World Environment Day : ગુજરાતમાં કાળઝાળ ગરમી છે ત્યારે ધરતીનું તાપમાન ઘટાડવું કેમનું?

તાપમાન

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાત સહિત ઉત્તર ભારતમાં તાપમાનનો પારો સતત અધ્ધર ચડી રહ્યો છે અને કાળઝાળ ગરમી પડી રહી છે.

ગત વર્ષે જળવાયુ પરિવર્તન પર કામ કરેલી સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા આઈપીસીએ ધરતીના વધી રહેલા તાપમાન પર અત્યાર સુધીની કડક ચેતવણી ઉચ્ચારી હતી.

આઈપીસીએ કહ્યું હતું કે જો જળવાયું પરિવર્તનને અટકાવવામાં નહીં આવે તો તેનાં ગંભીર પરિણામો આવી શકે છે.

સંસ્થા તરફથી પ્રકાશિત અહેવાલમાં વિશ્વ સમક્ષ આ મામલે લગામ કસવાની જરૂર વ્યક્ત કરાઈ હતી.

અહેવાલમાં એવી ચેતવણી પણ ઉચ્ચારાઈ હતી કે જો આવું નહીં કરવામાં આવે તો વર્ષ 2030 સુધીમાં વિશ્વના ઘણા ભાગો રહેવા લાયક નહીં રહે.

તમે આ વાંચ્યું કે નહીં?

અહેવાલ જણાવે છે કે જો તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસથી વધશે તો એનાથી વંચિત અને અક્ષમ વસતિ સૌથી વધુ પ્રભાવિત થશે.

તેમને ભોજનની અછત, આવક, મોંઘવારી, આજીવિકાના સાધનો, આરોગ્ય અને જનસંખ્યા વિસ્થાપનની સમસ્યાઓનો સામનો કરવો પડે એવી શક્યતા છે.

ભારતનો સમાવેશ એ દેશોમાં થાય છે ઊભો છે જે સૌથી વધુ પ્રભાવિત થશે. દેશની વસતિ વધારે છે અને અહીંયા આર્થિક અસમાનતાનું પ્રમાણ પણ વધારે છે.

અહેવાલમાં જે અસ્થિરતાની વાત છે, તેને જો અટકાવવામાં નહીં આવે તો ભારત ઉપર તે માત્ર સામાજિક રીતે જ નહીં પરંતુ રાજકીય રીતે પણ વિનાશકારી અસરો કરી શકે છે.

ઇમેજ સ્રોત, Getty Images

જો ગ્લોબલ વૉર્મિંગને લીધે સમુદ્રનું જળસ્તર વધે તો દેશના ઘણા ભાગો બરબાદ થઈ જશે.

કિનારાના વિસ્તારોના રહેવાસીઓ અને આજીવિકા માટે સમુદ્ર ઉપર નિર્ભર વસતિ સૌથી વધુ પ્રભાવિત થશે.

બીજી તરફ, 2015 જેવી ગરમ હવાઓ સામાન્ય થઈ જશે, જેનાથી કોલકતા અને પાકિસ્તાનનું કરાચી શહેર પ્રભાવિત થશે.

વર્ષ 2015માં ગરમ હવાઓને કારણે દક્ષિણ એશિયાઈ દેશોમાં હજારો લોકોનાં મોત થયાં હતાં.

જોકે, અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે હજુ મોડું નથી થયું.

જો તાપમાનને વધતું અટકાવી શકાય તો સંભવિત નુકસાન ઓછું કરી શકાય એમ છે.

જોકે, આ દક્ષિણ એશિયાઈ દેશો માટે સરળ નહીં રહે. ભારત સહિત અન્ય દેશ વિકાસશીલ દેશો છે, જેમની પાસે સંસાધનો ખૂબ ઓછાં છે.

કેટલો ખર્ચ કરવા પડશે?

ઇમેજ સ્રોત, GETTY IMAGES

અહેવાલમાં એવું અનુમાન બાંધવામાં આવ્યું છે કે વર્ષ 2015થી વર્ષ 2050 દરમિયાન ગ્લોબલ વૉર્મિંગને અટકાવવા માટે દેશોએ 900 બિલિયન ડૉલરનો ખર્ચ કરવો પડશે.

જોકે, એવું લાગે છે કે આટલાં નાણાં પણ ઓછા પડશે.

જયારે નવા આંતરરાષ્ટ્રીય કરાર, ઈન્ટેન્ડેડ નેશનલી ડિટરમાઈન્ડ કૉન્ટ્રિબ્યૂશન ઍગ્રીમેન્ટ અંતર્ગત દેશો પાસેથી વર્ષ 2020 પછી ગ્લોબલ વૉર્મિંગને અટકાવવા માટે ખર્ચની વિગતો માગવામાં આવી તો ઘણા દેશોએ અંદાજીત ખર્ચથી ઘણી વધારે રકમનો ઉલ્લેખ કર્યો.

ભારતે કહ્યું કે કરાર મુજબ લક્ષ્યો હાંસલ કરવા માટે એક ટ્રિલ્યન ડૉલર ખર્ચ કરવા પડશે. બીજી તરફ પાકિસ્તાને આ ખર્ચો 40 બિલિયન ડૉલર જણાવ્યો છે.

આ આંકડા જણાવે છે કે હવે આ સમસ્યાએ કેટલું મોટું સ્વરૂપ ધારણ કર્યું છે.

એ બાબત પણ સ્પષ્ટ નથી કે આ ખર્ચ કોણ ઉઠાવશે. આઈપીસીસીના તાજા અહેવાલમાં ભારતે કહ્યું છે કે તેણે ખર્ચાઓનું અપ્રમાણસર રીતે વહન કરવું પડશે.

ભારતના આ દાવાને સંપૂર્ણપણે ખોટો ઠેરવી શકાય એમ પણ નથી.

યોજનાનો અભાવ

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ભારત ઉપર પર્યાવરણ માટે ઘાતક ગૅસોને અટકાવવાનું દબાણ છે.

અહીંયાં પાણીની સમસ્યા પણ વધી રહી છે, જે ભારત માટે એક પડકારરૂપ પરિસ્થિતિ છે.

દેશ દુષ્કાળ, પૂર, ચક્રવાત અને અન્ય પ્રાકૃતિક આપદાઓ સાથે ઝઝૂમી રહ્યો છે.

દેશ પાસે એક આપદા વ્યવસ્થાપનની ટીમ ઉપલબ્ધ છે પરંતુ એને વધુ સક્ષમ કરવાની જરૂર દેખાય છે.

ભારતે અક્ષય ઊર્જાના ક્ષેત્રમાં પણ પોતાનું લક્ષ્ય નક્કી કર્યું છે.

મોટો સવાલ એ છે કે આ લક્ષ્યો હાંસલ કેવી રીતે કરવામાં આવશે અને આ દિશામાં આગળનું પગલું કયું હશે.

દુનિયાભરના દેશ આગલા બે મહિનામાં પોલૅન્ડમાં મળશે અને તેઓ અહેવાલનાં તારણો ઉપર ચર્ચા કરશે.

અહેવાલમાં કેટલાક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ છે, જે વિશેષ રૂપે દક્ષિણ એશિયાઈ દેશોના દૃષ્ટિકોણથી મહત્ત્વપૂર્ણ ચર્ચાની માગ કરે છે.

ઇમેજ સ્રોત, GETTY IMAGES

અહેવાલમાં એક ઉપાય પણ સૂચવવામાં આવ્યો છે કે જે દેશોમાં કાર્બન ઉત્સર્જન વધુ છે, તેઓ તેને ઓછું કરવા માટે તકનીકનો ઉપયોગ કરે.

આ વાત ઉપર એ ચર્ચાની ખાસ જરૂર છે કે જયારે તેની ઘણી અછત છે ત્યારે મોટા પાયે આ રીતની ટૅકનીકનો ઉપયોગ કેટલો થઈ શકશે,

અહેવાલનો બીજો મહત્ત્વનો મુદ્દો એ છે કે જો લક્ષ્યોને હાંસલ કરવામાં નહીં આવે તો વર્ષ 2050 સુધીમાં દુનિયાએ કાર્બન ઉત્સર્જન અટકાવવું પડશે.

ભારતે પણ એ નક્કી નથી કર્યું કે તે કાર્બન ઉત્સર્જન અટકાવવા સાથે સંલગ્ન લક્ષ્યોને કેટલા સમયમાં હાંસલ કરશે.

જયારે ચીને આ લક્ષ્ય વર્ષ 2030 સુધીનું નક્કી કર્યું છે. ભારત હજુ વર્ષ 2050ની રણનીતિ વિકસાવી રહ્યો છે.

દેશ અક્ષય ઊર્જાના ક્ષેત્રમાં વિકાસ કરવાનો વિચાર કરી રહ્યો છે પરંતુ એ સરળ નહીં રહે.

અક્ષય ઊર્જાનો સંગ્રહ કરવા માટે બહુ મોટા પાયે ઉપાયોની જરૂર પડશે, જે અત્યંત ખર્ચાળ હોઈ શકે છે.

દાખલા તરીકે, મોટે પાયે બૅટરીની જરૂર પડશે પરંતુ તેની કિંમતો ઝડપથી નહીં ઘટવાને લીધે આ લક્ષ્યો સરળ નથી દેખાઈ રહ્યાં.

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ભારત સામે બીજો મોટો પડકાર છે પરિવહન તંત્રનો.

દેશમાં જેવી લોકોની આવક વધે છે, તેઓ તરત જ મોટરસાઇકલ અને સ્કૂટર ખરીદી લે છે.

ભારતીયોમાં કાર બાબતે પણ ખૂબ આકર્ષણ છે. નાણાકીય કંપનીઓ ઓછા વ્યાજના કરજ ઉપર કાર ખરીદવાને પ્રોત્સાહન આપી રહી છે.

ઇમેજ સ્રોત, Getty Images

આ સમસ્યાના સમાધાન માટે ભારતે ઇલેક્ટ્રિક વાહનોને વધુ પ્રોત્સાહન આપવું પડશે. સાથે જ તેણે પબ્લિક ટ્રાન્સપૉર્ટનું નેટવર્ક વધુ મજબૂત કરવું પડશે.

રેલ અને અન્ય ઉપાયો સાથે જોડાયેલા માળખાને બહેતર કરવાની જરૂર છે પરંતુ આ બધું જ સરળ દેખાઈ રહ્યું નથી.

કારણકે આ સુવિધાઓને બહેતર બનાવવા માટેની તકનીક અને પૈસાની કેટલી જરૂર પડશે, એ હજુ સ્પષ્ટ નથી.

માત્ર લક્ષ્યો નક્કી કરવામાં આવ્યાં છે પરંતુ એ હાંસલ કેવી રીતે કરવામાં આવશે તેની કોઈ યોજના તૈયાર નથી.

ફક્ત ભારત જ નહીં દક્ષિણ એશિયાના અન્ય દેશ પણ આ બાબતે યોજનાઓના અભાવ સામે ઝઝૂમી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો