શ્રીલંકામાં બંધારણીય સંકટ : વિક્રમાસિંઘે કે રાજપક્ષે, PM કોણ?

શ્રીલંકામાં એક ચોંકાવનારા ઘટનાક્રમ બાદ મહિંદા રાજપક્ષે ફરીથી વડા પ્રધાન બન્યા છે. દેશના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાના કાર્યાલયે સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે કે તેમણે વડા પ્રધાન પદે નિયુક્ત કરવામાં આવ્યા છે.
બીબીસી સિંહાલીના સંવાદદાતા આઝમ અમીનના કહેવા પ્રમાણે, રાનિલ વિક્રમાસિંઘે કહ્યું છે કે તેમની પાસે સંસદમાં બહુમતી છે અને તેઓ જ વડા પ્રધાનપદે રહેશે.
કૅબિનેટના પ્રવક્તા મંત્રી રજીતા સેનારત્નેએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વિક્રમાસિંઘે જ વડા પ્રધાનના પદ પર રહેશે.
વિક્રમાસિંઘે એ તેમના ટ્વિટર પ્રોફાઇલ પર ખુદની ઓળખ શ્રીલંકાના વડા પ્રધાન તરીકે આપવાનું ચાલુ રાખ્યું છે.
બીજી બાજુ, રાજપક્ષએ તેમના ફેસબૂક પ્રોફાઈલમાં ખુદની ઓળખ શ્રીલંકાના વડા પ્રધાન તરીકે આપી છે.
રાષ્ટ્રપતિએ મૈત્રીપાલા સિરિસેનાએ વડા પ્રધાનને પત્ર લખીને તેમને પદ પરથી હટાવવાની જાહેરાત કરી છે.
આ એ જ રાજપક્ષે છે જેમને વર્તમાન રાષ્ટ્રપતિ એ ગઈ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સીધી ટક્કરથી હરાવ્યા હતા.
પોતાના વિરોધીને પોતાની જ સરકારમાં મહત્ત્વપૂર્ણ પદ આપીને મૈત્રીપાલા સિરીસેનાએ સૌને ચોંકાવી દીધા છે.
આ નિયુક્તિ રાષ્ટ્રપતિના એ નિર્ણય બાદ તરત જ કરાઈ જેમાં તેમણે ગઠબંધનની સરકાર છોડવાનું એલાન કર્યું હતું. આ સરકાર વર્તમાન વડા પ્રધાન રાનિલ વિક્રમાસિંઘેની યૂએનપી પાર્ટી સાથે મળીને ચલાવાઈ રહી હતી.
તમે આ વાંચ્યું કે નહીં?
- ચીનના ચક્રવ્યૂહમાં ભારત ફસાઈ રહ્યું છે?
- ચીન સાથે ભુતાનની વધતી દોસ્તીથી ભારત ચિંતાતુર
- માલદીવ માટે ભારત અને ચીન વચ્ચે હરિફાઈ કેમ છે?
એ પહેલાં યૂએનપીએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ પાસે વડા પ્રધાનને હટાવવાનું કોઈ કારણ નથી.
રાષ્ટ્રપતિ સિરીસેનાની પાર્ટીના એક મંત્રીએ બીબીસી સાથેની વાતચીતમાં આ સમાચારને સાચા ઠેરવ્યા છે.
શ્રીલંકાની સ્થાનિક ટીવી ચૅનલ મોબાઇલથી રેકર્ડ કરાયેલી ફૂટેજ દેખાડે છે જેમાં રાજપક્ષે વડા પ્રધાન પદના શપથ લેતા નજરે પડે છે.
હત્યાનું ષડયંત્ર
છેલ્લા થોડાં સપ્તાહમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન વચ્ચે સરકાર ચલાવવા અંગે રસાકસી ચાલી રહી હતી.
તાજેતરમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાએ એ મીડિયા રિપોર્ટ્સને ખારીજ કર્યા હતા, જેમાં એવો દાવો કરાઈ રહ્યો હતો કે તેમણે ભારતીય ખુફિયા એજન્સી રૉ પર તેમની હત્યાનું ષડયમંત્ર કરવાનો આરોપ લગાવ્યો હતો.
તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત પણ કરી હતી.
શ્રીલંકાના રાષ્ટ્રપતિએ વડા પ્રધાન મોદીને શ્રીલંકા ના સાચા મિત્ર ગણાવ્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો