અમેરિકાના પૂર્વ દરિયાકિનારા પર ભયંકર વાવાઝોડાનો ખતરો

વાવાઝોડું Image copyright Getty Images

અમેરિકાના પૂર્વના દરિયાકિનારા પર ફ્લોરેન્સ નામના વાવાઝોડના ત્રાટકવાના ખતરાને જોતાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાનું અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ લોકોને વાવાઝોડા અંગે ચેતવણી આપતાં ટ્વીટ્સ કર્યાં છે.

માનવામાં આવી રહ્યું છે કે આ છેલ્લા કેટલાય દાયકાઓનું સૌથી ભયંકર વાવાઝોડું હશે.

હાલ ફ્લોરેન્સ વાવાઝોડું ચાર નંબરની કૅટગરીમાં છે. જેમાં પ્રતિકલાકે 220 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

હાલની આગાહી પ્રમાણે આ વાવાઝોડું ઉત્તર કેરોલિનાના વિલ્મિંગટોન પાસે ત્રાટકે તેવી સંભાવના છે.

દક્ષિણ કેરોલિના ગવર્નરે તમામ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચવાના આદેશ આપી દીધા છે.

તો ઉત્તર કેરોલિના અને વર્જિનિયામાં ઇમર્જન્સી લાગુ કરી દેવામાં આવી છે.

યુનિવર્સિટી ઑફ નોર્થ કેરોલિનાએ પણ ત્યાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને સલામત સ્થળે જતા રહેવાની સૂચના આપી છે અને તે માટે જરૂરી પગલાં લેવાનાં શરૂ કરી દીધાં છે.


ભારે તબાહી મચી શકે છે

Image copyright Reuters

એવી સંભાવના છે કે આ વાવાઝોડું 65 કિલોમિટરની ત્રિજ્યા સુધી ફેલાઈ શકે છે.

ફ્લોરેન્સ સોમવાર સવાર સુધી બીજી કૅટગરીનું વાવાઝોડું હતું અને તે ઉત્તર કેરોલિના સ્થિત કેપ ફિયરથી 2000 કિલોમીટર દૂર હતું.

હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે આ પાંચમી કૅટગરીનું વાવાઝોડું બની શકે છે કારણ કે તેને એટલાન્ટિક મહાસાગરમાં રહેલા ગરમ પાણીથી તાકાત મળી રહી છે.

નેશનલ હરિકેન સેન્ટરે(એનએચસી)એ ફ્લોરેન્સને ખૂબ જ ખતરનાક મોસમી ઘટના ગણાવી છે.

આ વાવાઝડું દરિયાકિનારે અને અંદરના ભાગોમાં ભારે વરસાદ, પવન અને પૂરથી ભારે તબાહી મચાવી શકે છે.


નેવીએ વહાણો ખસેડવાનું શરૂ કર્યું

Image copyright EPA

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ શુક્રવારે મિસીસિપીમાં થનારી રેલી રદ કરી દીધી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેમણે પ્રભાવિત રાજ્યોના ગવર્નરો સાથે આ મામલે વાતચીત કરી છે.

આ મામલે ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યાં હતાં અને લોકોને સલામત સ્થળે જતાં રહેવાનું કહ્યું હતું.

તેમણે એક ટ્વીટમાં લખ્યું કે મને માહિતી આપવામાં આવી છે કે આ એક ભયંકર વાવાઝોડામાંનું એક છે. એવું પણ લાગે છે કે તે ઉત્તર કેરોલિના, દક્ષિણ કેરોલિના અને વર્જિનિયા પર સીધું ત્રાટકી શકે છે. તૈયાર રહો, સાવધાની રાખો અને સુરક્ષિત રહો.

અમેરિકન નેવી પણ વર્જિનિયાના દરિયામાં રહેલાં તેનાં 30 વહાણોને ખસેડી રહી છે.

જે વિસ્તારો પ્રભાવિત થવાના છે તે વિસ્તારના લોકો જરૂરી વસ્તુઓનો સ્ટોક કરી લેવા માટે સ્ટોર તરફ દોડી રહ્યાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ