ફ્લોરિડામાં 'માઇકલ'એ 'મધર ઑફ ઑલ બૉમ્બ'ની જેમ કેર વરસાવ્યો

ચક્રવાત Image copyright Getty Images

સત્તાધિશોના જણાવ્યા અનુસાર ચક્રવાત 'માઇકલે' ફ્લોરિડા દરિયાકાંઠને 'મધર ઑફ ઑલ બોમ્બ'ની જેમ વિનાશ કર્યો છે.

બુધવારે 155 મીટર પ્રતિ કલાકની ઝડપના પવન સાથે ફ્લોરિડાના ઉત્તર-પશ્ચિમ દરિયાકાંઠે મેક્સિકો બીચ નજીક ચક્રવાત ત્રાટક્યો હતો.

અમેરિકાના ઇતિહાસમાં સૌથી શક્તિશાળી ચક્રવાત પૈકીના 'માઇકલ'ને કારણે 16 લોકોનાં મોત થયાં છે અને મૃત્યુઆંક વધવાની ભીતિ સેવાઈ રહી છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર બચાવકર્મીઓ હજુ પણ સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી શક્યા નથી.

મેક્સિકો બીચમાં હજુ કુલ મૃત્યુઆંક કેટલો થયો છે તે સત્તાવાર જાણી શકાયું નથી.

બચાવકર્મીઓ નષ્ટ થયેલી ઇમારતોના કાટમાળમાં આ મામલે શોધખોળ કરવાની તૈયારીમાં છે.

Image copyright Getty Images

દરમિયાન ફ્લોરિડા, અલાબામા, જ્યોર્જિયા, વર્જિનિયા અને કૅરોલિનામાં દસ લાખથી વધુ મકાનોમાં વીજ પુરવઠો ઠપ્પ થઈ ગયો છે. જેને પગલે અંધારપટ છવાયેલો છે.

શુક્રવારે સવારે દરિયા તરફ ફંટાતા પૂર્વે તમામ પાડોશી વિસ્તારોમાં ચક્રવાતે ભારે વિનાશ કર્યો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ચક્રવાતની તીવ્રતાને કારણે મકાનો તેના પાયામાંથી ઉખડી ગયા હતા અને દીવાલો ધરાશાયી થઈ ગઈ.

વળી ભારે પવનોએ 30 ટનની ગુડ્ઝ ટ્રેનને રમકડાની જેમ હવામાં ધકેલી દીધી હતી.


ગેરી ઑડોનોહ્યુ, બીબીસી ન્યૂઝ, મેક્સિકો બીચ, ફ્લોરિડા

મેક્સિકો બીચમાં પ્રવેશતાં જ તમને સૂમસામ માહોલ અનુભવાશે. કેમકે બધે જ તમને માત્ર કાટમાળ અને તપી રહેલા સૂરજની ગરમી જ અનુભવાશે.

કચ્ચરઘાણ થયલો કાટમાળ ચક્રવાતને દાનવ સ્વરૂપ દર્શાવે છે.

ઉપરાંત ચારેબાજુથી ચક્રવાતની ચેતવણી આપતાં અલાર્મમાંથી નીકળતા અવાજ તમને સાંભળવા મળશે.

અમે આગળ વધી રહ્યા છે, ત્યારે અમારી ડાબી બાજુ એક ગાદલું પડ્યું છે અને બીજી તરફ ડીન નૂટ્ઝની નોવેલ પડી છે.

હવે અમે કાટમાળ પરથી પસાર થઈ રહ્યા છીએ, જે પહેલાં એક મકાન હતું.

ત્યાં અમને અમેરિકાનો ધ્વજ નીચે પડેલો મળ્યો. તેની નજીક એક રમકડાની કાર અને માઇક્રોવૅવનો તૂટેલો કાચ પણ મળી આવ્યો.

એક મહિલા તેમના મિત્ર સાથે ઘરની બચી ગયેલી વસ્તુઓને કારમાં ભરી રહ્યાં છે.

Image copyright Getty Images

તેમણે મને જણાવ્યું કે નિવૃત્તિ પછીનો સમય અહીં પસાર કરવાનું તેમનું સ્વપ્ન હતું.

છેલ્લા ચાર વર્ષોથી તેઓ અહીં જ રહી રહ્યાં હતાં.

આંખોમાં આંસુ સાથે તેમણે મને કહ્યું,"હું ક્યારેય પણ પરત આવીશ નહી."

ચક્રવાતના કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરવામાં આવી છે.

પરંતુ જ્યારે લોકોના માકાનો અને ચીજવસ્તુઓનો કચ્ચરઘાણ નીકળી ગયો હોય અને તેઓ તેને ભેગી કરવા પ્રયાસ કરી રહ્યા હોય ત્યારે આ સમીક્ષા આકરી બની જાય છે.

સીએનએનની એક તસવીરમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ તેનું મકાન શોધવાની કોશિશ કરી રહી છે પણ તેને મકાન નથી મળી રહ્યું.

ટાઉનના પૂર્વ મેયર ટૉમ બેલીએ 'ન્યૂ યોર્ક ટાઇમ્સ'ને જણાવ્યું, "માઇકલ જેટલું નુકસાન તો મધર ઑફ ઑલ બોમ્બે પણ નહોતું કર્યું."

વળી એક હજારની વસ્તી ધરાવતા ટાઉનમાં લગભગ 285 લોકોએ સુરક્ષિત સ્થળે જવાનો ઇન્કાર કર્યો હતો અને તેઓ પોતાના ઘરે જ રહ્યા હતા.

Image copyright Getty Images

એક ઇન્સ્યોરન્સ કંપની કેરેન ક્લર્ક ઍન્ડ કંપનીના અનુસાર માઇકલે 8 બિલિયન ડૉલર્સનું નુકસાન કર્યું છે.

ઉપરાંત ચક્રવાતને કારણે સર્જાયેલા પૂરના કારણે ઉત્તર કૅરોલિનાના શહેરોમાં પણ પાણી ભરાઈ ગયા છે.

વર્જિનિયામાં હજુ પાંચ ટૉર્નાડોની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે.

પરંતુ ફ્લોરિડાના પેનહેન્ડલમાં ખૂબ જ નુકસાન થયું છે. પોલીસ, લશ્કર અને બચાવકર્મીઓ અહીં યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે.

અમેરિકાની આર્મીના જવાનો રસ્તામાં ધરાશાયી થયેલા વૃક્ષોને દૂર કરવા માટે મોટા મશીનોનો ઉપયોગ કરી રહ્યા છે.

Image copyright Getty Images

શોધખોળ માટે 'ફેડરલ ઇમરજન્સી મૅનેજમેન્ટ એજન્સી' શ્વાન, ડ્રૉન અને જીપીએસ સહિતના ડિવાઇસની મદદ લઈ રહી છે.

મેક્સિકો બીચ પાસેના પૉર્ટ સૅન્ટ. જૉમાં પૂરના કારણે એક હજારથી વધુ મકાનો ધરાશાયી થઈ ગયા છે.

'અમેરિકન રેડ ક્રૉસ' અનુસાર આશ્રય શિબિરોમાં 20 હજાર લોકોનાં આશ્રયની શક્યતા વ્યક્ત કરાઈ છે.

જે 16 મોત નોંધાયાં છે તેમાં ઉત્તર કૅરોલિનામાં ત્રણ, જ્યોર્જિયામાં એક, ફ્લોરિડામાં સાત અને વર્જિનિયામાં પાંચના મૃત્યુ થયાં છે.

મોટાભાગના મોત ધરાશાયી થયેલાં વૃક્ષો સાથે કાર અથડાવાથી થયાં છે.

જ્યારે ચારનાં મોત પૂરના પાણીમાં તણાઈ જવાથી થયાં હોવાનું પોલીસે જણાવ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ