મુસલમાનોને 'પુનઃશિક્ષણ' આપવાના નિર્ણયનો ચીને બચાવ કર્યો

વિગર મુસ્લિમની તસવીર Image copyright Getty Images

વિવાદોની વચ્ચે ચીને સ્વીકાર્યું છે કે શિનજિયાંગ પ્રાંતમાં વીગર મુસ્લિમોને 'ફરી શીક્ષણ' આપવામાં આવી રહ્યું છે અને તેઓ ખુશ છે.

ચીનની સરકારી ન્યૂઝ એજન્સી શિનહુઆ સાથે વાત કરતા સ્વાયત શિનજિયાંગ પ્રાંતના ચેરમેન શોહરત ઝાકિરે કહ્યું હતું કે વીગરોને 'વ્યવસાયિક શિક્ષણ' આપવાથી આતંકવાદ સામે લડવામાં મદદ મળશે.

ટીકાકર્તાઓનું કહેવું છે કે ચીનના આ રાજ્યમાં મુસલમાનોને મોટી સંખ્યામાં ખાસ પ્રકારના કૅમ્પોમાં રાખવામાં આવ્યા છે.

જે મુસલમાનો સરકારનો વિરોધ કરે છે, ડીએનએ માટે નમૂના આપવાનો ઇન્કાર કરે, અધિકારીઓ સાથે દલીલ કરે કે લઘુમતીઓની ભાષા બોલે, તેમને આવા કૅમ્પોમાં કોઈપણ આરોપ વગર અનિશ્ચિતકાળ માટે ગોંધી રાખવામાં આવે છે.

સંયુક્ત રાષ્ટ્રની એક સમિતિને ઑગસ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે શિનજિયાંગમાં લગભગ 10 લાખ મુસલમાનોને એક ખાસ પ્રકારે અટકાયતમાં રાખવામાં આવ્યા છે, જ્યાં તેમને 'ફરી શિક્ષણ' આપવામાં આવી રહ્યું છે.

તમે આ વાંચ્યું કે નહીં?


કોણ છે વીગર?

Image copyright Getty Images

ચીનના શિનજિયાંગ પ્રાંતમાં રહેતા વીગર સમુદાયના એક કરોડથી વધુ લોકો પૈકીના મોટાભાગના મુસલમાન છે.

એ લોકો તેમને સાંસ્કૃતિક રીતે મધ્ય એશિયાના દેશોની નજીકના ગણે છે. તેમની ભાષા તુર્કીને મળતી આવે છે.

તાજેતરનાં વર્ષોમાં ચીનના બહુમતી વંશીય સમૂહ હાનના લોકોનું શિનજિયાંગમાં મોટા પ્રમાણમાં વસવું એક સંવેદનશીલ મુદ્દો બની ગયું છે.

વીગર લોકોને લાગે છે કે હવે તેમની રોજીરોટી અને સંસ્કૃતિ પર જોખમ છે.


ક્યાં આવ્યું શિનજિયાંગ?

શિનજિયાંગ ચીનની પશ્ચિમે આવેલો દેશનો સૌથી મોટો પ્રાંત છે. તેની સીમા ભારત, અફઘાનિસ્તાન અને મંગોલિયા જેવા અનેક દેશોની સરહદને અડીને આવેલી છે.

શિનજિયાંગ કહેવા ખાતર તો તિબેટની માફક એક સ્વાયત ક્ષેત્ર છે, પરંતુ શિનજિયાંગની સરકાર ચીનની સરકારના ઈશારે જ ચાલે છે.

આ પ્રાંતનું અર્થતંત્ર સદીઓથી ખેતી તથા વેપાર પર આધારિત રહ્યું છે. ઐતિહાસિક સિલ્ક રૂટને કારણે અહીં સુખશાંતિનું વાતાવરણ રહ્યું છે.

વીસમી સદીની શરૂઆતમાં વીગર સમુદાયે થોડા સમય માટે જ શિનજિયાંગને આઝાદ જાહેર કર્યું હતું, પણ 1949ની સામ્યવાદી ક્રાંતિ પછી શિનજિયાંગ પ્રાંત ચીનનો હિસ્સો બની ગયો હતો.


શું ચાલી રહ્યું છે શિનજિયાંગમાં?

સંયુક્ત રાષ્ટ્રની એક માનવાધિકાર સમિતિને આ વર્ષના ઑગસ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે 'સમગ્ર વીગર સ્વાયત ક્ષેત્ર પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.'

સમિતિને એમ પણ જણાવવામાં આવ્યું હતું કે લગભગ દસ લાખ લોકો અટકાયતમાં હોય તેવી રીતે જિંદગી પસાર કરી રહ્યા છે.

હ્યુમન રાઈટ્સ વોચ પણ આવા અહેવાલોને સમર્થન આપી રહ્યું છે.

માનવાધિકાર સંગઠનોનું કહેવું છે કે ચોક્કસ પ્રકારના અટકાયતી કેમ્પોમાં રાખવામાં આવેલા લોકોને ચીની ભાષા શિખવાડવામાં આવી રહી છે. તેમણે ચીની રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ પ્રત્યે વફાદારીના સોગંદ લેવાના હોય છે.

હ્યુમન રાઈટ્સ વોચના જણાવ્યા મુજબ, વીગર સમુદાયના લોકો સરકારની ચાંપતી નજરનો સામનો કરી રહ્યા છે.

એ લોકોનાં ઘરો પર QR કોડ્ઝ લગાવવામાં આવ્યા છે અને ચહેરાની ઓળખ માટે કૅમેરા લગાવવામાં આવ્યા છે. ઘરની અંદર કોણ છે તે અધિકારીઓ ઈચ્છે ત્યારે જાણી શકે છે.


બીબીસીને શું જાણવા મળ્યું?

Image copyright Getty Images

શિનજિયાંગથી સીધા સમાચાર મેળવવાનું મુશ્કેલ છે. ત્યાં મીડિયા પર પ્રતિબંધ છે, પણ બીબીસીએ તે ક્ષેત્રમાંથી અનેક અહેવાલો મેળવ્યા છે અને એ કેમ્પોને સગી આંખે નિહાળ્યા છે.

બીબીસીના 'ન્યૂઝનાઈટ' કાર્યક્રમે શિનજિયાંગની જેલોમાં રહી ચૂકેલા અનેક લોકો સાથે વાતચીત કરી હતી. એ પૈકીના એક છે આમિર.

આમિરે બીબીસીને કહ્યું હતું, "તેઓ મને ઉંઘવા દેતા ન હતા. મને કલાકો સુધી લટકાવી રાખવામાં આવતો હતો. મારી ચામડીમાં સોય ઘૂસાડવામાં આવતી હતી."

"ખાસ ઉપકરણ વડે મારા નખ ખેંચવામાં આવતા હતા. ટોર્ચરનો બધો સામાન મારી સામે ટેબલ પર રાખવામાં આવતો હતો, જેથી હું ભયભીત રહું. મને બીજા લોકોની ચીસો પણ સંભળાતી હતી."

અઝાત નામના એક ભૂતપૂર્વ કેદીએ કહ્યું હતું, "જ્યાં હું કેદ હતો ત્યાં રાતના ભોજન વખતે લગભગ 1,200 લોકો હાથમાં પ્લાસ્ટિકની વાટકીઓ પકડીને ચીનને ટેકો આપતું ગીત ગાતા હતા."

"એ બધા રોબોટ જેવા લાગતા હતા. તેમનો તો આત્મા પણ મરી ગયો હતો. એમના પૈકીના ઘણા લોકોને હું જાણું છું. કાર અકસ્માતમાં પોતાની સ્મૃતિ ગૂમાવી ચૂકેલા લોકો જેવું વર્તન તેઓ કરતા હતા."


વીગર સમુદાય દ્વારા હિંસા?

Image copyright Getty Images

ચીનનું કહેવું છે કે તેના પર અલગતાવાદી ઈસ્લામી જૂથોનું જોખમ છે, કારણ કે કેટલાક વીગર લોકોએ ઈસ્લામિક સ્ટેટ જૂથ સાથે હથિયાર ઉઠાવ્યાં છે.

શિનજિયાંગની રાજધાની ઉરુમચીમાં 2009માં થયેલાં કોમી હુલ્લડમાં હાન સમુદાયના 200 લોકો મૃત્યુ પામ્યા હતા. એ પછી અહીં હિંસા વધી છે.

2014ના જુલાઈમાં પોલીસ સ્ટેશન તથા સરકારી ઓફિસો પર કરવામાં આવેલા હુમલાઓમાં 96 લોકો મૃત્યુ પામ્યા હતા.

2013ના ઓક્ટોબરમાં બીજિંગના તિયાનનમેન સ્ક્વેરમાં એક કાર ભીડમાં ઘૂસી ગઈ હતી અને તેમાં અનેક લોકો કચડાઈ ગયાં હતાં. ચીની વહીવટીતંત્રે એ માટે શિનજિયાંગના અલગતાવાદીઓને જવાબદાર ઠરાવ્યા હતા.

સરકારની તાજેતરની કાર્યવાહીનું કારણ 2017ના ફેબ્રુઆરીમાં શિનજિયાંગના ઉરુમચીમાં બનેલી છરાબાજીની ઘટના છે.

શું કહે છે ચીન?

ચીનનું કહેવું છે કે તે શિનજિયાંગમાં 'હિંસક આતંકવાદી ગતિવિધિ' સામે કામ પાર પાડી રહ્યું છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘની જીનિવામાં યોજાયેલી એક બેઠકમાં ચીનના અધિકારી હૂ લિયાનહેએ જણાવ્યું હતું કે દસ લાખ લોકોને અટકાયતમાં રાખવાની વાત 'એકદમ ખોટી' છે.

ચીનના માનવાધિકાર વિભાગના એક અધિકારીએ તાજેતરમાં કહ્યું હતું, "આ પદ્ધતિ એકદમ યોગ્ય નથી એવું તમે કહી શકો, પણ ધાર્મિક ઉગ્રવાદનો સામનો કરવા માટે આવું કરવું જરૂરી છે."

"તેનું કારણ એ છે કે ઈસ્લામી ઉગ્રવાદ સામે લડવામાં પશ્ચિમી દેશો અસફળ રહ્યા છે. બેલ્જિયમ અને પેરિસમાં થયેલા હુમલા તેના પુરાવા છે."

શિનજિયાંગ બાબતે ચીન મોટેભાગે કોઈ જાહેર નિવેદન આપતું નથી. એ ઉપરાંત શિનજિયાંગમાં બહારના લોકો તથા મીડિયાના પ્રવેશને સંપૂર્ણપણે નિયંત્રિત કરે છે.


શું કરી રહી છે દુનિયા?

Image copyright Getty Images

વીગર સમુદાય પ્રત્યેના ચીનના વલણની વિશ્વભરમાં ટીકા વધી રહી છે, પણ એકેય દેશે ચીનની ટીકા કરવાથી આગળ કોઈ પગલું લીધું નથી.

શિનજિયાંગમાં માનવાધિકારના ઉલ્લંઘન સાથે સંકળાયેલી કંપનીઓ તથા અધિકારીઓ પર પ્રતિબંધ લાદવાની હાકલ અમેરિકન કોંગ્રેસની ચીની બાબતોની સમિતિએ ટ્રમ્પ વહીવટીતંત્ર સમક્ષ કરી છે.

અમેરિકન કોંગ્રેસની એ સમિતિએ તેના અહેવાલમાં જણાવ્યું હતું, "લઘુમતી મુસ્લિમ સમુદાયને અટકાયતમાં રાખવામાં આવી રહ્યો છે. તેમને ત્રાસ આપવામાં આવી રહ્યો છે."

"તેમની ધાર્મિક તથા સાંસ્કૃતિક ભાવના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તેમની દૈનિક જિંદગીના દરેક પાસાં પર સરકારની ચાંપતી નજર છે."

સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર સંગઠનનાં નવાં પ્રમુખ મિશેલ બેશલેટે પણ શિનજિયાંગમાં નિરિક્ષકોને જવા દેવાની પરવાનગી માગી છે. ચીને તેનો સદંતર અસ્વીકાર કરતાં રોષ વ્યક્ત કર્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ