'વૉર ક્રાઇમ' મામલે અમેરિકા ગુસ્સે, આઈસીસી પર પ્રતિબંધોની ધમકી

જ્હોન બોલ્ટન Image copyright AFP
ફોટો લાઈન જ્હોન બોલ્ટને આઈસીસી પર પ્રતિબંધો મૂકવાની વાત કહી હતી

અમેરિકાએ ધમકી આપી છે કે જો આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટ(આઈસીસી) અમેરિકન નાગરિકો વિરુદ્ધ કાર્યવાહી કરશે તો તેણે પ્રતિબંધોનો સામનો કરવો પડશે.

હાલમાં કોર્ટ અફઘાનિસ્તાનમાં કથિત રીતે અમેરિકન સૈનિકોએ જેલમાં કરેલા અપરાધો અંગે કાર્યવાહી કરવાનું વિચારી રહી છે.

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જ્હોન બોલ્ટને કોર્ટને ગેરકાનૂની ગણાવી હતી અને કહ્યું હતું કે અમેરિકા પોતાના નાગરિકોને બચાવવા માટે કંઈ પણ કરશે.

વિશ્વના અનેક દેશોની સાથે અમેરિકા પણ આ 2002માં સ્થાપવામાં આવેલી કોર્ટમાં જોડાયું ન હતું.


શા માટે અમેરિકા કોર્ટ પર ગુસ્સે થયું?

Image copyright Reuters
ફોટો લાઈન આઈસીસી અમેરિકાના અફઘાનિસ્તનામાં સેવા બજાવી ચૂકેલા સૈનિકો પર કાર્યવાહી કરી શકે

જ્હોન બોલ્ટન પહેલાથી જ આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટના ટીકાકાર રહ્યા છે.

જોકે, સોમવારે તેમણે આપેલા ભાષણ બાદ કોર્ટ પર પ્રતિબંધો મૂકવાનાં બે કારણો છે.

જેમાંનું એક કારણ એ છે કે ગયા વર્ષે આઈસીસીના પ્રૉસિક્યૂટર ફટૌ બેન્સુડાએ અફઘાનિસ્તાનમાં યુદ્ધ દરમિયાન આચરવામાં આવેલા ગુનાઓની તપાસની માગ કરી હતી.

જેમાં અમેરિકાના સૈનિકો કે જાસૂસી અધિકારીઓનો સમાવેશ કરવાની પણ વાત હતી.

બીજું કારણ એ છે કે પેલેસ્ટાઇને ગાઝા પટ્ટી અને કબ્જે કરાયેલા વેસ્ટ બેન્કમાં ઇઝરાયલ દ્વારા થઈ રહેલા માનવ અધિકારના ભંગના મુદ્દાને આઈસીસી સમક્ષ ઉઠાવ્યો હતો.

બોલ્ટને કહ્યું કે વૉશિંગ્ટનમાં આવેલા પેલેસ્ટાઇન ડિપ્લૉમેટિક મિશનને બંધ કરવા પાછળનું એક કારણ પેલેસ્ટાઇનનું આ પગલું પણ છે.

આંતરરાષ્ટ્રીય કોર્ટ પર પ્રતિબંધોની વાત કરતાં બોલ્ટને કહ્યું કે આઈસીસીની આ કાર્યવાહીની વાત અમેરિકાના સાર્વભૌમત્વ અને રાષ્ટ્રીય સુરક્ષા સામે ખતરો ઊભો કરે છે.


અમેરિકા કયાં પગલાં લઈ શકે?

જ્હોન બોલ્ટને કહ્યું કે અમે આઈસીસીને સહકાર નહીં આપીયે. અમે આઈસીસીને કોઈ મદદ પણ નહીં કરીએ. આઈસીસીમાં જોડાઈશું પણ નહીં. અમે આઈસીસીને તેની રીતે જ મરવા દઈશું. અમેરિકા માટે તો આઈસીસી આમ પણ અસ્તિત્વ ધરાવતી નથી.

વ્હાઇટ હાઉસના પ્રવક્તા સારાહ સેન્ડરે પણ બોલ્ટનની વાતને ટેકો આપતાં કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ અમેરિકાના નાગરિકો અને તેમના સાથી દેશો સામેની આઈસીસીની અન્યાયી કાર્યવાહી સામે જરૂરી પગલાં ઉઠાવશે.

જો મામલો આગળ વધે તો અમેરિકા આઈસીસીના ન્યાયાધિશોને અમેરિકામાં પ્રવેશતા અટકાવી શકે.

અમેરિકા દ્વારા આઈસીસીને આપવામાં આવતું ફંડ પણ રદ થઈ શકે છે.

ઉપરાંત અમેરિકા વિશ્વના અનેક દેશો સાથે એવા દ્વિપક્ષીય કરારો પણ કરી શકે જે અમેરિકન નાગરિકોને આઈસીસીના અધિકારક્ષેત્રમાં લઈ જતા અટકાવી શકે.


આઈસીસી શું છે?

Image copyright Reuters
ફોટો લાઈન આઈસીસીની સ્થાપના 2002માં કરવામાં આવી હતી

અમેરિકાના આ પ્રકારના નિવેદન બાદ આઈસીસીએ કહ્યું કે તેમને 123 દેશોનો સાથ છે.

આઈસીસીએ બહાર પાડેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે, "આઈસીસી એક ન્યાયિક સંસ્થા હોવાના નાતે કાયદાકીય માળખાની અંતર્ગત કડક રીતે કાર્યવાહી કરશે."

"મેન્ડેન્ટ મુજબ તે સ્વતંત્ર અને બિનપક્ષપાતી કાર્યવાહી કરવા માટે મક્કમ છે."

આઈસીસી યુદ્ધ અપરાધ, નરસંહાર, માનવતા વિરુદ્ધ થયેલા અપરાધો જેવા ગુનાઓમાં તપાસ અને ન્યાય આપવાનું કાર્ય કરે છે.

ઉપરાંત તે એવા મામલાઓમાં પણ દખલ કરે છે જ્યારે રાષ્ટ્ર કોઈ મામલે કાર્યવાહી ના કરે.

આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટ રોમ ઠરાવ હેઠળ 2002માં અસ્તિત્વમાં આવી હતી. જેમાં 123 જેટલા દેશો જોડાયા હતા.

જોકે, અમેરિકાએ એ સમયે આ કોર્ટને મંજૂર રાખી ન હતી. તે સમયના અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યું બુશે આ સંસ્થાનો વિરોધ કર્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ