ઈરાનના ક્રૂડ ઓઈલ પર ખરેખર કેટલું નિર્ભર છે ભારત?

  • નિતિન શ્રીવાસ્તવ
  • બીબીસી સંવાદદાતા
ઇમેજ કૅપ્શન,

ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ભારત અને અમેરિકા વચ્ચેની 2+2 ડાયલોગ નામની પહેલી મોટી મંત્રણા તો પૂરી થઈ પણ, કદાચ સૌથી મહત્ત્વના મુદ્દાનું કોઈ નિરાકરણ થયું નથી.

એ મુદ્દો છે ભારત દ્વારા ઈરાનથી ક્રૂડ ઓઈલની આયાત. વિશ્વમાં ક્રૂડ ઓઈલની સૌથી વધુ આયાત કરતા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે.

સાઉદી અરેબિયા, ઈરાક, નાઈજિરિયા અને વેનેઝુએલા ઉપરાંત ભારત ઈરાનમાંથી લગભગ 12 ટકા ક્રૂડ ઓઈલની આયાત કરે છે.

સરકારી આંકડા અનુસાર, ભારતે ગયા વર્ષે ઈરાનમાંથી અંદાજે સાત અબજ ડોલરના મૂલ્યનું ક્રૂડ ઓઈલ આયાત કર્યું હતું.

જોકે, ઇરાનથી ક્રૂડ ઓઈલની આયાત બંધ કરવા અમેરિકા છેલ્લા કેટલાક દિવસોથી ભારત પર દબાણ કરી રહ્યું છે.

અમેરિકાનું ફરમાન

ઇમેજ કૅપ્શન,

અમેરિકાના સંરક્ષણ પ્રધાન જેમ્સ મેટિસ અને વિદેશ પ્રધાન માઈક પોમ્પિયો સાથે ભારતીય વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ અને સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારામન

અમેરિકાએ મે-2018માં ઈરાન પર બીજી વખત પ્રતિબંધ લાદવા ઉપરાંત એવું ફરમાન કર્યું હતું કે ભારત, ચીન અને પાકિસ્તાન સહિતના એશિયાના દેશો ઈરાનમાંથી ક્રૂડ ઓઈલની આયાત બંધ કરે.

અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ બુધવારે નવી દિલ્હીમાં કહ્યું હતું, "ચોથી નવેમ્બરે ઈરાનમાંથી ક્રૂડ ઓઈલની નિકાસ પર પ્રતિબંધ લાગી જશે, એવું અન્ય દેશોની માફક અમે ભારતને પણ જણાવ્યું છે."

"આ પ્રતિબંધમાંથી કોને છૂટ આપવી તેનો નિર્ણય અમે આગળ જતાં કરીશું, પણ હાલ તો દરેક દેશ ઈરાન પાસેથી ખરીદવામાં આવતા ક્રૂડ ઓઈલનું પ્રમાણ ઝીરો કરી નાખશે એવી અમને આશા છે."

શું તમે આ વાંચ્યું?

જોકે, ભારત સતત કહેતું રહ્યું છે કે તે આ મુદ્દે "કોઈના દબાણ વિના નિર્ણય કરશે." તેવામાં અમેરિકાના સત્તાવાર નિવેદનોને કારણે ભારતની દ્વિધા વધી ગઈ છે.

ક્રૂડ ઓઈલ સંબંધી બાબતોના જાણકાર અને ભારતીય જનતા પક્ષના સભ્ય નરેન્દ્ર તનેજા માને છે કે "પરિસ્થિતિ દેખાય છે તેટલી સરળ નથી."

નરેન્દ્ર તનેજાએ કહ્યું હતું, "ઈરાન પરના અગાઉના અને હાલના પ્રતિબંધોમાં ફરક છે. અગાઉ ઘણા દેશોએ સાથે મળીને પ્રતિબંધ લાદ્યા હતા, પણ યુરોપિયન સંઘ જેવા મોટા બ્લોક તેમાં સામેલ ન હતા."

"આ વખતે અમેરિકાએ એકતરફી પ્રતિબંધ લાદ્યો છે. અલબત, ભારત અને અમેરિકા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધને ધ્યાનમાં લેતાં થોડી દ્વિધા થાય તે વાજબી છે."

મહત્ત્વની પાંચ વાત

ઇમેજ કૅપ્શન,

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, હસન રુહાની અને નરેન્દ્ર મોદી

ભારત સરકારના આંકડા અનુસાર, ભારતને ક્રૂડ ઓઈલ સપ્લાય કરવાની બાબતમાં ઇરાક અને સાઉદી અરેબિયા પછી ઈરાનનો નંબર આવે છે.

મહત્ત્વની બીજી વાત એ છે કે ઈરાનથી ભારત ક્રૂડ ઓઈલ લાવવાનો ખર્ચ અન્ય દેશોની સરખામણીએ ઓછો છે. વળી સાઉદી અરેબિયા જેવા અખાતી દેશની તુલનાએ ઈરાન ચૂકવણી માટે લાંબો સમય આપે છે.

ત્રીજી વાત એ છે કે ભારત અને ઈરાન વચ્ચે ક્રૂડ ઓઈલ સંબંધી ચૂકવણીની રીતો આસાન છે. ભારતે એક ઈરાની બૅન્કને મુંબઈમાં તેની શાખા શરૂ કરવાની મંજૂરી તાજેતરમાં જ આપી છે.

ચોથી વાત એ છે કે ભારતે પોતાના વ્યૂહાત્મક હિતને ધ્યાનમાં રાખીને ઈરાનના ચાબહાર બંદરમાં લાખો ડૉલરનું રોકાણ કર્યું છે.

તેનો હેતુ વ્યાપાર વધારવા ઉપરાંત પાડોશી અફઘાનીસ્તાનમાં વ્યાપારનો રસ્તો ખોલવાનો પણ છે.

ઈરાનમાંનો કુદરતી ગેસનો જંગી ભંડાર અને ભારતમાં તેની વધતી જરૂરિયાત પણ એક મહત્વની બાબત છે.

આ રીતે ભારત અને ઈરાન વચ્ચેની દોસ્તીના મુખ્ય બે આધાર છેઃ એક, ભારતની ઊર્જાસંબંધી જરૂરિયાત અને બે, ઈરાન પછી વિશ્વમાં સૌથી વધુ પ્રમાણમાં ભારતમાં શિયા મુસ્લિમોની વસતી.

થોડા મહિના પહેલાં મુંબઈમાં પત્રકારો સાથે વાત કરતાં કેન્દ્રના પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કોઈ પણ પ્રકારના દબાણનો ઇન્કાર કર્યો હતો.

ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું, "ક્રૂડ ઓઈલની આપૂર્તિ માટે અનેક સ્રોત હોવા જોઈએ એ વાતથી અમે વાકેફ છીએ. એ પછીની તમામ બાબતો આપણે આંતરરાષ્ટ્રીય રાજકારણ પર છોડી દેવી જોઈએ."

"અમે દેશહિતને હંમેશા સર્વોપરી રાખીશું. ઈરાન બાબતે કોઈ નિર્ણય થશે ત્યારે તમને જરૂર જણાવીશું."

જોકે, અમેરિકાના ટ્રમ્પ વહીવટીતંત્રે ઈરાનથી ક્રૂડ ઓઈલ આયાત કરવા પર સંપૂર્ણ પ્રતિબંધની વાત કરી છે ત્યારે ભારતે તેની પેટ્રોલિયમ રિફાઈનરીઓને "બીજી વ્યવસ્થા માટે તૈયાર રહેવા જણાવી દીધું હોવાના" અનૌપચારિક અહેવાલો છે.

ઈરાન પણ પરેશાન

નવા અમેરિકન પ્રતિબંધોથી ઈરાન પણ પરેશાન છે. વર્ષની શરૂઆતમાં ઈરાની રિયાલનું મૂલ્ય ડૉલરની તુલનામાં અડધું થઈ ગયું છે.

કેટલાક મહિના પહેલાં ઈરાનમાં જે થયું હતું તેવું પાછલાં કેટલાંક વર્ષોમાં થયું ન હતું. સંખ્યાબંધ લોકો સરકાર વિરુદ્ધ તહેરાનની સડકો પર આવ્યા હતા.

ક્રૂડ ઓઈલના નિકાસકાર દેશોના સંગઠન ઓપેકે થોડા મહિના પહેલાં ઉત્પાદન વધારવાનો નિર્ણય કર્યો હતો ત્યારે અમેરિકાનો ટેકો ધરાવતું આ પગલું ઈરાનને વધારે પરેશાન કરનારું છે.

અમેરિકાના આકરા વલણ અને ઈરાનની આર્થિક મુશ્કેલીને કારણે તેઓ ક્રૂડ ઓઈલનું ઉત્પાદન વધારી શકવાની સ્થિતિમાં નથી.

જોકે, ગોવા યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય સંબંધ વિભાગમાં પશ્ચિમ એશિયાના મામલાઓના જાણકાર પ્રોફેસર રાહુલ ત્રિપાઠી માને છે, "બન્ને દેશ વચ્ચે ક્રૂડ ઓઈલના વેપારથી વધુ સંબંધ છે."

પ્રોફેસર રાહુલ ત્રિપાઠીના જણાવ્યા મુજબ, "વ્યાપાર ઉપરાંત બન્ને દેશ વચ્ચે સાંસ્કૃતિક તથા ધાર્મિક ઘનિષ્ઠતા છે અને તેમાં ક્રૂડની સપ્લાયનું મહત્ત્વ મોટું છે, પણ ક્રૂડ ઓઈલ જ બધું નથી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો