જ્યારે ચંગેઝના પૌત્ર હલાકુએ બગદાદમાં લાશોનો ઢગલો કરી દીધો
- ઝફર સૈયદ
- બીબીસી ઉર્દૂ

ઇમેજ સ્રોત, BIBLIOTHÈQUE NATIONALE DE FRANCE
મંગોલોએ વર્ષ 1258માં બગદાદ પર હુમલો કર્યો હતો.
મંગોલ સેનાએ 13 દિવસથી બગદાદને ઘેરો ઘાલ્યો હતો. સામનો કરી શકવાની બધી જ આશા પડી ભાંગી તે પછી 10 ફેબ્રુઆરી 1258ના રોજ તેની સામે હાર સ્વીકારીને દરવાજા ખોલી નખાયા.
37મા અબ્બાસી ખલીફા મુસ્તઆસિમ બિલ્લાહ તેમના મંત્રીઓ સાથે મુખ્ય દરવાજા પર આવ્યા અને હલાકુ ખાનની સામે ઝૂકી હથિયારો હેઠાં મૂકી દીધાં.
હલાકુએ એ જ કામ કર્યું, જે તેના દાદા ચંગેઝ ખાન અડધી સદીથી કરતા આવ્યા હતા.
તેમણે ખલીફા સિવાયના બધા જ ટોચના હોદ્દેદારોને ખતમ કરી નાખ્યા. તે પછી મંગોલ સેના બગદાદમાં દાખલ થઈ.
તેના થોડા દિવસ પછી જે કંઈ થયું તેનો અંદાજ આ ઘટનાનું વર્ણન કરનારા ઇતિહાસકાર અબ્દુલ્લા વસ્સાફ શિરાજીના શબ્દોમાંથી મળે છે.
તેઓ લખે છે, "ભૂખ્યાં વરુની જેમ તે લોકો શહેરમાં ઘૂસી ગયા. ભૂખ્યાં વરુ જે રીતે ઘેટાં પર ત્રાટકે તે રીતે તે લોકો તૂટી પડ્યા હતા."
"ગાદલાં અને તકિયાંને ચાકૂથી ફાડી નાખ્યાં. મહેલની સ્ત્રીઓને રસ્તા પર ઢસડીને લઈ જવામાં આવી. દરેક નારી તાતાર સૈનિકો માટે રમવાની વસ્તુ બનીને રહી ગઈ હતી."

બગદાદનું પતન

ઇમેજ સ્રોત, HULTON ARCHIVE
ચંગેઝ ખાન
દજલા નદીના કિનારે વસેલું બગદાદ એટલે અલીફ લૈલાનું શહેર. ખલીફા હારુન અલરશિદનું આ શહેર હતું.
કુલ કેટલા લોકોની કતલ થઈ તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. જોકે, ઇતિહાસકારો અંદાજ મૂકે છે કે 2 લાખથી 10 લાખ લોકો તલવાર, તીર કે ભાલાનો શિકાર બની ગયા હતા.
ઇતિહાસના ગ્રંથોમાં લખાયું છે કે બગદાદની શેરીઓમાં ચારે બાજુ લાશો ખડકાઈ ગઈ હતી. થોડા દિવસમાં તેના કારણે શહેરમાં એટલી બધી બદબૂ ફેલાઈ ગઈ હતી કે હલાકુ ખાને શહેરની બહાર તંબુ તાણવો પડ્યો હતો.
એ દરમિયાન વિશાળ મહેલને આગ લગાવવામાં આવી હતી. મહેલમાં અબનૂસ અને ચંદનના કિંમતી લાકડાનો ઉપયોગ થયો હતો. તેની ગંધ પણ આ બદબૂ સાથે ભળી રહી હતી.
આવું જ કંઈક દજલા નદીમાં જોવા મળતું હતું. એવું કહેવાય છે કે થોડા દિવસ સુધી નદીનું પાણી લાલ રંગનું થઈને વહેતું રહ્યું. બાદમાં તેના પાણીનો રંગ વાદળી થયો.

તમે આ વાંચ્યું કે નહીં?

શેરીઓમાં હત્યાને કારણે જે લોહી વહ્યું હતું તે બધુ નદીમાં ભળી રહ્યું હતું. તેથી નદીનું પાણી લાલ રંગનું થઈ ગયું હતું.
તે પછી શહેરનાં સેંકડો પુસ્તકાલયોમાં વિશેષ રીતે તૈયાર કરાયેલી શાહી પડી હતી તેને નદીમાં ફેંકી દેવાઈ હતી.
તેના કારણે લાલ રંગની જગ્યાએ શાહીનો વાદળી રંગ પાણીમાં દેખાવા લાગ્યો હતો.
ફારસીના મશહૂર શાયર શેખ સાદી તે વખતે બગદાદમાં જ હતા. તેમણે બગદાદના મદરસે નિઝામિયામાંથી જ શિક્ષણ લીધું હતું.
તેમણે બગદાદના પતન પર એક યાદગાર નઝ્મ લખી છે. તેનો એક એક શેર આજેય દિલને હચમચાવી નાખે છે.
હલાકુ ખાને 29 જાન્યુઆરી 1257ના રોજ બગદાદને ઘેરી લીધું હતું.

હલાકુનો પત્ર

ઇમેજ સ્રોત, GALLICA DIGITAL LIBRARY
હુમલો કરતા પહેલાં હલાકુએ ખલીફાને પત્ર લખ્યો હતો,
"લોખંડના ખીલ્લાને મુક્કા મારવાના પ્રયત્નો ના કરો. સૂરજને ઠરી ગયેલી મીણબત્તી સમજવાની ભૂલ ના કરો. બગદાદની દિવાલોને તાત્કાલિક પાડી દો. તેની ખાઇઓ બૂરી દો. શાસન છોડી દો અને અમારી પાસે આવી જાવ. અમે બગદાદ પર હુમલો કરીશું તો તમને પાતાળમાં કે પછી આકાશમાં ક્યાંય આશરો નહીં મળે."
37મા અબ્બાસી ખલીફા મુસ્તઆસિમ બિલ્લાહને વારસામાં પૂર્વજો તરફથી ઘણું મળ્યું હતું, પણ હવે પૂર્વજો જેવી તાકાત તેમની રહી નહોતી.
આમ છતાં મુસ્લિમ વિશ્વમાં મોટાભાગના વિસ્તારોમાં તેમનો સિક્કો જ હજી ચાલતો હતો.
ખલીફા એ વાત પર મક્કમ હતા કે તેમના પર હુમલો થયો છે તેની જાણ થતાં જ મરાકશથી લઈને ઈરાન સુધીના બધા જ મુસલમાનો તેમના સમર્થનમાં આવીને ઊભા રહેશે.
તેથી ખલીફાએ હલાકુને જવાબમાં લખ્યું, "નવજુવાન, દસ દિવસના સારા નસીબના કારણે તું ખુદને દુનિયાનો માલિક સમજવા લાગ્યો છે. મારી પાસે પૂર્વથી પશ્ચિમ સુધી ખુદાને માનવાવાળી જનતા છે. માટે સલામતી સાથે પાછા વળી જાવ."


હલાકુ ખાનને પોતાના મંગોલ સિપાહીઓની તાકાત પર પૂરો ભરોસો હતો.
ચાર વર્ષ પહેલાં પોતાના દેશ મંગોલીયાથી નીકળીને ચાર હજાર માઇલ દૂર તે આવી પહોંચ્યો હતો. રસ્તામાં આવતા દુનિયાના મોટા વિસ્તાર પર કબજો કરી ચૂક્યો હતો.
બગદાદ પર હુમલાની તૈયારી માટે હલાકુ ખાનના ભાઈ મંગૂ ખાને વધારાની સૈનિક ટુકડીઓ મોકલી હતી.
એટલું જ નહીં અર્મેનિયા અને જ્યોર્જિયામાંથી મોટી સંખ્યામાં ખ્રિસ્તી ફોજ પણ આવીને તેમની સાથે જોડાઈ ગઈ હતી.
મુસ્લિમો સામેની લડાઈમાં અગાઉ હાર મળી હતી તેનો બદલો લેવા માટે ખ્રિસ્તી સેના થનગની રહી હતી.
આ ઉપરાંત યુદ્ધનાં સાધનો અને આવડતની બાબતમાં પણ મંગોલ સેના વધારે મોટી અને આધુનિક હતી.
મંગોલ સેનામાં ચીનના એન્જિનિયરો પણ હતા, જેમને દારૂગોળો ફોડતા આવડતો હતો.
સળગતા તીર ફેંકવામાં આવે છે તેની જાણ બગદાદના લોકોને હતી, પણ તેમને વિસ્ફોટક દારૂગોળા વિશે કશી ખબર નહોતી.

દારૂગોળાના ધડાકા

ઇમેજ સ્રોત, JAMI' AL-TAWARIKH
હલાકુ ખાન
તે વખતે દારૂમાં વિસ્ફોટ કરવામાં બહુ વાર લાગતી હતી. પરંતુ મંગોલો તે ઝડપથી ફાટે તેવું કરવાનું શીખી ગયા હતા.
લોઢાની અથવા પકાવીને મજબૂત કરાયેલી માટીની નળીઓમાં દારૂ ભરવામાં આવતો હતો. બાદમાં તેને સળગાવીને તેમાં વિસ્ફોટ કરવામાં આવતો હતો.
આ ઉપરાંત ધડાકો થાય અને પછી ધુમાડો ફેલાય તેવા બૉમ્બ બનાવવાનું પણ મંગોલો શીખી ગયા હતા.
તેની પાસે એવી વિશાળ ગલોલ રહેતી હતી, જેનાથી પથ્થરોનો મારો કરી શકાય. તેના દ્વારા સળગતા ગોળા શહેર પર ફેંકવામાં આવ્યા હતા.
આ ઉપરાંત મંગોલોએ શહેરની ફરતે આવેલા કિલ્લાની દીવાલોના પાયામાં દારૂ ભરીને તેમાં ધડાકા કરીને તેને તોડી નાખવાનું શરૂ કર્યું હતું.
બગદાદના રહેવાસીઓએ ક્યારેય આવી આફતનો સામનો કર્યો નહોતો.
એક અઠવાડિયું ઘેરાબંદી રહી તે પછી ખલીફાએ હલાકુ ખાનને મોટા પ્રમાણમાં ધન આપવાની ઑફર કરી હતી.
સાથે જ પોતાની સલ્તનતમાં શુક્રવારની નમાજ પઢવામાં આવે તેમાં તેનું નામ લેવાની પણ ઑફર અપાઈ હતી.

દવા બનાવવાની પદ્ધતિ પર આધારિત એક પુસ્તક
જોકે, હલાકુને ખ્યાલ આવી ગયો હતો કે પોતે થોડા દિવસોમાં જ જીતી જવાનો છે, તેથી તેણે આવી કોઈ શરતો સ્વીકારી નહોતી.
આખરે 10મી ફેબ્રુઆરીએ ખલીફાએ શહેરના દરવાજા મંગોલ માટે ખોલી નાખ્યા.
મંગોલ પ્રજામાં એવી માન્યતા હતી કે કોઈ બાદશાહનું લોહી જમીન પર વહે તો તેનાથી અપશુકન થાય.
તેથી શરૂઆતમાં હલાકુએ ખલીફાને એવો ભરોસો આપ્યો કે તે બગદાદમાં માત્ર મહેમાન બનીને આવ્યો છે.


ખલીફાના મોત વિશે ઘણી કથાઓ પ્રચલિત છે. જોકે, તેમાં હલાકુના મંત્રી નસીરુદ્દીન તોસીનું બયાન જ સૌથી વધારે માન્ય ગણાય છે, કેમ કે તે ઘટના વખતે હાજર હતો.
નસીરુદ્દીને લખ્યું હતું કે ખલીફાને કેટલાક દિવસ ભૂખ્યા રાખ્યા બાદ તેની સામે એક ઢાંકેલું વાસણ મૂકવામાં આવ્યું હતું.
ભૂખ્યા થયેલા ખલીફાએ ઝડપથી ઢાંકણ ખોલીને જોયું તો વાસણમાં હીરા અને ઝવેરાત ભરેલા હતા. હલાકુએ કહ્યું, 'ખાવ.' મુસતઆસિમ બિલ્લાહે કહ્યું, "હીરા કેવી રીતે ખાવ?"
હલાકુએ જવાબ આપ્યો, "તમે આ હીરાથી તમારા સિપાહીઓ માટે તલવાર અને તીર બનાવી લીધા હોત તો હું નદી પાર કરીને આ બાજુ આવી જ ના શક્યો હોત."
અબ્બાસી ખલીફાએ કહ્યું, "ખુદાની આ જ મરજી છે." હલાકુએ કહ્યું, "અચ્છા તો હવે પછી હું તમારી સાથે જે કરીશ તે પણ ખુદાની મરજી જ છે."
તેમણે ખલીફાને ગુણોમાં લપેટીને તેના પર ઘોડા દોડાવી દીધા, જેથી તેમના શરીરમાંથી નીકળનારું લોહી જમીન પર ના પડે.

નવમી સદીનું બગદાદ

ઇમેજ સ્રોત, YAHYÁ AL-WASITI
બગદાદનું એક પુસ્તકાલય
બગદાદ શહેરની સ્થાપના ઈસવી સન 752માં અબૂ ઝફર બિન અલમન્સૂરે કરી હતી.
થોડા જ વર્ષોમાં આ નગર દુનિયાના ઇતિહાસનું એક મોટું શહેર બની ગયું.
હિન્દુસ્તાનથી માંડીને ઇજિપ્ત સુધીના શિક્ષણશાસ્ત્રીઓ, વિદ્વાનો, કવિઓ, ચિંતકો, વિજ્ઞાનીઓ અને વિચારકો બગદાદ પહોંચવા લાગ્યા હતા.
તે જમાનામાં મુસ્લિમોએ પણ ચીની લોકો પાસેથી કાગળ બનાવવાની કળા શીખી લીધી હતી. થોડા જ વખતમાં બગદાદ અભ્યાસનું મોટું કેન્દ્ર બની ગયું હતું.
નવમી સદીમાં બગદાદનો દરેક રહેવાસી શિક્ષિત હતો.
ઇતિહાસકાર ટરટૉયસ ચેન્ડલરના સંશોધન અનુસાર સન 775થી 932 સુધી વસતિની દૃષ્ટિએ બગદાદ દુનિયાનું સૌથી મોટું શહેર હતું.
દસ લાખની વસતિ ધરાવતું દુનિયાનું સૌ પ્રથમ શહેર બનવાનું માન પણ બગદાદને મળ્યું હતું.
બગદાદમાં ગ્રીક, લેટિન, સંસ્કૃત, સીરિયન અને બીજી અનેક ભાષાના ગ્રંથો લાવીને તેના અનુવાદનું કામ થવા લાગ્યું હતું.
સદીઓ પછી આ જ પુસ્તકો વિશ્વમાં ફેલાયાં ત્યારે તેની ભારે અસર પડી હતી.
અલજેબ્રા, અલગોરિધમ, અલકેમી, આલ્કોહોલ જેવા ડઝનબંધ શબ્દોનું મૂળ બગદાદના આ જ્ઞાનના ફેલાવાના યુગની દેન છે.
બગદાદમાં વસવાટ કરનારા કેટલાક મશહૂરો લોકોની નામાવલી પણ પ્રભાવી છે.

ઇમેજ સ્રોત, LE LIVRE DES MERVEILLES
હલાકુ ખાને ખલીફાને ખાવામાં હીરા-જવેરાત આપ્યા હતા.
આ નામો જોઈએ તોઃ જાબિર બિન હય્યાન (આધુનિક રસાયણ શાસ્ત્રના વિદ્વાન), અલ-ખ્વારિજ્મી (બીજગણિતના વિદ્વાન), અલ-કિંદી અને અલ-રાજી (પ્રસિદ્ધ દર્શનશાસ્ત્રી), અલ-ગઝલી (મશહૂર વિચારક), અબૂ નુવાસ (પ્રસિદ્ધ અરબી કવિ) શેખ સાદી (પ્રસિદ્ધ ફારસી કવિ), ઝિરયાબ (મશહૂર સંગીતકાર), તબરી (મશહૂર ઇતિહાસકાર), ઇમામ અબૂ હનીફા, ઇમામ અહમદ બિન હમ્બલ, ઇમામ અબૂ યૂસુફ (ધર્મગુરુઓ).
આજથી બરાબર 760 વર્ષ પહેલાં બગદાદ પર થયેલા એ હુમલાને કારણે મેસોપોટેમિયાની હજારો વર્ષ જૂની સંસ્કૃતિનો એવી રીતે નાશ થયો કે તે કાયમ માટે ભૂંસાઈ ગઈ.
એટલું જ નહીં, તે પછી આજ સુધીમાં ક્યારેય કોઈ મુસ્લિમ શહેર બગદાદ જેટલી ઊંચાઈએ પહોંચી શક્યું નથી.
કેટલાક વિશેષજ્ઞોએ લખ્યું છે કે આ હુમલાના કારણે જ પશ્ચિમની સંસ્કૃતિને ફૂલવા ફાલવાની તક મળી ગઈ હતી.
મંગોલોએ તે વખતની ઉત્તમ મુસ્લિમ સંસ્કૃતિને તબાહ કરી દીધી, તેના કારણે પશ્ચિમની દુનિયાને છવાઈ જવાની તક મળી ગઈ હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો