંથી બાળકો દત્તક લેવાનો કાર્યક્રમ ફરી શરૂ કર્યો છે, જેનાથી 33 વર્ષીય એલિઝાબેથ બ્રૂક અને તેમના 32 વર્ષીય પતિ એડમ બ્રૂક ખૂબ ખુશ છે.

એલિઝાબેથ 14 વર્ષનાં હતાં, ત્યારથી તેમને પૉલિસિસ્ટિક ઑવેરન સિન્ડ્રોમનું નિદાન થયું હતું. એટલે તે હંમેશાંથી બાળક દત્તક લેવા ઇચ્છતાં હતાં.

તે કહે છે, "અમારું પારિવારિક જીવન આગળ વધી રહ્યું છે, એવામાં આ નિર્ણય અમારા માટે નવા સૂર્યોદય જેવો છે."

સંજોગવશાત્ એવું થયું કે જ્યારે તેમને ખબર પડી કે તેઓ કદાચ બાળકને જન્મ નહીં આપી શકે, ત્યારે તેઓ ટેલિવિઝન પર ‘રાજા હિંદુસ્તાની’ ફિલ્મ જોતાં હતાં.

તેઓ કહે છે, "જેની મારા મન પર અમીટ છાપ પડી. એ વખતે ભારતીય ચીજોનું આકર્ષણ થઈ ગયું હતું, જેમકે ભારતીય વાનગીઓ, કપડાં અને ફિલ્મો."

તમે આ વાંચ્યું કે નહીં?

"મારી બહેન અને ખાસ મિત્ર સાથે હું ભારત પણ ગઈ. ત્યારબાદ એડમ સાથે પણ બે વખત ભારતની મુલાકાત લીધી."

"ભારત પ્રત્યે એટલું આકર્ષણ હતું કે મારે ભારતીય બાળક દત્તક લેવું હતું."

ઇમેજ કૅપ્શન,

એલિઝાબેથ અને એડમ બ્રૂક

ભારતમાંથી બાળક દત્તક લેવાની નીતિને ઑક્ટોબર 2010માં ઑસ્ટ્રેલિયાની સરકારે હોલ્ડ પર મૂકી દીધી હતી.

વિદેશમાં બાળકો દત્તક આપવાની કામગીરીમાં સંકળાયેલી એજન્સી પર બાળકોની તસ્કરી કરવાનો આક્ષેપ હતો, જેના કારણે ઑસ્ટ્રેલિયાની સરકાર પ્રતિબંધ લાદ્યો હતો.

ઑસ્ટ્રેલિયાની સરકારે આ આક્ષેપો બાદ બાળક દત્તક લેવાના કાયદાઓ કડક કર્યા હતા.

બે વર્ષ પહેલાં આ પરિવારે ભારત સ્થળાંતર કરવાનો પણ વિચાર કર્યો હતો.

ધર્મ અને સંસ્કૃતિની દૃષ્ટિએ ઉદાર મત ધરાવતા પરિવારમાં ઊછરેલાં એલિઝાબેથ કહે છે, "આશા છે કે વર્ષના અંત સુધીમાં ઑસ્ટ્રેલિયામાં ભારતીય બાળકોને દત્તક લઈ શકાશે. જો ત્રણ વર્ષમાં અમારા ઘરમાં બાળક આવી જાય તો એ અમારા માટે ખુશીની વાત હશે."

ઑસ્ટ્રેલિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ એન્ડ વેલ્ફેરના 2016-17ના રિપોર્ટ પ્રમાણે ઑસ્ટ્રેલિયામાં બાળકને દત્તક લેવાની સમગ્ર પ્રક્રિયામાં સરેરાશ 2 વર્ષ 9 મહિના જેટલો સમય લાગે છે.

એલિઝાબેથ અને એડમ ભારતની 'સેન્ટ્રલ અડૉપ્શન રિસોર્સ ઑથૉરિટી' પાસેથી બે-ત્રણ બાળકો દત્તક લેવાની ઇચ્છા ધરાવે છે.

ઇમેજ કૅપ્શન,

એલિઝાબેથ બ્રૂક તેમના પરિવાર સાથે.

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેનો બાળક દત્તક લેવાનો કાર્યક્રમ ફરી શરૂ કરાઈ રહ્યો છે, ત્યારે ઑસ્ટ્રેલિયન ડિપાર્ટમેન્ટ ઑફ સોશિયલ સર્વિસના પ્રવક્તાનું કહેવું છે કે ભારતમાંથી બાળક દત્તક લેવા માગતા માતાપિતાની અરજીઓ હમણાં લઈ નહીં શકાય.

તેમણે ઉમેર્યું હતું કે સ્ટેટ એન્ટ ટૅરિટરી સેન્ટ્રલ (એડપ્શન) ઑથૉરિટી આ અંગે હજુ વિચારણા કરી રહી છે.

પ્રવક્તા કહે છે, "બાળકોને દત્તક લેવાની અરજી ભારત મોકલતા પહેલાં પ્રક્રિયા અને નિયમો નક્કી કરવા પડશે. પ્રતિબંધ બાદ ફરીથી કોઈ કાર્યક્રમ શરૂ કરાતો હોય ત્યારે વિશેષ કાળજી રાખવી પડે છે."

"અમે આ પ્રક્રિયા ધીમેધીમે કરીએ છીએ જેથી ઑસ્ટ્રેલિયન સરકાર કામગીરીનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરી શકે."

"આ પ્રતિબંધ હટાવી લેવાયો હોવાથી વિદેશમાંથી બાળકો દત્તક લઈ શકાશે. ખાસ કરીને ઑસ્ટ્રેલિયામાં વસી રહેલા ભારતીય મૂળના નાગરિકો પોતાના વતનનાં બાળકોને દત્તક લઈ શકશે."

ઇમેજ કૅપ્શન,

જોયલક્ષ્મી અને મનજીત સિંઘ સાઇની

ઉત્તર મેલબૉર્નના વિક્ટૉરિયામાં રહેતાં 42 વર્ષીય જોયલક્ષ્મી સાઇની અને તેમના 38 વર્ષીય પતિ મંજીત સિંઘ સાઇની છેલ્લા આઠ વર્ષથી આ કાર્યક્રમ ફરી શરૂ થાય એની રાહ જોઈ રહ્યાં હતાં.

2008માં જોયલક્ષ્મીને એન્ડોમેટ્રિઓસિસનું નિદાન થયું અને તાત્કાલિક સર્જરી પણ કરવી પડી હતી.

તેઓ કહે છે, "આ અમારા માટે સારા સમાચાર છે. અમે બાળક દત્તક લેવાની પ્રક્રિયાના ત્રીજા સ્ટેજમાં છીએ. અમે મૂંઝવણમાં છીએ કે સ્થાનિક બાળકને દત્તક લઈએ કે વિદેશી બાળકને દત્તક લઈએ."

વીડિયો કૅપ્શન,

પ્રૅગનન્સીના સ્ટ્રેસને ટાળવા ક્રિંઝલ ચૌહાણે શોખ વિકસાવ્યો

આ યુગલ મુંબઈથી ઑસ્ટ્રેલિયા સ્થળાંતરિત થયું ત્યારે તેમણે આઈવીએફની મદદ લીધી અને પાંચ સાઇકલ પછી પણ સંતાનપ્રાપ્તિમાં સફળતા ન મળી.

જોયલક્ષ્મી કહે છે, "બાળક દત્તક લેવું એ એકમાત્ર વિકલ્પ હતો અને 2010માં અમે જોડિયાં ભારતીય બાળકો દત્તક લેવા ઇચ્છતાં હતાં. અમે ઘણા અનાથ આશ્રમોમાં ગયાં અને બાળક દત્તક લેવાનો પ્રયાસ કર્યો."

ઑસ્ટ્રેલિયાએ ભારતમાંથી બાળક દત્તક લેવાના કાર્યક્રમને હોલ્ડ પર મૂક્યો છે એ જાણીને જોયલક્ષ્મી ઘણાં દુઃખી થયાં હતાં. જ્યારે બીજી તરફ યૂએસ તથા યૂકે જેવા દેશોએ અન્ય દેશોના બાળકો દત્તક લેવાની પ્રક્રિયા ચાલુ જ રાખી હતી.

33 વર્ષીય મેરી જોન્સ (ઓળખ છુપાવવા નામ બદલ્યું છે) ઉત્તર-પશ્ચિમ ક્વીન્સલૅન્ડના માઉન્ટ ઇસામા રહે છે.

તેઓ કહે છે, "આ બહું સારું પગલું છે, પણ હવે જોવાનું એ રહે છે કે કેટલી ઝડપથી ભારતમાંથી બાળક દત્તક લેવાની પ્રક્રિયા શરૂ કરાય છે.”

“હું છેલ્લાં ચાર વર્ષથી ભારતની બાળકી દત્તક લેવા ઇચ્છું છું. અમે અંતરિયાળ વિસ્તારમાં રહીએ છીએ અને મારો નવ વર્ષનો દીકરો એકલતા અનુભવે છે."

મેરી ભારતથી ન્યૂઝીલૅન્ડ પોતાના પતિ સાથે આવી ગઈ હતી. પાંચ વર્ષ પહેલાં પતિથી છૂટાં પડ્યાં બાદ તેઓ ઑસ્ટ્રેલિયા આવી ગયાં. તેઓ નર્સ છે અને તેઓ બાળકને દત્તક લઈ સારું જીવન આપવા માગે છે.

એડપ્ટ ચેન્જના સીઈઓ રેની કાર્ટર કહે છે, "અનાથાશ્રમ કે કોઈ સંસ્થામાં રહેતાં અનાથ બાળકોના જીવન પર નકારાત્મક અસર થતી હોવાના પૂરાવા છે."

તેઓ કહે છે, "બાળક પોતાના દેશના જ કોઈ પરિવારમાં ઊછરે એવા પ્રયાસ કરવા જરૂરી છે. પણ જો એવું શક્ય ન હોય તો બાળકને સુરક્ષિત અને કાયમી પરિવાર મળે એ પણ પૂરતું છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે બાળક દત્તક લેવાની કામગીરી કરાઈ રહી હોય ત્યારે ધ્યાન રાખવું જોઈએ કે બાળક સુરક્ષિત રહે અને આખી પ્રક્રિયા પારદર્શક રીતે થાય."

વર્ષ 2016-17 દરમિયાન ઑસ્ટ્રેલિયામાં કુલ 69 બાળકો આંતરદેશીય દત્તક લેવાયાં હતાં, આ તમામ બાળકો એશિયાના હતાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો