ક્રિકેટ ન રમતો હોય ત્યારે ખેતી કરે છે અને ઘેટાં ઉછેરે છે એલિસ્ટર કૂક

  • પરાગ ફાટક
  • બીબીસી મરાઠી સંવાદદાતા
ઈંગ્લેન્ડના ક્રિકેટર એલિસ્ટર કૂક

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

એલિસ્ટર કૂક

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લંડનના ઓવલમાં રમાઈ રહેલી ટેસ્ટ મૅચ પહેલાં જ ઇંગ્લેન્ડની ટીમના સ્ટાર ક્રિકેટર એલિસ્ટર કૂકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.

જોકે કૂકની આ છેલ્લી ટેસ્ટ મૅચ પણ યાદગાર બની રહી છે. તેમણે પોતાની છેલ્લી ટેસ્ટમાં સદી ફટકારી છે. એટલું જ નહીં, એ પોતાની પ્રથમ અને છેલ્લી ટેસ્ટ મૅચમાં સદી ફટકારનારા ઇંગ્લેન્ડના પ્રથમ ખેલાડી બન્યા છે.

યોગાનુયોગે એલિસ્ટર કૂકે પોતાની આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટની પ્રથમ મૅચ ભારત સામે રમી હતી અને તેમની આખરી ટેસ્ટ મૅચ પણ ભારત સામે જ છે.

એલિસ્ટર કૂક ક્રિકેટરોની ઝળહળતી મુખ્ય ધારાના સભ્ય હતા, પણ એ ઝળહળાટથી પોતે ક્યારેય અંજાઈ ગયા ન હતા. અત્યંત સ્પર્ધાત્મક સંજોગોમાં પણ પોતાના આત્મા અકબંધ કઈ રીતે રાખવો તેનું ઉદાહરણ એલિસ્ટર કૂકની ઉત્કૃષ્ટ ક્રિકેટિંગ કૅરિયર છે.

એલિસ્ટર કૂકની કૅરિયર 2006થી 2018 એમ બાર વર્ષમાં ફેલાયેલી છે. ક્રિકેટ વિશ્વમાં કૂક નવી પેઢીના પ્રતિનિધિ છે, પરંતુ તેઓ ઓછા ખેડાયેલા પંથે આગળ વધ્યા હતા.

એલિસ્ટર કૂક ફેસબૂક પર નથી, તેમનું ટ્વિટર અકાઉન્ટ કે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પણ નથી. તેમના ફોલોઅર્સ કેટલા છે તેની ચર્ચા દેખીતી રીતે થતી નથી.

સોશિઅલ મીડિયા પર માત્ર કંઈક પોસ્ટ કરીને કરોડો રૂપિયા કમાવાનો સવાલ જ નથી. અંગત જીવનની ઘટનાઓની પબ્લિસિટી નહીં. ફોટો નહીં, વીડિયો નહીં. કંઈ નહીં.

શું તમે આ વાંચ્યું?

એલિસ્ટર કૂક તેમના માથાના વાળમાં જેલ લગાવતા નથી. હેર સ્ટાઇલિંગ કરતા નથી. તેમના શરીર એકેય ટાટૂ નથી. તેઓ ડીજે પ્રકારનું સંગીત સાંભળતા નથી.

તેમની કોઈ સેલિબ્રિટી ગર્લફ્રેન્ડ નથી. તેઓ કોઈ કન્યા સાથે ડેટિંગ કરતા હોવાની ગોસિપ ચાલતી નથી.

એલિસ્ટર કૂક નાઈટ ક્લબમાં દારૂના નશામાં ચકચૂર થયાની ઘટના પણ બની નથી. પૂરઝડપે કાર ચલાવવા બદલ પોલીસે તેમને દંડ ફટકાર્યો નથી.

ક્રિકેટ સાથે સતત, ગાઢ રીતે સંકળાયેલા રહેવા છતાં એલિસ્ટર કૂકે સ્લેજિંગ કે ગાળાગાળીનો આશરો ક્યારેય લીધો નથી.

બોલ સાથે ચેડાં કાઢવાના વિવાદમાં તેઓ ક્યારેય સપડાયા નથી. મેચ દરમ્યાન કે પછી તેઓ આડંબરી કોમેન્ટરી કે પરોક્ષ ટીકા કરતા નથી.

એલિસ્ટર કૂક એક અલગ જ પ્રકારની વ્યક્તિ છે. એ ચોવીસ કેરેટનું સોનું છે. એક માણસ તરીકેનું તેમનું યોગદાન તેમણે ક્રિકેટમાં આપેલા યોગદાન જેટલું જ મૂલ્યવાન છે.

12 વર્ષની સફળ કારકિર્દી

ઇમેજ સ્રોત, Getty Images

એલિસ્ટર કૂકે ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ સાથે નાની વયે કારકિર્દી શરૂ કરી હતી અને હવે 33 વર્ષની વયે તેમણે નિવૃત્તિની જાહેરાત કરી છે ત્યારે તેઓ પોતે દંતકથારૂપ બની ગયા છે.

તેમની કારકિર્દી આદર્શ બની રહી હતી. એ સમજવા માટે એલિસ્ટર કૂકની પશ્ચાદભૂ સમજવી જરૂરી છે.

એલિસ્ટર કૂકની કથાનો પ્રારંભ 2006માં એટલે કે 12 વર્ષ પહેલાં થયો હતો.

ઇંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવી હતી. માર્કસ ટ્રેસ્કોથિક ઇંગ્લેન્ડના ભરોસાપાત્ર ઓપનર હતા, પણ માનસિક બીમારીને કારણે તેઓ તે શ્રેણીમાંથી ખસી ગયા હતા. ઇંગ્લેન્ડ માટે મોટો ફટકો હતો.

એ માર્ચ મહિનો હતો, ઉષ્ણતામાન સતત વધતું હતું અને ઇંગ્લેન્ડના બેટ્સમેનોએ ભારતીય સ્પિનર્સનો સામનો કરવાનો હતો. ઇંગ્લેન્ડની ટીમ પર બન્ને બાજુથી દબાણ હતું.

ઓપનિંગ રિપ્લેસમેન્ટ માટે કેટલાંક નામો વિચારણા હેઠળ હતાં. તેમાં એલિસ્ટર કૂક સૌથી આગળ હતા, પણ એક સમસ્યા હતી.

એ વખતે 21 વર્ષના એલિસ્ટર કૂક ઇંગ્લેન્ડ એકેડમી ટીમ માટે વેસ્ટ ઇન્ડિઝમાં રમતા હતા. પસંદગી સમિતિ તેના નિર્ણય બાબતે એકદમ દ્રઢ હતી. તેથી ઇંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડે કૂકને ત્યાંથી બોલાવી લીધા હતા.

ભારત સામેની શ્રેણી શરૂ થવાને થોડાક દિવસની વાર હતી અને અનેક પડકારોનો સામનો કરવાનો હતો.

એલિસ્ટર કૂકના વિઝાની કામગીરી અને બીજી ટેક્નિકલ ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવી હતી. તેઓ વિવિધ ટાઈમ-ઝોન્સમાં પ્રવાસ કરીને વાયા મુંબઈ નાગપુર આવી પહોંચ્યા હતા.

વિમાન પ્રવાસમાં થાક લાગ્યો હતો, પણ એલિસ્ટર કૂકે આરામ કર્યો ન હતો. પ્રેક્ટિસ સેશન્સમાં જોડાઈ ગયા હતા.

એ પછીના થોડા કલાકોમાં તેઓ ઇંગ્લેન્ડના રાષ્ટ્રીય ક્રિકેટ ખેલાડી બની ગયા હતા. એ તેમના વૈવિધ્યસભર કારકિર્દીનો પહેલો તબક્કો હતો.

સારી ઉંચાઈ અને શરીરસૌષ્ઠવ ધરાવતા ક્લિન-શેવ્ડ એલિસ્ટર કૂક મોટી હેલ્મેટ પહેરીને મેદાનમાં આવ્યા હતા, પણ તેમણે આર્મ ગાર્ડ પહેર્યું ન હતું.

તેમની સ્ટેન્ડિંગ પોઝિશન બેઝબૉલના પ્લેયર જેવી હતી. ફર્સ્ટ ઈનિંગમાં કૂકે 60 રન નોંધાવ્યાં હતાં. તેઓ દમદાર પ્લેયર છે એવું નાગપુરના પ્રેસ-બોક્સમાં સંભળાવા લાગ્યું હતું.

એ યુવાન ખેલાડીએ બીજી ઇનિંગમાં સદી ફટકારી હતી અને ક્રિકેટના ચાહકો સંમોહિત થઈ ગયા હતા.

તેનું કારણ હતું. તેમણે તેમની પહેલી મેચમાં અને એ પણ અનિલ કુંબલે તથા હરભજન સિંહ જેવા સ્પિનરો ધરાવતી ભારતીય ટીમ સામે સદી ફટકારી હતી.

એલિસ્ટર કૂકે દેખાડી દીધું હતું કે તેઓ લાંબો સમય રમવાના છે.

શ્રીસંત, મોન્ટી પાનેસર, બ્લેકવેલ અને કૂક

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

એલિસ્ટર કૂક અને મોન્ટી પાનેસરે ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં સાથે પદાર્પણ કર્યું હતું.

એ દિવસથી એલિસ્ટર કૂક પ્રમાણિક તપસ્વીની માફક આગળ વધ્યા છે. છેલ્લા બાર વર્ષથી તેઓ રનનો વરસાદ સતત વરસાવતા રહ્યા છે.

એ દરમ્યાન તેમની કારકિર્દી ક્યારેય ઝાંખી પડી નથી, પરંતુ રંગબેરંગી છટાઓ વિખેરતી રહી છે.

તેમની મહાનતામાં તેમના સાથી, સમકાલીન ખેલાડીઓ અને પરિસ્થિતિનો ફાળો પણ રહ્યો છે.

એ મૅચમાં કૂકની માફક ત્રણ અન્ય ખેલાડીઓની ટેસ્ટ કારકિર્દી પણ શરૂ થઈ હતી. ભારતીય બૉલર શ્રીસંત એ પૈકીના એક હતા.

શ્રીસંતે શરૂઆત સારી કરી હતી, પણ મેદાનમાં અને મેદાન બહાર પર્ફોર્મન્સમાં તેઓ સાતત્ય જાળવી શક્યા ન હતા.

મૅચ ફિક્સિંગમાં દોષી સાબિત થયા બાદ તેમના પર આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

વીડિયો કૅપ્શન,

ઇમરાન ખાનની પ્લેબૉય ક્રિકેટરથી લઈને પાકિસ્તાનના PM સુધીની સફર

બીજા ખેલાડી હતા મોન્ટી પાનેસર. ઇંગ્લેન્ડ માટે રમતા એ સરદારે ઘડાકાભેર શરૂઆત કરી હતી, પણ બાદમાં બેફામ બની ગયા હતા અને ભટકી ગયા હતા.

ત્રીજા ખેલાડી હતા બ્લૅકવેલ, જેમના માટે પહેલી મૅચ જ આખરી મૅચ બની ગઈ હતી.

33 વર્ષના એલિસ્ટર કૂકે 12 વર્ષની ટેસ્ટ કારકિર્દીમાં 12 સદી સાથે 12,254 રન નોંધાવ્યાં છે. ટેસ્ટ મૅચમાં સૌથી વધુ રન નોંધાવનારાઓમાં કૂક છઠ્ઠા ક્રમે છે.

કુમાર સંગકારા, રાહુલ દ્રવિડ, જૅક્સ કાલિસ, રિકી પોન્ટિંગ અને સચિન તેંડૂલકર તેમનાથી આગળ છે.

એલિસ્ટર કૂકે પોતાનું સ્થાન કેટલું મજબૂત બનાવ્યું હતું તે જાણવા માટે આ મહાન ખેલાડીઓનાં નામ પૂરતાં છે.

છેલ્લા કેટલાંક વર્ષોમાં એવું કહેવાતું રહ્યું હતું કે ટેસ્ટ મૅચીઝમાં સૌથી વધુ રન નોંધાવીને એલિસ્ટર કૂક સચિન તેંડૂલકરનો રેકોર્ડ તોડી શકે છે.

સાતત્યસભર કૌશલ્ય

ઇમેજ સ્રોત, Getty Images

એલિસ્ટર કૂકની કારકિર્દીમાંનો એક રેકોર્ડ ઉલ્લેખનીય છે. પહેલી મેચ પછી કૂક સતત 158 ટેસ્ટ મેચીઝ રમ્યા છે. તેનો અર્થ એ થયો કે કૂકના ટેસ્ટમાં આગમન પછી ઇંગ્લેન્ડની ટીમ જેટલી ટેસ્ટ મૅચીઝ રમી હતી એ બધીમાં કૂક સામેલ હતા.

કૂકનું પર્ફોર્મન્સ અને ફિટનેસ એટલાં સાતત્યસભર હતાં કે ટીમમાંથી તેમના બાકાત રાખવાનો સવાલ જ ન હતો.

આ અગાઉ સતત ટેસ્ટ મૅચ રમવાનો રેકોર્ડ ઍલન બૉર્ડરના નામે હતો. એક દંતકથારૂપ ખેલાડીનો રેકોર્ડ બીજા દંતકથારૂપ ખેલાડીએ તોડ્યો હતો.

આ રેકોર્ડ આંકડામાં આસાન લાગે, લખવામાં આકર્ષક લાગે, પણ વાસ્તવમાં સતત આટલો સમય રમતા રહેવાનું ઘણું મુશ્કેલ છે.

રન નોંધાવવાની બૅટ્સમેનની ફરજ છે અને દુનિયાભરના બૅટ્સમેન એ ફરજ બજાવતા રહે છે તો પછી કૂકની બાબતમાં ખાસ શું છે એવો સવાલ થઈ શકે.

આ સવાલ પૂછતાં પહેલાં કૂકની ભૂમિકા સમજવી જરૂરી છે. કૂક ઓપનિંગ બૅટ્સમેન હતા. ટેસ્ટ મેચમાં નવા બોલનો સામનો કરવા માટે બૅટ્સમેન મજબૂત કૌશલ્ય ધરાવતો હોય એ જરૂરી છે.

દોઢ દિવસ ફિલ્ડિંગ કર્યા પછી શરીર થાકી જતું હોય છે. તેમ છતાં ઓપનિંગ બૅટ્સમેને તત્કાળ મેદાનમાં ઊતરવું પડે છે.

બીજી પરિસ્થિતિમાં મૅચના પ્રારંભે પહેલા દિવસે બૉલર્સ ફ્રેશ હોય છે અને તેમનો સામનો ઓપનિંગ બૅટ્સમેને કરવાનો હોય છે. તેમાં ઉચ્ચ પ્રકારના કૌશલ્યની જરૂર પડે છે.

આવી પરિસ્થિતિમાં મોટાભાગના ખેલાડીઓની હાલત ખરાબ થઈ જતી હોય છે, પણ એલિસ્ટર કૂકના કિસ્સામાં એવું થયું નથી.

પ્રતિસ્પર્ધી ટીમ એલિસ્ટર કૂકની કોઈ નબળાઈ શોધી કાઢે અને તેમને આઉટ કરી દે ત્યારે પોતાની નબળાઈના નિરાકરણ માટે તેઓ ગ્રેહામ ગૂચ પાસે જતા હતા.

જોરદાર પ્રેક્ટિસ કર્યા પછી એલિસ્ટર કૂક ફરી મેદાન પર ઊતરતા અને ફરીથી રનના ઢગલા ખડકતા હતા.

ગમે તે પરિસ્થિતિમાં ઉત્તમ પર્ફોર્મન્સ

ઇમેજ સ્રોત, Getty Images

હોમ ગ્રાઉન્ડ પર દરેક ખેલાડી સ્કોર કરતો હોય છે, પણ ખરી પરીક્ષા પરદેશી ભૂમિ પર રન ફટકાવવાની હોય છે. આ સંદર્ભમાં કૂકે તેમની મહાનતા પૂરવાર કરી છે.

ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશ એટલે કે એશિયા ઉપખંડમાં બૉલ પીચ પર મોટા પ્રમાણમાં ટર્ન થતો હોય છે.

એ પરિસ્થિતિમાં પાંચ દિવસની ટેસ્ટ મૅચમાં સ્પિનર્સનો સામનો કરતી વખતે બૅક-ફૂટ રમવું કે ફ્રન્ટ-ફૂટ તે ગંભીરતાપૂર્વક વિચારવું પડે છે.

એ ઉપરાંત એશિયા ઉપખંડમાં જોરદાર ગરમી હોય છે. ઇંગ્લેન્ડના હૂંફાળા હવામાનમાંથી આવતા ખેલાડીઓની સંપૂર્ણ ઊર્જા આ ગરમી ચૂસી લેતી હોય છે, પણ કૂક એવી પરિસ્થિતિમાં પણ આસાનીથી રન ફટકારતા રહ્યા.

ઇંગ્લેન્ડનું કટ્ટર પ્રતિસ્પર્ધી છે ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયન ગ્રાઉન્ડ્ઝની પીચો બાઉન્સી હોય છે.

વીડિયો કૅપ્શન,

ચિયરલીડિંગની દુનિયામા માત્ર ઝગમગાટ નથી

એ ઉપરાંત ઓસ્ટ્રેલિયનો જોરદાર સ્લેજિંગ માટે જાણીતા છે. ઓસ્ટ્રેલિયન ખેલાડીઓના સ્લેજિંગની કૂક પર ક્યારેય કોઈ અસર થઈ નથી. તેઓ સતત રન કરતા રહ્યા હતા.

ન્યૂઝીલેન્ડમાં બાઉન્સી પીચો ઉપરાંત અત્યંત ઠંડું હવામાન અને કાતિલ પવન ફૂંકાતો હોય છે, પરંતુ કૂકનું રન મશીન ત્યાં પણ રોકાયું ન હતું.

દક્ષિણ આફ્રિકાના ઉત્તમ ફાસ્ટ બૉલર્સનો સામનો પણ કૂક અત્યંત ગંભીરતાપૂર્વક કરતા રહ્યા હતા.

કેરેબિયન ટાપુઓ આ બાબતમાં વિશ્વના બીજા છેડા પર છે. મોટા શોટ્સ ફટકારતા બૅટ્સમેન ત્યાંની મેદાનોમાં મૂંઝાઈ જાય છે.

હસવા, રમવા અને નાચવાની સંસ્કૃતિ ધરાવતા કેરેબિયન ટાપુઓમાં કૂકે વિજેતાની માફક બેટિંગ કરી હતી.

ઇંગ્લેન્ડમાં, પોતાના હોમ ગ્રાઉન્ડઝ પર તો તેઓ રન મશીન બની રહ્યા હતા.

રોબોટ જેવું સાતત્ય

ઇમેજ સ્રોત, Getty Images

એલિસ્ટર કૂક પાસે બ્રિયાન લારા કે જયવર્દને જેવી ભવ્ય સ્ટાઈલ નહીં હોય, રિકી પોન્ટિંગ કે સંગકારા જેવું વર્ચસ્વ નહીં હોય, પણ એલિસ્ટર કૂકના પર્ફોર્મન્સમાં એક રોબોટ જેવું સાતત્ય છે.

એલિસ્ટર કૂકની બૅટિંગ ક્રિકેટના સૌંદર્યમાં ભલે કોઈ ઉમેરો ન કરતી હોય, પણ તેઓ ભરોસાપાત્ર બૅટ્સમેન છે. તેઓ છેલ્લા 12 વર્ષથી એ જવાબદારી નિભાવતા રહ્યા છે.

પહેલી મેચ પછી એલિસ્ટર કૂક ઇંગ્લેન્ડની ટીમના મુખ્ય બેટ્સમેન બની ગયા હતા અને છ વર્ષ પછી ટીમના કૅપ્ટન બન્યા હતા.

કૅપ્ટનનો કાંટાળો તાજ પહેલીને એલિસ્ટર કૂકે ઘણી તડકીછાંયડી જોઈ હતી. તેમની જવાબદારી વધી હતી, પણ રન બનાવવાની પોતાની મુખ્ય જવાબદારી સાથે કૂકે ક્યારેય સમાધાન કર્યું નથી.

કૂક સદી ફટકારે તો તેમની ટીમ મેચ જીતી જ જાય એ વાત દેખીતી હકીકત બની ગઈ હતી. વધતા પડકારોની સાથે કૂક વધારેને વધારે મજબૂત થતા ગયા હતા.

કેવું વર્તન ન કરવું તેનાં સંખ્યાબંધ ઉદાહરણ છે, પરંતુ કૂક એક એવા ખેલાડી છે, જેમનું અનુકરણ દરેકે કરવું જોઈએ.

એલિસ્ટર કૂકની દોરવણીમાં તાલીમ પામેલા જો રૂટ હવે ઇંગ્લેન્ડના કૅપ્ટન છે. કૂક કૅપ્ટન હતા ત્યારે ઇંગ્લેન્ડની ટીમ અનેક કૌશલ્ય ધરાવતા ખેલાડીઓની ટીમ બની હતી.

એ ટીમમાં ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા વગેરે જેવા દેશોમાં જન્મેલા, પણ ઇંગ્લેન્ડમાં રહેતા ખેલાડીઓનો સમાવેશ થતો હતો. એશિયન પશ્ચાદભૂ ધરાવતા ખેલાડીઓ પણ તેમાં હતા.

એ બધા ખેલાડીઓને એક સૂત્રમાં સાંકળવાનું કૌશલ્ય કૂક પાસે હતું. વિવિધ કલ્ચર અને કાર્યનીતિને અનુસરતા એ ખેલાડીઓની ઓળખ કૂકની કૅપ્ટનશીપમાં એકરૂપ થઈ ગઈ હતી.

એલિસ્ટર કૂક દરેક નવા ખેલાડીને મજબૂત ટેકો આપતા હતા, પણ અસ્વીકાર્ય વર્તન બદલ તેમને ખખડાવી નાખવામાં ક્યારેય ખચકાતા ન હતા.

એ કડકાઈની કિંમત તેમણે ચૂકવવી પડી હતી, પણ તેમણે તેમના સિદ્ધાંતો સાથે સમાધાન ક્યારેય કર્યું ન હતું.

આઈપીએલથી દૂર રહ્યા

ઇમેજ સ્રોત, Getty Images

તમે તમારી મહેનતથી મોટી સિદ્ધિ હાંસલ કરો પછી તમારી પોતાની શરતે જીવન જીવવું મુશ્કેલ બની જતું હોવાનું કહેવાય છે, પરંતુ એલિસ્ટર કૂક તેમાં અપવાદ છે.

કૂક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 2006માં પ્રવેશ્યા હતા. ઇન્ડિયન પ્રીમિયર લીગ તેના બે વર્ષ પછી શરૂ થઈ હતી.

આઈપીએલ ખેલાડીઓને દોઢ મહિનામાં પૈસા, પ્રસિદ્ધિ અને ગ્લેમર કમાવાની તક આપવા માટે જાણીતી છે.

આઈપીએલની જોરદાર સફળતા પછી ટ્વેન્ટી-20 મેચો સમગ્ર વિશ્વમાં ફેશનેબલ બની ગઈ હતી, પણ એલિસ્ટર કૂક આ બધાથી જાણીજોઈને દૂર રહ્યા હતા.

તેઓ જાણતા હતા કે ટ્વેન્ટી-20 ફોર્મેટ તેમના માટે નથી. તેનાથી તેઓ નિરાશ પણ થતા નથી. વન-ડે ક્રિકેટમાંથી વિદાય લીધાના થોડા વર્ષો બાદ પણ ટેસ્ટ મેચીઝમાં તેમનું ઉત્તમ પર્ફોર્મન્સ ચાલુ રહ્યું હતું.

ખેતી અને ઘેટાંનો ઉછેર

ઇમેજ સ્રોત, Getty Images

તમામ જવાબદારી સફળતાપૂર્વક નિભાવતા કૂક ક્રિકેટ ન રમતા હોય ત્યારે ખેડૂત બની જાય છે. આ વાત માનવી મુશ્કેલ છે, પણ હકીકત છે. વળી એ હકીકતનું તેઓ ગાઈવગાડીને પ્રદર્શન કરતા નથી.

ખેતી ઉપરાંત કૂકને ઘેટાંના પાલન-ઉછેરમાં પણ રસ છે. ઇંગ્લેન્ડના લેઈટન બુઝાર્ડમાં કૂકનું ફાર્મ આવેલું છે.

ક્રિકેટ ન રમતા હોય ત્યારે એ ફાર્મમાં સમય પસાર કરવાનું કૂકને ગમે છે. તેમણે કહ્યું હતું, "ઘેટાંઓ મને ક્રિકેટ વિશે કંઈ પૂછતાં નથી. તેથી ત્યાં રહેવું અને ભમવું મને ગમે છે."

લાંબા સમય સુધી ગર્લફ્રેન્ડ રહેલાં એલિસ હન્ટ સાથે એલિસ્ટર કૂકે લગ્ન કર્યાં છે. તેઓ ટ્રેક્ટરમાં બેસીને લગ્ન કરવા ગયા હતા.

પત્ની ઉપરાંત બે બાળકો કૂકની જીવનમાં સર્વોચ્ચ અગ્રતા ધરાવે છે. તેમના પ્રેમાળ પરિવારમાં વધુ એક સભ્યનું આગમન ટૂંક સમયમાં થવાનું છે.

તપસ્વી જેવું જીવન જીવતા કૂક ગાય છે પણ સારું. સેન્ટ પૉલ્સ કૅથેડ્રલ સ્કૂલ અને પછી બૅડફોર્ડ સ્કૂલમાં અભ્યાસ કરતી વખતે તેઓ ગાતા શીખ્યા હતા.

જે હાથે કૂક રનનો વરસાદ વરસાવે છે એ જ હાથે ક્લૅરિનેટ અને સેક્સૉફૉન પણ બજાવે છે.

છેલ્લા બાર વર્ષથી ઇંગ્લેન્ડની ટીમની કરોડરજ્જૂ બની રહેલા કૂક અનેક સામાજિક કાર્યો સાથે સંકળાયેલા છે, પણ એ વિશે તેઓ જાતે ક્યારેય વાત કરતા નથી.

મહાન લોકોના માપદંડ પણ મહાન હોય છે. "મારાથી જે થઈ શકતું હતું એ મેં કરી દેખાડ્યું છે. હવે મારું કામ પુરું થયું." એલિસ્ટર કૂકના આ શબ્દો સાંભળીને દુનિયાભરના તેમના ચાહકો ગમગીન થઈ ગયા હતા.

સાતત્યસભર રીતે રન ફટકારવાની સાથે વિશ્વભરના લોકો સાથે એલિસ્ટર કૂકે ગાઢ સંબંધ બાંધ્યો હતો. તેથી તેમના પ્રતિસ્પર્ધીઓ પણ એલિસ્ટર કૂકનો ઉલ્લેખ આદર સાથે કરે છે.

દિવસેને દિવસે ક્રિકેટનું વધુને વધુ વ્યાપારીકરણ થઈ રહ્યું છે. કડવાશ વધી રહી છે, પણ કૂકની કારકિર્દી દર્શાવે છે કે જવાબદારીનું વહન કરવાની સાથે વ્યક્તિ મૂલ્યોની જાળવણી પણ કરી શકે છે.

સામાન્ય માણસો કૂકની પ્રેરણાદાયક કારકિર્દીમાંથી પાઠ ભણી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો