શું પૈસાદાર માણસ વધુ જીવે છે ?

  • અમાન્ડા રગેરી
  • બીબીસી ફ્યૂચર
મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

બ્રિટનમાં બહુ જૂના સમયથી લોકોના જન્મ અને મરણની નોંધ રાખવાનું શરૂ થયું હતું

છેલ્લાં કેટલાંક વર્ષોમાં દુનિયાભરમાં લોકોના સરેરાશ આયુષ્યમાં ઝડપથી વધારો થયો છે.

1960માં જન્મેલા લોકોનું સરેરાશ આયુષ્ય માત્ર 52.5 વર્ષનું ગણાતું હતું, જ્યારે આજે તેમાં વધારો થઈને સરેરાશ આયુષ્ય 72 વર્ષનું થયું છે.

બ્રિટનમાં બહુ જૂના સમયથી લોકોના જન્મ અને મરણની નોંધ રાખવાનું શરૂ થયું હતું.

1841માં જન્મેલી છોકરી ફક્ત 42 વર્ષ જીવશે તેવી શક્યતા ત્યારે વ્યક્ત થતી હતી. છોકરાનું સરેરાશ આયુષ્ય ત્યારે 40નું ગણવામાં આવતું હતું.

2016માં જન્મેલી છોકરીનું સરેરાશ જીવન 83 વર્ષનું રહેશે, જ્યારે છોકરાનું 79 વર્ષનું એવી આશા રાખવામાં આવી રહી છે.

મેડિકલ સાયન્સમાં સતત પ્રગતિ અને આરોગ્યની વધારે સુવિધાઓને કારણે મનુષ્યના સરેરાશ આયુષ્યમાં વધારો થયો છે તેમ માનવામાં આવે છે.

જોકે, હવે એવું લાગે છે કે પ્રગતિની ટોચમર્યાદા સુધી આપણે પહોંચી ગયા છીએ.

હવે સાયન્સ અને આરોગ્ય સુવિધાઓમાં પ્રગતિ થાય તો પણ સરેરાશ આયુષ્યમાં વધારે નહીં થઈ શકે તેમ લાગે છે.

2018માં બ્રિટનમાં જાહેર થયેલા આંકડામાંથી તો આવું જ કંઈક ચિત્ર ઊપસે છે.

આ આંકડા મુજબ બ્રિટનમાં લોકોના સરેરાશ આયુષ્યમાં વધારો થવાની ગતિ અટકી ગઈ છે.

તે જ રીતે દુનિયામાં પણ સરેરાશ આયુષ્યમાં વધારો થવાની ગતિ મંદ પડવા લાગી છે.

આરોગ્ય સુવિધાઓથી ઉંમર વધી નહીં

ઇમેજ સ્રોત, BBC/GETTY

ઇમેજ કૅપ્શન,

રોમન સમ્રાટ ઑગસ્ટસનું મૃત્યુ 75 વર્ષની વયે થયું હતું.

એવું માનવામાં આવી રહ્યું છે કે મનુષ્ય ઉંમરના મામલામાં હવે સૌથી ઉપરના સ્તર સુધી પહોંચી ગયો છે.

જોકે, આ માન્યતામાં રહેલી કેટલીક ભૂલ પણ ધ્યાન ખેંચી રહી છે.

એવું માનવામાં આવે છે કે પ્રાચીન ગ્રીક કે રોમનના લોકો આજે મનુષ્યને 50-60 વર્ષ સુધી જીવતા જુએ તો નવાઈ પામી જાય.

આરોગ્યની સુવિધાઓને કારણે લોકોનું આયુષ્ય વધે છે એવી આપણી માન્યતા ખોટી છે.

મનુષ્યની સરેરાશ ઉંમર આજે એટલા માટે વધી છે કે જીવન વિકાસના માર્ગ પર મનુષ્ય સતત આગળ વધતા અહીં સુધી પહોંચ્યો છે.

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ઇતિહાસકાર વૉલ્ટર શીડેલ કહે છે, "ઉંમર વધે અને સરેરાશ આયુષ્ય વધે તે બંનેમાં ઘણો ફરક છે."

"લોકોની ઉંમરની વાત કરીએ તો તેમાં બહુ મોટો ફરક પડ્યો નથી."

તમે આ વાંચ્યું કે નહીં?

સરેરાશ આયુષ્ય આખરે એક પ્રકારની સરેરાશ છે. કોઈનાં બે બાળક હોય, તેમાંથી એકનું મોત થઈ જાય અને બીજો 70 વર્ષ જીવે તો સરેરાશ આયુષ્ય 35 વર્ષનું થઈ જાય.

ગણિતની રીતે તે બરાબર છે. બાળ ઉછેરની બાબતમાં પણ સરેરાશ આંકડાંને કારણે કેટલાક અંદાજ આવે છે પણ તેનાથી સમગ્ર ચિત્ર મળતું નથી.

આપણે એ યાદ રાખવું રહ્યું કે માનવ ઇતિહાસમાં સૌથી વધારે મોત શીશુ વયમાં થતાં રહ્યાં છે. આજે પણ કેટલાય દેશોમાં બાળક જન્મતાં જ મૃત્યુ પામે છે.

સરેરાશ ઉંમર કાઢવામાં આવે ત્યારે ઘણીવાર એવો પણ ખ્યાલ આવે છે કે લોકો ઓછું જીવે છે.

દાખલા તરીકે પ્રાચીન રોમ અને ગ્રીકમાં રહેનારા લોકોની સરેરાશ ઉંમર 30થી 35 વર્ષની ગણવામાં આવી હતી.

આ વાતમાં તથ્ય કેટલું?

ઇમેજ સ્રોત, BBC/GETTY

ઇમેજ કૅપ્શન,

છઠ્ઠી સદીનાં સાણી સુઇકોનું 75 વર્ષની વયે નિધન થયું હતું.

આપણે હંમેશાં વૃદ્ધાવસ્થાની વાતો સાંભળતા આવ્યા છીએ.

એ જ રીતે ઈસુ પૂર્વે સાતમી સદીમાં ગ્રીક કવિ હેસિયોડે લખ્યું હતું, "તમારે 30 વર્ષની ઉંમર પહેલાં લગ્ન કરવાં જોઈએ નહીં."

પ્રાચીન રોમન સામ્રાજ્યમાં અધિકારી વર્ગમાં સૌથી નાનું પદ ગણાતું હતું 'કરસસ હોનોરમ'.

આમ છતાં આ હોદ્દા પર 30 વર્ષથી નાની ઉંમરની કોઈ વ્યક્તિને મૂકવામાં આવતી નહોતી.

બાદમાં રોમન સમ્રાટ ઑગસ્ટસે આ વયમર્યાદા ઘટાડીને 25ની કરી હતી. ઑગસ્ટસનું મૃત્યુ 75 વર્ષે થયું હતું.

રોમન સામ્રાજ્યમાં દૂત બનવા માટેની એક શરત એ પણ હતી કે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 43 વર્ષની હોવી જોઈએ.

આજે અમેરિકામાં પ્રમુખ બનવા માટે લઘુતમ ઉંમર 35 વર્ષની છે.

રોમન ભૂગોળશાસ્ત્રી પ્લિનીએ પ્રથમ સદીમાં લખેલા પોતાના પુસ્તકમાં લાંબી ઉંમર ધરાવતા લોકોની એક લાંબી યાદી આપી હતી.

તેમાં એક વ્યક્તિ હતી કૉન્સુલ વેલિરિયસ કૉર્વિનસ, જેમની ઉંમર 100 વર્ષની હતી.

સિસેરોનાં પત્ની ટેરેન્શિયા 103 વર્ષ અને ક્લોડિયા નામનાં બીજા એક મહિલા તો 115 વર્ષ સુધી જીવ્યાં હતાં.

પ્લિનીના પુસ્તકમાં લુકેચિયા નામની અભિનેત્રીનો ઉલ્લેખ છે, જેમણે 100 વર્ષની ઉંમરે તખતા પર અભિનય કર્યો હતો.

ઇજિપ્તના શહેર અલ સિકંદરિયામાં એક કબર ઈસુ પૂર્વ ત્રીજી સદીની મળી છે.

એક મહિલાની એ કબર છે. તેના વિશે લખાયું છે કે 80 વર્ષની ઉંમરે પણ તેમના હાથ ધ્રૂજતા નહોતા અને તે ખૂબ સરસ ભરતગૂંથણ કરી શકતી હતી.

જોકે, પ્લિનીએ પણ લખ્યું હતું કે વૃદ્ધત્વ માણસના જીવનનો સૌથી કપરો કાળ હોય છે.

તેમણે લખ્યું હતું, "મનુષ્ય માટે કુદરતની સૌથી મોટી મહેરબાની એટલે નાની ઉંમરે મોત આવી જાય તે."

"લાંબુ જીવવાથી પગ ભાંગી જાય છે, હાથ હાલતા નથી, દાંત તૂટી જાય છે."

"પાચનશક્તિ ઘટી જવાથી ખાવાનું પચતું નથી. એટલે કે મનુષ્ય મૃત્યુ પામે તે પહેલાં તેનું એક એક અંગ મરવા લાગ્યું હોય છે."

પ્લિનીની નજરમાં ફક્ત આ એક જ વ્યક્તિ એવી હતી જે 105 વર્ષની ઉંમરે પણ સ્ફૂર્તિ ધરાવતી હતી.

સામ્રાજ્યવાદના સમયગાળામાં પણ જોઈએ તો ઉંમરની બાબતમાં આવી ચડઊતર જોવા મળે છે.

ઑક્સફર્ડ ક્લાસિકલ ડિક્શનરીમાં જે ઐતિહાસક વ્યક્તિઓનો ઉલ્લેખ છે, તેમની ઉંમરના આધારે એક અભ્યાસ 1994માં કરવામાં આવ્યો હતો.

વર્તમાન ચેમ્બર્સ બાયૉગ્રાફિકલ ડિક્શનરીમાં પણ પ્રસિદ્ધ વ્યક્તિઓનાં નામ છે. તેની સાથે આ અભ્યાસના આંકડાની સરખામણી કરવામાં આવી હતી.

ટીબી ગણાતી હતી ભયંકર બીમારી

ઇમેજ સ્રોત, BBC/GETTY

ઇમેજ કૅપ્શન,

રોમન સમ્રાટ તિબેરિયસ 77 વર્ષ સુધી જીવ્યા અને વિશ્લેષકોનું માનવું છે કે તેમની હત્યા થઈ હતી.

ઑક્સફર્ડ ક્લાસિકલ ડિક્શનરીમાં 397 લોકોનાં નામ હતા, તેમાંથી 99નાં મોત હત્યાથી, આત્મહત્યાથી અથવા યુદ્ધમાં માર્યા જવાથી થયાં હતાં.

બાકી રહેલા 298 લોકોની સરેરાશ ઉંમર 72 વર્ષની થઈ હતી. આ યાદી ઈસુ પૂર્વેના જમાનાના પ્રસિદ્ધ લોકોની હતી.

ત્યાર પછીના સમયગાળાના લોકોની ઉંમરની સરેરાશ કાઢવામાં આવી ત્યારે તે 66 વર્ષની થઈ હતી.

સીસાને કારણે ઝેર ફેલાવા લાગ્યું હતું તેના કારણે સરેરાશ ઉંમર ઘટી હતી તેમ ધારવામાં આવ્યું હતું.

વર્ષ 1850થી 1949માં માર્યા ગયેલા લોકોની સરેરાશ ઉંમર 71 વર્ષની થઈ હતી.

તેનો અર્થ એ થયો કે ઈસુ પૂર્વે જીવનારા અને આજના આધુનિક યુગમાં જીવનારા લોકોની સરેરાશ ઉંમરમાં કોઈ ફરક પડ્યો નહોતો!

જોકે, આ નમૂનામાં મહિલાઓનાં નામ નહોતાં. આ એવા લોકોની યાદી હતી, જેને સમાજના અગ્રણીઓ કહી શકાય. તેમની પાસે વધારે સારું જીવન જીવવા માટેની સુવિધાઓ હતી.

શીડેલ કહે છે કે આ સંશોધનની સાવ અવગણના કરી શકાય નહીં.

ઇટાલીની લા સેપિએન્જા યુનિવર્સિટીનાં વેલેન્ટિના ગઝાનિગા કહે છે કે તે વખતે પણ અમીર અને ગરીબના જીવન વચ્ચે મોટો તફાવત હતો.

2016માં વેલેન્ટિનાએ પોતાનો અભ્યાસ પ્રગટ કર્યો હતો. તેમણે પ્રાચીન રોમન સામ્રાજ્યના 2000થી વધુ હાડપિંજરોની તપાસના અહેવાલોનો અભ્યાસ કર્યો હતો.

આ હાડપિંજરોની સરેરાશ ઉંમર 30 વર્ષની માપવામાં આવી હતી. એટલે કે પોતાના યુગમાં આ લોકો 30 વર્ષની ઉંમરે માર્યા ગયા હતા.

મોટા ભાગના લોકો મજૂરી અને આકરી મહેતનના કારણે મોત પામ્યાં હતાં. કેટલાક બીમારીઓનો ભોગ બન્યા હતા.

તે જમાનામાં પુરુષોએ યુદ્ધમાં લડવા ઉપરાંત મજૂરી કરીને પોતાના શરીરની આકરી કસોટી કરવી પડતી હતી.

જોકે, મહિલાઓની હાલત પણ કંઈ સારી નહોતી. તે વખતે પણ સ્ત્રીઓએ ખેતરોમાં કામ કરવું પડતું હતું. ઘરનું કામ તો કરવાનું રહેતું જ હતું.

આ ઉપરાંત પ્રસૂતિ વખતે મોટા પ્રમાણમાં સ્ત્રીઓનાં મોત થતાં હતાં. ગર્ભધારણ કરવો તેના માટે મોટો પડકાર બની રહેતો હતો.

સ્ત્રીએ પોતાના ઉપરાંત પોતાની કૂખમાં બીજા એક જીવનું પોષણ કરવાનું થતું હતું.

તેના કારણે બીમારી સામે લડવાની સ્ત્રીની રોગ પ્રતિકારક શક્તિ પર અસર પડતી હતી.

ઑક્સફર્ડ યુનિવર્સિટીનાં ઇતિહાસકાર જેન હમ્ફ્રીસ કહે છે, "ગર્ભવતી થવાના કારણે તમારી રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. તેના કારણે બીજી બીમારીઓ થવાનો ભય હોય છે."

"ગર્ભવતી સ્ત્રીને ટીબીનો ચેપ લાગે તો તેના માટે સાજા થવું મુશ્કેલ બની જાય છે. પ્રાચીન સમયમાં ટીબી પ્રાણઘાતક બીમારી ગણાતી હતી."

વેલેન્ટિના કહે છે કે પ્રાચીન સમયમાં પુરુષો કરતાં સ્ત્રીઓને ઓછો ખોરાક મળતો હતો.

તેમાં પણ પૌષ્ટિક આહાર બહુ ઓછો મળતો હતો. તેના કારણે છોકરીઓનો પૂર્ણ વિકાસ થઈ શકતો નહોતો.

માતા બનવાની વાત આવે ત્યારે તેનું મોત થઈ જતું હતું.

જોકે, પ્રાચીન સમયના લોકોની ઉંમરના આંકડા મળતા નથી, તેથી તે વખતે સરેરાશ જીવન કેટલાં વર્ષનું હતું તેની ગણતરી કરવી મુશ્કેલ છે.

તે વખતના લોકો વિશેની માહિતી માટે વેરાના દસ્તાવેજો, કબર પર લખાયેલી તકતીઓ પર આધાર રાખવો પડે છે.

આવા આંકડાંઓમાં જન્મતાં જ મૃત્યુ પામેલાં નવજાત શીશુઓનો ઉલ્લેખ હોતો નથી.

શીડેલ કહે છે કે કોઈપણ તારણ કાઢતાં પહેલાં આધારભૂત આંકડા હોવા જરૂરી છે.

સરવાળે એવું કહી શકાય કે રોમન સામ્રાજ્યમાં વસતિની સ્થિતિ આજના જેવી જ હતી. બહુ મોટો ફરક નહોતો.

સરેરાશ આયુષ્યમાં થોડો જ ફરક હતો. તેમાં બહુ મોટો ફરક હતો તેમ કહી શકાય તેમ નથી.

હા, નવજાત શીશુઓ અને પ્રસૂતાની સ્થિતિ પહેલાં કરતાં અત્યારે ઘણી સારી થઈ છે.

વસતિ, ઉંમર વગેરે આંકડા મળવા લાગ્યા તે પછી આ વિશે અંદાજ લગાવવાનું સરળ બન્યું હતું.

છેલ્લી એક સદીના આંકડા જોઈએ તો પણ ખ્યાલ આવે છે કે ગત સદીમાં શીશુના મોતનો દર બહુ ઊંચો હતો.

જોકે, વ્યક્તિ 21 વર્ષની થઈ જાય તે પછી તેના લાંબા આયુષ્યની સંભાવના વધી જતી હતી.

આજના યુગમાં છે તેટલી સરેરાશ ઉંમર સુધી પહોંચવાની આશા તે રાખી શકે તેમ હતી.

સન 1200થી 1745 સુધીમાં 21 વર્ષની ઉંમર પાર કરી શકનારો મનુષ્ય 62થી 70 વર્ષ સુધી જીવી શકતો હતો.

તેમાં અપવાદરૂપ 14મી સદી છે. તે વખતે પ્લેગને કારણે સરેરાશ ઉંમર 45 વર્ષની જ થઈ ગઈ હતી.

ધનિક વ્યક્તિ વધારે જીવી શકે છે?

ઇમેજ સ્રોત, BBC/GETTY

ઇમેજ કૅપ્શન,

બ્રિટનનાં મહારાણી વિક્ટોરિયાનું 81 વર્ષની વયે નિધન થયું હતું

આ સવાલનો જવાબ દરેક વખતે હા મળે તેવું જરૂરી નથી. મધ્ય યુગમાં એક લાખ 15 હજાર યુરોપિયનોની ઉંમરના આંકડાંની તપાસ કરતા ખ્યાલ આવે છે કે તેઓ પોતાના રાજા કે સામંતો કરતાં પણ છ વર્ષ વધારે જીવ્યા હતા.

17મી સદીમાં ઇંગ્લૅન્ડના સામંતી પરિવારોમાંથી, ગ્રામીણ વિસ્તારોમાં રહેનારા લોકોની ઉંમર વધારે હતી.

ધનિક લોકો પાસે બધી સુવિધાઓ હોવા છતાં, 18મી સદી સુધી તેઓ ઓછું જીવતા હતા.

તેનાં કારણો એ કે તે વખતે શહેરની ગંદકી અને રોગચાળાને કારણે સ્થિતિ ખરાબ હતી. તેમને પણ રોગચાળો લાગુ પડી જતો હતો.

જોકે, સારવાર અને મેડિકલ સુવિધાઓમાં ક્રાંતિકારી શોધો થઈ તેનો પ્રારંભમાં સૌથી વધારે ફાયદો અમીર લોકોને થયો હતો.

ઓદ્યોગિક ક્રાંતિને કારણે ઊભા થયેલા પ્રદૂષણ સામે પણ મનુષ્યે આ સંશોધનોથી જીત મેળવી.

ખાસ કરીને યુરોપના ધનિક લોકોની સ્ત્રીઓની ઉંમર સૌથી વધુ વધી હતી.

બ્રિટનમાં રાણી વિક્ટોરિયાના યુગમાં જો બાળપણ સલામત પસાર થઈ ગયું, તો મહિલા 73 વર્ષ અને પુરુષ 75 વર્ષ જીવી શકતાં હતાં.

આજે પણ વ્યવસાયી વર્ગના લોકોનું સરેરાશ આયુષ્ય 72 વર્ષ છે, જ્યારે સ્ત્રીઓનું 76 વર્ષનું માનવામાં આવે છે.

તેથી આપણા વડવાઓ કરતાં આપણે વધારે જીવી રહ્યા છીએ તેમ માનવું ભૂલભરેલું છે.

આપણી પાસે નક્કર આંકડા નથી પણ પ્રાચીન સમયનો વિચાર કરીએ તો મનુષ્ય કેટલાં વર્ષ જીવતો હશે?

એવું માનવામાં આવે છે કે આદિમાનવ મુશ્કેલીઓમાંથી પાર થઈ ગયો તો તેની સરેરાશ ઉંમર 51થી 58 વર્ષની રહેતી હશે.

જોકે, અન્ય એક રિસર્ચમાં એવું પણ કહેવાયું છે કે આદિ માનવની સરેરાશ ઉંમર 30થી 37 વર્ષની જ હતી.

જો સ્ત્રી 45 વર્ષને પાર કરી જાય તો તે 65થી 67 વર્ષ સુધી જીવી જાય તેવી શક્યતા રહેતી હતી.

ઑસ્ટ્રેલિયાના એન્થ્રોપોલૉજિસ્ટ ક્રિસ્ટીન કેવ અને માર્ક ઓક્સેનહેમે 1500 વર્ષ જૂનાં હાડપિંજરોની તપાસ કરીને તારણ કાઢ્યું હતું કે મોટાભાગના લોકો 65 વર્ષની ઉંમર સુધી જીવ્યા હતા.

તેમાંથી 65 લોકો એવા પણ હતા, જેઓ 65થી 74ની ઉંમર સુધી જીવ્યા હતા, જ્યારે નવની ઉંમર 75ને પણ પાર થઈ ગઈ હતી.

તેથી એવું કહી શકાય કે મોટી ઉંમર સુધી જીવવાની બાબતમાં પ્રાચીન સમયથી લઈને અત્યાર સુધીમાં ખાસ કોઈ મોટો તફાવત પડ્યો નથી.

મેડિકલ સાયન્સે પ્રગતિ કરી છે અને આરોગ્ય સુવિધાને કારણે હવે એ લગભગ નિશ્ચિત થઈ ગયું છે કે આપણે સરેરાશ ઉંમર સુધી તો લગભગ પહોંચી જ જઈએ છીએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો