શું ખરેખર ઍપલ વૉચમાં રેકૉર્ડ થઈ ખાશોગીની હત્યા?

જમાલ ખાશોગી Image copyright AFP

સાઉદી પત્રકાર જમાલ ખાશોગીના ગુમ થયા બાદ એવી વાતો સામે આવવા લાગી છે કે સાઉદીના વાણિજ્ય દૂતાવાસમાં જે કંઈ પણ થયું, એ તમામ ખાશોગીએ પોતાની ઍપલ વૉચમાં રેકૉર્ડ કરી લીધું હતું.

આ ખબર વાંચતા જ હું ચોકી ગયો. તુર્કીશ અખબાર 'સબા'માં સૌ પહેલાં આ સમાચાર છપાયા હતા. જે બાદ અન્ય અખબારોએ પણ તેને ઉઠાવી લીધા.

'સબા'નું માનવામાં આવે તો ઇસ્તંબૂલ સ્થિત સાઉદી દૂતાવાસમાં પ્રવેશ પહેલાં જ ખાશોગીએ પોતાની ઍપલ વૉચમાં રૅકર્ડિંગની સુવિધા ઑન કરી લીધી હતી.

અને એટલે જ 'તેમની કરાયેલી પૂછપરછ, તેમને અપાયેલી યાતના અને તેમની હત્યા' સંબંધિત સમગ્ર ઘટનાક્રમ તેમાં કેદ થઈ ગયો.

આ જાણકારી તેમના આઇફોનમાં ટ્રાન્સફર થઈ ગઈ હતી અને એ સાથે જ ઍપલ આઇક્લાઉડમાં પણ અપલૉડ થઈ ગઈ હતી.

સમાચાર અનુસાર આઇફોન દૂતાવાસની બહાર તેમની રાહ જોઈ રહેલાં તેમનાં વાગ્દત્તા પાસે હતો.

રિપોર્ટ અનુસાર ખાશોગી પર હુમલો કરનારા લોકોએ તેમની વૉચ જોઈ હતી. તેમણે એને ઑપન કરવા માટે પાસકૉડ નાખવાના પણ પ્રયાસો કર્યા હતા.

બાદમાં તેમણે ખાશોગીના ફિંગરપ્રિન્ટ થકી તેને અનલૉક કરી હતી અને કેટલીક ફાઇલ્સ ડિલીટ કરી નાખી હતી. જોકે, તમામ ફાઇલ્સ તેઓ ડિલીટ કરી શક્યા નહોતા.


શું ઍૅપલ વૉચમાં રેકૉર્ડિંગ શક્ય છે?

Image copyright AFP/GETTY IMAGES
ફોટો લાઈન જમાલ ખાશોગીનાં વાગ્દતા હાતિજા ચંગેઝ

આ સમગ્ર કહાણી પર વિશ્વાસ મૂકતાં પહેલાં ઍપલ વૉચ અંગે જાણકારી મેળવવાનો પ્રયાસ કરીએ.

ઍપલ કંપની દ્વારા બનાવાયેલી વૉચ ટચ-આઇડી સિસ્ટમનો ઉપયોગ નથી કરતી.

એટલે કે ફિંગરપ્રિન્ટ થકી વૉચને અનલૉક કરવી શક્ય નથી. ફિંગરપ્રિન્ટ થકી આ વૉચ માત્ર એક જ રીતે અનલૉક કરી શકાય.

એ રીત એ છે કે આઇફોન થકી ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરીને તેને અનલૉક કરવામાં આવે.

જોકે, આ મામલે એ વાત પણ શક્ય નહોતી. કારણ કે આઇફોન ખાશોગી પાસે નહોતો. ઇમારત બહાર તેમની રાહ જોઈ રહેલાં તેમનાં વાગ્દત્તા પાસે હતો.

આ જાણકારી મને આ રિપોર્ટને ખોટો ગણવા મજબૂર કરે છે કે ઍપલ વૉચમાં રેકૉર્ડિંગ કરી લેવાયું હતું.

જોકે, ચાલો, હવે રેકૉર્ડિંગની સંભાવના અંગે પણ વિચારી લઇએ.

શું તમે આ વાંચ્યું?

ઑડિયો રેકૉર્ડિંગ કરવાની સુવિધા જ આ પ્રકારના ડિવાઇસમાં હોતી નથી.

જોકે, કેટલીક થર્ડ પાર્ટી ઍપ્લિકેશન થકી આવું કરવું શક્ય બને ખરૂં.

એવું બિલકુલ શક્ય છે કે પત્રકાર ખાશોગીએ દૂતાવાસમાં જતાં પહેલાં જ ઍપ ચાલુ કરી રેકૉર્ડિંગ ઑન કરી લીધું હોય.

પણ એ ઑડિયો તેમના આઇફોન સુધી પહોંચે એ પહેલાં તેમણે દૂતાવાસની અંદર અધિકારીઓની નજર ચૂકવીને સ્ટૉપ બટન પ્રૅસ કરવું પડે.

એટલું જ નહીં, આટલું કર્યાં બાદ તેમની વૉચને બ્લૂટૂથની જરૂર પડે, જેના થકી તેઓ દૂતાવાસ બહારના આઇફોન સાથે કનેક્ટ થઈ શકે.


ઍપલ વૉચ 3 અને ઇન્ટરનેટ

Image copyright EPA

બ્લૂટૂથની પણ એક મર્યાદા હોય છે. અમુક હદની અંદર જ તે કામ કરી શકે છે.

આ અંગે તપાસ કરવા માટે મેં આઇફોન સાથે પરીક્ષણ કર્યું.

મેં મારા લિવિંગ રૂમમાં આઇફોન પર એક પૉડકાસ્ટ ચલાવ્યું અને બ્લૂટૂથ ઇયરપ્લગ થકી સાંભળતા લિવિંગ રૂમની બહાર જવા લાગ્યો.

જેવો જ હું મારા નાનકડાં ઘરના બીજા છેડે પહોંચ્યો કે અવાજ સંભળાતો બંધ થઈ ગયો.

એટલે હું એવું માનવા પ્રેરાયો કે ઇસ્તબૂંલમાં દૂતાવાસની ભીંતોને ચીરીને બ્લૂટૂથ સિગ્નલ ઇમારતની બહાર નીકળીને આઇફોન સુધી પહોંચે એ શક્ય નથી.

અલબત્ત, ખાશોગીનાં વાગ્દત્તા દૂતાવાસની ભીંતને અડીને ઊભાં હોય તો આ શક્ય બને ખરૂં.

જોકે, વૉચ પર રેકૉર્ડિંગ કરાયું હોવાનો તર્ક આપનારા લોકોનું માનવું છે કે જમાલ ખાશોગી પાસે ઍપલ વૉચ 3 હતી.

જે પોતાનાં જ સૅલ્યુલર કનેક્શન થકી આઇક્લાઉડ સાથે કનેક્ટ થઈ શકે છે.

આ વાત સાચી પણ છે. કારણ કે એક ટીવી કાર્યક્રમ દરમિયાન ખાશોગી ઍપલ 3 વૉચ પહેરેલા જોવા મળ્યા હતા જ.

એવું બને શકે કે તેમણે ડિવાઇસ માટે અલગથી કનેક્શન અમેરિકામાંથી લીધું હોય.

જોકે, આમા પણ એક મુશ્કેલી છે. સૅલ્યુલર કનેક્શનવાળી ઍપલ વૉચ રૉમિંગ પર કામ ના કરે.

એનો અર્થ એવો થાય કે તુર્કી આવ્યા બાદ ખાશોગીની વૉચ ડેટા માટે માત્ર આઇફોન સાથે જ કનેક્ટેડ રહે.

એટલે એવું પણ બની શકે કે ખાશોગીએ પોતાના આઈફોનનું સિમ કાઢી કોઈ સ્થાનિક નંબર લઈ રાખ્યો હોય.

વળી અહીં 'ઍપલ સપોર્ટ' દ્વારા એક વર્ષ પહેલાં અપાયેલા એ નિવેદનને પણ ધ્યાનમાં રાખવું જોઈએ, જેમા તેણે તુર્કીમાં કોઈ પણ સૅલ્યુલર નેટવર્ક સપોર્ટ નહીં હોવાની વાત કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ