ફ્લોરેન્સ : યુએસમાં 'હોનારત', 11 લોકોનાં મોત

નોર્થ કેરોલિનામાં બચાવકામગીરી કરી રહેલ સ્વંયસેવિકા Image copyright Reuters
ફોટો લાઈન નોર્થ કેરોલિનામાં બચાવકામગીરી કરી રહેલ સ્વંયસેવિકા

અમેરિકાના નોર્થ કેરોલિનામાં આવેલા ચક્રવાત ફ્લોરન્સને કારણે જીવ ગુમાવનારા લોકોનો આંકડો 11 સુધી પહોંચી ગયો છે. જેને પગલે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચક્રવાતને ડિઝાસ્ટર (હોનારત) જાહેર કર્યો છે. હજુ પણ વધુ નુકસાનની ચેતવણી પણ ઉચ્ચારાઈ છે.

ફ્લોરન્સના બાહ્ય આવરણના પવનોની તીવ્રતામાં ઘટાડો નોંધાયો છે અને 72 કિલોમીટર પ્રતિ કલાક થઈ છે, પરંતુ હજુ પણ પ્રમાણમાં પૂરની ભીતિ ઊભી જ છે.

અહીં કેટલાક નગરોમાં 60 સેન્ટિ-મીટર વરસાદ પડી ચૂક્યો છે અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ચક્રવાતને કારણે દસ લાખ ઘરોમાં વીજ પુરવઠો નથી પહોંચી રહ્યો અને અંધારપટ છવાઈ ગયો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે નોર્થ કેરોલિનાની આઠ કાઉન્ટીમાં ડિઝાસ્ટર જાહેર કરતા હવે ફેડરલ ફંડમાંથી અસરગ્રસ્તોને સહાય મળી રહેશે.

મિલકતોના સમારકામ અને ઇન્સ્યૉરન્સમાં કવર ન હોય એવા નુકસાન માટે લોન પણ આપવામાં આવશે.

Image copyright EPA
ફોટો લાઈન ન્યૂ બર્નમાં પૂર

હોનારતને પગલે લગભગ 9700 જેટલા નૅશનલ ગાર્ડની ટુકડી અને નાગરિકોને પાણીમાં ચાલી શકે તેવા મજબૂત વાહનો તેમજ હેલિકૉપ્ટર તથા બોટ સાથે બચાવકામગીરીમાં જોડવામાં આવ્યા છે.

વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર આગામી સપ્તાહમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લે એવી શક્યતા છે.

તમે આ વાંચ્યું કે નહીં?

અત્યાર સુધી એકંદરે 11 લોકોનાં મોત થયા છે. જેમાં બે મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે.

નોર્થ કેરોલિનામાં શુક્રવારે એક મકાન પર વૃક્ષ ધરાશાયી થઈ જતા તેમાં રહેતાં માતા અને બાળક બન્નેનાં મૃત્યુ થયાં હતાં. જ્યારે પરિવારની એક વ્યક્તિ ઘાયલ થતા તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

Image copyright JOJO TURBEVILLE

તદુપરાંત વીજળી પડવાથી અને ભારે પવનોમાં ફંગોળાઈ જવાથી પણ કેટલાક મોત નિપજ્યાં છે.

150 આશ્રય કૅમ્પોમાં 22 હજારથી વધુ લોકો આશ્રય લઈ રહ્યા છે. ચર્ચ, સ્કૂલ અને બાસ્કેટબૉલના સ્ટેડિયમ સહિતના સ્થળોને આશ્રયસ્થાનોમાં બદલી દેવાયા છે.

નદી કિનારે આવેલા અને 30 હજારની વસ્તી ધરાવતા 'ન્યૂ બર્ન' ટાઉનને પૂરના કારણે સૌથી વધુ નુકસાન થયું છે.

અહીં 4 હજારથી વધુ મકાનો નષ્ટ થઈ ગયા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સોમવારે તે ઓહિયો તરફ ફંટાશે અને ત્યાં તે મંદ પડવાની શક્યતા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ