BBC ઇન્વેસ્ટિગેશન : કેમિકલ શસ્ત્રોને કારણે સીરિયામાં અસદનો વિજય થયો

હુમલામાં પીડિત બાળક Image copyright EPA

સીરિયામાં સાત વર્ષોથી ચાલતા ભયાનક ગૃહયુદ્ધમાં સાડા ત્રણ લાખથી વધારે લોકો માર્યા ગયાં છે. આટલી તબાહી પછી પ્રમુખ બશર અલ-અસદ તેમને સત્તામાંથી ફેંકી દેવા માગતા વિરોધી તત્ત્વો સામે લગભગ જીતી જવાની તૈયારીમાં છે.

આખરે અસદ કેવી રીતે આ ભયાનક યુદ્ધમાં જીતવાની નજીક પહોંચી ગયા?

BBC પેનોરમા અને BBC અરબી સર્વિસે સાથે મળીને ઇન્વેસ્ટિગેશન કર્યું, તેમાં ખ્યાલ આવ્યો છે કે અસદની જીત પાછળનું એક મહત્ત્વનું કારણ રાસાયણિક શસ્ત્રોના ઉપયોગ છે.

અસદની સરકારે સીરિયાનાં લોકો પર કેમિકલ શસ્ત્રોનો વ્યાપક રીતે ઉપયોગ કર્યો છે. આ વાતના નક્કર પુરાવા મળ્યા છે અને બીબીસી ખાતરીપૂર્વક કહી શકે છે કે સીરિયામાં સપ્ટેમ્બર 2013 પછી ઓછામાં ઓછા 106 કેમિકલ શસ્ત્રોના હુમલા કરવામાં આવ્યા હતા.

આ જ સમયગાળામાં પ્રમુખ બશર અલ-અસદે ઇન્ટરનેશનલ કેમિકલ વેપન્સ કન્વેન્શન (સીડબ્લ્યૂસી) પર હસ્તાક્ષર પણ કર્યા હતા. તેમણે પોતાના દેશમાંથી રાસાયણિક શસ્ત્રોનો નાશ કરવાની ખાતરી પણ આપી હતી.

સીરિયાની રાજધાની દમાસ્કસના પરાના વિસ્તારોમાં લોકો પર કેમિકલથી હુમલો કરવામાં આવ્યો હતો. તે પછી સીડબ્લ્યૂસી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

તે હુમલામાં નર્વ ગેસનો ઉપયોગ કરાયો હતો, જેમાં સેંકડો લોકો માર્યા ગયાં હતાં. અત્યંત ખરાબ રીતે ભોગ બનેલાં લોકોની તસવીરો જોઈને દુનિયા આખી હચમચી ગઈ હતી.

પશ્ચિમના દેશોએ આ હુમલા પછી કહ્યું હતું કે આવો કેમિકલ હુમલો માત્ર સરકાર જ કરી શકે. જોકે, પ્રમુખ અસદે કહ્યું કે હુમલા માટે જવાબદાર વિપક્ષના લોકો હતા.

Image copyright AFP

તે વખતે અમેરિકાએ સીરિયામાં સેના મોકલવાની ધમકી આપી હતી. જોકે, અસદના પ્રખર ટેકેદાર અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે પડીને કેમિકલ શસ્ત્રોનો નાશ કરવા માટેની સમજૂતી કરાવવામાં સફળતા મેળવી હતી. આ સમજૂતી થઈ તે પછી અમેરિકાનું વલણ નરમ પડ્યું હતું.

ઑર્ગેનાઇઝેશન ફોર ધ પ્રોહિબિશન ઑફ કેમિકલ વેપન્સ (ઓપીસીડબ્લ્યૂ) અને સંયુક્ત રાષ્ટ્રસંઘે કેમિકલ શસ્ત્રોનો નાશ કરવાની કામગીરી કરી હતી.

સીરિયાની સરકારે જાહેર કરેલા 1300 ટન જેટલા ખતરનાક રસાયણોનો નાશ કરાયો હતો. આમ છતાં તે પછીય સીરિયામાં કેમિકલના હુમલા ચાલુ રહ્યા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

2016માં સીરિયાના એલેપ્પો શહેર પર અસદની સેનાએ કબજો કરી લીધો હતો. તે પહેલાં શહેર વિપક્ષીઓના હાથમાં હતું.

અબુ જાફર એલેપ્પો નગરના નિવાસી છે. તેઓ કહે છે, ''રાસાયણિક હુમલા બહુ ખતરનાક હતા. કશી ખબર પણ ના પડે અને માણસ મોતની નિંદરમાં સરી જાય.

"જોકે, આ વખતે જે હુમલા થયા હતા તે વધારે ભયાનક હતા. તેમાં ધીમે-ધીમે મોત આવતું હતું. એવું લાગે કે જાણે આખા વિસ્તારમાં ઑક્સિજનની કમી થઈ ગઈ છે.

"લોકો ધીમે-ધીમે ગુંગળાવા લાગતા હતા. ખરેખર બહુ ભયાનક સ્થિતિ થતી હોય છે.''

જોકે, પ્રમુખ અસદે હંમેશાં રાસાયણિક શસ્ત્રોના હુમલાની વાતોને નકારી કાઢી છે.


કેવા હોય છે રાસાયણિક શસ્ત્રો?

ઓપીસીડબ્લ્યૂ અને ગ્લોબલ વૉચડૉગ દુનિયાભરના કેમિકલ શસ્ત્રો પર નજર રાખે છે.

કેમિકલ વેપન્સ કન્વેશનમાં સમજૂતી થાય તેને લાગુ કરવાનું કામ પણ આ સંસ્થાઓ કરે છે.

આ સંસ્થાઓનું કહેવું છે કે રાસાયણિક હથિયારોમાં એવા કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે, જેથી માણસો મોત પામે છે.

ઇરાદાપૂર્વક એવા ઝેરી તત્ત્વો હવામાં ફેલાવાતા હોય છે, જેના કારણે લોકોને નુકસાન થાય.

ઇન્ટરનેશનલ હ્યુમેનિટેરિયન લૉ પ્રમાણે રાસાયણિક શસ્ત્રો વાપરવાની મનાઈ છે. બહુ વિષમ પરિસ્થિતિ હોય તો જ તેનો ઉપયોગ થઈ શકે છે.

પરંતુ તેના માટે સૈન્ય કાર્યવાહીની રીતે મજબૂત તર્ક હોવો જોઈએ. આવા રસાયણોના ઉપયોગથી હવામાનને પણ ખરાબ અસર થાય છે.

રાસાયણિક શસ્ત્રોને કારણે બહુ ખતરનાક અસર થાય છે. તેના કારણે લાંબો સમય સુધી પીડા ભોગવવી પડતી હોય છે.

સીરિયામાં 2014 પછી ઓપીસીડબ્લ્યૂના ફૅક્ટ ફાઇન્ડિંગ મિશને તપાસ કરી હતી. આ ટીમમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના નિષ્ણાતો પણ જોડાયા હતા.

બંનેની સંયુક્ત ટીમે ઝેરી કેમિકલના ઉપયોગ વિશે તપાસ કરી હતી.

આ તપાસ ટુકડીનું કહેવું છે કે સપ્ટેમ્બર 2013થી એપ્રિલ 2018 સુધીમાં કેમિકલ અને કેમિકલ શસ્ત્રોનો ઉપયોગ થયો હોવાના પુરાવા મળ્યા છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘના માનવાધિકારના સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય આયોગ તથા યુએન સાથે જોડાયેલી અન્ય ટીમોએ પણ પોતાની રીતે તપાસ કરી હતી.

તેમનું કહેવું હતું કે 18 અન્ય કિસ્સાઓમાં પણ રાસાયણિક શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Image copyright AFP

BBC પેનોરમા અને BBC અરબીની ટીમે પણ સીરિયામાં થયેલા 164 રાસાયણિક હુમલાના અહેવાલોની ચકાસણી પોતાની રીતે કરી હતી.

સીડબ્લ્યૂસી સાથે સમજૂતી કર્યા બાદ પણ સીરિયામાં આવા હુમલા થયા હતા.

BBC ટીમને ખાતરી છે કે આ 164 હુમલામાંથી 106માં રાસાયણિક શસ્ત્રોનો ઉપયોગ થયો હતો. આવા હુમલા થયાના સાચા પુરાવા ઉપલબ્ધ છે.

આ ઉપરાંત કેટલીક અન્ય ઘટનાઓ વિશે અખબારોમાં લખાયું હતું. તેમાં હુમલાનું જે વર્ણન હતું તેની પેટર્ન પરથી લાગે છે કે આ હુમલાઓ પણ રાસાયણિક હુમલા હતા.

સીરિયામાં ઓપીસીડબ્લ્યૂ મિશનના પ્રમુખ રહી ચૂકેલા જૂલિયન તંગાએરે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું :

''સરકારી સેનામાંથી જે સંકેતો મળતા હતા, તેના આધારે રાસાયણિક હુમલા થયા હતા તે વાત સાબિત થાય છે. સેના પોતાની રીતે રાસાયણિક શસ્ત્રોનો ઉપયોગ કરતી જ રહી હતી.''

યુએન (સંયુક્ત રાષ્ટ્રસંઘ) ખાતેની બ્રિટનનાં કાયમી પ્રતિનિધિ કેરેન પિયર્સનું કહેવું છે કે સીરિયામાં રાસાયણિક શસ્ત્રોનો ઉપયોગ એ સીરિયાની 'ધૃષ્ટતા' છે.

Image copyright AFP

પિયર્સ કહે છે, ''આ એટલા માટે નહીં કે તેની બહુ ખરાબ અસર થાય છે. પણ એટલા ખાતર કે આ પ્રતિબંધિત શસ્ત્રો છે. છેલ્લા 100 વર્ષથી તેના પર પ્રતિબંધ છે.''

BBCએ સપ્ટેમ્બર 2013 પછી સીરિયામાં થયેલા 164 રાસાયણિક હુમલાના અહેવાલોની તપાસ કરી હતી.

ઘણા બધા સ્રોતોમાંથી આ માહિતી મળી છે અને આ સ્રોતોની વિશ્વસનીયતા વિશે કોઈ શંકા નથી.

સીરિયામાં ચાલી રહેલા ગૃહ યુદ્ધમાં કોઈ જૂથ સાથે આ સ્રોત સંકળાયેલા નથી. તેમાં આંતરરાષ્ટ્રીય આયોગ, માનવાધિકાર જૂથો, મેડિકલ ઑર્ગેનાઇઝેશન્સ અને થિન્ક ટેન્ક્સનો સમાવેશ થાય છે.

આ ઇન્વેસ્ટિગેશન દરમિયાન બીબીસીના સંશોધકોએ યુએન તથા ઓપીસીડબ્લ્યૂએ અગાઉ કરી હતી તે તપાસને પણ ધ્યાને લીધી હતી.

સ્વતંત્ર વિશ્લેષકોની મદદ સાથે તે અહેવાલોની ચકાસણી કરાઈ હતી. આ હુમલાની જાહેર થયેલી વિગતો સાથે પણ સમીક્ષાની સરખામણી કરવામાં આવી હતી.

તેમાં ભોગ બનેલા લોકો તથા નજરે જોનારા સાક્ષીઓના નિવેદનો તથા હુમલાની તસવીરો અને વિડિયોનો પણ સમાવેશ થાય છે.

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
સીરિયામાંથી સ્થળાંતર કરનાર લોકો પરત કેમ ફરી રહ્યા છે?

બીબીસીએ જે રીતે ઇન્વેસ્ટિગેશન કર્યું તેની પ્રક્રિયાની ખરાઈ પણ નિષ્ણાત લોકો પાસે કરાવાઈ હતી.

બીબીસીના સંશોધકોએ એક માત્ર સ્રોત તરફથી મળેલી હુમલાની માહિતીને ધ્યાનમાં લીધી નહોતી.

મતલબ કે કોઈ હુમલા વિશે પુરતા પુરાવા મળ્યા હોય તો જ તેને ધ્યાનમાં લેવામાં આવ્યો હતો. આ તપાસ પછી સ્પષ્ટ થયું હતું કે 106 હુમલામાં રાસાયણિક શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

બીબીસીની ટીમે સીરિયામાં સ્થળ પર જઈને ફિલ્મ બનાવવાની મંજૂરી માગી હતી, પણ તે મળી નહોતી.

સીરિયાની મુલાકાત લેવાની પણ મંજૂરી મળી નહોતી. તેના કારણે અમે એકદમ સ્પષ્ટ રીતે આ પુરાવાની ખાતરી આપી શકતા નથી.

જોકે, દરેક હુમલા વિશે પૂરતા પ્રમાણમાં પુરાવા ઉપલબ્ધ છે. પુરાવા તરીકે વિડિયો, તસવીરો અને સ્થળની વિસ્તૃત માહિતી તથા હુમલાનો સમય પણ ઉપલબ્ધ છે.

Image copyright REUTERS

બીબીસી ડેટાના જણાવ્યા અનુસાર સીરિયાના વાયવ્ય (ઉત્તર પશ્ચિમ) પ્રાંત ઇદલિબમાં કેમિકલ હુમલા સૌથી વધુ થયા છે. તે પછી સૌથી વધુ હુમલા પડોશી પ્રાંત હામા, એલેપ્પો અને રાજધાની દમાસ્કસની નજીકના પૂર્વી ગૂટા વિસ્તારોમાં થયા છે.

આ બધા જ વિસ્તારો વિપક્ષી જૂથોના કબજામાં છે અને ત્યાં ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે.

રાસાયણિક હુમલા પછી હામા પ્રાંતના કફ્ર જિતામાં સૌથી વધુ લોકોનાં મોત થયાં હતાં. ત્યારબાદ પૂર્વી ગૂટાના ડૂમા વિસ્તારમાં સૌથી વધુ લોકો માર્યા ગયાં હતાં. આ બંને શહેરોમાં વિદ્રોહીઓ અને સરકારી સેના વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.

અહેવાલો અનુસાર ચોથી એપ્રિલ 2017ના રોજ ઇદલિબ પ્રાંતના ખાન શેઇખોન શહેરમાં એક જ હુમલામાં 80 લોકો માર્યા ગયાં હતાં. આવા રાસાયણિક હુમલા જીવલેણ સાબિત થતા હતા.

યુએનના હ્મુમન રાઇટ્સના જણાવ્યા અનુસાર હુમલામાં સૌથી વધુ નાગરિકો માર્યા જાય છે અથવા ઘાયલ થાય છે. આવા હુમલામાં પ્રતિબંધિત શસ્ત્રોનો ઉપયોગ થયો હતો. ગીચ વસતિ હોય તેવા વિસ્તારોમાં આવા હુમલા કરવામાં આવે છે.


પુરાવા સીરિયા સરકારની વિરુદ્ધમાં

Image copyright REUTERS

ઓપીસીડબ્લ્યૂ અને યુએનની સંયુક્ત ટીમના અધિકારીઓએ જૂન 2014માં સીરિયામાં રહેલા બધા જ રાસાયણિક શસ્ત્રો નાબૂદ કર્યાની જાહેરાત કરી હતી. સીરિયાના રાસાયણિક શસ્ત્રોના નાશ માટેની સહમતી રશિયા અને અમેરિકા વચ્ચે 2013માં થઈ હતી.

ઓપીસીડબ્લ્યૂના અધિકારીઓમાંના એક ઇન્સ્પેક્ટર ટેગાઇરનું કહેવું છે, ''જે શસ્ત્રોના જથ્થા વિશે અમને ખબર હતી, તેનો અમે નાશ કરી નાખ્યા હતો. અમારી પાસે એ માહિતી હતી, જે અમને આપવામાં આવી હતી. મામલો વિશ્વાસનો હતો."

"અમને જે શસ્ત્રોના ભંડાર વિશે માહિતી આપવામાં આવી હતી તેના પર અમે વિશ્વાસ રાખ્યો હતો.''

જુલાઈ 2018માં ઓપીસીડબ્લ્યૂના એમડી અહમત ઉજુમકુએ સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિમાં કહ્યું હતું કે તેમની ટીમ બધા જ મુદ્દાઓ વિશે સ્પષ્ટતા કરવા માટે કોશિશ કરી રહી છે.

જૂન 2014માં સીરિયામાં રાસાયણિક શસ્ત્રો ખતમ થયાની જાહેરાત કર્યા બાદ પણ તેનો ઉપયોગ બંધ થયો નહોતો. હુમલામાં રાસાયણિક શસ્ત્રોનો ઉપયોગ ચાલુ જ રહ્યો હતો.

ચાર એપ્રિલ 2017ના રોજ ખાન શેઇખોનમાં અબ્દુલ યોશેફનાં પત્ની, તેમનાં 11 મહિનાના બે જોડકા સંતાનો, બે ભાઈ, એક ભત્રીજો અને કેટલાય પડોશીઓ માર્યા ગયાં હતાં. તે ઘટનાને યાદ કરતા અબ્દુલ કહે છે કે અચાનક પડોશી અને તેમના પરિવારનાં સભ્યો જમીન પર ઢળી પડ્યા હતા.

તેઓ કહે છે, ''બધા લોકો ધ્રૂજી રહ્યા હતા અને તેમનાં મોઢામાંથી ધૂમાડા નીકળી રહ્યા હતા. બહુ ડરામણો સમય હતો એ. મને તો પછી ખબર પડી કે આ રાસાયણિક હુમલો હતો."

"હું પણ બેહોશ થઈ ગયો હતો. મને હૉસ્પિટલ લઈ જવાયો હતો. મને હોશ આવ્યો ત્યારે મેં મારી પત્ની અને સંતાનો વિશે પૂછ્યું હતું. 15 મિનિટ પછી મારી નજર સામે તેમના મૃતદેહો હતા. મેં મારા જીવનના બધા જ સ્વજનો ગૂમાવી દીધા હતા.''

ઓપીસીડબ્લ્યૂ અને યુએનની સંયુક્ત તપાસમાં એવાં લોકોને મોટી સંખ્યામાં સામેલ કરવામાં આવ્યા હતા, જેમણે પોતાની નજર સામે સરીન ગૅસના હુમલાને થતો જોયો હતો.

સરીન ગૅસ વિશે કહેવાય છે કે તે સાઇનાઇડ કરતાં પણ 20 ગણો ખતરનાક હોય છે. આ પ્રકારના નર્વ એજન્ટને કારણે એન્ઝાઇમનું રિઍક્શનનું કેમિકલ રિઍક્શન એકદમ વધી જાય છે.

તે સ્થિતિ નર્વ સેલ માટે ખતરનાક સાબિત થાય છે. સંયુક્ત તપાસ ટીમનું કહેવું છે કે તેઓ ખાતરી સાથે એવું જણાવી શકે છે કે સરીન ગૅસ છોડવા માટે સીરિયાની સરકાર જ જવાબદાર હતી. સીરિયાના ઍરફોર્સ પર આરોપ છે કે તેણે શહેરો પર બૉમ્બ ફેંક્યા હતા.

ખાન શેઇખોનમાંથી તબાહીની તસવીરો જોવા મળી તે પછી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સીરિયાના ઍરફોર્સના મથક પર મિસાઇલથી હુમલા કરવાના આદેશો આપ્યા હતા.

પ્રમુખ બશર અલ-અસદનું કહેવું છે કે ખાન શેઇખોનની ઘટનામાં અતિશયોક્તિ કરીને વધારે પડતી ચગાવવામાં આવી રહી છે.

રશિયાનું કહેવું છે કે સીરિયાની સેનાએ આતંકવાદીઓના અડ્ડાઓ પર જ બૉમ્બમારી કરી હતી. રશિયાનું કહેવું છે કે તે જગ્યાએ આતંકવાદીઓના રાસાયણિક શસ્ત્રોના ખડકલા થયેલા હતા.

જોકે, ઓપીસીડબ્લ્યૂના એક સભ્ય સ્ટીફન મોગ્લ કહે છે કે તેમની ટીમને એવા પુરાવા મળ્યા હતા, જે દર્શાવતા હતા કે ખાન શેઇખોનમાં સીરિયાની સરકારે જ સરીન ગૅસનો ઉપયોગ કર્યો હતો.

તેમણે કહ્યું કે ત્યાંથી મળેલા સરીન ગૅસના નમૂના અને 2014માં સીરિયામાં જે જથ્થાને નાબૂદ કરવામાં આવ્યો હતો તેના નમૂના એકબીજાને મળતા આવે છે.

સંયુક્ત તપાસ ટીમનું કહેવું છે કે સરીનના નમૂના સીરિયામાં એટલી હદે મળે છે કે તેનો ઉપયોગ થયો હશે તેમાં કોઈ શંકા રહેતી નથી. તેના કારણે સીરિયાની સંડોવણી તેમાં સાબિત થાય છે.

મોગ્લ કહે છે, ''તેનાથી એ સાબિત થાય છે કે સીરિયામાં બધા જથ્થાનો નાશ થયો નહોતો.''

વિડિયો, તસવીરો અને નજરે જોનારા સાક્ષીઓનાં નિવેદનોના આધારે એવું સાબિત થયું છે કે 106 હુમલામાંથી 51માં હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા.

બીબીસીનું માનવું છે કે હવાઈ હુમલા સીરિયાની સરકારે કર્યા હતા.

જોકે, 2015 પછી રશિયાએ પણ અસદને ટેકો આપવા માટે કેટલાય સ્થળે હવાઇ હુમલા કર્યા હતા. યુએન હ્મુમન રાઇટ્સનું કહેવું છે કે તપાસમાં એવું પણ સાબિત નથી થયું કે રશિયાએ હવાઈ હુમલા દરમિયાન રાસાયણિક શસ્ત્રોનો ઉપયોગ નહીં કર્યો હોય.


રાસાયણિક શસ્ત્રોથી મળી જીત

Image copyright AFP

ચેટમ હાઉસના ડૉ. ખાતિબનું કહેવું છે કે જે જગ્યાએ આકરો સંદેશ આપવાની જરૂર હતી તેવા વિસ્તારોમાં અસદની સરકારે રાસાયણિક શસ્ત્રોનો ઉપયોગ કર્યો હતો.

સ્થાનિક લોકોને પણ એવો પાઠ ભણાવવાનો હતો કે તમે વિદ્રોહીને તમારા વિસ્તારમાં સાચવીને રાખો નહીં. અસદની સેનાને આ વાત પસંદ નથી તેવો સંદેશ આપવાની કોશિશ થઈ હતી.

રાસાયણિક શસ્ત્રોનો ઉપયોગ છેલ્લા ઉપાય તરીકે કરવામાં આવ્યો હતો, જેથી લોકોમાં ભયનો માહોલ પેદા થાય.

યુદ્ધમાં જ્યારે પણ અસદની સરકારને ફટકો પડ્યો ત્યારે તેમણે રાસાયણિક શસ્ત્રોથી હુમલો કરવાનો વ્યૂહ અપનાવ્યો હતો.

લોકો માટે રાસાયણિક શસ્ત્રોના હુમલાથી વધારે ડરામણી સ્થિતિ બીજી કોઈ હોઈ શકે નહીં. એલેપ્પોની લડાઈ અસદ માટે બહુ પડકારરૂપ હતી. એલેપ્પોમાં પણ રાસાયણિક શસ્ત્રોનો ઉપયોગ વ્યૂહાત્મક રીતે કરવામાં આવ્યો હતો.

અબુ જાફરે સીરિયાના વિપક્ષો સાથે ફોરેન્સિક સાયન્ટિસ્ટ તરીકે કામ કર્યું છે. એલેપ્પો પર હુમલા થઈ રહ્યા હતા, ત્યારે તેઓ એલેપ્પોમાં જ હતા. રાસાયણિક શસ્ત્રોના હુમલામાં માર્યા ગયેલાં લોકોના મૃતદેહોની તપાસ જાફરે કરી હતી.

Image copyright AFP

તેઓ કહે છે, ''હું શબઘરમાં ગયો હતો. ત્યાંની ક્લોરિનની ગંધ નાકને ફાડી નાખે તેવી હતી. મેં શબોની તપાસ કરી ત્યારે ખબર પડી કે ક્લોરિનને કારણે તે લોકો ગુંગળાઈને મર્યા હતા. તે વિસ્તારમાં સતત લડાયક વિમાનો અને હેલિકૉપ્ટર ઉડતા રહેતા હતા.''

ક્લોરિનને ઉપરથી છોડવામાં આવે ત્યારે તે તરત જ ગેસમાં પરિવર્તિત થઈ જાય છે. આ ગેસ હવાથી વજનદાર હોય છે એટલે હવાનું ઓછું દબાણ હોય ત્યાં તે ફેલાઈ જાય છે.

લોકો ભોંયરામાં છુપાઈને બચવા કોશિશ કરતા હતા. ચારે બાજુ દોડભાગ મચી ગઈ હતી. આંખ, ગળું અને ફેફસાં જેવા નાજુક અંગો સાથે ક્લોરિન વાયુ સંપર્કમાં આવે ત્યારે તેમાંથી નીકળતા ઍસિડને કારણે ભારે નુકસાન થાય છે.

જોકે, સીરિયાની સરકારનું કહેવું છે કે તેણે ક્યારેય ક્લોરિનનો ઉપયોગ કર્યો નથી. પરંતુ બીબીસીની ઇન્વેસ્ટિગેશનમાં જાણવા મળ્યું હતું કે એલેપ્પોમાં 11 જગ્યાએ થયેલા હુમલામાં ક્લોરિનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ