અઢળક સંપત્તિ ભેગી કરનારા ચાઇનિઝ 'અલીબાબા' જૅક માની કહાણી

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES
સામાન્ય રીતે કંપનીઓમાં કર્મચારીઓ બૉસની આંગળીનાં ઇશારે નાચતા નજરે ચડે છે, ત્યારે દુનિયામાં એક બૉસ એવા પણ છે જે પોતાની કંપનીના 40 હજાર કર્મચારીઓ સામે રંગીન કપડાંમાં માઇકલ જૅકસનનાં ગીતો પર નાચતા જોવા મળે છે.
ડાન્સ પૂરો થાય છે. કંપનીન બૉસ ચહેરા પરથી નકાબ દૂર કરે છે અને સામે હાજર રહેલા હજારો કર્મચારીઓને ફ્લાઇંગ કિસ આપે છે. આ કલ્પના નથી પણ હકીકત છે.
આવરણમાંથી નિકળેલો વ્યક્તિ ચીનનો મેગાબ્રાન્ડ અલીબાબાનો માલિક જૅક મા છે. હિંદી ફિલ્મ 'દીવાર'નો ડાયલૉગ થોડોક એડિટ કરવામાં આવે તો 'આજે ચીન પાસે સંપત્તિ, બેંક બૅલેન્સ, પ્રૉપર્ટી, બિલ્ડિંગ્સ બધું જ છે અને એમની પાસે મા પણ છે.'
જૅક 10મી સપ્ટેમ્બરે 54 વર્ષના થયા, તેઓ 55 વર્ષની ઉંમરે ચેરમેનપદેથી હટી જશે અને બોર્ડ ઑફ ડાયરેક્ટરપદે રહેશે. જૅકે નિવૃત્તિ બાદ અંગ્રેજી શીખવાડવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
એશિયાના સૌથી ધનિક વ્યક્તિ
ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2017-2018માં ભારતનું જેટલું સુરક્ષા બજેટ છે, તેમાં લગભગ બે હજાર કરોડ રૂપિયા ઉમેરી દેવામાં આવે તો આ જૅક માની કુલ સંપત્તિ છે.
લગભગ 40 બિલિયન ડૉલર એટલે કે 2 લાખ 61 હજાર કરોડ રૂપિયા. ફોર્બ્સ ઑગસ્ટ 2017ની રિપોર્ટ અનુસાર, જૅક મા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે.
આજે સફળ જૅક માની ઈ-કોમર્સ કંપની અલીબાબાનાં દરવાજા ભલે હજારો લાખો લોકો માટે ખુલ્લા હોય, પણ એક સમય એવો હતો કે જ્યારે જૅક મા માટે ઘણી કંપની અને યુનિવર્સિટીએ પોતાના દરવાજા બંધ કરી દીધા હતા.
જ્યારે માએ 'હિમ્મતનો જૅક લગાડ્યો' અને આ બંધ દરવાજાને 'ખુલજા સિમ સિમ' કહીને ખોલ્યા હતા.
તમે આ વાંચ્યું કે નહીં?
જૅકનું બાળપણ
ઇમેજ સ્રોત, Getty Images
જૅકના માતા-પિતા પરંપરાગત ચાઇનિઝ ડાન્સ કરીને આજીવિકા રળતા
વર્ષ 1964 માં ચીનના પ્રાંત શિંજિયાંગનાં હંગ્મોમાં યૂનનો જન્મ થયો હતો. જૅક માના માતા પિતા ચીની ડાન્સ ફૉર્મ પિંગચાન પરફૉર્મર હતા. આ એક પ્રકારનો ક્લાસિકલ ડાન્સ ફૉર્મ છે, જે દ્વારા વાર્તા રજૂ કરવામાં આવે છે.
બાળપણમાં જૅકનું મા યૂન નામ હતું. એમનું નામ જૅક કેમ પડ્યું એની પાછળ પણ રહસ્ય છે.
દૂબળા પાતળા જૅક શાળાનાં દિવસોમાં ભણવામાં હોંશિયાર નહોતા અને તે જીદ્દી પણ નહોતા. પરંતુ તેમના મનમાં અંગ્રેજી શીખવા માટે ભારે ધગશ હતી. અંગ્રેજી શીખવા માટે તેમણે ચીન આવતા વિદેશી પ્રવાસીઓની મદદ લીધી.
પ્રવાસીઓને જૅક ફેરવતા અને બદલામાં તેઓ એમને કહેતા કે તમે મને અંગ્રેજી શીખવાડો. એવા જ એક પ્રવાસીએ નાની ઉંમરમાં જ તેમને જૅક નામ આપ્યું.
જૅકનું સંપૂર્ણ ધ્યાન તો કડકડાટ અંગ્રેજી શીખવા તરફ હતું. પ્રવાસીઓ સાથે ફરવાનો જૅકને ફાયદો થયો. એમણે અંગ્રેજીમાં જ ગ્રૅજ્યુએશન કરવાનો નિર્ણય કર્યો.
ટ્રાન્સલેશન સેન્ટરથી ઇન્ટરનેટ સુધીની યાત્રા
ઇમેજ સ્રોત, Reuters
જૅકની અંગ્રેજી એટલી સુધરી ગઈ કે તેમણે ટ્રાન્સલેશન સેન્ટર ખોલ્યું. આ સેન્ટરમાં અંગ્રેજીમાંથી ચીની અને ચીની ભાષામાંથી અંગ્રેજીમાં અનુવાદનું કામ કરવામાં આવતું હતું.
જૅક પોતાની સારી અંગ્રેજીના જોરે હંગ્ઝો દિયાંઝી યુનિવર્સિટીમાં અંગ્રેજી અને ઇન્ટરનેશનલ ટ્રેડ પણ ભણાવવા લાગ્યા, પરંતુ હજી એક લક્ષ્ય બાકી હતું અને તે હતું અલીબાબા બનવાનું.
1994-1995 માં જૅક અમેરિકા ગયા. આ એ તબક્કો હતો જ્યારે ચીનમાં ઇન્ટરનેટનો વ્યાપ ન હતો.
ઇન્ટરનેટ સાથે પોતાના પહેલા સબંધ અંગે જેકે બીબીસી રેડિયો 4ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું, "મારા મિત્ર સ્ટુઅર્ટે મને જણાવ્યું કે 'આ ઇન્ટરનેટ છે એના મારફતે તું જે ઇચ્છે તે શોધી શકે છે.' મેં આ અંગે આશ્ચર્ય વ્યક્ત કરતા ઇન્ટરનેટ પર જે પહેલો શબ્દ ટાઇપ કર્યો તે હતો, બીયર."
"જ્યારે બીયર શબ્દ સર્ચ કર્યો ત્યારે મને અમેરિકન બીયર, જર્મની બીયર તો મળી પણ ચીન સાથે સંકળાયેલું કોઈ સર્ચ રિઝલ્ટ ના મળ્યું. મારા માટે આ ચોંકાવનારી વાત હતી.''
જૅકનું આ આશ્ચર્ય આવનારા દિવસોમાં મોટું ધમાકેદાર પુરવાર થવાનું હતું.
મિત્રોનાં પૈસે શરૂ કરી કંપની
ઇમેજ સ્રોત, Getty Images
જેકે વર્ષ 1996 માં ચાઇના યલો પેજીસની શરૂઆત કરી. એ વખતે ચીનના લોકોના ઘરમાં કમ્પ્યૂટર હતા નહીં.
આના માત્ર ત્રણ વર્ષ બાદ 1999માં જૅક માએ પોતાના ઍપાર્ટમૅન્ટમાં 17 મિત્રો સાથે મળીને ઈ- કૉમર્સ વેબસાઇટ અલી બાબાની શરૂઆત કરી.
કંપની શરૂ કરવા માટેની 60 હજાર ડૉલરની રકમ જેકે પોતાના 80 મિત્રો પાસેથી ભેગી કરી હતી.
'અલી બાબા' ચીન અને અન્ય દેશોનાં નિકાસકારોને દુનિયાભરની કંપનીઓ સાથે જોડે છે. અલી બાબા ટાઓબાઓ ડૉટકૉમ (taobao.com) પણ ચલાવે છે, જે ચીનની સૌથી મોટી શોપિંગ વેબસાઇટ છે. અલી બાબાએ આવનારા વર્ષોમાં પોતાના વિસ્તાર માટે પેમેન્ટ વેબસાઇટ લોન્ચ કરી છે.
પોતાની કંપનીનું નામ જૅક માએ અલીબાબા કેમ રાખ્યું? આની પાછળ પણ એક રસપ્રદ કિસ્સો છે.
અલી બાબા નામ રાખવાનું કારણ?
ઇમેજ સ્રોત, AFP
જૅક મા સાનફ્રાન્સિસ્કોની એક કૉફી શૉપમાં બેઠાં હતાં, ત્યારે જ ત્યાં એક વેઇટ્રેસ આવી. જેકે વેઇટ્રેસને સવાલ પૂછ્યો, 'શું તમે અલી બાબાને જાણો છો?'
જવાબમાં વેઇટ્રેસે કહ્યું - ખુલ જા સિમ સિમ. આ સાંભળતાં જ જેકે હા કહી. જેકે કૉફી શૉપમાં ટેસ્ટિંગ બાદ ગલીમાં નીકળીને ૩૦ જણાને પૂછ્યું, 'શું તમે અલી બાબા વિશે જાણો છો?'
જર્મની, ભારત, ટોક્યો અને ચીન...તમામ લોકો અલી બાબાને જાણતાં હતાં.
જૅક માને પોતાની કંપનીનું નામ મળી ગયું હતું. વાર્તાઓમાંથી નીકળીને અલી બાબા એક વેબસાઇટ કંપનીનું સ્વરૂપ લઈ ચૂક્યાં હતાં.
અલી બાબા સાથે લગ્ન કરવાની વ્યવસ્થા
ઇમેજ સ્રોત, AFP
જૅક માએ અલી બાબા નામ વિષે જણાવે છે, " અલી બાબા ચોર નહોતાં. તે દયાળુ હતાં અને એ જાણતા હતા કે વેપાર કેવી રીતે કરાય! અલી બાબાએ ગ્રામીણ લોકોની પણ મદદ કરી."
આ જ રીતે અલી બાબા કંપની પણ તમામ લોકો માટે ખુલ્લી છે. જ્યાં દુનિયાભરનાં લોકો જઈને વેપાર કરી શકે છે.
જૅક માએ કહ્યું, અમે અલી મામા નામથી પણ કંપની રજીસ્ટર્ડ કરેલી છે, જો કોઈ અમારી સાથે લગ્ન કરવા ઇચ્છે તો. અલી બાબા અને અલી મામા સિવાય જૅક મા હવે ઘણાં મોરચાઓ ઉપર જામી ગયાં છે.
જૅકે જ્યારે ઑનલાઇન પેમેન્ટ સાઇટ 'અલી-પે' શરૂ કરી, ત્યારે લોકોને તેમને કહ્યું કે હવે આ તમારું સૌથી મૂર્ખામીભર્યું કામ છે.
જૅક માનો એવા લોકોને જવાબ હતો- જ્યાં સુધી લોકો આનો ઉપયોગ કરી રહ્યાં છે, મને એનાથી કોઈ ફેર નથી પડતો કે આ મૂર્ખામીભર્યું છે કે નહીં. આજે ૮૦ કરોડ લોકો અલી-પેનો ઉપયોગ કરે છે.
ખાલી કુંવારા, શૉપિંગમાં 'ફસાયા'
ઇમેજ સ્રોત, Getty Images
જે રીતે 'વૅલેન્ટાઇન ડે' પ્રેમી યુગલોના મિલનનો દિવસ હોય છે. ચીનમાં 'સિંગલ્સ ડે' તડક-ભડક સાથે ઉજવવામાં આવે છે. તારીખ ૧૧ નવેમ્બર, એટલેકે ડબલ ઇલેવન. આને ઍન્ટિ-વૅલેન્ટાઇન્સ ડે ગણાવી શકાય.
જૅક માએ આ તારીખનો ઉપયોગ પૈસા કમાવા માટે કર્યો, જેમ ભારતમાં તહેવારો ઉપર ઑનલાઇન શૉપિંગ વેબસાઇટ્સ ઉપર સેલ લાગે છે, એ જ રીતે જેકે વર્ષ 2009થી 11 નવેમ્બરે શોપિંગ ડેનો ટ્રેન્ડ શરૂ કર્યો.
'સિંગલ્સ ડે' ઉપર અલી બાબાની કમાણી (બિલિયન ડૉલરમાં) આ સેલમાં લોકોને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. લોકો આ સેલની રાહ જુએ છે. દર વર્ષે કંપની પોતાની જ કમાણીનો રેકોર્ડ તોડે છે.
સમાચાર એજન્સી એએફપી (એજન્સી ફ્રાન્સ પ્રેસ)ના રિપોર્ટ અનુસાર, વર્ષ 2017ના સિંગલ્સ ડે ઉપર અલી બાબાએ ફરી રેકોર્ડ તોડીને લગભગ 25 બિલિયન ડૉલરનો વેપાર કર્યો હતો.
અલી બાબાના ખજાનાનું રહસ્ય
ઇમેજ સ્રોત, AFP
વેબસાઇટ ઇબે કંપનીઓની લિસ્ટિંગ માટે ફી ચાર્જ કરે છે. અલી બાબા કોઈ ફી ચાર્જ નથી કરતી. જૅક માએ વેબસાઇટ ઉપર મળનારી જાહેરાતોને કમાણીના આઇડિયા તરીકે અપનાવી.
અલી બાબા ગ્રાહકોને વેપારીઓ સાથે જોડે છે. આ માટે કમિશન લેવામાં આવે છે. કેમ કે આ આખી સિસ્ટમ ઑનલાઇન છે, આથી આ સિસ્ટમને કામ કરવા માટે માળખાંની જરૂર નથી પડતી.
દુનિયામાં પોતાની કંપનીનો વિસ્તાર વધારવાની જૅક માની કોશિશ છે. દર થોડા દિવસે તે પોતાની કંપનીનો વેપાર વધારવા માટે કેટલાય રાષ્ટ્રપ્રમુખોને મળતા રહે છે. આમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પણ સામેલ છે.
જૅકની સફળતા
ઇમેજ સ્રોત, AFP
જૅકનાં વ્યકિતત્વ ઉપર ધ્યાન આપીએ તો તેમણે ક્યારેય હાર નથી માની. જૅક મા મોટાભાગના પ્રસંગો ઉપર કોઈ પ્રેઝન્ટેશન તૈયાર નથી કરતાં, તેઓ સીધા જ મંચ ઉપર જવામાં વિશ્વાસ ધરાવે છે.
વર્લ્ડ ઇકોનૉમિક ફોરમમાં જૅક માએ પોતાની જિંદગીનાં ઘણાં રહસ્યો ખોલ્યા હતાં, "હાવર્ડ યુનિવર્સિટીમાં 10 વાર અરજી કરી, પરંતુ દર વખતે રિજેક્ટ થયો, જ્યારે કેએફસી ચીનમાં આવ્યું, ત્યારે નોકરી માટે 24 જણાએ અરજી કરી અને 23 જણાની પસંદગી કરવામાં આવી. માત્ર એકની પસંદગી ના થઈ, એ એક હું હતો."
"અમારી કંપનીમાં મોટી સંખ્યામાં મહિલા કર્મચારીઓ છે. કંપનીમાં 47 ટકા મહિલાઓ છે. 21મી સદીમાં જો તમારે જીત હાંસલ કરવી હોય તો અન્યોને શક્તિશાળી બનાવો. મને લાગે છે કે મહિલાઓ પોતાનાથી વધુ અન્યો વિષે વિચારે છે."
જૅક માટે શ્રેષ્ઠ વેપાર આયોજન
ઇમેજ સ્રોત, TRAILER GRAB
જૅકનું વેપાર આયોજન શું છે? આ વાત આ રીતે સમજો, તે કહે છે કે વેપાર શરૂ કરવાનું સૌથી મોટું આયોજન એ છે, કે કોઈ આયોજન જ ના હોય! બેસીને વિચારવા માટે સમય નથી.
કદાચ આ જ કારણ છે કે જૅક મા પોતાની કંપનીના વાર્ષિક કાર્યક્રમમાં સફેદ વાળમાં, ક્યારેક પૉપ સિંગરનાં વેશમાં નજરે પડે છે તો ક્યારેક પૉપ સ્ટારના લુકમાં.
અભ્યાસકાળ દરમ્યાન જૅકના સહપાઠી કૈથી ઝાંગ તેમના પત્ની છે. બે સંતાનો અને 'અલી બાબા'ના જનક, જૅક મા ચીન, એશિયા પછી હવે દુનિયામાં વ્યાપ્ત છે. એવા અનુમાનો પણ લગાવવામાં આવે છે કે તેઓ રાજનીતિમાં પણ ઝંપલાવી શકે છે.
માર્શલ આર્ટના ખેલાડી -જૅક મા
જૅક મા વેપારની સાથે સાથે માર્શલ આર્ટ પણ શીખી રહ્યાં છે. તેઓ કેટલી સારી રીતે શીખી શક્યા છે, તેની એક ઝલક Gong Shou Dao શોર્ટ ફિલ્મમાં જોઈ શકાય છે.
જૅક મા ટૂંક સમયમાં જ આ શોર્ટ ફિલ્મમાં નજરે પડશે. આ ફિલ્મના ટ્રેલરમાં ઝડપથી આવી રહેલાં બાસ્કેટ બોલને રોકવાથી માંડીને ફાઇટ સીન સુધી જૅક મા વિરોધીઓને મ્હાત આપતાં નજરે પડે છે.
કોઈ કોઈ મ્હાત તો એવી જ, જેવી વિશ્વ બજારમાં તેમણે પોતાનાં હરીફોને આપી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો