દુનિયાના કયા કયા દેશો પાસે છે હેકર્સની મોટી સાયબર સેના?

હેકર્સ

દર વર્ષની જેમ આ વર્ષે ઑગસ્ટ મહિનામાં, અમેરિકાના લાસ વેગસમાં એક ખાસ મેળો યોજાયો.

આ મેળો હતો, હેકર્સનો! જેમાં સાઈબર એક્સપર્ટથી માંડીને બાળકો સુધી, દરેક ઉંમરના લોકો હેકિંગનું હુનર પ્રદર્શિત કરી રહ્યા હતા.

લાસ વેગસમાં દર વર્ષે હેકર્સ એકઠા થાય છે. એમનાં હુનર ઉપર નજર રાખીને અમેરિકાના સાઈબર એક્સપર્ટ એમ સમજી રહ્યાં છે કે હેકર્સનું મગજ કેવી રીતે કામ કરે છે અને તેઓ કેવી રીતે મોટાં ઓપરેશન ચલાવે છે.

જે સમયે હેકર્સનો આ મેળો લાસ વેગસમાં ચાલતો હતો એ જ સમયે હેકર્સે એક ભારતીય બૅન્ક ઉપર સાયબર હુમલો કરીને લગભગ ત્રણ કરોડ ડૉલરની રકમ ઉપાડી લીધી.

દુનિયાભરમાં દરેક વખતે સરકારી વેબસાઈટથી માંડીને ખાનગી કંપનીઓ અને સામાન્ય જનો ઉપર સાયબર હુમલા થતા રહે છે.

છેવટે કઈ રીતે ચાલે છે હેકિંગનું આ સામ્રાજ્ય?

બીબીસી રેડિયો સિરીઝ ‘ધ ઇન્ક્વાયરી’માં હેલેના મેરીમૈને આ વખતે આ જ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરી. તેમણે સાયબર એક્સપર્ટ્સની મદદથી હેકર્સની જોખમી અને રહસ્યમય દુનિયામાં ડોકિયું કરવાનો પ્રયત્ન કર્યો.

1990ના દશકામાં સોવિયત સંઘના વિસર્જન પછી રશિયામાં ઘણાં બધા એક્સપર્ટ્સ અચાનક બેરોજગાર થઈ ગયા.

આ ઇલેક્ટ્રોનીક્સ એન્જિનિયર્સ અને ગણિતજ્ઞ હતા. રોજી રળવા માટે તેમણે ઇન્ટરનેટની દુનિયામાં ખાંખાંખોળા શરૂ કર્યા. એ વખતે સાયબર સિક્યુરીટીને મુદ્દે ના તો ખાસ જાણકારી હતી ના ખાસ વધારે સંવેદનશીલતા હતી.

આ રશિયાનાં એક્સપર્ટ્સે હેકિંગનાં સામ્રાજ્યનો પાયો નાંખ્યો. રશિયાના આ હેકર્સે બૅન્કો, નાણાંકીય સંસ્થાઓ, અન્ય દેશોની સરકારી વેબસાઇટ્સને નિશાન બનાવવાનું શરૂ કર્યું.

પોતાની સફળતાનાં કિસ્સા તેઓ અખબારો અને પત્રિકાઓને જણાવતા હતા.

રશિયાના ઇન્વેસ્ટીગેટીવ પત્રકાર આંદ્રેઈ શૉશ્નિકૉફ જણાવે છે કે, એ સમયમાં હેકર્સ પોતાને હીરો સમજતા હતા. એ વખતે રશિયામાં 'હેકર્સ' નામની એક પત્રિકા પણ છપાતી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

આંદ્રેઈ જણાવે છે કે એ વખતનાં રશિયાનાં દરેક મોટા હેકરનો સંબંધ 'હેકર' પત્રિકા સાથે હતો. રશિયાની ઇન્ટેલિજન્સ એજન્સી એફએસબી આ હેકર્સ વિષે માહિતગાર હતી.

પરંતુ આશ્ચર્યજનક વાત એ હતી કે રશિયાની સરકારને આ હેકર્સનાં કરતૂતો સામે કોઈ નારાજગી નહોતી બલકે તે તેઓ આ હેકર્સનો ફાયદો ઉઠાવવા માંગતા હતાં.

રશિયાનાં પત્રકાર આંદ્રેઈ શૉશ્નિકૉફ જણાવે છે કે એફએસબીનાં ચીફ ખાનગી ધોરણે ઘણાં રશિયન હેકર્સને જાણતાં હતાં.

2007માં રશિયાનાં હેકર્સે પડોસી દેશ એસ્ટોનિયા ઉપર મોટો સાયબર હુમલો કર્યો. આ હેકર્સે એસ્ટોનિયાની સેંકડો વેબસાઈટ્સણે હેક કરી લીધી. આ તેમણે રશિયાની સરકારના ઇશારે કર્યું હતું.

બીજા વર્ષે રશિયન હેકર્સે એક વધુ પાડોશી દેશ જયોર્જિયાની તમામ સરકારી વેબસાઈટ્સ ઉપર સાયબર હુમલો કરીને નષ્ટ કરી દીધી.

રશિયાનાં સરકારી હેકર્સ

રશિયાનાં પત્રકાર આંદ્રેઈ જણાવે છે કે 2007માં જ્યોર્જિયા ઉપર થયેલો સાયબર હુમલો રશિયાનાં સરકારી હેકર્સે કર્યો હતો. એ રશિયાની ઇન્ટેલિજન્સ એજન્સીના કર્મચારી હતા.

રશિયાની સરકારને લાગ્યું કે તે ફ્રીલાન્સ હેકર્સ ઉપર વધુ ભરોસો કરી શકે તેમ નથી. એના કરતાં તે પોતાની હેકર્સ આર્મી તૈયાર કરે એ બહેતર રહેશે.

રશિયન હેકર્સની આ જ સાયબર સેનાએ જ્યોર્જિયા ઉપર 2008માં હુમલો કર્યો હતો.

આજની તારીખમાં રશિયા પાસે સૌથી શક્તિશાળી સાયબર સેના છે.

રશિયન હેકર્સ ઉપર આરોપ છે કે તેમણે અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં દખલગીરી કરી છે.

તેમણે વાઈટ હાઉસ ઉપર સાયબર હુમલો કર્યો. નેટો અને પશ્ચિમી દેશોના મીડિયા નેટવર્ક પણ રશિયાનાં હેકર્સની તાક ઉપર રહી ચૂક્યા છે.

રશિયા દ્વારા થયેલાં સાયબર હુમલામાં એક ખાસ ગ્રૂપનું નામ ઘણી વાર આવ્યું છે. જેનું નામ છે ફેંસી-બિયર. એવું માનવામાં આવે છે કે હેકર્સના આ ગ્રૂપને રશિયાની મિલિટરી ઇન્ટેલિજન્સ ચલાવે છે.

હેકર્સના આ જ જૂથ ઉપર આક્ષેપ છે કે આ જૂથે અમેરિકાની ગત રાષ્ટ્રપતિ ચૂંટણીમાં દખલગીરી કરી હતી.

રશિયન પત્રકાર આંદ્રેઈ શૉશ્નિકૉફ કહે છે કે આ સાયબર હુમલાઓ દ્વારા રશિયા દુનિયાને એ બતાવવા ઇચ્છે છે કે તે સાયબર સામ્રાજ્યમાં બાદશાહ છે.

90નાં દશકમાં હોલીવૂડ ફિલ્મ મૅટ્રીક્સથી પ્રભાવિત થઈને રશિયાનાં જે એન્જિનિયર્સે હેકિંગનાં સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો, તેઓ આજે ખૂબ વિસ્તરી રહ્યો છે. આજે ઘણાં બધા હેકર્સ રશિયાની સરકાર માટે કામ કરે છે.

પરંતુ, હેકિંગની આ રમતમાં રશિયા એકલું નથી!

ઈરાનની પાસે પણ છે હેકર્સની સેના

ઈરાન પણ હેકિંગની દુનિયાનો એક મોટો ખેલાડી છે. 1990ના દશકમાં ઇન્ટરનેટ આવતાની સાથે જ ઈરાને પોતાને ત્યાં લોકોને સાયબર હુમલાઓ માટે તૈયાર કરવાનું શરૂ કરી દીધું હતું.

ઈરાન જેવાં દેશોમાં સોશિયલ મીડિયા, સરકારની વિરુદ્ધ અવાજ ઉઠાવવાના સૌથી મોટા મંચ હોય છે. સરકાર આ તમામની ઉપર ચાંપતી નજર રાખે છે.

ઈરાનમાં હેકર્સનો ઉપયોગ ત્યાંની સરકાર પોતાની વિરુદ્ધ બોલનારાઓના મોઢાં બંધ કરવા માટે કરે છે.

2009માં જ્યારે ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શનો તેજી પકડી રહ્યાં હતાં ત્યારે ઈરાનના સરકારી હેકર્સે તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરીને એ જાણકારી મેળવી હતી કે આખરે આ આંદોલનોની પાછળ કોણ છે.

એ લોકોની ઓળખ થયા બાદ તેમને ડરાવી-ધમકાવીને જેલ ભેગા કરી દેવામા આવ્યા હતા.

એટલેકે સાયબરની દુનિયાની તાકાતથી ઈરાનની સરકારે પોતાની વિરુદ્ધ તેજ થઈ રહેલાં બળવાને શાંત કરી દીધો હતો.

ઈરાનની પાસે રશિયા જેવી શક્તિશાળી સાયબર સેના તો નથી, પરંતુ એ ટ્વીટર જેવા સોશિયલ મીડિયાને હેરાન કરી નાખવાનાં સાધન જરૂર રાખે છે.

જાણકારો જણાવે છે કે ઈરાનની સાયબર સેનાને ત્યાંના વિખ્યાત રિવોલ્યુશનરી ગાર્ડ્સ ચલાવે છે.

ઈરાનમાં દુનિયાના એકથી એક કાબેલ એન્જિનિયર અને વૈજ્ઞાનિકો તૈયાર થાય છે. તકલીફ એ છે કે આમાંથી મોટાં ભાગનાં શિક્ષણ પૂરું કર્યા બાદ અમેરિકા અથવા અન્ય પશ્ચિમી દેશોમાં જતા રહે છે. તો, ઈરાનની સાયબર સેનાને બાકી બચેલા લોકોથી જ કામ ચલાવવું પડે છે.

અમેરિકન થિંક ટૅન્ક કાર્નેગી એન્ડૉમેંટ માટે કામ કરનાર કરીમ કહે છે કે ઈરાન ત્રીજા ક્રમનું સાયબર પાવર છે.

અમેરિકા, રશિયા, ચીન અને ઇઝરાયલ, સાયબર શક્તિના મામલામાં પહેલાં સોપાન ઉપર સ્થાન ધરાવે છે. યુરોપીય દેશોની સાયબર સેનાઓ બીજા નંબરે આવે છે.

ખાસ કરીને અમેરિકા દ્વારા, ઈરાન વારંવાર સાયબર હુમલાઓના નિશાન ઉપર રહે છે.

2012માં ઈરાનના તેલ ઉદ્યોગ ઉપર થયેલા સાયબર હુમલામાં તેની સિસ્ટમની હાર્ડ ડ્રાઈવમાંથી ડેટા ઉડાવી દેવાયો આવ્યો હતો.

ઈરાન ઉપર સાયબર હુમલાની પાછળ અમેરિકા અથવા ઇઝરાયલનો હાથ હોવાનો ભય હતો.

ઈરાને આ જ હુમલા ઉપરથી શીખ લઈને ત્રણ મહિના પછી પોતાનાં દુશ્મન સાઉદી અરબ ઉપર મોટો સાઈબર હુમલો કર્યો. આ હુમલામાં ઈરાનના હેકર્સે સાઉદી અરબનાં ત્રીસ હજાર કોમ્પ્યૂટર્સનો ડેટા ઉડાડી દીધો હતો.

આજે હેકર્સે પોતાના સામ્રાજ્યને આખી દુનિયામાં ફેલાવી લીધું છે. વધતા ઓછા અંશે દરેક દેશમાં હેકર્સ મોજૂદ છે. ક્યાંક તેઓ સરકાર માટે કામ કરે છે, તો ક્યાંક સરકારની વિરુદ્ધ.

જ્યાં સાયબર હેકિંગ સંપૂર્ણપણે સરકારી છે

એક દેશ એવો છે, જ્યાંની સાયબર હેકિંગ સેના સંપૂર્ણપણે સરકારી છે. આ દેશનું નામ છે ઉત્તર કોરિયા.

ઉત્તર કોરિયામાં હેકર્સની સેનાને ચલાવે છે ત્યાંની ઇન્ટેલિજન્સ એજન્સી આરજીબી. ઉત્તર કોરિયામાં 13-14 વર્ષની ઉંમરથી જ બાળકોને હેકિંગ માટે તાલીમ આપવાની શરૂઆત કરી દેવાય છે.

શાળાઓથી જ પ્રતિભાશાળી બાળકોને પસંદ કરીને હેકિંગની ઇન્ટેલિજન્સ સેનામાં દાખલ કરી દેવામાં આવે છે.

ગણિત અને એન્જિનિયરીંગમાં તેજ વિદ્યાર્થીઓને સૉફટવેર એન્જિનિયરીંગની તાલીમ આપવામાં આવે છે. પછી તેઓ હેકર બને છે અથવા સૉફટવેર એન્જિનિયર.

સંસાધનોની અછતને કારણે ઉત્તર કોરિયામાં બાળકો પહેલાં કાગળનાં કી-બોર્ડ ઉપર અભ્યાસ કરતાં હતાં. જે ખૂબ ચપળ થઈ જાય, તેઓને પછીથી કોમ્પ્યૂટર આપવામાં આવે છે.

ઉત્તર કોરિયા પોતાને ત્યાંના ઘણાં વિદ્યાર્થીઓણે ચીન અથવા અન્ય એશિયાઈ દેશોમાં આઈટીનો અભ્યાસ કરવા માટે મોકલે છે, જેથી તે સાયબર દુનિયાને સારી પેઠે સમજી શકે અને દેશને કામ આવી શકે.

આમાંથી ઘણાં વિદ્યાર્થીઓ અભ્યાસ પૂરો કરીને ચીન અથવા અન્ય દેશોમાં જ રહી જાય છે અને ત્યાંથી જ પોતાના દેશ માટે હેકિંગનું કામ કરે છે. તેમનું મકસદ કમાણી કરીને પોતાના દેશને પૈસા મોકલવાનું હોય છે.

આ ઉત્તર કોરીયાના હેકર્સ 80 હજારથી એક લાખ ડૉલર લઈને ફ્રીલાન્સ હેકિંગ કરે છે, જેથી પોતાના દેશ માટે પૈસા કમાઈ શકે.

જાણકાર માને છે કે ઉત્તર કોરિયાનાં લગભગ બેથી ત્રણ હજાર હેકર ફ્રીલાન્સ કામ કરે છે, તેમના નિશાન ઉપર ક્રેડીટ કાર્ડ, બૅન્કનાં ખાતાં હોય છે, જેથી સહેલાઈથી કમાણી થઈ શકે.

ઉત્તર કોરિયાના હેકર્સે દુનિયાની ઘણી બૅન્કો ઉપર મોટા સાયબર હુમલા કરીને કરોડોની રકમ ઉડાવી છે.

હવે જ્યારે સાયબર ક્રાઈમ વધી રહ્યા છે, તો સ્વાભાવિક છે કે તમામ દેશોએ સાયબર સુરક્ષા માટે પોલીસ દળો પણ તૈયાર કર્યા છે.

આવી જ સાયબર સિક્યુરીટી એક્સપર્ટ છે, માયા હોરોવિત્ઝ. માયા સાયબર હુમલા કરનાર હેકર્સને શોધે છે અને પકડે છે. હેકિંગના કેસ ઉકેલે છે. તે સાયબર સિક્યુરીટી કંપની, 'ચેક પોઈન્ટ' માટે કામ કરે છે.

હવે ક્રીપ્ટોકરન્સી તાક ઉપર

ઇઝરાયલનાં રહેવાસી માયા જણાવે છે કે, સામાન્યરીતે સાયબર હુમલાની પાછળ આઈટી પ્રોફેશનલ્સ જ હોય છે. એ ત્રણ અથવા ચાર લોકોની ટીમ તરીકે કાર્ય કરે છે. એક ટાર્ગેટની શોધ કરે છે, તો બીજું નિશાન લગાવે છે અને ત્રીજું ખાતાંમાંથી ડેટા અથવા પૈસાની ચોરી કરે છે.

માયા જણાવે છે કે ઘણી વાર હેકર્સ ૫થી ૭ વ્યક્તિઓના જૂથમાં કામ કરે છે, જે એક-બીજાને સાંકેતિક નામથી જાણે છે. કોઈને અન્યનાં અસલી નામની ખબર નથી હોતી.

સવાલ એ થાય છે કે જયારે તે એકબીજાને ઓળખતા નથી, તો પછી સંપર્ક કેવી રીતે કરે છે?

માયા જણાવે છે કે, હેકર્સ વારંવાર ટેલીગ્રામ નામના સોશિયલ મેસેજિંગ એપ દ્વારા વાત કરે છે. આ એન્ક્રિપ્ટેડ મેસેજ સર્વિસ છે, જે આતંકવાદી સંગઠનોમાં ખૂબ લોકપ્રિય છે.

સાયબર અપરાધી વારંવાર પોતાના હુનર અથવા કોડને વેચીને પૈસા કમાય છે. તેઓ બૅન્ક અથવા કોઈ નાણાંકીય સંસ્થાનાં કર્મચારીને ઈ-મેઈલ કરીને હેકિંગ કરી શકે છે, અથવા થોડા સમય માટે પોતાનાં હેકિંગ કોડ અન્ય વ્યક્તિને આપીને પૈસા કમાઈ શકે છે.

આજની તારીખમાં સાયબર અપરાધ અથવા હેકિંગ એક મોટો વેપાર બની ગયો છે.

સાયબરની દુનિયાનાં અપરાધી આજકાલ વર્ચ્યુઅલ ચલણ જેવાં બીટકોઈનને નિશાન બનાવી રહ્યાં છે.

તેઓ અન્યોના ખાતાઓની વર્ચ્યુઅલ કરન્સીને હેકિંગ દ્વારા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરીને પૈસા કમાઈ રહ્યા છે અથવા એમ કહીએ કે અન્યોનાં વર્ચ્યુઅલ ખાતાંમાં લૂંટ મચાવી રહ્યા છે.

માયા હોરોવિત્ઝ કહે છે કે સાયબર અપરાધી આપણા કોમ્પ્યૂટર અથવા મોબાઈલ ફોન ઉપર હુમલા કરીને આપણી પ્રોસેસિંગની શક્તિ છીનવી લે છે.

ઘણીવાર આપણને આની ખબર પણ નથી પડતી. બસ આપણાં લૅપટોપ અથવા ફોન વધુ ગરમ થવા લાગે છે. વીજળીનું બીલ વધી જાય છે.

માયા આના ઉદાહરણ તરીકે આઇસલૅન્ડનું ઉદાહરણ આપે છે. ત્યાંના લોકો પોતાની રોજિંદી જરૂરિયાતો માટે વીજળીનો ઉપયોગ ઓછો કરે છે. આઇસલૅન્ડમાં વધુ વીજળી ઓનલાઈન ડેટા પ્રોસેસિંગ એટલેકે ક્રીપ્ટોમાઈનિંગમાં વપરાઈ રહી છે.

તકલીફ એ છે કે વીજળી એક હદ સુધી જ ઉપલબ્ધ છે, જ્યારે વર્ચ્યુઅલ દુનિયા અપાર છે. તો જો આઇસલૅન્ડમાં આ જ દરે ક્રીપ્ટોમાઈનિંગ થતું રહેશે તો તેમની અન્ય જરૂરતો માટે એક દિવસ વીજળી બચશે જ નહીં.

હેકર્સના આ હુમલાઓથી મોટા મોટા ઉસ્તાદ દેશ પણ હેરાન-પરેશાન છે. જેમ કે ઉત્તર કોરિયા. તેણે એલાન કર્યું છે કે ટૂંક સમયમાં તે ક્રીપ્ટોમાઈનિંગની કોન્ફરન્સનું આયોજન કરશે.

આજના સમયમાં સાયબર અપરાધીઓનું સામ્રાજ્ય એટલું ફેલાઈ ગયું છે કે આ વેપાર અબજો-ખરબો ડૉલરનો થઈ ગયો છે. હેકર્સ આજે સરકારો માટે પણ કામ કરી રહ્યા છે અને ભાડેથી પણ.

તેઓ બૅન્કો અને સરકારી વેબસાઈટોથી માંડીને ખાનગી કોમ્પ્યૂટર્સ અને મોબાઈલ સુધીને તાકમાં લઈ રહ્યા છે.

તેમણે ઘણાં દેશોમાં સરકારો તાલીમ આપી રહી છે, જેથી દુશ્મન દેશોને નિશાન બનાવી શકાય. તો, ઈરાન જેવાં કેટલાય દેશ તેમણે ભાડે રાખીને વિરોધનાં અવાજો દબાવી રહ્યાં છે. સાયબર અન્ડરવર્લ્ડ આજે ખૂબ ફૂલી-ફાલી રહ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો