દક્ષિણ આફ્રિકાના વિદ્યાર્થીઓએ માનવીના પેશાબમાંથી ઈંટ બનાવી બતાવી

વિદ્યાર્થીઓએ બનાવેલી ઈંટ Image copyright ROBYN WALKER/UCT

દક્ષિણ આફ્રિકાના કૅપ ટાઉનના કેટલાક વિદ્યાર્થીઓએ પર્યાવરણને ધ્યાનમાં રાખી નવતર પ્રયોગ કર્યો છે. અહીંના વિદ્યાર્થીઓએ માનવમૂત્રનો પ્રયોગ કરીને ઈંટ બનાવી છે.

સામાન્ય તાપમાને પણ ઈંટોની મજબૂતી જળવાઈ રહે એ માટે આ વિદ્યાર્થીઓએ માનવમુત્ર સાથે રેતી અને બૅક્ટેરિયા ભેળવ્યાં.

કૅપટાઉન વિશ્વ વિદ્યાલયમાં આ વિદ્યાર્થીઓએ નિરીક્ષક ડાયનલ રૅંડલે બીબીસીને જણાવ્યું કે ઈંટ બનાવવાની આ પ્રક્રિયા બિલકુલ એવી જ છે જેવી દરિયામાં કૉરલ બનવાની પ્રક્રિયા.

સામાન્ય રીતે ઈંટોના નિર્માણમાં ભઠ્ઠીના ઉચ્ચ તાપમાનને કારણે મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઈડ પેદા થતો હોય છે અને પર્યાવરણને નુકસાન પહોંચાડતો હોય છે.

જોકે, ઈંટ બનાવવાની આ પ્રક્રિયામાં સૌ પહેલાં કૅપ ટાઉન વિશ્વવિદ્યાલય (યૂસીટી)ના એંજિનયરિંગના વિદ્યાર્થીઓએ પુરુષ શૌચાલયમાંથી પેશાબ એકઠો કર્યો હતો.

આ પ્રક્રિયામાં નક્કર ખાતર બનાવ્યા બાદ બચેલા તરલ પદાર્થને જૈવિક પ્રક્રિયા માટે વાપરવામાં આવે છે જેને વિશ્વવિદ્યાલયે 'બાયૉ-બ્રિક્સ' નામ આપ્યું છે.

તમે આ વાંચ્યું કે નહીં?


એક ઈંટ બનાવવામાં કેટલો પેશાબ વપરાય છે?

Image copyright UCT

સરેરાશ એક વ્યક્તિ એક વખતમાં 200થી 300 મિલીલિટર પેશાબ કરતી હોય છે.

એક 'બાયૉ-બ્રિક્સ' બનાવવા માટે 25-30 લિટર પેશાબની જરૂર પડતી હોય છે.

આ પ્રમાણ થોડું વધારે પણ હોઈ શકે, પણ એક કિલો ખાતર બનાવવા માટે પણ લગભગ આટલા જ પેશાબની જરૂર પડતી હોય છે.

તો એમ કહી શકાય કે એક ઈંટ બનાવવા માટે તમારે 100 વખત પેશાબ કરવાનો રહેશે.

(આ તમામ આંકડા બાયૉ બ્રિક્સ અને પેશાબ બનાવનારા એક પ્રોજેક્ટ દ્વારા એક અનુમાન મુજબ લખવામાં આવ્યા છે.)

પેશાબમાંથી ઈંટ બનાવવાની પ્રક્રિયાને 'માઇક્રોબાયલ કાર્બોનેટ પ્રિસિપિટેશન' કહેવામાં આવે છે.

આ પ્રક્રિયામાં સામેલ બૅક્ટેરિયા એક એન્ઝાઇમ પેદા કરે છે, જે પેશાબમાંથી યુરિયાને અલગ કરે છે.

આ પ્રક્રિયામાં કૅલ્શિયમ કાર્બોનેટ બનાવે છે જે રેતીને નક્કર ઈંટોનું રૂપ આપે છે.

બાયૉ બ્રિક્સ( જૈવ-ઈંટો)ના આકારને ક્ષમતા અને જરૂરિયાત મુજબ બદલી પણ શકાય છે.

ડૉક્ટર રૅંડલે બીબીસીના 'ન્યૂઝડે' કાર્યક્રમને જણાવ્યા અનુસાર, ''જ્યારે ગયા વર્ષે અમે આ પ્રક્રિયાની શરૂઆત કરી ત્યારે જે ઈંટ બનાવી તે સામાન્ય ચૂના-પથ્થરથી બનનારી ઈંટ કરતાં લગભગ 40 ટકા વધારે મજબૂત હતી.''

થોડા મહિના બાદ અમે આ ક્ષમતાને બમણી કરી દીધી અને ઓરડામાં ઝીરો તાપમાન કરી એમાં બૅક્ટેરિયાને ઉમેરી દીધા, જેથી સિમેન્ટના કણ લાંબા સમય સુધી રહી શકે.

કૅપટાઉન વિશ્વવિદ્યાલય અનુસાર સામાન્ય ઈંટને 1400 ડિગ્રી સેલ્સિયસની આસપાસ ભટ્ઠીમાં રાખવામાં આવે છે.

પણ ડૉક્ટર રૅંડલ માને છે કે આની પ્રક્રિયા ખૂબ જ દુર્ગંધયુક્ત હોય છે.

તેઓ જણાવે છે, ''તમને એવું લાગે કે જાણે તમારું કોઈ પાળેલું પ્રાણી એક ખૂણામાં પેશાબ કરતું હોય અને તેની વાસ ફેલાતી હોય. આ પ્રક્રિયામાં ઍમોનિયા ગૌણ પેદાશ હોય છે, જેને નાઇટ્રોજન ખાતરમાં ફેરવી દેવામાં આવે છે.''

''પણ 48 કલાક બાદ ઍમોનિયાની ગંધ સંપૂર્ણપણે દૂર થઈ જાયછે અને તેનાથી તંદુરસ્તીને પણ કોઈ નુકસાન પહોંચતું નથી. પ્રક્રિયાના પહેલાં તબક્કામાં જ જોખમી બૅક્ટરિયાનો ખૂબ જ ઉચ્ચ પીએચ મારફતે નાશ કરી દેવામાં આવે છે.''

યુટીસીના જણાવ્યા અનુસાર યુરિયા દ્વારા ઈંટ બનાવવાનું કામ થોડાક વર્ષો પહેલાં જ અમેરિકામાં પણ શરૂ થયું હતું. એ વખતે સિંથેટિક યુરિયાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

પણ ડૉક્ટર રૅંડલ અને એમના વિદ્યાર્થી સુઝેન લૅમ્બર્ટ અને વુખેતા મખરીએ પ્રથમ વખત માનવ માંથી ઈંટ બનાવવાનો પ્રયાસ કર્યો છે.

આનાથી માનવ મળના ફરીથી ઉપયોગની સંભાવના પણ વધી ગઈ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા