જલાલુદ્દીન હક્કાની : અમેરિકા માટે નાયક અને પછી ખલનાયક
- આદર્શ રાઠૌર
- બીબીસી સંવાદદાતા

ઇમેજ સ્રોત, AFP
જલાલુદ્દીન હક્કાની
પાકિસ્તાનને અડીને આવેલી સરહદ પર છે અફઘાનિસ્તાનનો સુંદર પહાડી પ્રદેશ-પક્તિયા. નાની નાની ઘાટીઓથી ઘેરાયેલા આ કબીલા વિસ્તારમાં મોટે ભાગે પશ્તૂનો રહે છે. ઠંડીની ઋતુમાં આ ખીણો બરફની ચાદરોથી ઢંકાઈ જાય છે.
જોકે, આ પ્રદેશ તેની સુંદરતા કરતાં દુનિયાના મોસ્ટ વૉન્ટેડ ઉગ્રવાદીઓ પૈકીના એક જલાલુદ્દીન હક્કાનીને કારણે વધારે જાણીતો છે કારણ કે આ એમનું જન્મસ્થાન છે.
જદરાન કબીલા સાથે સંકળાયેલા જલાલુદ્દીન હક્કાની એક વખતે અમેરિકા અને તેમના સાથી દેશો માટે હીરો હતા, પણ બાદમાં તેઓ વિલન એટલે કે ખલનાયક બની ગયા હતા.
1979માં સોવિયેટ સંઘે અફઘાનિસ્તાન પર હુમલો કર્યો, ત્યારે હક્કાની એક એવા મુજાહિદ્દીન તરીકે ઊભરી આવ્યા હતા કે જેમણે સોવિયેટ સેનાઓની આંખે પાણી લાવી દીધાં હતાં.
અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈ (સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી)એ તે સમયે પાકિસ્તાની સૈન્ય મારફત જલાલુદ્દીન હક્કાની અને તેમના જેવા મુઝાહિદ્દીનોને આર્થિક તથા વ્યૂહાત્મક મદદ કરી રહી હતી.
પાકિસ્તાન સ્થિત અગ્રણી પત્રકાર સબાહત ઝકારિયાએ જણાવ્યું હતું કે સીઆઈએ માટે હક્કાની ખૂબ મહત્વ ધરાવતા હતા.
સબાહત ઝકરિયાએ કહ્યું હતું, '' સોવિયેટ હુમલા વખતે જલાલુદ્દીન હક્કાની જાણીતા નેતા હતા. એ વખતે એમની પોતાની આગવી ઓળખ હતી.''
''એ વખતે સીઆઈએ અને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ (ઇન્ટર-સર્વિસીઝ ઇન્ટેલિજન્સ) એ ભેગા મળીને તેમને નાણાં આપ્યાં હતાં, લશ્કરી તાલીમ આપી હતી અને સોવિયેટ સંઘ સામેની વ્યૂહરચનામાં એમને એક મહત્ત્વના હથિયાર ગણ્યા હતા.''
અમેરિકાના લાડકા
ઇમેજ સ્રોત, Getty Images
સીઆઈએ અને આઈએસઆઈએની મદદથી હક્કાની નેટવર્ક અફઘાનિસ્તાનમાં અનુભવી અને દક્ષ લોકોનું જૂથ બની ગયું હતું, પણ 1990 નાં દાયકાની શરૂઆતમાં સોવિયેટ સંઘનું વિઘટન અને અફઘાનિસ્તાનમાં તાલીબાનનો ઉદય થયો, ત્યારે અમેરિકા અને તેમના સાથીઓએ હક્કાની સાથે અંતર રાખવાનું શરૂ કરી દીધું હતું.
તેમ છતાં તેમના હક્કાની નેટવર્કનો પ્રભાવ ઘટ્યો ન હતો. જલાલુદ્દીન હક્કાનીને ઘણી વખત મળી ચૂકેલા પત્રકાર અહમદ રાશિદે જણાવ્યું હતું કે હક્કાનીએ ભંડોળ એકઠું કરવા માટે બીજી તરકીબો પણ શોધી કાઢી હતી.
અહમદ રાશિદે કહ્યું હતું, "હક્કાની કમાલના માણસ હતા. જે સમયે અફઘાન મુજાહિદીન સોવિયેટ આક્રમણ સામે લડી રહ્યા હતા, ત્યારે તેઓ અમેરિકાના તત્કાલીન પ્રમુખ રોનલ્ડ રીગન અને સીઆઈએની નજરમાં હીરો હતા."
"તેઓ તેમના પોતાના લોકોની વચ્ચે પણ લોકપ્રિય હતા. એમને ખૂબ નાણાં એકઠાં કર્યાં હતાં. મોટાપાયે ડ્રગ્ઝનો ધંધો પણ કર્યો હતો અને એ મારફતે પોતાની કામગીરી માટે પૈસા એકઠા કર્યા હતા."
"તેઓ પાકિસ્તાની જાસૂસી સંસ્થા અને સેનાની પણ ખૂબ નજીક હતા અને એમના માટે પણ ઘણા કામ કર્યાં હતાં."
તાલિબાન સાથે રહેવા છતાં તેનાથી અલગ
ઇમેજ સ્રોત, Getty Images
જલાલુદ્દીન હક્કાની પાકિસ્તાનમાંના તેમના નેટવર્કના બેઝમાં તેમના બે સાથીઓ જોડે.
અફઘાનિસ્તાનમાં એક તરફ તાલિબાન અને બીજી તરફ અલ કાયદા હતું, ત્યારે પણ હક્કાની નેટવર્કનું પોતાનું આગવું અસ્તિત્વ ટકી રહ્યું હતું. એટલે સુધી કે તેઓ તાલિબાનની સરકારમાં પ્રધાન બન્યા હતા, પરંતુ પોતાના સંગઠનનું અલગ અસ્તિત્વ જાળવી રાખ્યું હતું.
વરિષ્ઠ પત્રકાર સબાહત ઝકારિયાના જણાવ્યા મુજબ, જલાલુદ્દીન હક્કાની તાલિબાન સાથે રહીને પણ તેનાથી દૂર રહ્યા હતા, કારણ કે તેમાં એમનો જ ફાયદો હતો. તેથી તેમણે તેમના સંગઠનનો તાલિબાનમાં વિલય કર્યો ન હતો.
સબાહત ઝકારિયાએ કહ્યું હતું, ''હક્કાની નેટવર્કનું વાસ્તવમાં અસ્તિત્વ તો પહેલેથી જ હતું. તે એક ફૅમિલી નેટવર્ક છે. તેઓ ઉત્તરી વઝીરિસ્તાનના મૂળ નિવાસી હતા અને ત્યાંથી જ સંગઠનનું સંચાલન કરતા હતા. ''
''નૌશેરાનાં જે મદરેસામાં તેમણે તાલીમ મેળવી હતી તેને મુજાહિદોનો અડ્ડો ગણવામાં આવે છે. તાલિબાનમાં ભળવામાં એમને કોઈ ફાયદો નહોતો, કારણ કે એમની પોતાની તાકાત હતી. તેથી જ તેમણે તાલિબાન સરકારમાં કેબિનેટ મંત્રાલય લીધું હતું અને તેમને સહકાર આપતા રહ્યા હતા.''
9/11 પછી બદલાઈ પરિસ્થિતિ
ઇમેજ સ્રોત, Getty Images
11 સપ્ટેમ્બર 2011ના દિવસે અમેરિકાના ટ્વિન ટાવર પર ઉગ્રવાદી હુમલો કરવામાં આવ્યો હતો.
11 સપ્ટેમ્બર, 2001. અમેરિકાનાં ટ્વિન ટાવર પર હુમલા માટે વૉશિંગ્ટને અલ કાયદાને જવાબદાર ઠેરવ્યું હતું અને અફઘાનિસ્તાનમાં અભિયાન ચલાવવાની જાહેરાત કરી હતી.
આ દરમ્યાન જલાલુદ્દીન હક્કાની તાલિબાનના ટોચના નેતા તરીકે છેલ્લી વખત પાકિસ્તાનની સત્તાવાર મુલાકાતે આવ્યા હતા, પણ ઇસ્લામાબાદમાંથી અચાનક ગુમ થઈ ગયા હતા.
થોડાક મહિનાઓ બાદ તેઓ વઝીરિસ્તાનમાં જોવા મળ્યા હતા. થોડાક સમય પહેલાં સુધી પોતાનું સાથી રહી ચૂકેલા અમેરિકા સામે અભિયાન ચલાવવાની જાહેરાત તેમણે વઝીરિસ્તાનમાં કરી હતી. અમેરિકા એ વખતે અફઘાનિસ્તાન પર હુમલા કરી રહ્યું હતું.
અગ્રણી પત્રકાર અહમદ રાશિદે જણાવ્યું હતું કે અલ કાયદાની મદદ કરવાનો હક્કાનીનો નિર્ણય ભૂલભરેલો હતો.
અહમદ રાશિદે કહ્યું હતું, ''મને લાગે છે કે તે એમના જીવનની સૌથી મોટી ભૂલ હતી. તેઓ તાલિબાન સરકારમાં પ્રધાન હતા, છતાં તાલિબાનનું અપમાન કરતા હતાં. પછી 9/11 બન્યું અને સીઆઈએએ એમનાથી છેડો ફાડી નાંખ્યો.''
''ત્યાર બાદ લાદેન પણ એમનાથી દૂર થઈ ગયા હતા. એમણે અલ-કાયદામાં જોડાવવાનો નિર્ણય લીધો તે કમનસીબ હતો.''
અફઘાનિસ્તાનમાં અમેરિકાની કાર્યવાહીને કારણે અલ-કાયદા, તાલિબાન અને હક્કાની નેટવર્કને એકમેકની નજીક આવ્યાં હતાં.
એ ઉપરાંત અફઘાનિસ્તાનમાં અમેરિકા માટે મહત્ત્વના સાથી બની રહેલા હક્કાની મોસ્ટ વૉન્ટેડ ઉગ્રવાદી બની ગયા હતા.
વઝીરિસ્તાનમાં આશરો
ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈન્યને મદદ કરી એ હક્કાનીને ગમ્યું ન હતું. તેથી પાકિસ્તાન અને હક્કાની વચ્ચેના સંબંધ કડવાશ પ્રવેશી હતી.
આ દરમ્યાન હક્કાની નેટવર્કે દક્ષિણ પૂર્વ અફઘાનિસ્તાનમાં પોતાનાં મૂળિયાં વધારે ઊંડા કર્યાં હતાં અને અહીંથી જ પ્રતિકાર ચાલુ રાખ્યો હતો.
અમેરિકાએ ઘણા આત્મઘાતી હુમલા અને અપહરણ માટે હક્કાનીને જવાબદાર ઠેરવ્યા હતા. અમેરિકાએ અફઘાનિસ્તાનમાં ડ્રોન અને હવાઈ હુમલા કર્યા, ત્યારે તાલિબાન અને હક્કાનીના લડવૈયાઓએ ભાગીને પાકિસ્તાનના વઝીરિસ્તાનમાં આશરો લીધો હતો અને ત્યાંથી કાર્યવાહી ચાલુ રાખી હતી.
પાકિસ્તાનનાં અગ્રણી પત્રકાર સબાહત ઝકારિયાએ કહ્યું હતું, ''હક્કાની નેટવર્કનું થાણું પાકિસ્તાનના વઝીરિસ્તાનમાં છે. તેઓ અફઘાનિસ્તાનમાં જઈને પણ ઓપરેટ કરતા રહ્યા હતા.''
''તેને સૉફ્ટ બૉર્ડર કહી શકાય. ત્યાંથી આમતેમ જઈ ઑપરેશન ચલાવવું શક્ય છે અને એ વખતે તો વધારે સરળ હતું.''
''હક્કાની માફિયાઓની માફક સત્તાના દલાલ હતા. અલકાયદા અને ઓસામાની સાથે એમનો સંબંધ અલગ હતો અને તાલિબાન સાથે અલગ. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં એમનો ખૂબ પ્રભાવ હતો.''
પાકિસ્તાન સાથેનો સંબંધ
ઇમેજ સ્રોત, Getty Images
2014માં આ સ્કૂલ પર ઉગ્રવાદી હુમલા બાદ પાકિસ્તાને હક્કાની નેટવર્ક પર પ્રતિબંધ મૂક્યો હતો.
હક્કાની નેટવર્કે પોતાની સગવડ મુજબ સંબંધ બાંધ્યા અને તોડ્યા હતા. તહરિક-એ-તાલિબાન, પાકિસ્તાન સાથે પણ તેને ગાઢ સંબંધ હતો.
અમેરિકાની કાર્યવાહી બાદ અફઘાનિસ્તાનમાંથી ભાગેલા લડવૈયાઓએ વઝીરિસ્તાન તરફ આવવાનું શરૂ કર્યું હતું. અહીં એમની તાકાત એટલી વધી ગઈ હતી કે એમની સાથેના સંઘર્ષમાં પાકિસ્તાનના 700 જવાનોનાં મોત થયાં હતાં.
એ પછી એવી પરિસ્થિતિ સર્જાઈ હતી કે 2006 સુધી પાકિસ્તાની અધિકારીઓ વઝીરિસ્તાનમાં પગ મૂકી શકતા નહોતા. તેથી હક્કાની અને અન્ય ઉગ્રવાદી જૂથોને અહીં વધુ મજબૂત બનવામાં મદદ મળી હતી.
હક્કાની તરફ કૂણું વલણ દાખવવાનો આક્ષેપ પાકિસ્તાન પર કરવામાં આવતો રહ્યો હતો. અલબત, પાકિસ્તાન તેને નકારતું રહ્યું છે.
2011 માં અમેરિકાના તત્કાલીન પ્રમુખ બરાક ઓબામાએ પણ પાકિસ્તાની એજન્સીઓને ઉગ્રવાદી સાથે સંબંધ હોવાની વાત કરી હતી.
બરાક ઓબામાએ કહ્યું હતું, ''આપણા માટે સમસ્યારૂપ લોકો સાથે પાકિસ્તાની સૈન્ય અને જાસૂસી સંસ્થાઓને સંબંધ છે એમાં કોઈ શંકા નથી. મેં આ વાત જાહેરમાં પાકિસ્તાનના અધિકારીઓને પણ કહી છે. ''
''તેમને લાગે છે કે સ્વતંત્ર અફઘાનિસ્તાન એમની સલામતી માટે જોખમ બની રહેશે, કારણ કે અફઘાનિસ્તાન, તેઓ જેને પોતાનું દુશ્મન ગણે છે તે ભારતની નજીક આવી શકે છે.''
અમેરિકાએ 2012માં જ હક્કાની નેટવર્ક પર પ્રતિબંધ મૂક્યો હતો, પણ પાકિસ્તાને 2014માં પેશાવરમાં સ્કૂલ પર થયેલા ઉગ્રવાદી હુમલા બાદ 2015માં નેશનલ એક્શન પ્લાન હેઠળ તેના પર પ્રતિબંધ મૂક્યો હતો.
પાકિસ્તાન યોગ્ય દિશામાં કામ ન કરતું હોવાનું જણાવીને અમેરિકાએ પાકિસ્તાનને ઉગ્રવાદી જૂથો સામે લડવા માટે આપવામાં આવતી સહાય તાજેતરમાં અટકાવી દીધી હતી.
અફઘાનિસ્તાનમા ભારતના રાજદૂત રહી ચૂકેલા વિવેક કાટજૂએ કહ્યું હતું, ''અમેરિકાએ જે કહ્યું છે તે સાચું છે. પાકિસ્તાન હક્કાની નેટવર્ક અને તાલિબાનનો ઉપયોગ કરતું હતું. હક્કાની એમનું હથિયાર છે.''
''હક્કાની નેટવર્કે ભારતીય દૂતાવાસ પર બે હુમલા કર્યા છે. હક્કાની નેટવર્ક અને તાલિબાન પાકિસ્તાનના ઇશારે નથી ચાલતા એમ કહેવું ખોટું છે.''
એક સમયે સોવિયેટ સંઘના આક્રમણ વિરુદ્ધના અફઘાન સંઘર્ષના પ્રતીક તરીકે ઓળખાતા જલાલુદ્દીન હક્કાનીનો અફઘાનિસ્તાનમાં એક દાયકા સુધી ચાલેલી ખૂનામરકી સંબંધે ઉલ્લેખ કરવામાં આવે છે.
જોકે, નિષ્ણાતોનું કહેવું છે તેમના મૃત્યુની હક્કાની નેટવર્ક પર કોઈ અસર નહીં થાય, કારણ કે હક્કાનીએ તેમના નેટવર્કની જવાબદારી તેમના દીકરા સિરાજુદ્દીનને થોડા વર્ષો અગાઉ સોંપી દીઘી હતી.
સિરાજુદ્દીન હક્કાની અફઘાન તાલિબાનના ટોચના નેતાઓ પૈકીના એક છે અને અફઘાન સરકાર, અમેરિકાનાં સાથી રાષ્ટ્રો અને ભારતનું માનવું છે કે સિરાજુજ્જીન અફઘાનિસ્તાનની શાંતિ માટે જોખમરૂપ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો