ભારતીય શીખો માટે કરતારપુર સાહિબ કોરિડોર ખોલશે પાકિસ્તાન

ઇમેજ સ્રોત, GURINDER BAJWA/BBC
પાકિસ્તાનના માહિતી પ્રધાન ફવાદ ચૌધરીએ જણાવ્યું છે કે ભારતથી પાકિસ્તાનમાં આવેલા કરતારપુર સાહિબ ગુરુદ્વારા સાહિબ આવતા શીખ શ્રદ્ધાળુઓ માટેનો કોરિડોર પાકિસ્તાન સરકાર ટૂંક સમયમાં જ ખોલશે.
બીબીસીનાં પત્રકાર શુમાઈલા જાફરી સાથે ઇસ્લામાબાદમાં વાત કરતા ફવાદ ચૌધરીએ કહ્યું હતું, "કરતારપુર સરહદ ખોલવામાં આવી રહી છે. ગુરુદ્વારા સુધી જવા માટે વિઝાની જરૂર નહીં પડે. ત્યાં સુધી પહોંચવાનો રસ્તો બનાવવામાં આવશે."
"દર્શન માટે શ્રદ્ધાળુઓ ટિકિટ ખરીદીને આવશે અને દર્શન કરીને પાછા જશે. આ પ્રકારની એક વ્યવસ્થા બનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે."
ફવાદ ચૌધરીએ જણાવ્યું હતું કે આ કોરિડોર ટૂંક સમયમાં તૈયાર કરવામાં આવશે.
તેમણે ઉમેર્યું હતું કે ઇમરાન ખાન સરકાર ભારત સાથે વાતચીત કરવા ઇચ્છે છે અને સરકાર શાંતિના એજન્ડા સાથે આગળ વધી રહી છે.
શું તમે આ વાંચ્યું?
ગુરુદ્વારા શ્રી કરતારપુર સાહિબ ભારતીય સીમામાં પાકિસ્તાનથી અંદાજે ચાર કિલોમીટર દૂર આવેલું છે.
ગુરુદ્વારામાં દર્શન માટે કોરિડોર ખોલવાની માગણી ઘણા સમયથી કરવામાં આવી રહી છે, પરંતુ પંજાબના કેબિનેટ પ્રધાન નવજોતસિંહ સિદ્ધુ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના સોગંદવિધિ સમારંભમાં ગયા પછી આ મુદ્દો ફરી સમાચારોમાં ચમક્યો હતો.
"ભારત સરકાર પણ એક પગલું ભરે"
ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના સોગંદવિધિ સમારંભમાં નવજોતસિંહ સિદ્ધુએ હાજરી આપી હતી.
શુક્રવારે ચંડીગઢમાં મીડિયા સાથે વાતચીત કરતા નવજોતસિંહ સિદ્ધુએ કહ્યું, "જે લોકો રાજકારણ રમી રહ્યા છે, તેઓ આ કામને અશક્ય ગણાવતા હતા, પણ હવે એ હકીકત બનવા જઈ રહ્યું છે."
"હું ખાનસાહેબનો આભાર માનું છું. હવે શ્રદ્ધાળુઓ વિઝા વિના કરતારપુર સાહિબના દર્શન કરી શકશે. હું તેને કોરિડોરથી ઉપરના સ્વરૂપમાં નિહાળું છું. આ બન્ને દેશો વચ્ચેનું અંતર ઘટાડી શકે છે."
નવજોતસિંહ સિદ્ધુએ ઉમેર્યું હતું, "હું માત્ર મહોબ્બત તથા શાંતિનો પયગામ લઈને ગયો હતો અને શાંતિ આપણને મળી છે. ધર્મ આપણને જોડી શકે છે."
"હું ભારત સરકારને વિનતી કરું છું કે તમે પણ એક ડગલું આગળ વધો. આ આનંદસભર મોસમ છે. આ ઇશ્વરની કૃપા છે. નકારાત્મક વિચારધારા ધરાવતા લોકોના મોં બંધ થઈ ગયાં છે. આ જડબાતોડ જવાબ છે."
શું છે કરતારપુર સાહિબ?
ઇમેજ સ્રોત, GURPREET CHAWLA/BBC
પાકિસ્તાનમાં આવેલાં આ ગુરુદ્વારા સાહિબના દર્શન માટે ભારતીય સીમા પર બીએસએફ દ્વારા બનાવવામાં આવેલા સ્થળે દૂર-દૂરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.
આ ગુરુદ્વારાનો સંબંધ શીખોના પહેલા ગુરુ શ્રી ગુરુનાનક દેવ સાથે છે. ગુરુનાનકે રાવી નદીના કિનારે એક નગર વસાવ્યું હતું અને 'ઇશ્વરનું નામ જપો, મહેનત કરો અને વહેંચીને ખાઓ' એવી શીખ આપી હતી.
ઇતિહાસમાં જણાવ્યા અનુસાર, ગુરુનાનક દેવ તરફથી ભાઈ લહણાજીને ગુરુગાદી પણ આ સ્થાને જ સોંપવામાં આવી હતી.
ભાઈ લહણાજીને બીજા ગુરુ અંગદ દેવના નામે ઓળખવામાં આવે છે. ગુરુનાનક દેવે છેલ્લે આ સ્થળે જ સમાધિ લીધી હતી.
ગુરુનાનક દેવની સોળમી પેઢી સ્વરૂપે સુખદેવસિંહ અને અવતારસિંહ બેદી ગુરુદ્વારા ચોલા સાહિબ ડેરા બાબામાં સેવા આપી રહ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે "કરતારપુર સાહિબ એક એવું સ્થાન છે, જ્યાં ગુરુનાનક દેવે તેમના જીવનના 17 વર્ષ, પાંચ મહિના અને નવ દિવસ પસાર કર્યા હતા."
"ગુરુસાહિબનો આખો પરિવાર પણ કરતારપુર સાહિબમાં જ આવીને વસી ગયો હતો. ગુરુ સાહિબના માતા-પિતાનો દેહાંત પણ અહીં થયો હતો."
'કોરિડોર માટે અરદાસ'
ઇમેજ સ્રોત, GURPREET CHAWLA
કરતારપુર સાહિબ કોરિડોર ખોલવાની માગણી સાથે અલગ-અલગ શીખ સંગઠનો તરફથી ખાસ દિવસોએ લોકો મોટી સંખ્યામાં અહીં આવે છે અને દર્શન સ્થળે પહોંચીને અરદાસ કરવામાં આવે છે.
અકાલી દળના નેતા કુલદીપસિંહ વડાલાએ 2001માં કરતારપુર રાવી દર્શન અભિલાખી સંસ્થાની શરૂઆત કરી હતી અને વર્ષ 2001ની 13 એપ્રિલે બૈસાખીના દિવસે અરદાસની શરૂઆત થઈ હતી.
માગણીનો થયો હતો અસ્વીકાર
શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટીના પ્રમુખ અવતારસિંહ મક્કડે જુલાઈ-2012માં કોરિડોર ખોલવાની તરફેણ કરતાં જણાવ્યું હતું કે 1999માં તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પાકિસ્તાન યાત્રા વખતે આ કોરિડોર ખોલવાની રજૂઆત પાકિસ્તાન દ્વારા કરવામાં આવી હતી, પણ ભારત તરફથી વાત આગળ વધી ન હતી.
શશી થરૂરના વડપણ હેઠળની સાત સભ્યોની સંસદીય સમિતિએ આ કોરિડોરની માગણીને 2017ની બીજી જુલાઈએ ફગાવી દીધી ત્યારે કાયમી કોરિડોરની વાત ભાંગી પડી હતી.
સંસદીય સમિતિએ માગણીને ફગાવતાં જણાવ્યું હતું કે વર્તમાન રાજકીય વાતાવરણમાં આ કોરિડોર બનાવવો યોગ્ય નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો