કૅમ્બ્રિજ ઍનાલિટિકા સ્કૅન્ડલ માટે ફેસબુકને 5 લાખ પાઉન્ડનો દંડ

ફોટો Image copyright Getty Images

ફેસબુકને કૅમ્બ્રિજ ઍનાલિટિકા ડેટા સ્કૅન્ડલ મામલે બ્રિટિશ ડેટા પ્રૉટેક્શન વૉચડૉગ દ્વારા 5 લાખ પાઉન્ડનો દંડ ફટકારવામાં આવ્યો છે.

બ્રિટનમાં ઇન્ફર્મેશન કમિશનરની ઑફિસ(આઈસીઓ) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ફેસબુકે કાયદાનું ગંભીર રીતે ઉલ્લંઘન થવાં દીધું હતું.

ફેસબુકને કરાયેલો આ દંડ મે મહિનામાં નવા જીડીપીઆર લાગુ કરાયા તે પહેલાંના ડેટા પ્રૉટેકશન કાયદા હેઠળ ફટકારાયેલો મહત્તમ દંડ છે.

ઇન્ફર્મેશન કમિશનર ઑફિસે જણાવ્યુ કે ફેસબુકે યુઝર સમક્ષ સ્પષ્ટતા કર્યા વિના કે તેમની મંજૂરી લીધા વિના જ ઍપ ડેવલપર કંપનીને ડેટાનો ઉપયોગ કરવાની છૂટ આપી હતી.

ગત જૂલાઇ માસમાં જ ઇન્ફર્મેશન કમિશનર ઑફિસ દ્વારા એવું સૂચિત કરી દેવાયુ હતું કે સોશિયલ નેટવર્કને મહત્તમ દંડ કરવામાં આવશે.

આઈસીઓએ આ અંગેના નિવેદનમાં જણાવ્યું, ''વર્ષ 2007થી 2014 વચ્ચે ફેસબુકે અયોગ્ય રીતે ઍપ્લિકેશન ડૅવલપર્સને આ ડેટાનો ઉપયોગ કરવાની છૂટ આપી હતી.''

''ફેસબુકે આ અંગે યુઝર સમક્ષ કોઈ પ્રકારની સ્પષ્ટતા પણ નહતી કરી. એટલું જ નહીં, ફેસબુકે આ મામલે કોઈ પ્રકારની મંજૂરી પણ નહતી લીધી.''

''જે યુઝરે સંબંધિત ઍપ ડાઉનલૉડ નહતી કરી પણ તેમના ફેસબુક ફ્રૅન્ડે ઍપ ડાઉનલૉડ કરી હોવાને કારણે તેમની માહિતી લીક થઈ હતી.''

આઈસીઓએ એવું પણ જણાવ્યું, ''યુઝરની અંગત માહિતીને સુરક્ષિત રાખવામાં પણ ફેસબુક નિષ્ફળ ગયું.''

આ મામલે ફેસબુકે જણાવ્યુ કે આઈસીઓના નિર્ણય પર સમિક્ષા કરાઈ રહી છે.

ફેસબુકના નિવેદનમાં જણાવાયું કે ''આઈસીઓના તારણો સાથે અમે સહમત નથી. અમે પહેલાં પણ કહ્યું હતું કે કૅમ્બ્રિજ ઍનાલિટિકાના દાવા પર વધુ તપાસ કરવાની જરૂર હતી.''


કૅમ્બ્રિજ ઍનાલિટીકા ડેટા સ્કૅન્ડલ છે શું?

Image copyright Getty Images

સંશોધક ડૉ. ઍલેક્ઝાન્ડર કૉગન અને તેમની કંપની જીએસઆરએ ફેસબુકના 87 લાખ યુઝર્સનો ડેટા મેળવવા 'પર્સનાલિટી ક્વિઝ'નો ઉપયોગ કર્યો હતો.

આ રીતે મેળવાયેલા અમુક ડેટા કૅમ્બ્રિજ ઍનાલિટિકા સાથે શૅર કરાયો, જેનો ઉપયોગ અમેરિકામાં રાજકીય જાહેરાત દરમિયાન કરવામાં આવ્યો.

આઈસીઓના જણાવ્યા અનુસાર ડિસેમ્બર 2015માં ફેસબુકને આ અંગે જાણકારી મળી હતી. જોકે, એમ છતાં કોઈ પગલાં લેવામાં આવ્યાં નહોતાં. આઈસીઓને જાણવા મળ્યુ હતું કે બ્રિટનમાં દસ લાખ કરતાં વધુ લોકોના ડેટા 'પર્સનાલિટી ક્વિઝ' થકી મેળવાયો હતો.

રાજકીય રીતે આ ડેટાનો ક્યાં અને શો ઉપયોગ કરાયો એ બાબતે હજુ પણ આઈસીઓ તપાસ કરી રહી છે.

બ્રિટનના ડિજીટલ, કલ્ચર, મીડિયા અને સ્પોર્ટ વિભાગને 6 નવેમ્બરે આ અંગેનો અહેવાલ સોંપવામાં આવશે.


ફેસબુક યુઝર્સના ડેટાનો કઇ રીતે દુરુપયોગ થયો ?

1.2014માં ફેસબુક યુઝર્સને તેમના વ્યક્તિત્વનો પ્રકાર જાણવા એક 'ફેસબુક ક્વિઝ' દ્વારા આમંત્રિત કરાયાં.

2.આ 'ક્વિઝ'માં ભાગ લેનારાં યુઝર ઉપરાંત યુઝરનાં મિત્રોની માહિતી પણ ઍપ થકી મેળવી લેવાઈ.

3.ફેસબુક અનુસાર લગભગ 305,000 લોકોએ આ ઍપ ડાઉનલોડ કરી હતી. જોકે, 87 મિલિયન લોકોની માહિતી મેળવી લેવાઈ હતી.

4.આમાંથી કેટલોક ડેટા કૅમ્બ્રિજ ઍનાલિટિકાને વેંચવામાં આવ્યો હોવાનો દાવો કરાયો છે. આ ડેટાનો ઉપયોગ અમેરિકાના મતદાતાઓની માનસિકતા જાણવા કરાયો હતો.

5.કૅમ્બ્રિજ ઍનાલિટિકા જણાવે છે કે કોઈ પણ કાયદાનું ઉલ્લંઘન કરાયું નથી અને અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ તેનો ઉપયોગ કરાયો નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો