શું કોઈની ખરાબ નજરમાં બરબાદ થઈ જવાય તેટલી તાકાત હોય?

પ્રતીકાત્મક તસવીર Image copyright Getty Images

બુધવારે અમદાવાદના નરોડા વિસ્તારમાં એક પરિવારે સામુહિક આત્મહત્યા કરી હતી. પરિવારના મોભીએ તેમની સુસાઇડ નોટમાં 'કાળી વિદ્યા'ને જવાબદાર ઠેરવી હતી.

'બૂરી નજર'ને પણ 'કાળી કે મેલી વિદ્યા'નો જ એક પ્રકાર માનવામાં આવે છે.

'બૂરી નજર વાલે, તેરા મુંહ કાળા', એવું લખાણ આપણે ઑટોરિક્ષા, ટ્રક કે બીજા વાહનોમાં પાછળ લખેલું જોતા હોઈએ છીએ.

તે વાંચીને મનમાં સવાલ પણ થયો હશે કે કોઈની નજર બૂરી કે સારી કેવી રીતે હોઈ શકે, જોકે દુનિયાભરમાં નજરના સારા કે ખરાબ હોવા વિશે માન્યતાઓ પ્રચલિત થયેલી છે.

ભારતમાં તો બૂરી નજરથી બચવા માટે જાતભાતના ઉપાયો પણ કરવામાં આવે છે. કોઈ પોતાના વાહનમાં ઊંધું ચપ્પલ લટકાવે છે, તો કોઈ લીંબુ અને મરચું લટકાવે છે.

કેટલાક લોકો બૂરી નજરને ખતમ કરવા માટે લાલ મરચાને બાળે છે. આવા ઉપાયોની યાદી બહુ લાંબી છે.

બૂરી નજર ના લાગવા દે તેવી આંખોએ ગયા એક દાયકામાં ફેશન જગતમાં પણ હલચલ મચાવી છે.

અમેરિકાના રિયાલિટી શૉનાં જાણીતાં સેલિબ્રિટી કિમ કાર્દશિયાન ઘણી વાર નીલા રંગની આંખોવાળા મોતીઓનો બ્રેસલેટ કે માળા પહેરીને તસવીરો પડાવતાં જોવા મળે છે.


શેતાની આંખોનો ડર

Image copyright ALAMY

ફેશન મૉડલ ગિગી હેડિડે પણ લોકોમાં આવો ક્રેઝ વધતો જોયો તે પછી 2017માં જાહેરાત કરી હતી કે તેઓ આઈ-લવ જૂતાની રેન્જ માર્કેટમાં મૂકશે.

સૅલિબ્રિટીઝે પ્રચાર કરવાનું શરૂ કર્યું તે પછી બૂરી નજરથી બચાવતા મોતીઓ સાથેના બ્રેસલેટ અને હાર કેવી રીતે બનાવવા તેના ઑનલાઇન ટ્યુટોરિયલ પણ શરૂ થઈ ગયા હતા.

આ વાત થઈ લોકોની માન્યતાઓનો કૉમર્શિયલ ફાયદો ઉઠાવવાની, પણ એ વાત પણ સાચી છે કે શેતાની નજરની કલ્પના સદીઓથી લોકોના મનમાં કબજો જમાવીને બેઠી છે.

શેતાની આંખની માન્યતા ક્યારે, ક્યાંથી અને કેવી રીતે શરૂ થઈ તે જાણતા પહેલાં તાવીજ અને શેતાની આંખમાં શું ફરક છે તે સમજવું જરૂરી છે.

બૂરી બાબતોથી બચવા માટે તાવીજ પહેરવાની રીતે હજારો વર્ષોથી ચાલી આવે છે. સમય વીતવા સાથે તેમાં ઘણા ફેરફારો થતા રહ્યા છે, જોકે તાવીજનો ઉપયોગ ક્યારે અને ક્યાંથી શરૂ થયો તે ખાતરી સાથે કહેવું મુશ્કેલ છે.

તમે આ વાંચ્યું કે નહીં?

તેની સામે શેતાની આંખવાળા તાવીજ બૂરી નજર કરવાવાળાનું જ ખરાબ થાય તે માટે પહેરવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિને બહુ જ સફળતા મળી હોય, તેના દુશ્મનોની સંખ્યા પણ વધી જાય છે. શેતાની આંખ આવા દુશ્મનોને તેમના ઇરાદામાં કામિયાબ થવા દેતી નથી.

પ્રાચીન ગ્રીસ રોમેન્સ એથિયોપિકામાં હેલિયોડોરસ ઑફ ઇમિસાએ લખ્યું છે કે, જ્યારે કોઈ સારી વસ્તુને ખરાબ નજરથી જોવામાં આવે, ત્યારે આસપાસના માહોલમાં ઘાતક વાઇબ્સ ઊભા થાય છે.

ફ્રેડરિક થૉમસ એલવર્થીએ લખેલું પુસ્તક 'ધ ઇવિલ આઇ - ધ ક્લાસિકલ એકાઉન્ટ ઑફ એન એન્શિયન્ટ સુપરસ્ટિશન' શેતાની આંખ વિશેના કિસ્સા અને કથાઓનો સૌથી સારો સંગ્રહ માનવામાં આવે છે.

આ પુસ્તકમાં જુદી જુદી સંસ્કૃત્તિઓમાં કેવા અંધ વિશ્વાસ અને કેવી માન્યતાઓ ફેલાયેલી હોય છે તે જણાવવામાં આવ્યું છે.

આ પુસ્તકમાં ગ્રીક ચૂડેલ ઘૂરીને જુએ તેની કહાનીથી લઈને લોકકથાઓ પણ આપેલી છે. ભૂતપ્રેતને જોવાથી મનુષ્ય ઘોડો કે પથ્થર બની ગયો હોય તેવા વર્ણનો આવી લોકકથામાં હોય છે.


સદીઓ જૂની પરંપરા

Image copyright ALAMY

મજાની વાત એ છે કે આંખની નિશાનીનો સંબંધ મૂર્તિપૂજક ધર્મોમાં તો છે જ, પરંતુ આકાશી અથવા અબ્રાહમ પરંપરાના ધર્મોના ગ્રંથોમાં એટલે કે કુરાન અને બાઇબલમાં પણ તેનો ઉલ્લેખ મળે છે.

બૂરી નજર, શેતાની આંખ, તાવીજ વગેરેનો સીધો સંબંધ અંધ વિશ્વાસ સાથે છે. જોકે કેટલાક ચિંતકો તેનો સંબંધ વિજ્ઞાન સાથે પણ જોડે છે.

આ યાદીમાં સૌથી પહેલું નામ આવે છે ગ્રીક ચિંતક પ્લૂટાર્કનું. તેઓ વૈજ્ઞાનિક પાસાનો ઉલ્લેખ કરતાં કહે છે કે મનુષ્યની આંખમાંથી એવી ઊર્જાના કિરણો નીકળે છે, જે આપણે જોઈ શકતા નથી.

આ કિરણોમાં કોઈ નાના પશુને કે બાળકને મારી નાખવાની ક્ષમતા હોય છે. એક કદમ આગળ વધીને તેઓ કહે છે કે કેટલાક લોકોમાં સામા માણસને પોતાના ગુલામ બનાવી દેવાની તાકાત હોય છે.

Image copyright METROPOLITAN MUSEUM OF ART

કોઈને સૌથી વધુ નુકસાન કરનારા કિરણો નીલી આંખોમાંથી નીકળતા હોય છે. લગભગ બધી જ સંસ્કૃતિમાં બૂરી નજરના કારણે વિનાશ થયાના ઉલ્લેખો મળે છે.

જોકે કેટલીક સંસ્કૃતિતમાં બૂરી નજર રાખવી તેને ખરાબ માનવામાં આવે છે. તેને એક અભિશાપ માનવામાં આવે છે.

દાખલા તરીકે એલવર્થી પોલેન્ડની એક લોકકથાને ટાંકે છે, જેમાં એક માણસની નજરમાં બીજાનું ખરાબ કરનારા કિરણોની સંખ્યા બહુ વધારે હતી.

તે વ્યક્તિને આ શક્તિનો ખ્યાલ આવ્યો ત્યારે તેણે પોતાના સ્વજનોને નુકસાન ના થાય તે માટે પોતાની એક આંખ કઢાવી નાખી હતી.

તુર્કીની ઇસ્તંબુલ યુનિવર્સિટીના ઇતિહાસના પ્રોફેસર ડૉક્ટર નેસ યેલ્દરિન કહે છે કે આંખવાળા તાવીજનો સૌ પ્રથમ નમૂનો ઇસવી સન પૂર્વે 3300નો મળે છે.

મેસોપોટેમિયાના સૌથી જૂના શહેર તલ બરાકમાં ખોદકામ કરતી વખતે કેટલાક તાવીજ મળ્યા હતા. આ તાવીજ આરસની મૂર્તિઓના રૂપમાં હતા, જેમાં ઠેક ઠેકાણે આંખો કોતરવામાં આવી હતી.


બચાવ માટે શું કરતા હતા લોકો

Image copyright KINO

નીલા રંગની આંખો ઇજિપ્તની ચમકદાર માટીમાંથી આવેલી છે. આ માટીમાં ઑક્સાઇડનું પ્રમાણ વધારે હોય છે. તાંબા અને કોબાલ્ટ સાથે તેને પકાવવામાં આવે ત્યારે તે નીલા રંગની થઈ જાય છે.

આજના સમયમાં જોવા મળતી બૂરી નજર લાગવાની માન્યતાને યેલ્દરિન પ્રાચીન ઇજિપ્તની સાથે જોડે છે. ખોદકામમાં હોરાસની આંખવાળા ઘણા બધા પેન્ડેન્ટ મળ્યા હતા.

પ્રાચીન માન્યતા અનુસાર, હોરાસ ઇજિપ્તના લોકોના આકાશના દેવતા હતા. તેમની જમણી આંખનો સંબંધ સૂરજ સાથે હતો. તેથી લોકો તેને શુભ માનતા હતા અને બૂરી નજરથી બચવા માટે તેને પોતાની સાથે રાખતા હતા.

તુર્કીના જૂના આદિવાસી લોકો પણ નીલા રંગને ખાસ પસંદ કરતા હતા. આ રંગ તેમના આકાશના દેવતાનો રંગ ગણાય છે.

Image copyright ALAMY

નીલા રંગની આંખ સાથેના મોતી ફોનેશિયન, અસિરિયન, ગ્રીક, રોમન અને સૌથી વધુ ઑટોમન સામ્રાજ્યમાં ઉપયોગમાં આવતા હતા.

ભૂમધ્ય સાગરના ટાપુઓમાં આવા મોતીઓનો વેપાર થતો હતો, ત્યાંથી તે દુનિયાના અન્ય હિસ્સામાં પણ ફેલાઈ ગયા હતા.

ઇજિપ્તના લોકો આજે પણ તેમના જહાજોની રક્ષા માટે ઇવિલ-આઇ બનાવે છે. તુર્કીમાં પણ બાળકના જન્મ પછી તેને બૂરી નજરથી બચાવવા માટે શેતાની આંખવાળું તાવીજ પહેરાવામાં આવે છે.

આ વિશેની માન્યતાઓ જે પણ હોય, એ વાત સાચી છે કે દુનિયાની તમામ સંસ્કૃતિ પર તેની અસર થઈ હતી. અને હવે શેતાની આંખે ફેશનની દુનિયામાં પણ પોતાનો સિક્કો જમાવી દીધો છે.

પરંતુ અહીં ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે કિમ કાર્દશિયાન હોઈ કે ગિરી હેડિડ, બંને સેલિબ્રિટી એવી જગ્યા સાથે જોડાયેલી છે, જ્યાં શેતાની આંખો પર વિશ્વાસ રાખવામાં આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા